શ્રદ્ધા વાલકરની હત્યાએ સૌને વિચારતી કરી મૂક્યા છે કે ઓટીટી પર અસામાજિક બાબતોના ઘોડાપૂરથી દેશની યુવા પેઢીનું ધનોતપનોત તો નથી નીકળી રહ્યું? પહેલાં પણ આવા ગુના થતા હતા એનો બેનિફિટ ઓફ ડાઉટ આપીએ તો પણ એ નકારી શકાય નહીં કે ઓટીટી યુવાપેઢી પર અનેક જડબેસલાક અસર પાડે છે.
શ્રદ્ધા વાલકરની અમાનુષી હત્યા એના જ પ્રેમી આફતાબે કરી. આફતાબને ૨૦૦૬ની અમેરિકન ક્રાઇમ સિરીઝ ‘ડેક્સ્ટર’ જોઈને એની પ્રેરણા મળી, જેમાં ફોરેન્સિક ટેક્નિશિયન ડેક્સ્ટર મોર્ગનની વાત છે. માયામી મેટ્રો પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો મોર્ગન લોહીના ડાઘનું પૃથ્થકરણ કરવામાં માહેર છે. એના જીવનના સિક્કાની બીજી બાજુ ભયાવહ છે. ડેક્સ્ટર સિરિયલ કિલર પણ છે. જે હત્યારાઓ કાયદાની ચુંગાલમાંથી છટકી જાય એમનું એ ખૂન કરી નાખે છે.
થોડા દિવસો પહેલાં નેટફ્લિક્સ પર ‘ડેમર-મોન્સ્ટર: ધ જેફરી ડેમર સ્ટોરી’ નામનો શો સ્ટ્રીમ કર્યો. શું છે આ શોમાં? તે જેફરી ડેમર નામના એક અસલી અમેરિકન સિરિયલ કિલરની હબકી જવાય એવી બાયોપિક છે. આ શેતાન, કે જે હોમોસેક્સ્યુઅલ હતો, એણે ૧૭ જેટલા પુરુષો-છોકરાઓને મારી નાખ્યા હતા, એમના શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા હતા. એ માત્ર હત્યારો નહોતો, માનવભક્ષી પણ હતો. પોતે જેમને મારી નાખ્યા હતા એમનું માંસ પણ એ ખાતો હતો. દુનિયાભરમાં નેટફ્લિક્સનો આ શો લાંબા સમય સુધી સુધી ટોપ-ટેનમાં રહ્યો. ભારતમાં પણ.
૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાની ઘણી હિન્દી ફિલ્મોમાં ડેક્સ્ટર જેવાં પાત્રો આવતાં. એ પાત્રો અન્યાય સામે લડવા કાયદો હાથમાં લેતાં. તો પણ ફિલ્મોએ ગુનાખોરીને એવી નહોતી પોષી જેવી કદાચ ઓટીટી પ્લેટફોર્મ્સ પોષી રહ્યાં છે. ફિલ્મો દેશના અંતરિયાળ વિસ્તારોમાં ક્યારેય પગદંડો જમાવી શકી નથી. ટેલિવિઝને પણ ગુનાખોરીને બિનજરૂરી ઉત્તેજન આપ્યું નથી. ટીવી પણ દેશના ખૂણેખૂણે નથી પહોંચી શક્યું. ટીવીમાં સંસ્કૃતિ, રીતરિવાજ, પ્રથા, પારિવારિક મૂલ્યોનો અલગ અતિરેક ચાલે છે. ટીવી જોનારો બહુમતી વર્ગ મહિલાઓનો અને વડીલોનો છે. યુવાનો ટીવીથી ઓછા કનેક્ટેડ છે.
ઓટીટી આખા દેશમાં દરેકના હાથમાં છે. અંતરિયાળ વિસ્તારના ભારતીય પણ ઓટીટી જુએ છે. ઓટીટી પ્લેટફોર્મ્સને ફિલ્મ જેવી કડક કે ટીવી જેવી સ્વયંભૂ સેન્સરશિપ નથી નડતી. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે એનો ગેરલાભ લઈ ઓટીટીએ માઝા મૂકી છે. ગુનાખોરી, સેક્સ, વ્યસન, ગાળો, ગંદા અને તંગ સંબંધો, દેશની હાંસી… ઓટીટીના મેગા માલમાં બધું મળે અને એ પણ થોકબંધ.
ભારતીય અઠવાડિયે સરેરાશ સાડાઆઠ કલાક ઓટીટી જુએ છે. ઓટીટી ઘણાના મગજની કમાન છટકાવી રહ્યું છે, ખાસ તો ટીનએજર્સ અને યુવાનોની. યુવાની સંતુલિત હોય તો શ્રેષ્ઠ અને છકે તો ડેન્જરસ. યુવાનોનો એક વર્ગ ઓટીટી જોઈ છકી રહ્યો છે. દારૂ, સિગારેટ, ર્ડ્ગ્સ, સેક્સ, અશ્લીલતા, ગાળાગાળી, વડીલોનું અપમાન, મનસ્વી વર્તન… યુવાનોના એક વર્ગને કશાનો છોછ નથી રહ્યો. ઓટીટીથી અનિદ્રા, ખિન્નતા, મેદસ્વીપણું, આંખની બીમારી વળગે એની પણ એમને પરવા નથી.
ઇન્ટરનેટને લીધે ઓટીટી સુલભ છે. ટીવી કે ફિલ્મથી વિપરિત એમાં દરેકને મનગમતું જોવાની પ્રાઇવસી છે. ઓટીટીના મેક્ઝિમમ કાર્યક્રમો ૧૮થી ૩૦ વરસના વયજૂથને માટે બને છે. એ પણ એવી રીતે છે કે એમને એનું વળગણ થઈ જાય. બિન્જ વાચિંગ મતલબ બધું પડતું મૂકીને આખી વેબ સિરીઝ એકઝાટકે જોઈ લેવી એ વળગણ જ છે.
ઓટીટીને લીધે યુવાનોમાં ગુનાખોરીની વૃત્તિ વધી છે? બહુમતી મનોવૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ સહિત અનેક એકટર્સ અને સર્જકો પણ એવું માને છે. એક વર્ગ નથી પણ માનતો. નહીં માનતા વર્ગનો મત છે, ‘શ્રદ્ધા વાલકરનો કિસ્સો સામે આવ્યો એ અનાયાસ છે. આવા ગુના ઓટીટી આવવાની પહેલાં પણ થતા હતા. વળી, ઘણા (ઓટીટીને કારણે નહીં થતા) ગુના સામે આવતા નથી, કેમ કે સ્માર્ટ ગુનેગારો પોલીસને હાથતાળી આપવામાં ઉસ્તાદ હોય છે.’
‘દિલ્હી ક્રાઇમ’ સીઝન ટુમાં ચમકેલા જાણીતા અભિનેતા આદિલ હુસૈન આ સિચ્યુએશનને ભયાનક લેખાવતાં એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ઘણા શો જાણે માણસની ડાર્ક સાઇડ દેખાડવાના નામે એનો ઉત્સવ મનાવે છે. આને રોકવાનો ઇલાજ એક જ છે કે સર્જકો પોતે પોતાને પૂછે તે હું શા માટે, શું, કોના માટે બનાવી રહ્યો છું? આ બનાવીને મારે જાગૃતિ આણવી છે કે નકરું સેન્સેશન સર્જવું છે?’
સેક્સની વાત કરીએ. એની તો ભરમાર છે. હાલમાં જ સર્વોચ્ચ અદાલતે ટીવી ક્વીન એકતાનો એના શો ‘ટ્રિપલ એક્સ’ માટે ઉધડો લીધો હતો. સર્વોેચ્ચ અદાલતે સખત શબ્દોમાં એકતાની ઝાટકણી કાઢતાં કહ્યું હતું, ‘તમે દેશના યુવામાનસને પ્રદૂષિત કરી રહ્યાં છો. તમારો શો ઓટીટીના માધ્યમથી સર્વત્ર ઉપલબ્ધ છે. તમે પ્રજાને કેવી પસંદગી આપી રહ્યાં છો?’
વિદેશી શોઝની રેલમછેલ અને વિદ્રોહી ભારતીય સર્જકો પોતાનો કક્કો ખરો કરવા મનફાવે એવા શો બનાવે ત્યારે વિવેકબુદ્ધિ ખતમ થઈ ગઈ એમ ગણવાનું. ઇલાજ કદાચ સેન્સરશિપ છે. ભલે એ સર્જકોને ગમતી નથી, પણ થાય શું? ભારતીયો પશ્ચિમી પ્રજા જેવા સુશિક્ષિત નથી. એવા સમૃદ્ધ નથી. તાણ અને તકલીફો આપણા સમાજની અંતરંગ અને અનિવાર્ય સમસ્યાઓ છે. પહેલેથી તંગ જીવન જીવતા ભારતીયોને અવળે રસ્તે વાળવામાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઉદ્દીપકનું કામ કરી રહ્યાં છે.
સુધરેલા, ધનાઢય, સુશિક્ષિત અમેરિકામાં છાશવારે માસ શૂટિંગના કિસ્સા નોંધાઈ રહ્યા છે. ઘણા કિસ્સામાં ગુનો આચરીને અનેકને મોતને ઘાટ ઉતારનારનો હેતુ કંઈક એક્સાઇટિંગ કરવાનો હોય છે. આ વરવી સ્થિતિ માટે કંઈક અંશે સર્જનાત્મક સ્વાતંત્ર્યના નામે ફિલ્મ, ટીવી, ઓટીટી, નોવેલ્સ વગેરેમાં કચકચાવીને દર્શાવાતાં અસામાજિક પાસાં જવાબદાર હશે જ. ભગવાન કરે ભારત ક્યારેય એ મુકામે ના પહોંચે.
ક્રાઇમ શોઝ ગુના ખાળવા માટે બને છે… ખરેખર?
• પેઢીઓથી આપણે ત્યાં પશ્ચિમી કલ્ચરની નકલ કરવાની ઘેલછા છે. ઇન્ટરનેટના યુગમાં એની પરાકાા સર્જાઈ રહી છે. દેશમાં હવે વિશાળ સમૃદ્ધ મધ્યમવર્ગ છે. ધન અને સાધને યુવાનોને જાણે સ્વછંદતાનો ઈજારો આપી દીધો છે.
• ઓટીટીના લગભગ તમામ શોઝ બિન્જ વાચિંગને ધ્યાનમાં રાખીને બને છે. બિન્જ વાચિંગ વાસ્તવમાં એક વ્યસન જ છે.
• ઓટીટીના શોઝ ગાળો, નફરત, કામુકતા ઉપરાંત બળવાખોર વૃત્તિ, દેશનું અપમાન, કાયદાની અવગણના, ધર્મ અને રીતરિવાજોની ઉપેક્ષા જેવી કંઈક બદીઓને પોષે છે. આવી બદીઓ ચંચળ યૌવનમનને આકર્ષીને બળવાખોર બનવા ઉત્તેજન આપે છે.
• એક અંદાજ મુજબ ઓટીટી પર જોવાતા ૨૦ ટકા શોઝ હિન્દી અને બાકીના વિદેશી છે. વિદેશી શોમાં ક્યાંય વધારે બદીઓ છલકતી હોય છે. આ મુદ્દો આગળ કરીને ઘણા લૂલી દલીલ કરે છે કે એટલે જ ઓટીટીનાં સર્જનો પર સેન્સરશિપની તવાઈ મૂકવાનો અર્થ નથી.
• પહેલાં ટીવી પર ક્રાઇમના શોઝે દેશ માથે લીધો. હવે ઓટીટી પર એની ભરમાર છે. આવા શોઝ ગુના ખાળવા બનતા હોય એનાથી હાસ્યાસ્પદ દાવો બીજો કોઈ ના હોઈ શકે.
• એક સર્વેક્ષણમાં ૩૨.૬૦ ટકા દર્શકોએ કબૂલ્યું હતું કે ઓટીટીના શોઝ એમના પર ખરાબ મનોવૈજ્ઞાનિક અસર પાડે છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 25 નવેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Share: