ઇન્ટરનેટ અને મોબાઇલ પર ઘણાં એવાં પ્લેટફોર્મ્સ છે જે જાતજાતના શોઝ અને ફિલ્મો સહિતનું એન્ટરટેઇનમેન્ટ પીરસે છે. એમની દુનિયામાં એક ડોકિયું કરીએ.

દેશમાં આશરે ૪૦ ઓટીટી પ્લેટફોર્મ્સ તો છે જ. ક્યાંક તો એવું પણ કહે છે કે આ સંખ્યા ૮૦ સુઘી પહોંચી ગઈ છે. આવું જાણીને મનમાં થાય કે તો પછી લોકો શાને ટોપ ફાઇવ કે ટેન ઓટીટી પ્લેટફોર્મ્સને જ વળગેલા છે? અને આ બાકીનાં ઓટીટી કરે છે શું? એ બતાવે છે શું? એમ પણ થાય કે દર્શકોને ખરેખર ખબર પણ છે કે બીજાં અનેક ઓટીટી એમના માટે ઉપલબ્ધ છે? ઘણાં તો મફતમાં પણ છે? ઘણાં અનોખાં અને અનપેક્ષિત પ્રકારનાં છે અને ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ્સ જોવાની તક પૂરી પાડે છે.

આજે વાત એવા થોડાં ઓટીટી પ્લેટફોર્મ્સની કરીએ. એમના વિશે સામાન્યપણે ખાસ કશું સંભળાતું નથી. ચર્ચામાંથી બાકાત રાખીશું દક્ષિણ ભારત, બંગાળ અને અન્ય ભાષાઓનાં એ પ્લેટફોર્મ્સ જેમાં આપણને ખાસ ટપ પડે નહીં. લેટ્સ સ્ટાર્ટ.

સૌથી પહેલાં એક નવાનક્કોર પ્લેટફોર્મની વાત, એના પ્રમોટર મૂળ મુંબઈના અને ન્યુ યોર્કના હિક્સવિલમાં રહેતા મુકેશ મોદી છે. તેઓ વેપારી અને ફિલ્મમેકર પણ છે. ગયા વરસે આવેલી ‘ધ એલિવેટર’ નામની ફિલ્મના તેઓ સહદિગ્દર્શક હતા. તેમનું ઓટીટી પ્લેટફોર્મ ઇન્ડી ફિલ્મ્સ વર્લ્ડ ભારતમાં પદાર્પણ કરી ચૂક્યું છે. એક વરસના રૂપિયા ૨૯૯ એનું લવાજમ છે. ‘મિશન કાશી’ નામની વેબ સિરીઝ સાથે એ ઉત્તેજના જગાડી સબસ્ક્રાઇબર્સ એકઠા કરવાની અપેક્ષા સેવે છે. વેબસાઇટ ઉપરાંત એની એપ પણ છે. એની વિઝિટ કરતાં ખ્યાલ આવ્યો કે એપ પરની ઘણી ફિલ્મો કે વેબ સિરીઝનાં નામ સુધ્ધાં બહુ ઓછા દર્શકો જાણતા હશે. આ એપમાં અમુક ફિલ્મો અને વેબ સિરીઝ મફતમાં માણી શકાય છે. સાવ જુદું કશુંક જોવા આ ઓટીટીનો અખતરો કરવા જેવો છે. બાકી એનાં નીવડયે વખાણ થશે.

લાયન્સગેટ પ્લેનું નામ ઘણાંએ સાંભળ્યું હશે. એને જોનારા ઓછા હોઈ શકે છે. એ અમેરિકાના કેલિફોનયામાં સ્થિત કંપની છે. આ કંપની ફિલ્મો અને શોઝનું નિર્માણ પણ કરે છે. હિન્દી અને અંગ્રજી સહિતની ભાષાઓની ફિલ્મો અને વેબ સિરીઝ લાયન્સગેટમાં છે. વિશ્વભરના અનેક સારા પ્રોગ્રામ્સ એના કલેક્શનમાં છે. એનું લવાજમ એમેઝોન મારફત અથવા સીધા લાયન્સગેટ થકી મળી શકે છે. રિલાયન્સ જિયોના અમુક પ્લાન્સ સાથે એ વિનામૂલ્યે મળે છે.

મુબી નામનું પણ એક પ્લેટફોર્મ ઓછું જાણીતું પણ સરસ છે. દેશ-વિદેશની સારી અને ક્લાસિક ફિલ્મો એના પર જોઈ શકાય છે. ૧૯૦ દેશમાં ઉપલબ્ધ આ પ્લેટફોર્મ પર ‘નોટબુક’ નામનું પ્રકાશન પણ છે. એમાં મનોરંજન જગતના સમાચાર અને સમીક્ષા માણી શકાય છે. ચુનંદી ફિલ્મો થિયેટરમાં માણવા એ ટિકિટો પણ આપે છે. આ ઓટીટી પ્રમાણમાં મોંઘું છે. એનું સબસ્ક્રિપ્શન વાષક રૂપિયા બે અથવા અઢી હજારના કોઈ એક વિકલ્પ પ્રમાણે લઈ શકાય છે.

ટયુબીટીવી નામના ઓટીટી પ્લેટફોર્મ ખાસ્સું અજાણ્યું નામ હોઈ શકે છે. એ પણ વિનામૂલ્યે માણી શકાય છે. સબસ્ક્રાઇબ કરવાની ઝંઝટ વિના. વોર્નર બ્રધર્સ, પેરેમાઉન્ટ, એમજીએમ, લાયન્સગેટ જેવા હોલિવુડની ટોચની કંપનીઓની ફિલ્મો અને શો ટયુબીટીવી પર અવેલેબલ છે. એનું ઓવરઓલ કલેક્શન સરસ છે. જૂની અને નવી હિન્દી ફિલ્મો એમાં સામેલ છે પણ પ્રમાણમાં ઓછી છે. એમાં ક્લાસિક, પારિવારિક સહિતની શ્રેણીઓમાં ફિલ્મો તારવવામાં આવી છે. ટ્રાય કરજો.

કેનોપી (સ્પેલિંગ અંગ્રજી અક્ષર કેથી શરૂ) રસપ્રદ પ્લેટફોર્મ છે. એની પાસે પણ ફિલ્મો સહિતના કાર્યક્રમોનું સારું કલેક્શન છે. એને માણવા માટે કાં તો કોઈક લાઇબ્રેરીની મેમ્બરશિપ અથવા કોઈક કોલેજ કે યુનિવસટી સાથે સંલગ્ન હોવું અનિવાર્ય છે. દાખલા તરીકે, બ્રિટિશ કાઉન્સિલની લાઇબ્રેરીના સભ્યો કેનોપી માણી શકે છે. એની વેબસાઇટ પર સીધા જોડાવાનો કોઈ વિકલ્પ નથી. આપણે ત્યાંની લાઇબ્રેરી અને યુનિવસટી વગેરે શોધતા પણ ખાસ અર્થ નહીં સર્યો. અમદાવાદ, મુંબઈ, દિલ્હી વગેરે શહેરોની કોઈક લાઇબ્રેરી એમાં મેમ્બર હશે એમ વિચારી સર્ચ કર્યું પણ રિઝલ્ટ ઝીરો. જોકે બ્રિટિશ કાઉન્સિલની વેબસાઇટ પર વિગતો છે ખરી. એ મુજબ વરસના રૂપિયા ૧,૮૦૦ આપીને જે ડિજિટલ મેમ્બરશિપ મળે છે એની સાથે કેનોપીનું સબસ્ક્રિપ્શન મળે છે.

યપ્પટીવી (YUPPTV) નામની એક વેબસાઇટ અને એપ છે. એમાં અનેક સેટેલાઇટ સહિત દૂરદર્શનની ચેનલ્સ છે. ટીવી માણવા માટે કોઈ ડિશ ના હોય તો નો પ્રોબ્લેમ. આ એપથી વિનામૂલ્યે મોજ કરો. પૈસા ખર્ચીને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પણ લઈ શકાય છે. એનું એક સારું સેક્શન એ કે ચોક્કસ ન્યુઝ માટે જોવા માગો તો ન્યુઝ ક્લિપ્સનું કલેક્શન છે. કંપનીના દાવા મુજબ એની પાસે અઢીસોથી વધુ ટીવી ચેનલ્સ, ૫,૦૦૦થી વધુ ફિલ્મો અને ૧૦૦થી વધુ ટીવી શોઝનો ખજાનો છે. આ બધું ૧૪ ભાષામાં મળે છે. જાહેરાત વગર જેઓ યપ્પટીવી જોવા માગે એમના માટે માસિક રૂપિયા ૪૯ પ્રમાણે પ્લાન ઉપલબ્ધ છે. વેબસાઇટ પર છ માસિક અને વાષક પ્લાન્સ દેખાય છે પણ લઈ શકાતાં નથી. ગુજરાતી ભાષાના વિભાગમાં એવું કાંઈ ના મળ્યું જેના માટે હરખાઈ શકાય. વળી જે ત્રણ વિકલ્પો હતા એમાં પણ ગુજરાતી કશું નહોતું!

એના જેવો જ એક વિકલ્પ ઝેન્ગા ટીવી છે. એમાં પણ અનેક ચેનલ્સ મફતમાં જોઈ શકાય છે. એની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે ઝેન્ગા ટીવી ટુ-જી અને થ્રી-જી ટેક્નોલોજીની કનેક્ટિવિટીમાં પણ સરસ ચાલે છે. કંપની સિંગાપોરથી કામકાજ કરે છે. એના વિવિધ સેક્શન્સમાં ચેનલ્સ ઉપરાંત, હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ફિલ્મો, સંગીત સહિતની ચીજો છે. ઝેન્ગા ટીવીની વેબસાઇટ અને એપ બન્ને છે.

સિનેમાઝ ઓફ ઇન્ડિયા નામની એક રસપ્રદ વેબસાઇટ ધ્યાનમાં રાખવા જેવી છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન એફ ઇન્ડિયા એટલે એનએફડીસીની આ વેબસાઇટ પર દેશની વિવિધ ભાષાઓમાં દમદાર ફિલ્મો, ડોક્યુમેન્ટરી સહિત દુર્લભ કાર્યક્રમો પણ માણી શકાય છે. સિલેક્ટેડ કાર્યક્રમો મફતમાં માણી શકાય છે. પેઇડ ઓપ્શન્સની વાત કરીએ તો સમગ્ર વેબસાઇટ પરનું કશું પણ માણવું હોય તો મહિને રૂપિયા ૧૪૯ લવાજમ છે. ત્રીજો વિકલ્પ ચુનંદી ચીજ જોવા માટે વન ટાઇમ વાચની કિંમત ચૂકવી (પે પર વ્યુ) શકાય. એનએફડીસીએ એકએકથી ચડિયાતી ફિલ્મો ઉપરાંત ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું છે. ઘણું તો એવું છે જે કદાચ આ વેબસાઇટ સિવાય બીજે શોધવા બેસો તો નાકે દમ આવી જાય. એટલે જ ક્લાસિક અને મીનિંગફુલ ફિલ્મો તથા ડોક્યુમેન્ટરીના શોખીનો આ વેબસાઇટ નોંધી રાખે.

કોઈ ફિલ્મસર્જક એક્સક્લુઝિવલી પોતાના નામે અને પોતાનાં સર્જનો માટે ઇન્ટરનેટ પર આગવી દુનિયા ધરાવે એ જરા અલગ વાત ગણાય. વિક્રમ ભટ્ટ એવા એક સર્જક છે. યુટયુબ સહિતના ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર તેઓ વીબી ઓન ધ વેબ સ્ટુડિયોઝ નામે ચેનલ ધરાવે છે. એમાં એમના પોતાના શોઝ છે. જોકે એમાં જે કાંઈ અપલોડ થયું છે એમાંનું મોટાભાગનું પાંચેક વરસ પહેલાં થયું છે. લેટેસ્ટમાં એમની જુલાઈમાં આવેલી કોઈક ફિલ્મ નામે ‘જુદા હો કે ભી’નું પ્રમોશનલ મટેરિયલ છે. છતાં, જે પાંચ-સાત વેબ સિરીઝ એમાં છે એને માણવા આ ચેનલ ચેક કરી શકાય.

 ઓલ્ટરનેટિવ ઓટીટી વિશે આ પણ જાણી લો

  • યુ નામનું ઓટીટી પ્લેટફોર્મ ૨૦૧૬માં ભારતમાં આવ્યું હતું. એશિયાના ૧૬ દેશોમાં એ કાર્યરત છે. આપણે ત્યાં એની દાળ ખાસ ગળી નહોતી એટલે ૨૦૧૯માં કંપનીએ ભારતમાંથી વાવટા સંકેલી લીધા. એ વખતે કંપનીએ જાહેર કરેલી વિગતો મુજબ વ્યુ એના તમામ શોઝના નિર્માણ માટે વાષક ૧૨૦ કરોડ રૂપિયા આસપાસ ખર્ચતું હતું. એની સામે નેટફ્લિક્સ અને એમેઝોન આટલી રકમ એક શોના નિર્માણમાં ખર્ચી નાખે છે.
  • લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ્સ પર કે યુટયુબમાં નહીં જોવા મળતી ફિલ્મો સહિત ડોક્યુમેન્ટરી અને અન્ય ચીજો ઓછાં જાણીતાં ઓટીટી પર જડી શકે છે.
  • જૂના જમાનામાં ફિલ્મોની પ્રિન્ટ્સ હતી. એમાંની ઘણી ટળી ગઈ હશે. ઘણી એવી ફિલ્મો છે જેમના નિર્માતાઓ ફિલ્મને ડિજિટલ નથી કરાવી શક્યા. અથવા એમની ફિલ્મના અધિકાર મોટી કંપનીઓના હાથમાં નથી ગયા. આવી ઘણી ફિલ્મો નાનાં અને ઓછાં જાણીતાં પ્લેટફોર્મ્સ પર હોઈ શકે છે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 02 ડિસેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/02-12-2022/6

Share: