૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચે એક અધ્યાય સમાપ્ત થયો છે. સાથે શરૂઆત થઈ છે નવા પૂરું વળતર આપે એવા શોઝ માટે સજાગ થયા છે અધ્યાયની. ઓટીટી પ્લેટફોર્મ્સ પહેલાં પ્રસ્થાપિત થવા મરણિયા હતાં. હવે એ સૌ ખર્ચનું

તમારે નિર્માતા બનવું છે? ઓટીટી નામના પ્રદેશમાં રોકાણ કરીને કાંઈક કરી બતાવવું છે? મનોરંજન ઉદ્યોગના પાટનગર મુંબઈમાં કહેવાય છે કે અનેક લોકો થેલામાં પૈસા લઈને ફરે છે. એમની હોંશ કે ચાનક હોય છે નિર્માતા બનવાની. ફિલ્મ, ટેલિવિઝન અને હવે ઓટીટી પર એવા અનેક છે જેમણે વગર વિચાર્યે મોટ્ટાં રોકાણ કરીને માથે હાથ મૂકવાનો વારો આવ્યો. આ લોકો ફિલ્મ, સિરીયલ કે ઓટીટી માટે શો તો બનાવી નાખે પણ છેલ્લે એનો લેવાલ ના હોય.
વેબ સિરીઝના કામકાજે ૨૦૧૯થી હમણાં સુધીમાં એક ચક્ર જોઈ લીધું છે. કોવિડ પહેલાં ઓટીટી પ્લેટફોર્મ્સ આજ જેટલાં બળુકાં નહોતાં. એમના ભવિષ્ય સામે પ્રશ્નાર્થચિહ્ન ઝળુંબતું હતું. ફિલ્મો અને સિરિયલોનું આધિપત્ય હતું. કોવિડે સિનેમાને તાળાં વાસી દીધાં. સિરીયલ્સનાં શૂટિંગ બંધ કરાવ્યાં. ત્યારે ઓટીટી પર ઓલરેડી આવી ગયેલી સિરીઝ તરફ દર્શકોનું ધ્યાન પડયું અને બાજી પલટી ગઈ. સારી તો ઠીક, સામાન્ય વેબ સિરીઝને પણ ધોધમાર દર્શકો મળ્યા. ઓટીટી પ્લેટફોર્મ્સના દર્શકોની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો. ત્યાં સુધી ડાફરિયા મારનારા ઓટીટીના સંચાલકો સફાળા બેઠા થયા. એમને અંદેશો આવી ગયો કે થાળે પડી જવાનો આ ગોલ્ડન ચાન્સ છે. બસ, એમણે શરૂ કરી હોડ, જે મળે એ સિરીઝ ખરીદવાની.
કોવિડનાં દોઢ-બે વરસ દરમિયાન સારી-ખરાબ અનેક વેબ સિરીઝને લેવાલ મળી ગયા. નિર્માતાઓને દામ પણ સારામાં સારા મળ્યા. અમુક કિસ્સામાં શોની લાયકાત કરતાં વધારે દામ મળ્યા. છતાં, ઓટીટી પ્લેટફોર્મ્સ એટલે પાટે ચડી ગયાં કે ચોવીસેય કલાક ઘરમાં ગોંધાયેલા દર્શકો પાસે એના સિવાય કોઈ પર્યાય નહોતો.
કોવિડ પછી સિચ્યુએશન બદલાવાની એ નક્કી હતું. એ ફાઇનલી હવે દેખાય છે. એક અહેવાલ પ્રમાણે એવા ચાર-પાંચ ડઝન નાના-મધ્યમ બજેટના શોઝ છે જે નિર્માતાઓએ હોંશભેર બનાવ્યા છે, પણ કોઈ ઓટીટી એને ખરીદવા તૈયાર નથી. આ નિર્માતાઓ બોલિવુડ કે ટેલિવુડના માંધાતાઓ નથી કે નથી વગદાર. એમના માટે વેબ સિરીઝનું નિર્માણ જોખમ અને મહત્ત્વાકાંક્ષાનું કોમ્બિનેશન હતું. એમને હશે કે સારી સિરીઝ બનાવીને મનોરંજન ઉદ્યોગમાં ઝંપલાવીએ પછી…

એવું કંઈ ના થયું. કોવિડની લહેર વખતે ગેલમાં આવેલા નવોદિત નિર્માતાઓએ, ઉદ્યોગની એબીસીડી સમજ્યા વિના કરોડો રોકી દીધા. હવે એમની સિરીઝ સડી રહી છે. કોવિડ વખતે નબળા શોઝને પણ મોંઘામાં ખરીદ્યા પછી ઓટીટી પ્લેટફોર્મ્સે માથે પસ્તાળ પડતા જોઈ હતી. કોવિડ પછી, માંડ પાટે ચડેલી ઓટીટીની ગાડી વળી લસરી પડે નહીં એ માટે એમણે તોસ્તાન ખર્ચે, સ્ટાર સહિત અને રહિતની વેબ સિરીઝમાં મોટું રોકાણ પણ કરી જોયું. એમાંની પણ ઘણી ડબ્બો નીકળી. નિષ્ફળ શોઝ માત્ર નવોદિતોના નહીં, વિશ્વસનીય બેનર્સના પણ હતા. મુદ્દે, સંખ્યા પાછળ દોડતાં દોડતાં ઓટીટીએ ચક્રવ્યુહનો એક કોઠો ભેદ્યો પણ બહુ મોટી કિંમત ચૂકવીને.
હવે તેઓ ઠોકર ખાવા માગતા નથી. એમને જરૂર છે તગડા શોઝની જે હાથમાં આવેલા દર્શકોને જકડી રાખે, ટકાવી રાખે. એમને જરૂર છે એવા શોઝની જે દર્શકોને મહિને કે વરસે લવાજમ રિન્યુ કરવાની ફરજ પાડે. અન્યથા, એમનું આવી બને. બીજા એક અહેવાલ પ્રમાણે ડિઝની પ્લસ હોટસ્ટારે એનો હિસ્સો અથવા ભારતનો પૂરો બિઝનેસ વેચી નાખવાની વિચારણા કરવા માંડી છે. આઈપીએલને લીધે એનું જે વર્ચસ્વ સ્થપાયું એની સામે જિયો સિનેમાએ જબરદસ્ત પડકાર ફેંક્યો એમાં આવું થયું. વાત આ એક પ્લેટફોર્મની નથી, ટોચ પર પહોંચી જનારા કોઈ પણ પ્લેટફોર્મની હોઈ શકે છે. જરાક ચૂક્યા અને કામથી ગયા.
હવે ડગલું નહીં ચૂકવાની બીકે ઓટીટીના સંચાલકો છાશ પણ ફૂંકીફૂંકીને પી રહ્યા છે. અપવાદરૂપ અને પોતાના ભરોસંમંદ બેનર્સને બાદ કરતાં પ્લેટફોર્મ્સ કોઈના ખર્ચાળ શો આંખ બંધ કરીને ખરીદવા તૈયાર નથી. એવામાં નવોદિત નિર્માતાઓનું ગજું ક્યાં વાગવાનું?
ઓટીટી પર મુખ્યત્વે બે રીતે કામ થાય છે. એકમાં નિર્માતા કે સર્જક (એટલે લેખક, દિગ્દર્શક) સારા પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકે, પ્લેટફોર્મને રસ પડે અને બજેટ વિશે સંમતિ થાય તો પ્લેટફોર્મ એડવાન્સ આપે. એ પૈસામાંથી નિર્માણ થાય અને શો સ્ટ્રીમિંગ સુધી પહોંચે. બીજી રીતમાં નિર્માતા (કે સર્જકો) પંડના ખર્ચે શો બનાવીને એને રજૂ કરે પ્લેટફોર્મ સમક્ષ. પ્લેટફોર્મને રસ પડે તો ભાવ નક્કી થઈને સોદો પાર પડે. ‘પંચાયત’ સહિત ઘણી સુપર સિરીઝ આપનારી ટીવીએફ નામની કંપનીએ પોતાના ખર્ચે યુટયુબ પર શોઝ રિલીઝ કરીકરીને આજનો મુકામ હાંસલ કર્યો છે. આ સિવાયની પણ રીત છે જેની ચર્ચા અત્યારે નહીં કરીએ.
પ્લેટફોર્મના ખર્ચે જ નિર્માણ પામનારા શોઝની સંખ્યા ફટાફટ ઓછી થઈ ગઈ અને થઈ રહી છે. બીજામાં નિર્માતાએ જુગાર ખેલવાનો છે. જેઓ ઓલરેડી રમીને બેઠા છે એ કપાળ કૂટી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ્સ સ્પષ્ટ થઈ રહ્યા છે કે પૈસા કેવા ટાઇપના શોઝમાં લગાડવા. ગુણવત્તાના આગ્રહને ઓટીટી પ્લેટફોર્મ્સ ખરેખર વળગી રહેશે તો વેબ સિરીઝની તળિયે જઈ રહેલી ગુણવત્તા ફરી સુધરશે. સાથે, આ ઉદ્યોગને સમજ્યા-કારવ્યા વિના જેઓ સિરીઝ બનાવવા નીકળી પડશે એમણે પસ્તાવાનો વારો આવશે. બાકી બધું એની જગ્યાએ છે. સો વાતની એક વાત એ છે કે નિર્માતાઓ હોય કે ઓટીટી પ્લેટફોર્મ્સ, એમના કામથી સારા શોઝ બનતા રહે તો ગંગા નાહ્યા.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.13 ઓકટોબર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Share: