એક ડિરેક્ટર બેલડી અને એક પછી એક ઉત્તમ,સફળ વેબ સિરીઝની વણજાર. ફિલ્મી દુનિયામાં ઠીકઠીક નામ કમાયા પછી રાજ અને ડી. કે.એ ઓટીટી વિશ્વમાં એ માપદંડો સર્જ્યા છે જે ઘણાને મીઠી ઈર્ષ્યા કરાવે. એમની લેટેસ્ટ વેબ સિરીઝફર્ઝીએ કમાલની શરૂઆત કરી છે. એમની બીજી અમુક સિરીઝ પણ આવવાને છે. 

2013માં સૈફ અલી ખાનને ચમકાવતી એક ફિલ્મ નામે ‘ગો ગોવા ગોન’ આવી હતી. પોતાના સમયની એ જુદી ફિલ્મ હતી. ઘણાને ગમી અને ઘણાએ એને વખોડી. એક વાત નક્કી હતી કે એ રૂટિન ફિલ્મ નહોતી. એ ફિલ્મ સુધીમાં બે સોફ્ટવેર એન્જિનિયર ટર્ન્ડ ફિલ્મમેકર્સ, રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી. કે.એ ફિલ્મજગતમાં એક દાયકો જોઈ લીધો હતો. અમેરિકામાં મસ્ત મજાની આવકવાળી નોકરી છોડીને તેઓ મુંબઈ આવ્યા હતા, મિશન સાથે કે ફિલ્મો બનાવવી છે. શરૂઆતમાં એમણે બચતને મુંબઈમાં ટકવાનો આર્થિક ટેકો બનાવીને કામ ચલાવ્યું. ‘ગો ગોવા ગોન’ સુધીમાં એમની બે ફિલ્મો, ‘99’ અને ‘શોર ઇન ધ સિટી’એ એટલું સાબિત કર્યું હતું કે એમનું ફિલ્મ ક્રાફ્ટ કંઈક હટ કે છે. ‘શોર ઇન ધ સિટી’નાં ખાસ્સાં વખાણ થયાં હતાં છતાં, સુપર સફળતાની રાજ અને ડીકેને પ્રતીક્ષા હતી.

હવે 2023માં આવો. બીજો એક દાયકો સૈફની પેલી ફિલ્મને થઈ ગયો છે. રાજ અને ડી. કે આજે સૌથી સફળતમ ડિરેક્ટર્સ તરીકે મોજ કરી રહ્યા છે. બોલિવુડ અને ઓટીટીના તમામ કલાકારોને એમની સાથે કામ કરવું છે. દિગ્ગજ ઓટીટી પ્લેટફોર્મ્સ એમને પોતાના કરવા તલસી રહ્યા છે. એ લડાઈમાં હાલપૂરતું નેટફ્લિક્સે જીત મેળવીને ડિરેક્ટર્સ બેલડી સાથે લાંબા ગાળાનો કરાર કરી લીધો છે. એમની લેટેસ્ટ સિરીઝ ‘ફર્ઝી’એ રિલીઝ પહેલાં જે હવા બનાવી એ અસ્થાને નથી રહી. સિરીઝ 10 ફેબ્રુઆરીએ આવી એ સાથે લોકચર્ચાનો વિષય બની અને સફળતાની ટ્રેક પર દોડી રહી છે. ‘મની હાઇસ્ટ’ અને ‘સ્કિવ્ડ ગેમ’ વિદેશી સિરીઝ છતાં આપણે ત્યાં ટૉક ઓફ ધ ટાઉન બની જબ્બર સફળ રહી. એવું જ કંઈક ‘ફર્ઝી’ના મામલે થશે એવા અત્યારે આસાર છે.

રાજ અને ડી. કે. એટલે સફળતા એવી અત્યારે વ્યાખ્યા બની છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. ઓટીટીમાં તેઓ ઓલમોસ્ટ નંબર વન મેકર્સ છે. એમની સફળતાનો પાયો નખાયો મનોજ બાજપાઈને ચમકાવતી 2019ની ‘ધ ફેમિલી મેન’ની સીઝન વનથી. એક અંડરકવર એજન્ટ કે કહો જાસૂસ કઈ રીતે પરિવારથી પોતાના વ્યવસાયની વાસ્તવિકતા છુપાવીને દેશ માટે જિંદગી દાવ પર લગાડીને ફરજ નિભાવે છે એની એમાં વાત હતી. ‘ધ ફેમિલી મેન’ ગુણવત્તા અને પરફોર્મન્સનું પરફેક્ટ કોમ્બિનેશન હતી. ઓરિજિનલ વાર્તા, જે રાજ અને ડી. કે.ની ખાસિયત છે, ધરાવતી સિરીઝ ખાસ્સી જોવાઈ અને લાંબો સમય ટોચ પર રહી. સીઝન ટુ પણ દમદાર હતી. પછી રાજ અને ડી. કે.ની ક્રિએટિવ ક્ષમતા વિશે કોઈને શંકા ના રહી.

શાહિદ કપૂર અને વિજય સેતુપતિ વગેરેને ચમકાવતી ‘ફર્ઝી’ના સર્જન પાછળ રસપ્રદ કિસ્સો છે. એમાં નિષ્ફળ કલાકાર આવકના ધાંધિયા વચ્ચે નકલી ચલણી નોટો છાપવા તરફ વળતો બતાવાયો છે. શરૂઆત જરૂરિયાત માટે કરી એ ધીમેધીમે લોભના વમળમાં અટવાતો જાય છે. વાર્તામાં પછી ગેન્ગસ્ટર અને પોલીસ જોડાય છે. પ્લોટને આઠેક વરસ પહેલાં રાજ અને ડી. કે.એ ફિલ્મ તરીકે ડિમોનિટાઇઝેશન પહેલાં વિચાર્યો હતો. એ વખતે એમણે શાહિદ કપૂરને પ્લોટ જણાવીને સાઇન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે વાર્તા સવિસ્તર હતી. એને ફિલ્મ તરીકે ન્યાય આપવા વિશે મેકર્સમાં અવઢવ હતી.

પછી જે થયું એ સારા માટે. ‘ફર્ઝી’ના પ્લોટને ફિલ્મને બદલે સિરીઝ તરીકે વિકસાવવામાં આવ્યો. ઉપરાંત, મૂળ પ્લોટ વિચાર્યા પછી દેશમાં ખરેખર ડિમોનેટાઇઝેશન આવવાથી પ્લોટમાં ખાસ્સા સુધારા કરવામાં આવ્યા. સુધારા એટલા માટે કે ડિમોનેટાઇઝેશનથી નકલી ચલણી નોટોના દૂષણનો અંત આવવાની વાત હતી. જો નકલી નોટો રહે નહીં તો ‘ફર્ઝી’ બની શકે નહીં. એટલે નવેસરથી પ્લોટ ઘડાયો.

‘ફર્ઝી’ પહેલાં આ બેલડીએ નિર્માતા તરીકે બે ઉત્તમ સર્જનો મોટા પડદા માટે આપ્યા’ હતા’. બેઉમાં એમણે દિગ્દર્શનને બદલે નિર્માતાની જવાબદારી ઉઠાવી હતી. એક ફિલ્મ હતી ‘સ્ત્રી’, જેને અમર કૌશિકે દિગ્દર્શિત કરી હતી. બીજી હતી તેલુગુ ફિલ્મ ‘સિનેમા બાન્દી’, જેના દિગ્દર્શક પ્રવીણ કન્દ્રેગુલા હતા. 2018ની ‘સ્ત્રી’માં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર વગેરે હતાં. રાજ મૂળે તિરુપતિના અને ડી. કે. ચિત્તૂરના છે. રાજને ફિલ્મનો આઇડિયા બાળપણમાં તિરુપતિનાં ઘરો બહાર ભૂતણીને આઘી રાખવા લખાતા એક વાક્ય પરથી મળ્યો હતો. એમાં ટ્વિસ્ટ એટલો ઉમેર્યો કે ફિલ્મની ભૂતણી ગામના પુરુષોની પાછળ પડી છે. નાના બજેટની આ ફિલ્મે રૂ. 120 કરોડનું કલેક્શન કરીને રંગ રાખ્યો હતો.

‘સિનેમા બાન્દી’ની વાર્તા એકદમ સરળ પણ રોચક હતી. એમાં નાનકડા ગામે જનારો શહેરનો એક કેમેરામેન રિક્શામાં એનો મોંઘોદાટ કેમેરા ભૂલી જાય છે. એ કેમેરાથી રિક્શાવાળો, વીરાબાબુ, ફિલ્મ બનાવીને જાદુ કરે છે. આ ફિલ્મ કેવી રીતે બની એ જાણવું પણ રસપ્રદ છે. 2018માં પ્રવીણ અને રાજ-ડી.કે. ની એક ઇન્ટરવ્યુમાં પહેલી મુલાકાત થઈ હતી. પ્રવીણે અન્ય લેખકો સાથે મળીને (જેમાં વસંત મરીનગંતિ નામના લેખક પણ હતા) ફિલ્મમેકિંગના આઇડિયાઝ વિશે એક નાનકડી પુસ્તિકા લખી હતી. પુસ્તકથી પ્રભાવિત રાજ-ડી. કે.એ પ્રવીણને કહ્યું, “એમ કરો, આના પરથી એક શોર્ટ ફિલ્મ બનાવો. અમે નાણાં આપશું.” પ્રવીણે શોર્ટ ફિલ્મ બનાવીને બેઉને પ્રભાવિત કર્યા. એના પછી બની ફુલ લેન્થ ફિલ્મ. નેટફ્લિક્સ પર ઉપલબ્ધ આ ફિલ્મ સબટાઇટલ સાથે જોઈ લેજો, ખરેખર મોજ પડશે.

રાજ અને ડી. કે બેઉ તિરુપતિની શ્રી વેંકટેશ્વરા કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. ત્યાં થયેલી દોસ્તી પછી બેઉએ અમેરિકા નોકરી કરી અને ફિલ્મમેકિંગમાં સાથે ઝંપલાવ્યું. ભારત આવતા પહેલાં બેઉએ અમેરિકામાં ‘શાદી.કોમ’ અને ‘ફ્લેવર્સ’ નામની બે અંગ્રેજી ફિલ્મો બનાવી હતી. એના સહિત આજે એમના નામે કુલ 10 ફિલ્મો બોલે છે, જેમાંની ત્રણના તેઓ નિર્માતા છે. ‘ફર્ઝી’ પછી એમની ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’, ‘ગુલકંદ ટેલ્સ’ અને ‘સિટાડેલ’ નામની આશાસ્પદ સિરીઝ આવવાની છે. ત્રણમાંથી સિટાડેલ અમેરિકન સિરીઝની વાર્તાથી પ્રેરાયેલી સિરીઝ છે. ત્રણેય સિરીઝમાં મોટા સ્ટાર્સ છે. ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં રાજકુમાર રાવ, દુલકર સલમાન છે. ‘ગુલકંદ ટેલ્સ’માં કુનાલ ખેમુ, પંકજ ત્રિપાઠી અને પત્રલેખા છે. ‘સિટાડેલ’માં વરુણ ધવન, સામંથા રુથ પ્રભુ છે. ઓરિજિનલ સિટાડેલમાં પ્રિયંકા ચોપરા હતી.

રાજ અને ડી. કે.ની તેજ રફ્તારની સફળતા શાને આભારી છે? એમના પોતાના શબ્દોમાં કહીએ તો એમની સતત નવા વિષયો સર્જવાની અને લખવાની ભૂખને. તેઓ કહે છે કે અમે સતત કંઈક લખલખ કરીએ છીએ. જો કોઈ અઠવાડિયે અમે કંઈક નવું લખ્યું ના હોય તો એમ પ્રશ્ન થવા માંડે કે અમે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

એમની કારકિર્દીએ મોટો અને મહત્તવપૂર્ણ વળાંક કોવિડના લૉકડાઉન સાથે લીધો. એ પહેલાં બેઉ ફિલ્મો બનાવવાને વધુ પ્રાધાન્ય આપતા હતા. લૉકડાઉનથી તેમનો ઝોંક રહ્યો ઓટીટી તરફ. એમની ‘સિનેમા બાન્દી’ બની હતી મોટા પડદા માટે પણ રિલીઝ કરવી પડી હતી ઓટીટી પર.

એક પછી એક ત્રણ વેબ સિરીઝની (બેનું શૂટિંગ થઈ ચૂક્યું છે) રિલીઝની તડામાર તૈયારીમાં વ્યસ્ત આ મેકર્સે સિદ્ધ કરી દીધું છે કે ‘ફેમિલી મેન’ અનાયાસે સફળ નહોતી. ‘ફર્ઝી’એ એમની શાખને આગળ વધારી છે. અને છેલ્લે એક આડવાત. મૂળ તેલુગુભાષી આ બેલડી આગળ કદાચ એમની માતૃભાષામાં પણ ડંકો વગાડશે, કારણ અત્યારે તેલુગુ સિનેમાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. તેમણે એક પ્રયોગાત્મક ફિલ્મ સાથે એ વિશ્વમાં પગરણ તો પહેલાં જ કરી દીધું છે. સવાલ એટલો રહેશે કે સતત વેબ સિરીઝ બનાવતા થયેલા આ બેઉ ક્યારે પાછા ફિલ્મો તરફ પ્રયાણ કરવાનો વિચાર કરે છે.

વેલ ડન, રાજ અને ડી. કે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 17 ફેબ્રુઆરી 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

 

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/17-02-2023/6

Share: