• ભારતીય ભાષાઓ જ નહીં, ભાષાની બોલીઓ પણ વૈવિધ્યસભર છે. એક ટીવી શોમાં આવી બોલીઓને આવરી લેતું ઓટીટી પ્લેટફોર્મને ઝળક્યું અને એ સાથે પર સૌનું ધ્યાન એના પર ખેંચાયું.
  • ઓટીટી પર દૂરદર્શનનો પ્રભાવ પણ વધવાનો છે. યાદ રહે,  દેશના ખૂણેખૂણે પહોંચવાની દૂરદર્શન જેવી તાકાત હજી અનેક ઓટીટી પાસે નથી.

સ્ટેજ નામના ઓટીટી પ્લેટફોર્મ વિશે હજી હમણાં સુધી દેશના બહુમતી લોકો ખાસ જાણતા નહોતા. શાર્ક ટેન્કમાં એના રોકાણકારો આવ્યા એ સાથે ચારેકોર એની ચર્ચા થવા માંડી છે. શક્ય છે એના પછી આ ઓટીટી પ્લેટફોર્મને ડાઉનલોડ પણ અસંખ્ય લોકોએ કર્યું હશે. હાલમાં આ ઓટીટી હરિયાણવી અને રાજસ્થાની ભાષાના દર્શકોને મનોરંજન પીરસે છે. આગળ એનું લક્ષ્ય દેશની અન્ય ભાષા અને બોલીઓને આવરી લેવાનું છે. એક ટકા ઇક્વિટી માટે એક કરોડ રૃપિયા સ્ટેજને મળ્યા એ વાત બતાવે છે કે આ ક્ષેત્રનું ભવિષ્ય ખરેખર કેટલું ઉજળું હશે.

એટલે તો ઓટીટીની દુનિયામાં અનેક નવી બાબતો નિરંતર આકાર લઈ રહી છે. એક પછી એક નવું પ્લેટફોર્મ તો આવી જ રહ્યું છે, એમના કાર્યક્રમોની તરેહ પણ વર્તમાન પ્લેટફોર્મથી જુદી હોય એના પ્રયાસો પણ જારી છે. એવી અમુક આકાર લઈ રહેલી બાબતોની ચર્ચા કરીએ.

દૂરદર્શન અને આકાશવાણીથી આપણે પરિચિત છીએ. દેશમાં કદાચ બીજા કોઈ બ્રોડકાસ્ટર પાસે નહીં હોય એટલો મનોરંજનનો ખજાનો પ્રસાર ભારતી પાસે છે, જે દૂરદર્શન અને આકાશવાણીનો ઇજારો ધરાવે છે. આશરે ચાડાચાર કરોડ ઘરોમાં ડીડીની ફ્રી ડિશ લાગી છે જે એને દેશમાં આ ક્ષેત્રમાં નંબર વન બનાવે છે. દૂરદર્શનની ઇંગ્લિશ ન્યુઝ ચેનલ ડીડી ઇન્ડિયા દેશની નંબર વન ઇંગ્લિશ ન્યુઝ ચેનલ છે. ભારત ઉપરાંત એ કોરિયા, બાંગલાદેશ, મોરિશિયસ, માલદિવ્સ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા સહિતના ૧૯૦ દેશોમાં સેટેલાઇટ અને ઓટીટી મારફત જોઈ શકાય છે. ડિટ્ટો એવું આકાશવાણીનું છે જે દેશની ૮૦% પ્રજાને આવરી લેવાના મોરચે કમર કસી ચૂક્યું છે.

યપટીવી સાથે ગયા માર્ચમાં ભાગીદારી કરીને પ્રસાર ભારતીએ ઓલરેડી ઓટીટીમાં પગરણ કર્યું હતું. હવે એ પોતાનું ઓટીટી પ્લેટફોર્મ શરૃ કરવાનું વિચારી રહ્યું છે. એની ચેનલ્સની સંખ્યા ૧૧૬થી વધારીને ૨૫૦ કરવાની યોજના પણ છે. આમાંની અનેક ચેનલ્સ એચડી ફોરમેટમાં કન્વર્ટ થવાની છે. ઓટીટી પર દૂરદર્શનના વધતા પ્રભાવનો અર્થ એમ કે વિનામૂલ્યે પણ દર્શકોને અપરંપાર કાર્યક્રમો માણવાનો વિકલ્પ હાથવગો થશે. યાદ રહે કે દેશના ખૂણેખૂણે પહોંચવાની તાકાત હજી અનેક ઓટીટી પાસે નથી. ઉપરાંત શહેર કેન્દ્રિત ઓટીટી પ્લેટફોર્મ્સને અંતરિયાળ વિસ્તારોના દર્શકોને મનોરંજન પીરસવાની ઉતાવળ પણ નથી લાગી રહી. એવામાં દૂરદર્શન જો પોતાની જાળ વિસ્તારે છે તો કરોડો દર્શકોને લાભ થશે.

ડિસ્કવરી પ્લસ આપણે ત્યાં ૨૦૨૦થી સિરિયસ ઓટીટી પ્લેયર થવાની દિશામાં પહેલ કરી ચૂક્યું હતું. એ અલગ વાત છે કે કંપનીએ પ્રતિસ્પર્ધકોને હંફાવવા ખાસ કોઈ પગલાં લીધાં નહીં. હા, ક્યારેક એ પાણીના ભાવે ત્રણ વરસનું સબસ્ક્રિપ્શન ઓફર કરે છે, જેનાથી ગુણવત્તાભર્યા અને બીબાઢાળ કાર્યક્રમોથી અલગ કશુંક જોવા ઝંખતા લોકો આકર્ષાઈને સબસ્ક્રિપ્શન ખરીદે છે. આ મામલે હવે પરિવર્તન કદાચ ઢુંકડું છે. ડિસ્કવરી એના સિગ્નેચર કાર્યક્રમો ઉપરાંત હવે અન્ય પ્રકારના શોઝ અને ફિલ્મો પણ સ્ટ્રીમ કરવાને સુસજ્જ થઈ રહ્યું છે. ડિસ્કવરીની યોજના બાળકો, રમતગમત અને મનોરંજન ત્રણેય મોરચે વધુ કાર્યક્રમો પીરસવાની છે. એ દિશામાં કંપનીએ અમેરિકાના એ પ્લસ ઈ નામના નેટવર્કની લાઇબ્રેરી હસ્તગત કરીને ગયા વરસે પ્લેટફોર્મમાં ઉમેરી છે. હાલમાં ડિસ્કવરી સાત ભાષામાં સેવા પૂરી પાડે છે. આગળ ભાષાઓ વધી શકે છે. ગયા વરસે વોર્નર મીડિયા સાથે ડિસ્કવરીનું જોડાણ થયું. એ સાથે હવે એ દિવસો દૂર નથી જ્યારે ડિસ્કવરી પણ પ્રમુખ ઓટીટી પ્લેટફોર્મ્સને સીધી સ્પર્ધા આપે. ભારતમાં એચબીઓ મેક્સ ઘણા સમયથી ઉપલબ્ધ છે. એ પણ વોર્નરનું જ ઓટીટી પ્લેટફોર્મ છે. એ હવે ડિસ્કવરી સાથે મળીને દર્શકોને મનોરંજનનો ક્યાંય વધારે વિસ્તૃત અને આકર્ષક ખજાનો પૂરો પાડશે.

રિલાયન્સ જેમ દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ સિદ્ધ કરવા લાંબા ગાળાની તગડી યોજનાઓ અમલમાં મૂકે છે એમ એણે ઓટીટીની દુનિયામાં પણ કર્યું છે. જિયો ટીવી સૌને સુલભતાથી પ્રાપ્ય છે. એ એક પછી એક એવી ભાગીદારી કરવાના માર્ગે છે કે એમાં ઉપલબ્ધ મનોરંજન મહાસાગર બની જાય. હાલમાં કંપનીએ ઇંગ્લિશ પ્રીમિયર લીગની વિજેતા ફૂટબોલ ટીમ માન્ચેસ્ટર સિટી ભાગીદારી કરી છે. આ ટીમનું પોતાનું ઓટીટી પ્લેટફોર્મ છે જે હવે જીયો ટીવી સાથે ઉપલબ્ધ થશે. ફૂટબોલ વર્લ્ડ કપ હમણાં જ પત્યો. ભારતમાં આ રમતના ચાહકોની સંખ્યા છેલ્લાં ઘણાં વરસોથી લગાતાર વધી રહી છે. એ ધ્યાનમાં રાખીને જ જિયોએ મેન સિટીની ટીમ સાથે જોડાણ કર્યું છે.

સ્ટોરીડેક નામના એક ઓટીટી પ્લેટફોર્મના લોન્ચિંગની આપણે અછડતી વાત આ પહેલાં કરી ગયા હતા. ખરા અર્થમાં પારિવારિક મનોરંજન પીરસવાનો ઉદ્દેશ ધરાવતા આ ઓટીટી જેવાં બીજાં પણ આપણે ત્યાં આવશે અને આવવાં જોઈએ. ઓટીટી પર ક્રાઇમ, સેક્સ અને નકારાત્મક બાબતોનો અતિરેક છે. ભારતીય દર્શકો માટે એની આગળ પણ એક એક્સાઇટિંગ દુનિયા હોઈ શકે છે. એવી આશા જરૃર સેવી શકાય કે નિર્ભેળ પારિવારિક મનોરંજન પીરસતાં પ્લેટફોર્મ્સ આપણે ત્યાં ઘણાં આવે.

આ બધામાં ઉમેરી દો હાલમાં ટીવી પર છવાયેલી ચેનલ્સ. આવનારા સમયમાં એમાંની ઘણી પોતાનાં ઓટીટી પ્લેટફોર્મ્સ લાવશે કેમ કે એ એમના માટે નેચરલ એક્સ્ટેન્શન છે. દાખલા તરીકે, ગયા વરસે ટીવીનાઇન, સીએનબીસી ટીવી અને ઇન્ડિયા ટુડેએ પોતપોતાનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું. ભલે એ તરફ સૌનું હજી ખાસ ધ્યાન ખેંચાયું નથી પણ મોટી મીડિયા કંપનીઓ પાસે ઓટીટી ક્ષેત્રમાં ઝંપલાવવું અનિવાર્ય છે. એમની પાસે અનુભવ, આવડત, નાણાં અને દર્શકગણ છે. જેવી કંપની હશે એ પ્રકારનું ઓટીટી પ્લેટફોર્મ સૌ લાવશે. એટલે ન્યુઝ, સ્પોર્ટ્સ, કાર્ટૂન, ગેમ્સ, મ્યુઝિક, શોપિંગ… દરેક પ્રકારનાં ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યા નિરંતર વધતી રહેવાની છે.

ભારતીય ભાષાઓ અને ભારતીય કોન્ટેન્ટ ઓટીટી માટે ઉજળા ભવિષ્યનું ટ્રમ્પ કાર્ડ બને એવી પૂરી શક્યતા છે. સ્ટેજ નામનું એક પ્લેટફોર્મ હોય એ પૂરતું થવાનું નથી. એક સમયે ઘણી મીડિયા કંપની યુટયુબ ચેનલની કે વેબસાઇટની બાબતમાં ખાસ ગંભીર નહોતી. જતે દહાડે એમ થયું કે સૌએ એ મોરચે મોટું રોકાણ કર્યું અને ખાસ યુટયુબ માટે કે વેબસાઇટ માટે જ કોન્ટેન્ટ બનાવવાનું પણ શરૃ કર્યું. ટેકનોલોજીએ આ બેઉ વિકલ્પોને માનવીના જીવનમાં સાંગોપાંગ વણી નાખ્યા છે. ઓટીટી એ દિશામાં જ આગળ વધી રહ્યું છે.

એમાં વળી હવે કંપનીઓ નવી નવી યોજનાઓ થકી લોકોને એક લવાજમ ભરીને અનેક ઓટીટી પ્લેટફોર્મ્સ એક જ મંચ પર જોવાની સુવિધા પૂરી પાડવા માંડી છે. એના લીધે પણ આ બિઝનેસમાં મોટા ફેરફાર થશે. ઓછા પૈસે અને ઓછી એપ ડાઉનલોડ કરીને જ્યારે કાર્યક્રમોના અનેક વિકલ્પ મળતા થાય ત્યારે નવા ગ્રાહકો ઓટીટી તરફ આકર્ષાય એ સહજ છે.

તો તૈયાર રહો, દેશી મનોરંજન માટે, ઝાઝાં બધાં ઓટીટી પ્લેટફોર્મ્સ માટે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 13 જાન્યુઆરી 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/13-01-2023/6

Share: