Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Editor's choice, Entertainment

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

July 27, 2026 by Sanjay Shah No Comments

આપણી આસપાસ દક્ષિણ કોરિયામાં પણ સેટેલાઇટ ટીવી, પછી ઇન્ટરનેટ વગેરે ક્રાંતિ થઈ. ઓટીટીએ પણ એ રીતે પા પા પગલી ભરી પણ આજે કોરિયન ડ્રામા સામે આપણી સિરીઝ કોઈ વિસાતમાં હોય એવું લાગતું નથી. ભારતે એ મામલે ઘણું શીખવાનું અને આત્મસાત્ કરવાનું છે. બે ભાગમાં ચર્ચા કરીએ

સંજય વિ. શાહ 

ભાગ એક

ટીટીએ લાઇમલાઇટમાં લાવીને મૂકી દીધા છે. આવક રળતા પણ કરી દીધા છે. છતાં, ગુણવત્તાની, વૈવિધ્યની વાત આવે ત્યાં ઓટીટી શોઝે અને સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મોએ પણ ઘણું સુધરવાનું બાકી છે. કારણ? ઓટીટીએ પણ બોલિવુડની ઘણી બેઢંગી રીતોને અપનાવી છે. જોકે થાય પણ શું? બેઉ જગ્યાએ કામ કરતાં માથાં મોટાંભાગે એક ખરાંને.
આપણી ઓટીટી ઇન્ડસ્ટ્રીએ થોડું કોરિયન ઇન્ડસ્ટ્રી પાસેથી શીખવાની જરૂર છે. વચમાં એક વિડિયો વાઇરલ થયો. એમાં એક કોરિયન શોના શૂટિંગની ઝલક હતી. શૂટિંગમાં સ્ટાર્સ હતા, ટોચના ટેક્નિશિયન્સ હતા પણ દેખાડો નહોતો. આઉટડોર શૂટિંગ છતાં કલાકારો માટે વેનિટી વેન્સ (શૂટિંગ વચ્ચેના ફાજલ સમયમાં કલાકારો જેમાં ટેસથી આરામ ફરમાવે એ માટેની પોશ, મોંઘીદાટ વૅન) નહોતી કે નહોતી કોઈને સ્પેશિયલ ટ્રીટમેન્ટ.
સાથે, કોરિયન ડ્રામાઝ સ્ક્રિપ્ટથી માંડીને પ્રોડક્શન વેલ્યુઝ અને પોસ્ટ પ્રોડક્શન, એટલે શૂટિંગમાં ભેગાં થયેલાં દ્રશ્યોના કાચા માલને એડિટિંગ, કલર કરેક્શન, સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરેથી ફાંકડું બનાવવાની બાબતે બહુ ચોકસાઈ ધરાવે છે. એવું શું કરે છે આ કોરિયન્સ જે આપણા સર્જકો નથી કરી શકતા?
ફોર્મ્યુલા. કોરિયન ફોર્મ્યુલા ચુસ્ત બજેટની આસપાસ ફરે છે. એક એક રૂપરડી (સાઉથ કોરિયન વોન) વાપરતી વખતે ઓટીટી માંધાતાઓ, નિર્માતાઓ બહુ કાળજી રાખે છે. દાખલો જોઈએ છે? ‘સ્ક્વિડ ગેમ’ લઈ લો. રૂપિયાના સંદર્ભમાં એ શો બન્યો રૂ. ૧૭૫ કરોડમાં. એણે નેટફ્લિક્સને વળતર આપ્યું… કેટલું? આશરે રૂ. ૭,૫૦૦ કરોડ! દુનિયાના ૧૪.૨ કરોડ દર્શકોનાં દિલ પણ એ શો જીત્યો. એની તુલા સંજય લીલા ભણસાલીના ફર્સ્ટ ઓટીટી શો ‘હીરામંડી’ સાથે કરીએ તો એની પાછળ વપરાયા રૂ. ૨૦૦ કરોડ. કોઈ તોલ છે બેઉનો?
સવાલ એ કે કોરિયન નિર્માતાઓ ઓછા ખર્ચમાં આપણા શોઝ કરતાં ક્યાંય વધારે પ્રભાવશાળી, ખર્ચાળ અને દમદાર લાગતા શોઝ બનાવે છે કઈ રીતે?

પહેલો જવાબ છે ભપકો નહીં, નિર્માણને ઉત્કૃષ્ટ કરતા નિયમોનું ત્યાં સખતાઈથી પાલન થાય છે. બીજો જવાબ છે ત્યાં શું અને કેવું બનશે એ સ્ટાર (દિગ્દર્શકો અને કલાકારો) નહીં પણ વિષય માટે શું અનિવાર્ય છે એના આધારે નક્કી થાય છે. તમામ ગણતરીઓના શ્રીગણેશ થાય છે સ્ક્રિપ્ટથી.
આગળ વાત કરતાં પહેલાં એ સમજી લઈએ કે હજી પંદર-વીસ વરસ પહેલાં કોરિયન મનોરંજન ઉદ્યોગ અત્યારે ગાજે છે એમ ગાજતો નહોતો. ઇન ફેક્ટ, એનું નામ સુધ્ધાં આપણે સાંભળ્યું નહોતું. તો એની પછી ગજબનું શું થયું? એને હલ્યુ વૅવ કહે છે. એ વૅવમાં કોરિયન ડ્રામા ચીનમાં અતિશય લોકપ્રિય થયા. દાયકો ૧૯૯૦નો હતો. એ વૅવમાં ત્યાંનાં પૉપ સોન્ગ્સ, ત્યાંની ફિલ્મો અને શોઝે ચીનમાં સપાટો બોલાવ્યો. એ જોઈને ચીનના પત્રકારોએ ૧૯૯૯ની સાલમાં આ ટર્મ પ્રથમવાર વાપરી – હલ્યુ વૅવ. નોંધનીય છે કે ૧૯૯૦ના દાયકાની શરૂઆત સુધી કોરિયન પ્રજા પર વિદેશપ્રવાસને લગતા કડક નિયંત્રણો હતાં. એ દૂર થયાં અને કોરિયન નવી પેઢી એકાએક ખુલી, વિસ્તરી અને વિશ્વના બહેતર સંપર્કમાં આવી. વિદેશ જનારા કોરિયન યુવાનો પશ્ચિમથી, ચીન જેવા દેશોથી પોતાના દેશ માટે નવો દ્રષ્ટિકોણ અને મિજાજ લાવ્યા. એનો ઉપયોગ બિઝનેસથી લઈને એન્ટરટેઇનમેન્ટ એમ દરેક મોરચે થવા માંડ્યો. ૧૯૯૭માં ચીનમાં કોરિયન શો, ‘વ્હોટ ઇઝ લવ’ ટેલિકાસ્ટ થયો. ચીનમાં ત્યાર સુધીમાં ઇમ્પોર્ટ થયેલા તમામ વિદેશી શોઝને પછાડીને એ શો ત્યાં નંબર ટુ વિડિયો કન્ટેન્ટ બની ગયો. એ સફળતાએ ચીનને, ચીની પત્રકારોને આભા કરી દીધા. એમાંથી જન્મી અને ઉપયોગમાં આવી ટર્મ, હલ્યુ વૅવ. ૧૯૯૯માં કોરિયન ફિલ્મ ‘સ્વિરી’એ જબ્બર સફળતા મેળવી. દરમિયાન, દક્ષિણ કોરિયા આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું હતું. તેથી દેશના તત્કાલીન પ્રમુખ કિમ દાએ જંગે ઠરાવ્યું કે હાલો, આપણા કલ્ચરનું નિકાસ શરૂ કરીએ. કલ્ચરનો એક હિસ્સો ફિલ્મો, શોઝ (બીજો કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સ અને એ સિવાય બીજું ઘણું) વગેરે. એ આઇડિયા ધાર્યા કરતાં વધુ સફળ રહ્યો. દરમિયાન, ત્યાં સૈન્યસત્તા હતી એનો અંત આવ્યો. એ સાથે અંત આવ્યો મનોરંજન ઉદ્યોગ પરની સેન્સરશિપ અને તવાઈ પર.
હલ્યુના હમણાં સુધી ત્રણ તબક્કા થયા છે. એકની વાત કરી. બીજો ૨૦૦૦-૨૦૧૦ વચ્ચેનો હતો. હમણાં ત્રીજો ચાલી રહ્યો છે. ત્રીજામાં દક્ષિણ કોરિયાએ ‘પેરાસાઇટ,’ ‘સ્ક્વિડ ગેમ’ સહિત અનેક સર્જનોથી વૈશ્વિક સ્તરે મનોરંજન ઉદ્યોગમાં પોતાની જગ્યા બનાવી છે. ત્રીજા તબક્કામાં કોરિયન સર્જનોની લોકપ્રિયતા સ્વદેશ કે ચીન પૂરતી મર્યાદિત નહીં રહેતા જાપાન અને પછી સર્વત્ર પ્રસરી ગઈ છે.
ફરી ફોર્મ્યુલા પર આવીએ. દક્ષિણ કોરિયાના એક અગ્રણી નિર્માતા-દિગ્દર્શક, ના યેઓન્ગ-સોક છે. ‘ટુ નાઇટ્સ એન્ડ વન ડે,’ ‘ન્યુ જર્ની ટુ ધ વેસ્ટ,’ ‘ગ્રાન્ડપાઝ ઓવર ફ્લાવર્સ,’ ‘થ્રી મીલ્સ એ ડે’ સહિતનાં એમનાં સર્જન ગાજેલાં છે. એમના મતે કોરિયન નિર્માણમાં પાયાનું કામ સ્ક્રિપ્ટ પર થતું સખત, ચિક્કાર અને બારીકીભર્યું કામ છે. એમાં મહિનાઓ જાય એ ત્યાં સામાન્ય અને વરસો વીતે એ સ્વીકાર્ય બાબત ગણાય છે. ત્યાં માત્ર સ્ટાર્સના નામે નહીં, લેખકોના નામે પણ દર્શકો ખેંચાઈ આવે છે. કોરિયન ડ્રામામાં ‘રાઇટર-ડ્રિવન મોડેલ’ પ્રસ્થાપિત છે. કિમ યુન-સૂક, પાર્ક જી-ઉન, કિમ ઇઉન-હી જેવા લેખકો ત્યાં સ્ટાર્સ છે. પ્રેક્ષકોમાં એમનાં નામ એટલા જ વિશ્વસનીય છે જેટલા જાણીતા અભિનેતાઓના.

બીજું કે ત્યાં ટેલિવિઝને પણ આડકતરી રીતે શિસ્ત, સંયમ અને ગુણવત્તાનું માળખું ઓટીટી માટે ઊભું કર્યું હતું. ત્યાંની બ્રોડકાસ્ટિંગ સિસ્ટમમાં એવું રહ્યું છે કે મોટાભાગની સિરીઝ ૧૨થી ૧૬ એપિસોડમાં પૂરી થઈ જ જાય. એને લીધે સર્જનાત્મક શિસ્ત, વિષયને નહીં તાણવાની સહજ માનસિકતા ત્યાં વિકસિત થઈ. ઓટીટી આવ્યું કે એ માનસિકતાનો સીધો લાભ નવાં પ્લેટફોર્મ્સ સુધી પહોંચ્યો.
આપણે ત્યાં એના કરતાં તાલ સાવ વગેળો છે. આપણે ત્યાં સ્ક્રિટ લખાઈ ઉતાવળે જાય. સંશોધન (ઝાઝું કરીને) ખાડામાં જાય (કારણ ક્રિએટિવ લિબર્ટીઝ આપણે ત્યાં સૌને ભાવતી વાનગી છે) અને શૂટિંગ વખતે પણ સ્ક્રિપ્ટમાં સતત, લગાતાર ફેરફાર (દિગ્દર્શકની, કલાકારોની, ક્યારેક ટેક્નિશિયન્સની મુનસફી પ્રમાણે પણ થાય તો એ બિલકુલ માફ અને, “ઉસસે ક્યા ફર્ક પડતા હૈ?” એવી ક્ષુલ્લક વાત ગણાય છે. ટૂંકમાં, સ્ક્રિપ્ટ માટે કહી શકાય, “હૂ કેર્સ?” એનું વરવું પરિણામ પહેલાં શોનું બજેટ, એના મેકિંગનું શિડ્યુલ ભોગવે છે. પછી દર્શકો પણ સહન કરે છે. કારણ દર્શકોના માથે ઝીંકી દેવાય છે અધકચરો શો. વધુ વાત આવતા અઠવાડિયે.

 

                                                                                  ભાગ બે
કોરિયન સર્જનોએ અમુક અક્લપનીય સિદ્ધિઓ પણ, એની શિસ્તબદ્ધતા અને નિર્માણને લગતી સખતાઈને લીધે મેળવી છે. દાખલો લઈએ એના એક હિટ શો, ‘ક્રેશ લેન્ડિંગ ઓન યુ’નો. ૨૦૧૯ના આ શોમાં ૧૬ એપિસોડ્સ હતા. કમાલ શી હતી? એક તરફ સિરીઝના એપિસોડ્સ ટેલિકાસ્ટ (અને ઓટીટી પર સ્ટ્રીમ પણ) થઈ રહ્યા હતા અને બીજી તરફ એના આગામી એપિસોડ્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આપણે ત્યાં આવી (કુ)હરકતો માટે ટેલિવિઝન બદનામ છે. બદનામ એટલે કે આપણા ટીવી માટે છેલ્લી ઘડીએ જેમતેમ ચાલતું શૂટિંગ મજબૂરી બની ગયું છે. આ કોરિયન શોમાં ટેલિકાસ્ટ અને શૂટનું કોમ્બિનેશન એક મજબૂત સિસ્ટમ પ્રમાણે થયું હતું. એમાં શૂટ માટે સત્તર સ્ટેપ્સની એક માર્ગદર્શિકા સચોટપણે અપનાવાઈ હતી. શૂટિંગ કરતાં કરતાં શોમાં, સોશિયલ મીડિયા પર મળતા દર્શકોના પ્રતિભાવ પ્રમાણે, ફેરફાર પણ કરવામાં આવી રહ્યા હતા. એ બધું થઈ રહ્યું હતું કોઈપણ ઉત્પાત વિના, ગરબડ, ધાંધલ અને ગુણવત્તાનો લેશમાત્ર ભોગ આપ્યા વિના.
હવે જોકે ત્યાં સિસ્ટમેટિક કામ વધુ થાય છે. કોરિયન સર્જકોના કામથી નેટફ્લિક્સ ભારે પ્રભાવિત છે. એવું સખત પ્રભાવિત કે અમેરિકા બહાર શોઝના નિર્માણમાં એણે સૌથી વધુ ડોલરિયું પૂર દક્ષિણ કોરિયામાં વહાવ્યું છે. આવતા વરસના અંત સુધીમાં અને ચાર વરસના ગાળામાં, નેટફ્લિક્સ એ દેશમાં અઢી અબજ ડોલર શોઝના નિર્માણમાં ખર્ચશે. એના પછી મેક્સિકો (દક્ષિણ કોરિયા કરતાં અડધાથી ઓછી રકમ નેટફ્લિક્સ ત્યાં વાપરશે), યુનાઇટેડ કિંગડમ અને પછી ભારત છે. કોઈ ઓટીટી પ્લેટફોર્મ એક દેશ પર આ રીતે સમરકંદ બુખારા અમસ્તું ઓવારી ના જાય. નેટફ્લિક્સને દક્ષિણ કોરિયા માટે એટલે પ્રેમ છે કે ૨૦૨૨ સુધીમાં અનેક કોરિયન શોઝે ૯૦થી વધુ દેશોમાં ટોપ-૧૦ યાદીમાં સ્થાન પટકાવ્યું હતું. ‘સ્ક્વિડ ગેમ’ જેવી સિરીઝે તો સફળતાની નવી ઊંચાઈઓ આંબી લીધી.
શોની સંખ્યાની વાત છે ત્યાં સુધી ભારત તેજ છે. ફિલ્મોમાં પણ આપણે સંખ્યાની બાબતે શૂરા છીએ. પણ વૈશ્વિક સફળતાના મામલે ઘણા દેશો આપણા મનોરંજન ઉદ્યોગને પછાડી રહ્યા છે. સમસ્યા એમાં જ છે. આપણે ત્યાં સંખ્યા સર્વસ્વ છે, સ્પીડ તરફ ધ્યાન છે અને ગુણવત્તા બેકસીટ પર છે.
કોરિયન સિરીઝનાં શૂટિંગ કરવાની પદ્ધતિ આપણા કરતાં જુદી અને ન્યારી છે. પૈસા કેમ વાપરવા એ વિશે ત્યાં સર્જકો કડક હાથે કામ લેનારા છે. પરિણામ એવું આવે છે કે પ્રત્યેક એપિસોડ પાછળ આપણા શો કરતાં ઓછા ખર્ચમાં ત્યાં આપણા કરતાં ઘણું વધારે સારું પરિણામ પડદે દેખાય છે. આપણે ત્યાં છ-સાત એપિસોડની સિરીઝ સરેરાશ રૂ. પચીસ કરોડ પ્રતિ એપિસોડમાં બને તો ત્યાં એ બની જાય રૂ. નવથી અઢાર કરોડ પ્રતિ એપિસોડમાં.
સ્ટાર સિસ્ટમ, નબળી સ્ક્રિપ્ટ્સ, શૂટિંગનું અધકચરું અને પછી પણ સતત અહીંથી તહીં ફંગાળાતું માળખું, ઓટીટી પ્લેટફોર્મ્સના પોતાના ભ્રષ્ટ ઓફિસર્સ અને એમની સાથે કૂલડીમાં ગોળ ભાંગતા બેનર્સ, નિર્માતાઓ, દિગ્દર્શકો, સ્ટાર્સનાં તળિયાં ચાટવાની કુટેવ અને સૌથી મહત્ત્વનું એટલે, ભૂતકાળની ભૂલોમાંથી ધરાર નહીં શીખવાની જીદ… આ પાસાં ભેગાં મળીને આપણા ધબકતા ઓટીટી વિશ્વને સતત ખોટકાતું કરી રહ્યું છે. આપણે ત્યાં, અંદરખાને કહે છે કે, અન્ડર ટેબલ દક્ષિણા આપ્યા વિના કોઈ કરતાં કોઈ શો કે ફિલ્મ ઓટીટી માટે બની શકે એ વાતમાં માલ નથી. આપણે ત્યાં શોના બજેટના ૩૦-૪૦% ટકા એક એકલો સ્ટાર ઘરભેગો કરી જાય ત્યારે કોઈને પ્રશ્ન પણ થતો નથી કે એના કરતાં તો કોઈક સારા કલાકારને તક આપીને બજેટ વશમાં રાખી શકાયું હોત અને દર્શકોને પણ સરપ્રાઇઝ લાગે એવું કશુંક પીરસી શકાયું હોત. આવી તક ઓછા જાણીતા કલાકારોને મળી ત્યારે જ તો એ સ્ટાર્સ બન્યા એ ભૂલી જવું અહીં સગવડિયો ધર્મ છે.
કોરિયન નિર્માતાઓ એમની જવાબદારી નિર્માણ કરવા સાથે પૂરી થઈ એવું નથી માનતા. તેઓ રિલીઝ સમયે અને પછી પણ શોના પ્રમોશનમાં ઊંડો રસ લે છે. સોશિયલ મીડિયાના યુગમાં તેઓ પ્લેટફોર્મના માથે બધું ઓળઘોળ કરી દેવાને બદલે પોતાના સર્જનને ચર્ચામાં રાખવા, લોકપ્રિય બનાવવા, ખાસ્સી મહેનત કરે છે. આપણે ત્યાં આવો ધારો નથી. આપણે ત્યાં રિલીઝ સાથે કલાકારો અને પડદા પાછળના કસબીઓ પણ ઉડન છૂ કરી જાય છે. પછી જે કરવાનું (અને હસવાનું કે રડવાનું) એ ઓટીટી પ્લેટફોર્મે. અપવાદરૂપે એવું થાય ખરું કે સિરીઝની વધુ સીઝન બનાવવાનો નિર્ણય આગોતરો લેવાયો હોય તો…
કોરિયન શોના દક્ષિણ કોરિયામાં દર્શકો છે એના કરતાં દુનિયામાં વધારે છે. બહુ ઓછા ભારતીય શો આ સ્તરે કોરિયન શો સાથે સ્પર્ધા કરી શક્યા છે. બેશક, આપણી વસ્તી દક્ષિણ કોરિયા કરતાં ઘણી વધારે તેથી દેશમાં શોઝનું ગાડું ગબડી જાય છે. પણ જો આપણા શોઝ વિદેશીઓનાં મન મોહી શકે તો શું થાય એની ત્રિરાશિ માંડવી અઘરી નથી.

કોરિયન શોઝમાં પ્રોડક્શન વેલ્યુ ઊંચી લાગે છે એનાં તાર્કિક કારણો છે. ત્યાં સારું નિર્માણ કરવા માટે ખર્ચ સાથે સમાધાન નહીં, એનું વ્યવસ્થિત કેન્દ્રિકરણ કરવામાં આવે છે. લોકેશન, સેટ અને કોસ્ચ્યુમ્સ પર ત્યાં છૂટથી ખર્ચ થાય છે. અનાવશ્યક ભપકા પર ખર્ચ કરવામાં આવતો નથી. આપણે ત્યાં આવો કોઈ ધારો નથી. ખરેખર તો, આપણે ત્યાં નિર્માતા બિનજરૂરી ખર્ચ ટાળવા પર ભાર મૂકે એ સાથે ટોપ રેટેડ કલાકાર-કસબીઓ એને સિફતપૂર્વક એમ આંટીમાં લઈ લે કે પેલો આટે-દાલ કા ભાવ પૂછવાને લાયક ના રહે. છેવટે એવું થાય કે નિર્માણ સહિત કુલ ખર્ચનો જે અંદાજ બાંધ્યો હોય એ રૉકેટની જેમ ઊંચે ને ઊંચે ઊડે. એક કિસ્સામાં, દાખલા તરીકે, એક નગણ્ય સિતારાએ ફિલ્મના શૂટિંગ વખતે નિર્માતાના રૂ. ૩૫ લાખ કૉફી શોપ્સમાં કરેલી મીટિંગમાં ચુસ્કીએ ચુસ્કીએ ચાવી (પી) નાખ્યા હતા. અને આખી ફિલ્મનું બજેટ શું હતું? બે કરોડ રૂપિયા!
કોરિયન ડ્રામાની સફળતા ચમત્કાર નથી. એ તો શિસ્ત, લેખન, નિયંત્રિત ખર્ચ અને સંકલિત માર્કેટિંગનું પરિણામ છે. આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ, આપણા સર્જકો એમાંથી પ્રેરણા લેશે ખરા?


Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

અમર વિશ્વાસઃ દસ એપિસોડ માફક આવશે?

July 25, 2026 by Sanjay Shah No Comments

ઓટીટી પર એ જસ્ટ અનધર સિરીઝ બનીને રહી જાય છે. કારણ એમાં નાવીન્ય, અને એ ના હોય તો પટકથા અને દિગ્દર્શનમાં હોવી જ જોઈએ એ જાદુઈ ઇફેક્ટ કશેય નથી

સંજય વિ. શાહ 

કોર્ટરૂમ ડ્રામાની ફોર્મ્યુલા હોય છે. ખાસ કરીને જ્યારે એ નબળી કે સરેરાશ બનાવવી હોય ત્યારે. એમએક્સ પ્લેયર (આમ તો હવે પ્રાઇમ વિડિયો) પર ફોર્મ્યુલા આધારિત કોર્ટરૂમ ડ્રામા સિરીઝ ‘અમર વિશ્વાસ’ રિલીઝ થઈ છે. દસ એપિસોડની, પતી જાય ત્યારે સખત લાગતી, એની લંબાઈ છે. જોવાની લાલચ થવાનું એક અને માત્ર એક કારણ એ હતું કે એ સામે આવી કે દેખાયા રાજીવ ખંડેલવાલ. ‘સચ કા સામના’, ‘આમિર’, ‘શૈતાન’ સહિત ટીવી, ફિલ્મ સર્જનોથી એણે દર્શકોનાં દિલ જીત્યાં છે. વધુ અગત્યનું કે ચીલાચાલુ અભિનેતા કરતાં વિશેષ એવી એમની ઇેમજ છે. એ ઇમેજ ઓછાં પણ વ્યવસ્થિત પાત્રોથી રાજીવે બનાવી છે. તેથી, સિરીઝની વાત કરવી રહી. 

જેસુ નામના ફિલ્મનિર્માતાની એક હોટેલની રૂમમાં હત્યા થઈ છે. એ સિરીઝનો પ્રારંભિક પોઇન્ટ છે. રૂમમાં જસ્સુની લાશ નજીક બહર (ઉર્વશી પરદેશી) નામની ઊગતી અભિનેત્રી છે. એ ઘેનમાંથી જાગે છે. એ જસ્સુની લાશ જુએ છે ત્યાં ડોરબેલ વાગે છે. હાંફળીફાંફળી બહર રૂમમાંથી નાસી જાય છે. માર્ગમાં એ અમર વિશ્વાસની કારમાં સરકીને એનો પીછો કરી રહેલા હોટેલ કર્મચારીઓથી બચવામાં સફળ થાય છે. જોકે કારમાલિક અમર, આ કન્યા પર ધ્યાન પડતાં અને એની આપવીતી સાંભળતાં, સલાહ આપે છે, “પોલીસને તાબે જતી રહે…”

બહર પોલીસ સ્ટેશને જતી રહે છે. કેસ મંડાય છે ત્યાં વકીલ એની વહારે આવે છે. એ વકીલ અમર જ, જેની કારમાં એને લિફ્ટ મળી હતી. અમર જાણીતો વકીલ છે. એનો પોતાનો ભૂતકાળ એને બહરની મદદ કરવા પ્રેરે છે. કોર્ટમાં કેસ શરૂ થાય છે. એ પહેલાં મીડિયા ફેસલો સુણાવી દે છે, “બહર જ જસ્સુની હત્યારણ છે.” અમર સામે પડકાર એ જાણવાનો છે કે ખરેખર આ 20 વરસની સ્ટ્રગલર એક્ટ્રેસે જસ્સુનું ખૂન કર્યું છે કે પછી જેમ એ દાવો કરે છે એમ, એ નિર્દોષ છે?

Image Courtesy: Amazon MX Player

તપાસ સાથે શંકાની સોય શકમંદો તરફ તકાય છે. હોટેલના સીસીટીવી ફૂટેજમાં હત્યા આસપાસના સમયે કારમાં પલાયન થતી બુરખાધારી કન્યા, જેસુનો પાર્ટનર અકબર (આમિર અલી), હોટેલનો કર્મચારી દેવા, બહરનો બોયફ્રેન્ડ સુદર્શન (સિદ્ધાર્થ શૉ) વગેરે શકના દાયરામાં છે. એવામાં પરિસ્થિતિ નાટ્યાત્મક વળાંક લે છે. પબ્લિક પ્રોસિક્યુટર દિગંબર દીક્ષિત (રવિ બહેલ)ની ઊલટતપાસમાં બહર કોર્ટમાં કબૂલ કરી નાખે છે, “હા, મેં જસ્સુની હત્યા કરી છે, મેં જ કરી છે.” હવે અમર કરે તો શું કરે?

કોઈ કોર્ટરૂમ ડ્રામામાં હોય એ પરિબળો, ટ્રેક્સ, સબ-ટ્રેક્સ, શકમંદો અને અન્ય બાબતો સિરીઝમાં ભભરાવવામાં આવી છે. હત્યા, શકમંદો ઉપરાંત એકમેક સાથે ભીડવા કચકચાતા બે મોટા ગજાના વકીલ, એમના સહાયકો  (અમરનાં સહાયકો છે ગોલ્ડી એટલે અનિલ ચરનજીત અને સોનાલી એટલે ગર્વિતા સાધવાની), પોલીસ ઇન્સ્પેક્ટર ખાંડેકર (સૌરભ ગોખલે)… અને કથા આગળ વધતી જાય એમ અન્ય પાત્રો ઉમેરાતાં જાય છે. જે નથી ઉમેરાતી એ બલાનું નામ છે રોચકતા. 

પહેલા એપિસોડમાં જ સિરીઝ અંદેશો આપી દે છે કે એ બહુ બીબાઢાળ, સુસ્ત અને ફોર્મ્યુલા ટાઇપ રહેવાની છે. બીજા એપિસોડમાં, બહર ગુનાની કબૂલાત કરી લે છે એની આસપાસ, એની અને અમર વચ્ચે પોલીસ કસ્ટડીનું દ્રશ્ય છે. બેઉ વચ્ચે બોલાચાલી થાય છે. અમરને એવા વિડિયો વિશે જાણ થઈ છે જેના વિશે બહરે એને જણાવ્યું નહોતું. ગુસ્સેલ બહર કહી દે છે, “બધાંએ મને છોડી દીધી છે, તમે પણ કેસ છોડી દો.” આ દ્રશ્ય સુજ્ઞ દર્શકના મનમાં એક વાક્ય લખીને એની નીચે ઘાટી લીટી દોરી નાખીને સંકેત આપે છે, “આગળ ખાસ ભલીવાર નહીં હોય આમાં, ચેતીને જોજે.”

અને અંત સુધી, જો ધીરજ ધરીને સિરીઝ પતાવી નાખી તો, બીજા એપિસોડમાં થયેલી એ લાગણી અક્ષરશઃ સાચી પડે છે. એક તરફ કહેવાતી તપાસ, બીજી તરફ પોલીસનાં ડાફાં (એટલા માટે કે એમાં નથી દિશા કે નથી દમ), ત્રીજી તરફ ઇમોશન્સ ઊભા કરવાનો ઢીલો પ્રયાસ, ચોથી તરફ કોર્ટનાં દ્રશ્યોમાં અસરકારકતાનો અભાવ, પાંચમી તરફ બિનજરૂરી ફ્લેશબેક્સ, છઠ્ઠી તરફ ટેલિવિઝન રિપોર્ટિંગ, મીડિયા ટ્રાયલનો બિનઅસરકારક ભભરાટ વગેરે. બિનઅસરકારક ડાયલોગ્સ (રાહુલ રામચંદાની)થી લથબથ સિરીઝમાં પટકથા (અંબર હડપ) પણ પાંગળી અને કલ્પનારહિત છે. અમરના ભૂતકાળના ટ્રેકની આમાં ક્યાં જરૂર હતી? મુંબઈ પોલીસનો અધિકારી ખાંડેકર શું ખાલી આંટાફેરા કરે રાખે છે? એના લગ્નના ટ્રેકને ઉમેરીને કયો કાંદો કાઢી લીધો? ગોલ્ડી છાનબીન કરવા કોલકાતા ગયો તો ત્યાંથી શું ઉકાળી આવ્યો, સિવાય એની એડ્વોકેટ ફર્મના પૈસાનું પાણી કરવાને? અન્ય એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ આફરીન (સૌમ્યા દિલવાલ), એનાં માબાપનો ટ્રેક લાવીને થોડીઘણી એક્સાઇટમેન્ટ બનતી હતી એ પણ કેમ જેમતેમ છે? એવી જ અવદશા મોહિની (બરખા બિશ્ટ)ના ટ્રેકની કેમ કરી છે?

દિગ્દર્શક શશાંત શાહની ‘અમર વિશ્વાસ’ ઓટીટી પર એક જસ્ટ અનધર સિરીઝ બનીને રહી જાય છે. શોમાં અત્યાવશ્યક એવું નાવીન્ય, અને એ ના હોય તો પટકથા અને દિગ્દર્શનમાં હોવી જ જોઈએ એ જાદુઈ ઇફેક્ટ, કશેય નથી. તેથી, સિરીઝ જોવામાં ભરપૂર સમયનું રોકાણ કર્યા પછી જસ્સુ સાથે એ સમયનું પણ હનન થયા જેવું લાગે છે. બેશક, આવી કથા હોય એમાં છેલ્લે, કોથળામાંથી વાઘ (કે બિલાડું, જેવી જેવી ક્ષમતા) કાઢવાની શખ્યતા રહે છે. શરત એટલી કે એ માટે તાણાવાણા બખૂબી વણવામાં આવે અને ધીમેધીમે ઉકેલવામાં પણ આવે. એ બેમાંનું કશું અહીં થતું નથી. બાકી, મેકિંગની સૂઝબૂઝ હોય તો મર્ડર મિસ્ટરી કમ કોર્ટરૂમ ડ્રામામાં ખૂની એવી વ્યક્તિ નીકળી શકે જે ચોંકાવી દે. અહીં એવું કરવાનો નિરર્થક અને નબળો પ્રયાસ થયો છે. 

અભિનયમાં પણ એવું કશું નથી જેની નોંધ લેવી પડે. રાજીવ સાધારણ પરફોર્મન્સથી વિશેષ કશું એટલે કદાચ નથી આપી શક્યા કે દિગ્દર્શન કે લેખનમાં એ માટે અવકાશ નથી. બધા કલાકારો ડિઝાઇનર વસ્ત્રોમાં, મેક-અપના થપેડા સાથે, સિચ્યુએશન્સને સહેલી અને ઝટપટ રીતે શૂટ કરી શકાય એવાં લોકાલ્સમાં, એવા હાવભાવ અને હલનચલન સાથે પોતાનું કામ પતાવતા લાગે છે. છેવટે દર્શકને જે મળે છે એ અમર આનંદ નથી કે નથી કોર્ટરૂમ ડ્રામા મજાના હોય એ વિશ્વાસની પૂર્તિ કરતો હરખ. હવે નક્કી કરો નક્કી કે આ સિરીઝ માટે તમે અવેલેબલ છો કે નહીં.   image courtesy; Amazon MX player

Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

શબદઃ કંઈક ખૂટે છે…

July 24, 2026 by Sanjay Shah No Comments

[su_pullquote]જેમાં ગુરબાણીની વાત હોય એવી સિરીઝમાં કેમ એકપણ કર્ણપ્રિય ગુરબાણી નથી એ સમજવું અઘરું થઈ પડે છે. આમાં ‘બંદિશ બેન્ડિટ્સ’ની જેમ સંગીતને ખીલવાનો ભરપૂર અવકાશ હતો પણ એ વેડફાયો છે[/su_pullquote]

સંજય વિ. શાહ 

નવી સિરીઝ પેશ કરવાની રેસમાં હમણાંથી ઝીફાઇવ, સોની વગેરે પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ કરતાં ખાસ્સાં પાછળ છે. જોકે બેઉ પ્લેટફોર્મ સતત એવા પ્રયત્નમાં ખરાં કે એમની જે સિરીઝ આવે એ હટ કે હોય. ઝીફાઇવ પર હાલમાં ‘શબદઃ રીત ઔર રીવાઝ’ સિરીઝ આવી છે. સુખતાલપુર નામના નગરમાં એની કથા આકાર લે છે. ગુરુદ્વારામાં થતી ગુરબાણી સાથે એ ફૂટબોલ, પારિવારિક સંબંધો, દોસ્તી અને વ્યાવસાયિક એન્ગલને આવરી લે છે. આટલી બાબતો સિરીઝને એક્સાઇટિંગ બનાવવા માટે આમ તો પૂરતી કહેવાય. જાણીએ કે એના છ એપિસોડ્સમાં શું છે. 

ગુરબાણી એટલે શીખ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીમાં લખાયેલા શબ્દો અને ભજનો. હરમિન્દર (સુવિન્દર વિકી) સુખતાલપુરના ગુરુદ્વારામાં રાગી છે. ગુરુદ્વારામાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી સમક્ષ ગુરબાણી ગાનાર સેવક એટલે રાગી. એનો દીકરો ગુપિન્દર ઉર્ફે ગુપ્પી (મિહિર આહુજા) તોતડાય છે. એ ફૂટબોલ ખેલાડી છે. સ્કૂલની ટીમ માટે રમે છે. રમતમાં આગળ વધવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. ઘરમાં હરમિન્દરની પત્ની મનજોત (તરનજીત કૌર) અને ગુપ્પીની બહેન ગિન્ની (માહી જૈન) છે. 

પિતા ઇચ્છે છે કે ગુપ્પી ગુરુદ્વારામાં એમનો વારસો જાળવતા રાગી બને. રિયાઝ કરવાની પિતાની વારંવારની ટકોર છતાં, ફૂટબોલઘેલો અને બોબડો ગુપ્પી રિયાઝ પરત્વે દુર્લક્ષ કરે છે. પરિવારમાં આર્થિક સંકડામણ છે. નોકરીમાં હરમિન્દરને પડકારો છે. માઇક્રો ફાઇનાન્સ કંપનીમાં એના મેનેજર બનવાના ઓરતા પર પાણી ફરી વળ્યું છે. એની જગ્યાએ કંપનીએ બેંગલુરુથી અભિષેક શર્મા (સુશાત કાંડ્યા)ને મોકલાવીને બેસાડ્યો છે. એ અતડો છે. 

ગુપ્પી અને હરમિન્દરને કેન્દ્રસ્થાને રાખીને કથા આગળ વધે છે. ઘરેલુ માહોલ છે. વિવિધ મોરચે ઘટનાઓ રચાતી રહે છે. ગુપ્પી રમતનાં સપનાં સાકાર કરી શકે છે ખરો? હરમિન્દર દીકરાને ટપારી ટપારીને રાગી બનવા સુધી વાળી શકે છે ખરો? વાર્તામાં ખાસ ઊંડાણ નહીં હોવાથી લાભ અને ગેરલાભ બેઉ થાય છે. લાભ એ કે દિગ્દર્શક બેલડી અમિત ગુપ્તા અને દીપક શ્રીવાસ્તવ સિરીઝને શાંત અને ઘણેખરે અંશે સહ્ય રાખી શક્યા છે. ગેરલાભ એ કે સિરીઝમાં ચમત્કૃતિ અને ઉત્કંઠા કરાવે એવી સિચ્યુએશન્સ નથી. પટકથાના મોરચે જે તાણાવાણા છે એ પોરસાવા જેવા નથી. લેખકો કૃષ્ણકાંત જોનલગડ્ડા અને સમીર સતીજા વારંવાર એવી બાબતો પર સરી પડે છે જે ખોડંગાતી કથાને એક ધક્કો મારીને જરાક આગળ લઈ જાય. પછી જે થવું હોય એ થાય અને થાય ત્યારે વળી જોઈ લેવું કે રસ્તો ક્યાંથી નીકળી શકે છે. 

છતાં, ‘શબદઃ રીત ઔર રીવાઝ’ જોવાનાં થોડાં કારણો છે. સૌથી સશક્ત કારણ ગુરુદ્વારાનો માહોલ અને ગુરબાણી છે. ફિલ્મ હોય કે સિરીઝ, એમાં જ્યારે આ બાબતો ઉજાગર થાય છે ત્યારે એ અલગ ભાવનાત્મક સ્પંદનો સર્જાય છે. પ્રમુખ પાત્રોમાં સુવિન્દર વિકી અને મિહિર આહુજા સહજ છે. મિહિર ‘ધ આર્ચીઝ’માં દેખાયો હતો. સુવિન્દરને આપણે પહેલાં ‘કોહરા’ સિરીઝમાં સશક્ત પાત્રમાં જોયો હતો. તરનજીત અને માહી પોતપોતાના પાત્રમાં ઉપયુક્ત છે. ગુપ્પીના મિત્ર નૈતિક (યશ સેહગલ), ગુપ્પી જેને ચાહે છે એવી સિમરન (કાવ્યા પંડિત) તથા ગિન્ની જેના તરફ આર્ષાય છે એવા કરણ (તેજસ માથુર) વગેરે અન્ય પાત્રો છે. બધાંથી સિરીઝ છ એપિસોડ સુધી પહોંચી છે.

અમુક ખટકતી બાબતો છે. હરમિન્દરની ઓફિસનાં દ્રશ્યો કઠે એવાં છે. એમાં નથી વાસ્તવિકતા કે નથી નાટ્યાત્મકતા. આજના જમાનામાં કઈ કંપનીની ઓફિસમાં તમામ કર્મચારીઓ રજિસ્ટર અને કાગળનાં થોથાં લઈને કામ કરતા હશે? કેમ કોઈના ટેબલ પર કોમ્પ્યુટર નથી? એવી ઓફિસ પર દારોમદાર રાખ્યા પછી એક દ્રશ્યમાં મેનેજર મોબાઇલ પર એઆઈને કહે છે, “આ ડોક્યુમેન્ટમાંથી મિસ્ટેક શોધી કાઢ.” ભાઈ-બહેન અને એમની મિત્રમંડળીના ટ્રેક અને દ્રશ્યો ઠીકઠીક છે. એ કંઈક અંશે યુવાપેઢીને આકર્ષવાનું કામ કરી શકે એવાં છે. 

Shabad – Reet Aur Riwaaz – Image – Screenshot from the trailer

મેકિંગમાં મોટાભાગનાં દ્રશ્યો બીબાઢાળ છે. એક ઘર, એક ઓફિસ, ગુરુદ્વારાનો પરિસર એટલે સિરીઝની લગભગ દુનિયા પૂરી થઈ જાય છે. પાત્રો ઓછાં અને એમાંનાં ચાર-પાંચ માંડ એવાં જેમને કથા સાથે ખાસ લેવાદેવા હોય. તેથી, સિરીઝ પાવરવાળી ઓછી અને પોલાણવાળી વધારે છે. પાત્રાનો સંબંધોમાં વારંવાર એવાં ઝોલાં આવે છે કે એમની તરફ આકર્ષાઈ જવાની શક્યતા સર્જાય અને એના પર પાણી ફરી વળે. સૌથી મોટી મુશ્કેલી એટલે સિરીઝ જેના ખીલે બંધાઈ છે એ બે ચીજો, પિતાની રાગી તરીકેની સેવા અને દીકરાનું ફૂટબોલર બનવાનું સ્વપ્ન. બેઉ અંતે વજનદાર મુદ્દા બનવાને બદલે વઘારથી વિશેષ બનતાં નથી. ઇન ફેક્ટ, જેમાં ગુરબાણીની વાત હોય એવી સિરીઝમાં કેમ એકપણ કર્ણપ્રિય ગુરબાણી નથી એ સમજવું અઘરું છે. આમાં ‘બંદિશ બેન્ડિટ્સ’ની જેમ સંગીતને ખીલવાનો ભરપૂર અવકાશ હતો એ વેડફાયો છે. એવું નથી કે સાવ ગુરબાણી નથી પણ એમનો સચોટ ઉપયોગ નથી થયો. 

વિષય રાગીનો હોવાથી સિરીઝમાં ગાળાગાળી નથી. પંજાબી વાતાવરણ છતાં મદિરાબાજી નથી. આછકલાં અને અભદ્ર વસ્ત્રો કે વર્તન નથી. કાનને છંછેડીને, મનોરંજનના નામે પરાણે રાજી કરાવે એવું બિનજરૂરી પાર્શ્વસંગીત નથી. તેથી, સિરીઝ સપરિવાર માણવા માટે પરફેક્ટ બને છે. સરવાળે, એટલું કહી શકાય કે ‘શબદઃ રીત ઔર રીવાઝ’ એવા દર્શકો માટે છે જેઓને વીતેલા સમયની સહજ, સરળ અને સૌમ્ય કથાઓ ગમતી હોય. 

છેલ્લે એક વાત. સિરીઝના એપિસોડ્સના અંતે મધ્ય પ્રદેશ ટુરિઝમનું પ્રમોશન છે. દેખીતી વાત છે સિરીઝને મધ્ય પ્રદેશ સાથે લેવાદેવા છે. અર્થાત્, એનું શૂટિંગ ભોપાલમાં થયું છે. જોકે ભોપાલનાં લોકેશન્સ માણવાની ખાસ તક દર્શકને મળતી નથી. મોટાભાગનાં દ્રશ્યો ઇનડોર છે. મધ્ય પ્રદેશનું સૌંદર્ય પ્રદર્શિત થયું નથી. શક્યતાઓ હોવા છતાં એનો ઉપયોગ થયો નથી.હશે. એની ચિંતા કર્યા વિના ચોખ્ખી અને સરળ એવી આ સિરીઝ જોઈ શકાય છે.

(ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તિમાં શુક્રવાર 06 02 2026ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ)

 

Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

ઓટીટીનું એડિટિંગઃ લે મજ્જા કર…

July 24, 2026 by egujarati No Comments

ફિલ્મનું ઓટીટી માટે ઓડિટિંગ નવી વાત નથી. ઓટીટીને મન દિગ્દર્શક દ્વિતીય અને વ્યુઅરશિપ પ્રાથમિક છે.
તેથી, પોતાની રીતે એડિટિંગ કરતી વખતે કોઈ પ્લેટફોર્મને યોગ્ય ખુલાસો કરવાની જરૂર લાગતી નથી કે અસલ ફિલ્મ થોડી અલગ છે

સંજય વિ. શાહ 

‘ધુરંધર’ ઓટીટી પર આવી એ સાથે ચર્ચા શરૂ થઈ. ફિલ્મને સ્ટ્રીમિંગ માટે નવેક મિનિટ ટૂંકી કરી દેવામાં આવ, એની. એ કામ કર્યું નેટફ્લિક્સે, નહીં કે નિર્માતાઓએ. આ કોઈ નવી વાત નથી. અનેક ફિલ્મો થિયેટરમાં જોવા મળે એમની એમ ઓટીટી પર જોવા મળતી નથી. દુનિયાના અનેક દેશોમાં ફિલમનું ઓટીટી સ્ટ્રીમિંગ વર્ઝન અલગ હોઈ શકે છે. 

ભારતની વાત કરીએ. ઓટીટી માટે સેન્સર નથી પણ ઓટીટીનું પોતાનું સેન્સર જરૂર હોય છે. દરેક પ્લેટફોર્મ પોતાની રીતે ફિલ્મ મૂલવે અને રજૂ કરે છે. એને કહેવાય કન્ટેન્ટ પોલિસી. એ ઘડવામાં ઓટીટીની પોતાની સમજણ સાથે, કેન્દ્ર સરકારના આઈટીના નિયમો ધ્યાનમાં લેવાય છે. એટલું જ મહત્ત્વ બિનજરૂરી વિવાદમાં વેતરાઈ નહીં જવાના મુદ્દાને અપાય છે. ધર્મ, જાતિ, રાજકારણ જેવી બાબતો એમાં શિરમોર છે. 

આવું કરતી વખતે ઓટીટીને ગાળાગાળી, લાંબાં કામુક દ્રશ્યો વગેરે સામે ખાસ વાંધો પડતો નથી. એમને હિંસા સામે આપત્તિ નથી લાગતી. પરિણામે, ઓટીટીએ સૌના ઘરમાં હિંસા, અભદ્ર ભાષા અને સેક્સને, “આ બધું તો ચાલે,” એવા મોડ પર લાવીને મૂકી દીધું છે. 

પ્લેટફોર્મના પોતાના એડિટિંગમાં ફિલ્મની લંબાઈ સામે કાતર ચાલી જાય છે. શોર્ટ્સ અને રીલ્સના જમાનામાં લોકોની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિનું કાસળ નીકળી ગયું છે. તેથી, અનેક ફિલ્મો વગેરે નિર્દય રીતે કાપી નાખવામાં આવે છે, જેથી લોકો કંટાળી ના જાય. એવું કરવામાં એડિટિંગ ઘણી ફિલ્મોના આત્માને હચમચાવી નાખે છે. ઓટીટી પર ક્યારેક જૂની ફિલ્મો જોજો, ખાસ કરીને 1990, 2000ના દાયકાની કે એ પહેલાંની. અનેક એવી હશે જેની વાસ્તવિક લંબાઈ ઓટીટી વર્ઝન કરતાં ખાસ્સી લાંબી હોય. એ ફિલ્મો યુટ્યુબ પર ઉપલબ્ધ હોય તો બેઉની તુલના પણ કરી શકશો. ત્યારે સાંગોપાંગ સમજાશે કે એક જગ્યાએ ફિલ્મ કેટલી લાંબી અને બીજી જગ્યાએ કેટલી ટૂંકી છે યુટ્યુબ જવા દો. એક જ ફિલ્મ બે ઓટીટી પર સ્ટ્રીમ થતી હોય એવા ઘણાં ઉદાહરણ છે. બેઉ પર એ ફિલ્મ જોશો તો એકમાં અલગ અને બીજા પર અલગ વર્ઝન મળી શકે છે.

એક ભાષાની ફિલ્મ બીજી ભાષામાં મુકાય ત્યારે પણ કાપકૂપ સામાન્ય છે. તામિલ ફિલ્મ હિન્દીમાં કે ગુજરાતી ફિલ્મ હિન્દીમાં પેશ થાય ત્યારે ડબિંગને અસ્ખલિત કરવા કે દ્રશ્યને પરભાષા સાથે સુસંગત કરવાને એડિટિંગ સામાન્ય છે. આ પ્રક્રિયામાં ખોડ એ છે કે ઘણી ફિલ્મોનું એડિટિંગ ઢંગધડા વિના થાય છે. એડિટ શું કરવું અને કેટલું કરવું એનો નિર્ણય ઘણીવાર નીચલા સ્તરે, એટલે કે ઓટીટીના સર્વોચ્ચ અધિકારીઓ કે પ્લેટફોર્મના નિયમોને ચાતરીને થાય છે. તેથી, આખરે જે ફિલ્મ સ્ટ્રીમ થાય એ આડેધડ લાગે છે. 

હોલિવુડ અને યુરોપમાં પણ આ ચલણ છે. ત્યાં ઓટીટીની રેટિંગ સિસ્ટમ સાથે ફિલ્મ મેળ ખાય એ માટે એડિટિંગ નવી વાત નથી. પ્રાદેશિક નિયમો અનુસાર પણ એડિટિંગ થાય છે. હોલિવુડે મનોરંજનમાં થિયેટ્રિકલ કટ, ડિરેક્ટર્સ કટ, સ્ટ્રીમિંગ કટ, ટેલિવિઝન કટ એમ એક જ ફિલ્મની વિવિધ વર્ઝનનું ચલણ સાર્વત્રિક કર્યું છે. 

ચીનમાં ઓટીટી માટે નિષ્ઠુર અને ભરપૂર એડિટિંગ નવાઈનું નથી. ઓટીટી શા માટે, ત્યાં થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મમાં એવું કશું હોઈ શકે નહીં જે દેશ, સરકાર, નેતાઓ વિરુદ્ધ હોય. એલજીબીટીક્યુના સંદર્ભ તથા હિંસાને પોષતી બાબતો પણ કપાઈ જાય છે. ધર્મના મામલે ચીની ઓટીટી પ્લેટફોર્મ્સનું એટિડિંગ દયાહીન છે. મધ્ય-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની વાત પણ જુદી નથી. ત્યાં સ્થાનિક માહોલ સાથે સુસંગત ના હોય એ બાબતો ઓટીટી પર દર્શાવાતી નથી. 

સ્ટ્રીમિંગના અટપટાં ધારાધોરણોને કારણે મોટા નિર્માતાઓ ફિલ્મનું લખાણ થાય ત્યારે કાળજી લેતા થયા છે કે સ્ક્રિપ્ટમાં શું હોય અને શું નહીં. ફિલ્મ મોટા પડદે કેવીક દેખાશે અને ઓટીટી પર કેવી. સીધી ઓટીટી પર આવતી ફિલ્મોનું લખાણ પણ અલગ રીતે થાય છે. 

આપણે ત્યાં ફિલ્મોનું ઓટીટી એટિડિંગ ભ્રમિત કરનારું પણ હોય છે. સુજ્ઞ દર્શકોને ઓટીટી પર ફિલ્મ જોતી વખતે વિચિત્ર એડિટિંગનો ખ્યાલ પણ આવતો હોય છે. મુશ્કેલી એડિટિંગ સામે નહીં પણ એમાં પ્રવર્તતી અપારદર્શકતાનો છે. બીજી મુશ્કેલી એની સામે નિર્માતાઓ, ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ સહિત દર્શકોની વિનાવિરોધ શરણાગતિનો છે. 

ફિલ્મને જેમતેમ કાપીને દર્શકો સામે મુકાય ત્યારે એમાંથી મૂળ વિઝનનું કાસળ નીકળી જાય છે. ઓટીટીને એનાથી ફરક પડતો નથી, કેમ કે એને મન દિગ્દર્શક દ્વિતીય અને વ્યુઅરશિપ પ્રાથમિક લક્ષ્ય છે. મનસ્વી એડિટ કરતી વખતે ઓટીટીને ફિલ્મની શરૂઆતમાં યોગ્ય ખુલાસો કરવાની જરૂર લાગતી નથી. કોઈક અદ્રશ્ય તાકાત મનગમતી સેન્સરશિપ ચલાવી રહ્યું છે એ જાણવાનો દર્શકોને અધિકાર છે. એનું હનન કરવામાં ઓટીટીને ક્રૂર આનંદ મળે છે. ભલે એને લીધે કથાનક બદલાઈ જાય, અસરહીન થઈ જાય. એની જવાબદારી ક્યાં કોઈએ લેવાની હોય છે?

લાગણીશીલ દ્રશ્યો પર, ગીતો પર એડિટિંગની કાતર વારંવાર ચાલે છે. જૂની ફિલ્મોના મામલામાં એનો અતિરેક પણ થાય છે. કયું દ્રશ્ય બિનજરૂરી લાંબું કે કયું ગીત કંટાળાજનક એ નક્કી કરવાનો દર્શકનો હક ઓટીટી એડિટિંગ આંચકી લે છે. ક્યારેક વાત ત્યાં સુધી પહોંચે છે કે કોઈક પાત્ર પર એવી અડબંગ કાતર ચાલી જાય કે એનાં જે રહ્યાંસહ્યાં દ્રશ્યો ફિલ્મમાં હોય એનો પૂર્વાપર સંબંધ ગાયબ થઈ જાય. 

ઘણા સર્જકો એના લીધે મૂંઝવણ અનુભવે છે. એમણે હવે સેફ, પોલિટિકલી કરેક્ટ, સોશિયલી ક્લિયર અને કોન્ટ્રોવર્સીથી પર સર્જન કરવાની ચિંતા કરવાની છે. એ પણ સ્ક્રિપ્ટિંગ લેવલથી. નિર્ભેળ, ઇમાનદાર ક્રિએટિવિટી જાય તેલ પીવા. 

સાવ એવું નથી કે ઓટીટીના એડિટિંગના લાભ નથી. અમુક એડિટિંગ સમાજમાં સર્જાઈ શકતી અનાવશ્યક તંગદિલી ટાળે છે. સાથે, એક ભાષાના કન્ટેન્ટને બીજી ભાષામાં લોકભોગ્ય બનાવે છે. ખરેખર બોરિયત ભરેલી સિચ્યુએશન્સને કટિંગ કરીને એ સહ્ય બનાવે છે. ફિલ્મની ગતિશીલતા ક્યારેક વધારે છે. છતાં, ફાયદા ત્યારે અસ્થાને લાગે જ્યારે સેનેમિટિક માલ ભેળસેળિયો થઈને દર્શક સામે પીરસાય, એમ કહીને કે “લે, આ છે તારા માટે એક ખાસ ફિલ્મ, મજ્જા કર.”

(ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તિમાં શુક્રવાર 06 02 2026ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ)

 

 

 

Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

તસ્કરીઃ લખાણે તાકાત કરતાં ઓછી કરી

January 30, 2026 by egujarati No Comments

[su_pullquote]સારો કોન્સેપ્ટ, સરેરાશ સ્ક્રીનપ્લે, અઠવાયેલાં પાત્રો છતાં, ખર્ચાળ નિર્માણ ભેગાં મળે ત્યારે આવી સિરીઝ બને. બધી વાતે શૂરીપૂરી થઈ શકવાની તાકાત છતાં છેવટે એ બની રહે છે જસ્ટ અનધર વૉચ[/su_pullquote]

 પહેલીવાર થયું કે નેટફ્લિક્સના કોઈ બિનઅંગ્રેજી શોએ રિલીઝ સાથે દુનિયામાં ડંકો વગાડ્યો. ‘હીરામંડી’ કે ‘બે***ડ્સ ઓફ બોલિવુડ’ જેટલી માત્રામાં દર્શકોએ એમની રિલીઝ સાથે જોઈ નહોતી એટલી જોઈ ‘તસ્કરીઃ ધ સ્મગલર્સ વેબ.’ 14 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ સિરીઝ પાંચ દિવસમાં 54 લાખ વખત જોવાઈ. એવું શું છે નીરજ પાંડેની સિરીઝમાં કે એને ચિક્કાર સફળતા મળી?

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક એની પશ્ચાભૂ છે. એરપોર્ટથી થતી દાણચોરીને ડામવા કસ્ટમ્સ અધિકારીઓ કઈ રીતે મથે છે એ છે કથા. અધિકારીઓમાં થોડા ઇમાનદાર અને ઘણા ભ્રષ્ટ છે. ઇમાનદાર અધિકારીઓ મોટાભાગ સસ્પેન્ડેડ છેઃ સુપરિન્ટેન્ડન્ટ અર્જુન મીના (ઇમરાન હાશમી), રવિ ગુજ્જર (નંદિશ સંધુ), મિતાલી કામત (અમૃતા ખાનવિલકર) વગેરે. એમના સસ્પેન્શન વચ્ચે મુંબઈ એરપોર્ટ પર ઇમાનદાર ઉચ્ચ અધિકારી પ્રકાશ કુમાર (અનુરાગ સિંહા)ની વરણી થાય છે. આવતાંવેંત એ ઇમાનદાર અધિકારીઓનું સસ્પેન્શન રદ કરીને આદેશ આપે છે, “ફરી કામે ચડી જાવ.”

આ ઉચ્ચ અધિકારી ઉપર છે સર્વોચ્ચ અધિકારી પણ. એ છે માટીપગો અને તકસાધુ. ભ્રષ્ટાચાર સામે એને વાંધો નથી. એની એમાં સાંઠગાંઠ પણ છે. ભ્રષ્ટાચાર એમના મતે સિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે. કહેવા ખાતર એ પ્રકાશને છૂટો દોર આપે છે પણ હકીકત જરા અલગ છે.

દુનિયાના બીજા ખૂણે દાણચોરો છે. બડા ચૌધરી (શરદ કેળકર) એમનો સુકાની છે. સોનું, ડ્ર્ગ્સ, રમકડાં, મોંઘીદાટ ઘડિયાળોથી માંડીને જાતજાતની દાણચોરી એરપોર્ટ પર રોજિંદી બાબત છે. ચૌધરીની સિંડિકેટ વિવિધ શહેરોમાં ફેલાયેલી છે. પોતાના નેટવર્ક, કડદા અને કાયદા-ગુનાખોરી પરની પકડને ચૌધરી બરાબર જાણે છે. જોકે ઇમાનદાર અધિકારીઓ અને પ્રકાશ કુમારના આવ્યા પછી એના સામ્રાજ્ય સામે પ્રશ્ન ખડો થઈ શકે છે. એમાં અર્જુન એના સંપર્કમાં આવેલી પ્રિયા (ઝોયા અફરોઝ)ને ચૌધરી સિંડિકેટમાં સિફતપૂર્વક પ્રવેશ કરાવે છે. બસ, મામલો સંગીન થવા માંડે છે. અર્જુન એન્ડ પાર્ટી દાણચોરીને જેર કરવા તો ચૌધરી પોતાની સર્વોપરિતા ટકાવી રાખવા જંગે ચડે છે અને…

‘તસ્કરી’ જોવાલાયક હોવાનાં કારણો કયાં છે? સૌપ્રથમ, કસ્ટમ્સની દુનિયાને એ વિગતવાર અને રોચક રીતે રજૂ કરે છે. એરપોર્ટની પ્રથમદર્શી જડબેસલાક લાગતી વ્યવસ્થા પાછળની નબળાઈઓ, ગતિવિધિઓ આ રીતે કદાચ પહેલીવાર જોવા મળી છે. અથવા કહો કે ઓટીટીના ફલક પર એનું આ વ્યવસ્થિત પ્રથમાગમન છે.  બીજું, સિરીઝમાં એરપોર્ટ જોવાની મજા પડે છે. ભલે ઘણું શૂટિંગ સેટ્સ પર થયું હોય તો શું, ઇટ્’સ ઇન્ટરેસ્ટિંગ. જૂની ફિલ્મોમાં, સિત્તેરના દાયકાની ફિલ્મોમાં, દાણચોરી દેખાતી પણ એના કરતાં હવે રીત અલગ છે. હવે દાણચોરો અને અધિકારીઓ બેઉ પક્ષે અનેક નવાં ઉપાય અને મારણ છે. સિરીઝમાં એ જોવું રોચક છે.

નેક્સ્ટ કારણ દમદાર નિર્માણ છે. મુંબઈ સહિત દેશ-વિદેશનાં લોકાલ્સ મસ્ત રીતે રજૂ થયાં છે. અલ દેરા, મિલાન, એડિસ અબાબા જેવાં શહેરો, મુંબઈ સિવાયનાં અગત્યનાં લોકેશન્સ છે. કાસ્ટિંગ પણ સરસ છે. હાશમી, કેળકર, અમૃતા ખાનવિલકર, જમીલ ખાન, હેમંત ખેર, વીરેન્દ્ર સકસેના જાણીતાં છે. બાકીનાં કલાકારો સરપ્રાઇઝ પેકેજ તરીકે ખુશ કરી દે છે. થોડા આ પહેલાં લીડમાં કે અગત્યના પાત્રમાં દેખાયા છે પણ અહીં ધ્યાન ખેંચે છે. નંદિશ સંધુ, અનુરાગ સિંહા, ઝોયા અફરોઝ, સુમીત નિઝાવન, અનુજા સાઠે, અક્ષયા નાઇક, ફ્રેડી દારૂવાલા, શાહિદ લતીફ તથા અન્ય કલાકારો ગમી જાય છે. ખાસ કરીને સંધુ અને સિંહા.

પાંડેને આ પ્રકારના વિષયોમાં સંશોધનનો ઉપયોગ કરીને રોચક કથા રજૂ કરવાની ફાવટ છે. એમની  તાકાતને કારણે સાધારણ પટકથા-સંવાદો પણ પ્રવાહિત અને પરફેક્ટ લાગે છે. સૌને એકતાંતણે બાંધતા લખાણમાં ગરબડ નથી, છતાં, રોમાંચની ખરેખર છેલ્લા બે એપિસોડ્સમાં વર્તાય છે. એ પહેલાં સિરીઝ ધારી શકાય એવી બાબતોથી ગાડું ગબડાવી શકી છે.

અમુક સરેરાશ બાબતો પણ છે. એના લીધે સિરીઝની લંબાઈ વધી છે, ઊંડાણ નહીં. જેમ કે, છોટા-બડા ચૌધરીની બેક સ્ટોરી. દાખલા તરીકે અક્ષયાનો ટ્રેક. દાખલા તરીકે, અંજામ સુધી પહોંચવા (‘ફેમિલી મેન’ની સ્ટાઇલમાં, એકાદ દ્રશ્ય પછી) છેવટે પ્રગટ થતું શ્રીકાંત સકસેનાનું પાત્ર. આરંભે શૂરાના નાતે સબળ શરૂઆત પછી સિરીઝ ફટાફટ બીબાઢાળ થઈ જાય છે. ક્લાઇમેક્સ ધડધડ કરતાંક આવતો નથી, સીધો ઢાળી દેવાય છે.

લેખક બેલડી નીરજ પાંડે અને વિપુલ કે. રાવલ છે. મોંઘી અને અન્યથા મજેદાર સિરીઝમાં એમનું લખાણ ઓછું પડે છે. પાત્રાલેખન, લગભગ બધાં જ કેરેક્ટર્સના કિસ્સામાં, અધકચરું છે. ઇમાનદાર અધિકારીઓની નાનકડી ફોજ છતાં એકપણ સ્ટેન્ડઆઉટ નથી. હાશમી પણ નહીં. હાશમી અને સિંહા બે મુખ્ય અંતિમો હોવા છતાં બેઉ પડદે અપૂરતા દેખાય છે. પ્રિયા અને મીનાક્ષી એમ બે પાત્રોનો પણ કલ્પનાશીલ ઉપયોગ નથી કરી શકાયો. ખલનાયકોની ફોજના લીડર કેળકરનું પાત્ર વિલન ઓછું અને મોડેલ વધારે છે. સ્ટાઇલમાં અને સશક્તતામાં ફરક હોય છે. બાકીનાં ખલનાયકો ઉપલક જ રહી ગયા છે.

પાંડે સાથે સિરીઝનું દિગ્દર્શન રાઘવ એમ. જયરથ અને બી. એ. ફિદાએ કર્યું છે. ‘તસ્કરી’માં સાત એપિસોડ્સ છે. પાંચ કલાક ચોવીસ મિનિટ એની લંબાઈ છે. નિર્માતા શીતલ ભાટિયા છે. બેનર ફ્રાઇડે સ્ટોરીટેલર્સ છે. ટૂંકમાં, આ સિરીઝ જોવાનાં કારણો છે તો ટાળવાનાં કારણો પણ છે. જેની જેવી પસંદ, એવો એનો નિર્ણય હોઈ શકે છે.

નવું શું છે

  • શોન્ડા રાઇમ્સની સફળ રહેલી વેબ સિરીઝ, ‘બ્રિજર્ટન’ની ચોથી સીઝનનો ભાગ એક ગઈકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ગયો છે. આ સીઝનમાં કુલ આઠ એપિસોડ છે. જેમાં ચાર ભાગ ગઈકાલે રિલીઝ થયા અને ચાર એપિસોડ ૨૬ ફેબ્રુઆરીના રોજ બીજા ભાગમાં રિલીઝ થશે.
  • મોટા પડદે બહુ ગાજેલી બ્લોકબસ્ટર સ્પાય-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ આજથી નેટફ્લિક્સ પર આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર માધવન અને અર્જુન રામપાલ તથા અન્ય કલાકારો છે.
  • ડિરેકટર અમૃત રાજ ગુપ્તાની ડાર્ક સોશિયલ ડ્રામા ફિલ્મ ‘દલદલ’ આજથી એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોવા મળશે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, આદિત્ય રાવલ, સમારા તિજોરી, ગીતા અગ્રવાલ, ચિન્મય માંડલેકર વગેરે કલાકારો છે.
  • મલયાલમ હોરર-કોમેડી ફિલ્મ ‘સરવમ માયા’ આજથી જિયોહોટસ્ટાર પર જોવા મળશે. તેનું નિર્દેશન અખિલ સાથ્યાને કર્યું છે. તેમાં અજુ વર્ગીસ અને રિયા શિબુ પણ છે. આ ફિલ્મ હિન્દીમાં પણ ઉપલબ્ઘ છે.

 

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/30-01-2026/6

 

 

 

Share:
Reading time: 1 min
Page 1 of 351234»102030...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

27.07.2026

દુબઈ સફરઃ ભાગ બેઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન

03.11.2022
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

27.07.2026
અમર વિશ્વાસઃ દસ એપિસોડ માફક આવશે?

અમર વિશ્વાસઃ દસ એપિસોડ માફક આવશે?

25.07.2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.