સોશિયલ મીડિયાની શરૂઆતથી લઈ આજ સુધીમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. આ દુનિયામાં બધું બહુ મજેદાર છે અને વિસ્મયજનક પણ 

કલ્પના કરો કે તમે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો. મેટ્રો, લોકલ, લાંબા અંતરની ટ્રેન… કોઈ પણ. સવાર, બપોર, સાંજ અને રાત… ગમે તે સમય છે. આસપાસ અનેક પ્રવાસીઓ છે. બાળક, યુવાન, વૃદ્ધ, ગરીબ, તવંગર… એમાંના મોટા ભાગના લોકોમાં એક વાત કોમન હશે. એ કઈ? બધાનું  મોબાઇલ કે લેપટોપ જેવા સાધનમાં ઊંધું ઘાલીને પ્રવૃત્ત રહેવું. એમાં મોબાઇલનો કે ગેજેટનો ઉપયોગ કરી નક્કર કામ કરનારા બહુ ઓછા હશે. એમાં સોશિયલ મીડિયાએ એમના પર થોપેલો સારો-ખરાબ માલ (ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો વગેરે) વાપરવામાં વ્યસ્ત લોકો મહત્તમ હશે. એમાં પણ, જેમાં ઓછી મહેનત પડે એવા શોર્ટ્સ કે રીલ્સ જેવા ટૂંકા વિડીયો જોવામાં ગુલતાન લોકોની સંખ્યા તો સૌથી વધુ હશે.

હવે ટ્રેનમાંથી ઊતરો અને બસમાં ચડો. અથવા પાર્કમાં જઈને બેસો, લગ્નપ્રસંગમાં મહાલો અથવા ગમે ત્યાં જાવ પણ કલ્પના કરો. માણસનો પોતાની વાસ્તવિક (ખરા માણસો સાથે) સોશિયલાઇઝિંગ કરવાનો સ્વભાવ ડિજિટલ સોશિયલ મીડિયાએ છીનવી લીધો છે. એમાં પણ, લાંબા અને ટૂંકા વિડીયોએ લિટરલી દાટ વાળ્યો છે. એવો કે જીવનમાં કરવા જેવું જો કાંઈ બચ્યું છે તો એ છે વિડીયો બનાવવા અને જોવા.

વિડીયો સુધી પહોંચેલી સોશિયલ મીડિયાની પ્રગતિ કમાલ છે. એની તવારીખ સાથેના બોક્સમાં છે. ૨૦૧૩માં ટ્વિટરની સહયોગી કંપની વાઇન પર ટૂંકા વિડીયોની શરૂઆત થઈ હતી. એ વિડીયો છ સેકન્ડના હતા પણ ઇન્ટરેક્ટિવ નહોતા. એ નિષ્ફળ પ્રયાસે એટલું કર્યું કે સોશિયલ મીડિયામાં વિડીયો આવરવાના વિચારને રમતો કરી દીધો.

૨૦૧૬માં મ્યુઝિકલી આવ્યું. ૨૦૧૮માં દોઉયિન નામની ચીની કંપની સાથે ભેળવીને ટિકટોક સર્જવામાં આવ્યું. એમાં યુઝર્સને ૬૦ સેકન્ડના વિડીયો માટે સાઉન્ડ, એડિટિંગ, ક્રિએટિવિટીનો અવકાશ મળ્યો. એનાથી આવેલા આમૂલ પરિવર્તને સોશિયલ મીડિયાની ઓળખ, ઉપયોગિતા, એનો અતિરેક અને એની ઘૂસણખોરી બદલી નાખી. પરિણામ અને દુષ્પરિણામ આપણે જોઈ અને જીવી રહ્યા છીએ.

ટિકટોકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટયુબ, સૌની નીંદર હરામ કરી નાખી. એમની પાસે પોતપોતાની રીતે શોર્ટ વિડીયો ફોરમેટમાં ઝંપલાવવા સિવાય વિકલ્પ રહ્યો નહીં. હવે એવી સિચ્યુએશન છે કે નાનું બચ્ચું શોર્ટ જોતાં જોતાં જમે છે અને દાંત વગરનાં ડોસીમા તડકે બેસે તો હાથમાં ધામક સાહિત્યની જગ્યાએ મોબાઇલ છે અને એમાં વિડીયો છે.

આપણે ત્યાં ટિકટોક નથી એટલે એની વાત જવા દઈએ. ફેસબુક, યુટયુબ પર શોર્ટ્સ અને રીલ્સના વ્યુઝની સંખ્યા ચક્કર ખવડાવનારી છે. પસીચ-પચાસ લાખ વ્યુઝ તો આલિયામાલિયા અને ઐરાગૈરા વિડીયોના હોય છે. કરોડમાં વ્યુઝ ધરાવતા વિડીયોઝ અપરંપાર છે. એમાં વળી આવા વિડીયો બનાવનારને કંપનીઓ પૈસા આપવા માંડી (વ્યુ પ્રમાણે આવક) એટલે સૌ ઘાંઘા થઈ ગયા છે. એવા કે એમની હાલત વિડીયો ગંધાય, વિડીયો ખાઉં (બનાવું) થઈ છે. ઘરમાં, ઓફિસમાં, પિકનિકમાં, ટૂરમાં, પ્રસંગમાં… મારા બેટાવ વિડીયો જ બનાવ્યે રાખે છે. ઓનલાઇન લાઇક્સ અને વાહવાહ માટે સૌ ઓફ્ફલાઇન જિંદગી માણવાથી વિમુખ થઈ ગયા છે.

આ ગાડરિયા પ્રવાહમાં જોડાનારા માટે પ્લેટફોર્મની કમી નથી. સ્નેપચેટ, વિચેટ (આપણે ત્યાં નથી), ટ્રિલર, મોજો, મિત્રોં, ચિનગારી, ટ્રેલ, શેરચેટ, રોપોસો, જોશ… એમાં જોડી દો એ પ્લેટફોર્મ્સ જે ટૂંકા વિડીયોને રસપ્રદ બનાવવા સ્પેશિયલ ઇફેક્ટ્સ પૂરી પાડે છે. એવી અગણિત એપ છે જે ક્ષુલ્લક વિડીયોને દેખાવડા કરી આપવાનું કામ પલકવારમાં કરે છે. બેઉ પ્રકારની એપ્સ લોકોના મોબાઇલ પર રાજ કરે છે. જે ટીનએજરને ચાર સાચાં વાક્ય લખતા નહીં આવડતાં હોય એ રોજ ચાર ટૂંકા વિડીયો બનાવી જાણે છે. વાસ્તવિક જિંદગીમાં જેના પાંચ સારા મિત્રો નહીં હોય એ પોતાના વિડીયોના પાંચસો વ્યુઝ કે લાઇક વગેરે મળ્યે જમીનથી બે વેંત ઊંચા ચાલે છે. સમય બહુ ખતરનાક છે.

ટૂંકા વિડીયો જોનાર અને બનાવનાર બેઉ માટે લત જેવા બન્યા છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે એકવાર શરૂ કરનારા સ્ક્રોલ (એટલે એક પછી એક મેસેજ અકારણ, યંત્રવત્ જોયે રાખવાની પ્રવૃત્તિ) કરતા કેટલો સમય બરબાદ કરી નાખે છે એનો એમને પોતાને ખ્યાલ નથી રહેતો. એના લીધે પારિવારિક, વ્યાવસાયિક, અંગત જિંદગી ઊંધા રવાડે ચડી રહી છે. સ્ક્રોલિંગ કરનારા વારંવાર અફસોસ કરીને પણ ફરી ત્યાંને ત્યાં પહોંચી જાય છે. આ લતને લીધે હાથ, કાન, આંખના સ્નાયુઓનો કચ્ચરઘાણ નીકળતા અનેક બીમારીઓ શરીરને પણ વળગે છે. છતાં, લોકો લતમાંથી છૂટી શકતા નથી એ કરુણાજનક વાત.

ટૂંકમાં, ટૂંકા વિડીયોની દુનિયા ખીખીખીખી હસવાથી, ફોરવર્ડ ફોરવર્ડ રમવાથી કે ગલગલિયાં વૃત્તિથી આગળની અને વિશાળ છે. બૌદ્ધિક વિકાસ, કમાણી કે કામ માટે એનો વિચારશીલ ઉપયોગ કરવો એ એની સાથે પનારો પાડવાની સાચી રીત છે.

ટૂંકા વિડીયોની સારી બાજુ તપાસીએ. 

ટૂંકા વિડીયોની અનેક ઉપયોગિતા પણ છે. મનોરંજન ઉપરાંત કશુંક શીખવા માટે, અર્થપૂર્ણ વહેંચવા માટે, પ્રસંગો માટે, વેપાર માટે, ઘણી બાબતો માટે. સમજણ અને પ્રમાણભાન સાથે ટૂંકા વિડીયો માણવા કે બનાવવામાં આવે તો લાભદાયી છે. ટૂંકા વિડીયો બનાવવાના કામને વ્યવસાય બનાવવા થનગનતા સિરિયસ લોકો માટે એ આજીવિકાનું સચોટ સાધન બની શકે છે. આવું કરીને અનેક લોકો નામી થયા છે. ઇન્ફ્લુએન્ઝર તરીકે સરસ કરિયર ધરાવતા લોકો ઘણા છે. એમની રીત, સ્ટ્રેટેજીનો અભ્યાસ કરીને આ દિશામાં આગળ વધવામાં ખોટું નથી.

ઓનલાઇન દુનિયામાં તમે પણ હશો એવું ધારી લઈએ. જો એની લત લાગી છે તો વહેલામાં વહેલી તકે મનને મુશ્કેરાટ બાંધીને સુધરવાનો સંકલ્પ કરો. સંકલ્પને વળગી પણ રહો. આનંદ માટે, જ્ઞાાન માટે કઈ હદે શોર્ટ્સ કે રીલ્સના દીવાના રહેવું એ ઠરાવો. આ ક્ષેત્રમાંથી આવક રળવા થનગનતા હોવ તો યાદ રહે કે આડેધડ વિડીયો બનાવીને કશું વળવાનું નથી. ટૂંકા વિડીયો બનાવવા એ એક સિરિયસ પ્રોફેશન છે એ સમજ સાથે આ ક્ષેત્ર ખેડો. બાકી એમાં ખર્ચેલો સમય પૂરેપૂરો નષ્ટ થવાનો અને નુકસાન કરાવવાનો. થોડામાં ઘણું જાણજો અને, ‘થોડા વિડીયો હજી જોઉં, બનાવું’ એવા ઉત્પાતથી આઘા રહેજો તો સુખી થશો.

સોશિયલ મીડિયાની તવારીખ

  • સોશિયલ મીડિયાની શરૂઆત આમ તો છેક ૧૯૮૦ના દાયકામાં થઈ. ભલે આપણે ત્યાં ઇન્ટરનેટનો ઇ પણ ત્યારે કોઈ જાણતું નહોતું. કોમ્પ્યુસર્વ, અમેરિકા ઓનલાઇન (એઓએલ) જેવી કંપનીઓએ અંકલ સેમના દેશમાં ત્યારે આ દિશામાં પા પા પગલી ભરી દીધી હતી. એ દોર સોશિયલ મીડિયાના પારણાના દિવસોનો હતો. સ્વયં ઇન્ટરનેટ પણ ત્યારે થાળે પડવા પ્રયત્નશીલ હતું. ફાસ્ટ ફોરવર્ડ કરીને ૨૦૦૧માં આવીએ તો ત્યારે ફ્રેન્ડસ્ટર કંપનીએ પહેલીવાર સોશિયલ નેટવર્કને જે ઓપ આપ્યો ત્યાંથી એનો ખરો પ્રવાસ શરૂ થયો. પછી બ્લોગ આવ્યા અને ૨૦૦૨-૦૩માં લિન્ક્ડઇન આવી ગયું હતું. ૨૦૦૬માં આવેલા માયસ્પેસ નામના પ્લેટફોર્મે પણ જમાવટ કરી હતી. ૨૦૦૯ સુધી એ વિશ્વનું નંબર વન સોશિયલ પ્લેટફોર્મ રહયું. આજે પણ એ છે પણ એની કોઈ ખાસ વિસાત નથી.
  • તમે કહેશો ગૂગલનું શું? ગૂગલે ૨૦૦૪માં ઓરકુટ અને ૨૦૧૧માં ગૂગલ પ્લસથી સોશિયલ મીડિયામાં પગદંડો જમાવવાના નિષ્ફળ પ્રયાસ કર્યા. વચમાં, ૨૦૦૮માં ફેસબુક આવી ગયું અને બાજી ફરી ગઈ. ફેસબુક વાસ્તવમાં એક કોલેજ માટે અને શરમાળ માર્ક ઝકરબર્ગ એની પ્રેયસી સુધી મનની વાત પહોંચાડી શકે એ હેતુથી આકાર પામેલું પ્લેટફોર્મ હતું. આજે એ સોશિયલ મીડિયાનું બાપ પ્લેટફોર્મ છે.
  • વચ્ચે બીજાં અનેક પ્લેટફોર્મ્સ આવ્યાં અને ગયાં, અથવા નામશેષ થવાને આરે પહોંચીને ટકવાનાં હવાતિયાં મારી રહ્યાં છે. એમાં એક હતું રાયઝ નામનું પ્લેટફોર્મ. ફેસબુક અને લિન્ક્ડઇન પહેલાં એ પ્રોફેશનલ્સનું માનીતું પ્લેટફોર્મ હતું. એક ઝિન્ગ નામનું પ્લેટફોર્મ હતું અને આજે પણ છે. સમયના ચક્રમાં જોકે આવાં કંઈક પ્લેટફોર્મ્સના મૂલ્યનું જબ્બર ધોવાણ થયું.
  • લખાણ (બ્લોગ), તસવીરો અને પછી વિડીયો સુધી સોશિયલ મીડિયાએ અસાધારણ પગપેસારો કર્યો છે. ટેકનોલોજીની ક્રાંતિ, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને દરેક હાથમાં મોબાઇલ જેવાં પરિબળોએ માણસને સ્વેચ્છા કે પરાણે સોશિયલી એક્ટિવ કર્યો છે. સોશિયલ મીડિયાએ વાંચન ઘટાડયું છે, દેખાડો વધાર્યો છે, સમયની બરબાદી સ્વીકાર્ય કરી છે અને જ્ઞાાનોપાર્જન સહેલું કરીને જ્ઞાાનવિસ્મરણ ઝડપી કરી નાખ્યું છે. માહિતી, અને મનોરંજનના અતિક્રમણથી સોશિયલ મીડિયાએ મગજ કુંઠિત કર્યાં છે. એમાં ફેક ન્યુઝ કે ગેરમાર્ગે દોરતી માહિતી ઉમેરો તો ઇન્ટરનેટની ક્રાંતિએ ખરાખોટાનો ભેદ પારખવો અઘરો કરી નાખ્યો છે.
  • એની સૌથી મોટી કિંમત એ જેન-એક્સ જ ચૂકવવાની છે જેણે એ સમાજ જોયો નથી જ્યાં જ્ઞાાનની ભૂખ સંતોષવા કરવો પડતો ઉદ્યમ અનેક શક્યતાઓને જન્મ આપતો. જ્યાં ઓછું જાણીને વધુ સંતોષ માણી શકાતો. છતાં, અત્યારે એટલું કે આ ચક્ર લાંબું ચાલવાનું છે અને એનું રિવર્સ અઘરું થઈ ગયું છે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 10 ફેબ્રુઆરી 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

 

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/10-02-2023/6

Share: