એકસરખી રીતે સર્જક કશુંક પીરસે ત્યારે વાર્તા બદલાવા છતાં અસરકારકતા ઘટે છે. એવું કરણ જોહર કરે કે ભણસાલી, એ ખટકે જ. ગંજાવર ખર્ચ પછી પણ ‘હીરામંડી’ જો ગળચટ્ટી નથી લાગતી તો એની પાછળ વાજબી કારણો છે
હીરામંડી. જેનું સપનું સંજય લીલા ભણસાલીએ વરસો જોયું. જેનું શૂટિંગ 2022-23માં જૂનથી જૂન વચ્ચે થયું. જેના માટે રૂ. 200 કરોડ વેરાયા. જેમાં એક હીરો સામે ઓલમોસ્ટ અડધો ડઝન હીરોઇન્સ છે. એવી આ સિરીઝ કેવીક છે?
એવરેજ. 2022માં ભણસાલીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બનાવી. એમાં મુંબઈના રેડલાઇટ એરિયા પર રાજ કરતી ગંગુબાઈની વાત હતી. ‘હીરામંડી’માં અખંડ ભારતના લાહોરમાં તવાયફોની જાહોજલાલીવાળા રેડ લાઇટ એરિયા હીરામંડીની વાત છે. ‘ગંગુબાઈ’ની જેમ સિરીઝ પણ લાર્જર ધેન લાઇફ અને મસાલાસભર છે. ભણસાલીએ મોઇન બેગની કથાને કલાકેકના આઠ એપિસોડમાં ફેરવી છે. આગળની વાત કરતા પહેલાં એક નજર કથાનક પર.
લાહોરના તવાયફી વિસ્તાર, રેડ લાઇટ એરિયા, હીરામંડીનું સૌથી વગદાર તવાયફખાનું, શાહી મહલ (અસલ હીરાંમડીની તવારીખનો શાહી મહોલ્લા) છે. એના પર મલ્લિકાજાન (મનીષા કોઇરાલા)નું સામ્રાજ્ય છે. દીકરીઓ બીબ્બોજાન (અદિતી રાવ હૈદરી), આલમઝેબ (શરમીન સેગલ), દત્તક દીકરી લજ્જો (રિચા ચઢ્ઢા) બહેન વહીદા (સંજીદા શેખ) વગેરે સાથે એ લાહોરની રાણી જેવા ઠાઠ માણે છે. નવાબો અને ધનાઢ્યો પર એની વગ છે. એની સર્વોપરિતા સામે વરસો પહેલાં એની જ બહેન રેહાના (સોનાક્ષી સિંહા)એ પડકાર ફેંક્યો હતો. એનાથી ગિન્નાયેલી મલ્લિકાએ બહેનને પતાવી નાખી હતી. હવે રેહાનાની દીકરી ફરીદન (સોનાક્ષી અગેઇન) શત્રુ-પ્રતિસ્પર્ધી બની છે. ‘હીરામંડી’ કથા છે બેઉના વૈમનસ્યની, આલમઝેબના પ્રેમમાં પડતા, અને પછી ક્રાંતિકારી બનતા, નવાબજાદા તાજદાર (તાહા શાહ)ની, અને અંગ્રેજી અફસરોની.
સંવાદો અને અભિનયઃ દિવ્યા નિધિ અને વિભુ પુરીના સંવાદો ઝમકદાર છે. “બીવી સચ, માશુકા ખ્વાહિશ, તવાયફ તમન્ના” એવા મતલબનો સંવાદ હોય કે મલ્લિકાજાન, ફરીદન, તાજદાર, આલમઝેબ વગેરે પાત્રોની વાતચીત-દલીલ, અનેક સંવાદો સારા છે. મુશ્કેલી પણ કે મોટાભાગના સંવાદો સદંતર સિનેમેટિક છે. મનીષા, તાહા, ભણસાલીની ભાણી શરમીનનો અભિનય અવ્વલ છે. છએક ફિલ્મો અને ત્રણેક સિરીઝમાં ઓલરેડી આવી ચૂકેલો તાહા આજ સુધી કેમ સારા કલાકાર તરીકે કોઈના ધ્યાનમાં નહીં આવ્યો હોય? શરમીને 2019માં મામાએ જ પ્રોડ્યુસ કરેલી ‘મલાલ’થી પદાર્પણ કર્યું હતું. એમાં એનું પાત્ર આસ્થા અને ફિલ્મ બેઉ ભૂલવાયોગ્ય હતાં. હવે સિરીઝથી એની કરિયર ઊંચકાશે. ઇન્દ્રેશ મલિક નામના કલાકારને સ્ત્રૈણ ઉસ્તાદના પાત્રમાં જોઈને તબિયત ખુશ થઈ જશે. આ પહેલાં એ ‘ફન્ને ખાન’, ‘ગુમરાહ’, ‘ગંગુબાઈ’ જેવી ફિલ્મો અને અમુક સિરિયલ્સમાં દેખાયો, પણ છવાશે હવે. ફરીદા જલાલને અંતરાલ પછી સોળે કળાએ ખીલતાં જોઈને ખુશ થવાય છે. અદિતી, સંજીદા પણ સારી છે. અંગ્રેજ અફસર કાર્ટરાઇટ તરીકે જેસન શાહ જામે છે. નાનાં પાત્રોમાં રિચા ચઢ્ઢા, કમબેક કલાકાર ફરદીન ખાન (વલી મહમ્મદ), શેખર સુમન (ઝુલ્ફીકાર) પણ નોંધનીય છે.

ગીતોઃ ભણસાલીના સર્જનમાં સંગીત કરોડરજ્જુ હોય જ. હવે તેઓ ફુલ-ફ્લેજેડ સંગીતકાર પણ છે. નવેક ગીતવાળી સિરીઝમાં સકલ બન, ચૌદહવી શબ અને આઝાદી, ત્રણ મજાનાં ગીતો છે. અન્ય ગીતો બંધબેસતાં ખરાં પણ ઓકે.
પુનરાવર્તનઃ ‘દેવદાસ’, ‘રામલીલા’, બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી.’ ભણસાલીની આ ફિલ્મોસમ બાબતોનું અહીં પુનરાવર્તન છે. ‘દેવદાસ’માં એમણે પહેલીવાર કથાને ભવ્યાતિભવ્ય રજૂ કરવાનો કસબ બતાવ્યો હતો. સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયના સામાન્ય દેવદાસને ભણસાલીએ અમીરાતના વાઘા પહેરાવ્યા છતાં, દર્શકો વારી ગયા હતા. એમાં તવાયફ ચંદ્રમુખી હતી. ‘ગંગુબાઈ’ વાત જ વેશ્યાની હતી. ‘હીરામંડી’ના કેન્દ્રમાં તવાયફો છે. એમને અલ્ટ્રા ગ્લેમરસ બતાવવાની વાત પ્રોડક્શનની દ્રષ્ટિએ સુપીરિયર હોવા છતાં, ખટકે છે. મનમાં થાય કે ભવ્યતા સમજ્યા, અસલિયત ક્યાં? કથા બેશક કાલ્પનિક છે પણ એમાં થોડીક વાસ્તવિકતા હોત તો…
શૂન્ય પંજાબિયત અને હકીકતઃ અખંડ પંજાબનું લાહોર હાડોહાડ મુસ્લિમ શહેર નહોતું. ‘હીરામંડી’નું લાહોર આજના પાકિસ્તાનનું હોય એટલી હદે એમાં મુસ્લિમિયત છે. પંજાબિયતના એમાં છાંટણા છે અને હિંદુઓ નામના છે. કહો કે, છે? 2011ની પાકિસ્તાનની ઉર્દૂ ફિલ્મ ‘બોલ’માં હીરામંડીનો ટ્રેક, વારાંગનાનું પાત્ર સબીના (જે ભજવ્યું હતું અમાન અલીએ) અને સ્ત્રીઓનો વેપાર કરતો દલાલ ઇશાક (શફાકત ચીમા) હતાં. ત્રણેય અસરકારક હતાં. ‘બોલ’માં હીરામંડી વધુ અસરકારક હતી. ભણસાલીની હીરામંડી મહેલોની, તાકાતની દુનિયા છે. એમ લાગે જાણે આખું લાહોર ત્યાંની બાઈઓ ચલાવે છે. નવાબોનાં પાત્રો શોપીસ જેવાં છે. એટલે, પરિમાણોની અછત છે. આ સિરીઝ ફેશન અને જ્વેલરી શો વધુ છે.
થેન્ક ગૉડ, સેક્સ નથીઃ વેબની અબાધિત છૂટનો સર્જકો ગાળાગાળી, નગ્નતા, નશા, અસામાજિક બાબતો દર્શાવવા દુરુપયોગ કરે છે. સ્થિતિ એવી વરવી છે કે સપરિવાર કંઈક જોઈએ ત્યારે પ્રાર્થના કરવી પડે કે ભગવાન, આમાં ભળતુંસળતું કાંઈ ના આવે. ‘હીરામંડી’માં દારૂ-સિગારેટનાં દ્રશ્યો ખરાં, પણ સેક્સપ્રચુર દ્રશ્યો નથી. તેથી સિરીઝ સહ્ય બની છે.
છેલ્લેઃ પાંચમા અને આઠમા એટલે છેલ્લા એપિસોડના જકડનારા ક્લાઇમેક્સ સિવાય, અન્ય એપિસોડ્સના ક્લાઇમેક્સ ઠીકઠાક છે. નાવીન્ય અને ઊંડાણના અભાવે રોમાંચિત થવાતું નથી. ભણસાલીનાં સર્જનનાં અમુક દ્રશ્યો માનસપટ પર સજ્જડ ચોંટી જાય છે. ‘હીરામંડી’ના એવું નામનું થાય છે. ડ્રામાના અતિરેકને લીધે પાત્રો-પરિસ્થિતિઓ સાથે એકાકાર થવામાં, એમના માટે પ્રેમ, ઘૃણા કે અનુકંપા જગાવવામાં બાધા સર્જાય છે. આ સિરીઝ જોવાશે તો ભણસાલી પાસેથી સેવાતી અપેક્ષાને, લીધે નહીં કે સિરીઝની ગુણવત્તાને લીધે.
અસલ હીરામંડીની વાત
● હીરામંડીનું નામ એક જમાનાના એના વડા પ્રધાન હીરા સિંઘ ડોગરાના નામ પરથી પડ્યું. મોગલોથી અંગ્રેજો વચ્ચે એનું કલેવર બદલાતું રહ્યું છે. ક્યારેક અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનથી બંદી બનાવીને લાવવામાં આવેલી સ્ત્રીઓના શારીરિક શોષણનું એ કેન્દ્ર રહ્યું. પછી ભારતીય સ્ત્રીઓ ઉમેરાઈ. ક્યારેક એ નવાબોની ઐયાશી અને એમના દીકરાઓને તવાયફો અને ઉસ્તાદો પાસેથી મળતી તહેઝીબની તાલીમનું કેન્દ્ર હતું. પહેલીવાર વેશ્યાગીરી શરૂ થઈ હતી અફઘાન આક્રમણ પછી. અઢારમી સદીના મધ્યમાં. હજી હીરામંડીમાં દેહવિક્રય થાય છે પણ સિરીઝની ભવ્યતાની રતિભાર ભવ્યતા ત્યાં ક્યારેય નહોતી, આજે પણ નથી.
● અસલ લાહોર, અમદાવાદની જેમ, દરવાજાબંધ શહેર હતું. એના બારમાંના પાંચ-છ દરવાજા આજે પણ છે. એ જૂનું લાહોર હવે અંદરૂની લાહોર કહેવાય છે. આજનો હીરામંડી વિસ્તાર દિવસે બજાર તરીકે ધમધમે છે. ત્યાં ખાણીપીણીના અડ્ડા છે. ખુસ્સા એટલે જૂતાં અને વાદ્યો વેચાય છે.
● હીરામંડી શાહી મહોલ્લા અને બઝાર એ હુસ્ન પણ કહેવાય છે. એ લાહોર કિલ્લા અને ઔરંગઝેબે બંધાવેલી બાદશાહી મસ્જિદની નજીક છે. અસલ હીરામંડી શાહી દરબારના નોકરો-મુલાકાતીઓનું ઘર હતું. એ ક્યારેક અનાજ બજાર પણ હતી.
● તવાયફો મૂળે વેશ્યા નહોતી. જાપાનીઝ ગેઇશા પ્રકારની સ્ત્રીઓ જેવી એમની સમાજમાં ભૂમિકા હતી. જાપાનીઝ ગેઇશા, ગેઇકો કે ગૈગી સ્ત્રીઓ તાલીમ પામેલી નિષ્ણાત અદાકારા હોય છે. તેઓ નૃત્ય, સંગીત, ગાયકી સાથે વાતચીતમાં અને પરોણાગતમાં અવ્વલ હોય છે. ઓરિજિનલ તવાયફો એવી જ હશે. એટલે તો તાલીમ લેવા જતા નવાબોના નબીરાઓ.
● ‘મુગલ એ આઝમ’ની કથા હીરામંડીની તવાયફ અનારકલી અને સલીમના કથિત પ્રેમની હતી. સલીમ એટલે અકબરનો દીકરો અને મોગલ સલ્તનતનો ચોથો બાદશાહ, જહાંગીર. સલીમ-અનારકરીની પ્રેમકથા કાલ્પનિક છે. હીરામંડીની એવી ખરી પ્રેમકથા, સન 1802ના મહારાજા રંજિત સિંહ અને કાશ્મીરી મુસ્લિમ તવાયફ મોરાનની છે. ખાસ્સા વિરોધ છતાં રાજાએ મોરાનને પત્ની બનાવીને, શાહી મહોલ્લા નજીક પાપડ મંડીમાં એના માટે મહેલ બંધાવ્યો હતો.
● હીરામંડીએ કલાકારો-વિદ્વાનો પણ આપ્યા છે. અભિનેત્રી-ગાયિકા, મલ્લિકા એ તરન્નુમ, નૂરજહાંએ ત્યાં તાલીમ લીધી હતી. એ હીરામંડીમાં ચારેક વરસ રહી પણ હતી. પાકિસ્તાની અભિનેત્રી રેણુકા દેવી (અસલ નામ ખુરશીદ બેગમ) અને ‘બસંત’, ‘કિસ્મત’ જેવી ફિલ્મોથી જ્યુબલી ગર્લ ગણાનારી અભિનેત્રી મુમતાઝ શાંતિ, જે ભાગલા પછી પાકિસ્તાની થઈ, એનું પણ હીરામંડી કનેક્શન હતું. આધુનિક લાહોરના પિતા, સિવિલ એન્જિનિયર-આર્કિટેક્ટ, રાય બહાદુર સર ગંગારામનું ઘર હીરામંડીમાં જ હતું.
નવું શું છે?
● ગુલશન દેવૈયા અને સૈયમી ખેરને ચમકાવતી ફિલ્મ ‘એઇટ એએમ મેટ્રો’ આજથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થવા માંડી છે. એના ડિરેક્ટર રાજ રચાકોન્ડા છે.
● બોક્સ ઓફિસ પર તડાકો પાડનારી મલયાલમ ફિલ્મ ‘મંજુમેલ બોય્સ’ ઓટીટી પર હિન્દી સહિતની ભાષામાં આવી છે. જોઈ શકાય છે ડિઝની પ્લસ હોટસ્ટાર પર.
● કુનાલ ખેમુ દિગ્દર્શિત ‘મડગાંવ એક્સપ્રેસ’ પ્રાઇમ વિડિયો પર આવી છે પણ જોવા માટે રૂ. 349 ચૂકવવાના છે. સબસ્ક્રાઇબર્સને ફ્રીમાં જોવા મળે એ માટે થોડી રાહ જોવી પડશે. દિવ્યેંદુ, પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી, નોરા ફતેહી, ઉપેન્દ્ર લિમયે જેવાં કલાકારોવાળી આ ફિલ્મ ખાસ ચાલી નહીં છતાં, વખણાઈ તો છે જ.
● વિજય રાઝ અને આશુતોષ રાણાને ચમકાવતી સિરીઝ ‘મર્ડર ઇન માહિમ’ પણ આજથી જિયો સિનેમા પર આવી છે. સિરીઝમાં શિવાની રઘુવંશી, શિવાજી સાટમ, રાજેશ ખટ્ટર પણ છે. ડિરેક્ટર રાજ આચાર્ય છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.10 મે, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Share: