એકસરખી રીતે સર્જક કશુંક પીરસે ત્યારે વાર્તા બદલાવા છતાં અસરકારકતા ઘટે છે. એવું કરણ જોહર કરે કે ભણસાલી, એ ખટકે જ. ગંજાવર ખર્ચ પછી પણ ‘હીરામંડી’ જો ગળચટ્ટી નથી લાગતી તો એની પાછળ વાજબી કારણો છે
હીરામંડી. જેનું સપનું સંજય લીલા ભણસાલીએ વરસો જોયું. જેનું શૂટિંગ 2022-23માં જૂનથી જૂન વચ્ચે થયું. જેના માટે રૂ. 200 કરોડ વેરાયા. જેમાં એક હીરો સામે ઓલમોસ્ટ અડધો ડઝન હીરોઇન્સ છે. એવી આ સિરીઝ કેવીક છે?
એવરેજ. 2022માં ભણસાલીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બનાવી. એમાં મુંબઈના રેડલાઇટ એરિયા પર રાજ કરતી ગંગુબાઈની વાત હતી. ‘હીરામંડી’માં અખંડ ભારતના લાહોરમાં તવાયફોની જાહોજલાલીવાળા રેડ લાઇટ એરિયા હીરામંડીની વાત છે. ‘ગંગુબાઈ’ની જેમ સિરીઝ પણ લાર્જર ધેન લાઇફ અને મસાલાસભર છે. ભણસાલીએ મોઇન બેગની કથાને કલાકેકના આઠ એપિસોડમાં ફેરવી છે. આગળની વાત કરતા પહેલાં એક નજર કથાનક પર.
લાહોરના તવાયફી વિસ્તાર, રેડ લાઇટ એરિયા, હીરામંડીનું સૌથી વગદાર તવાયફખાનું, શાહી મહલ (અસલ હીરાંમડીની તવારીખનો શાહી મહોલ્લા) છે. એના પર મલ્લિકાજાન (મનીષા કોઇરાલા)નું સામ્રાજ્ય છે. દીકરીઓ બીબ્બોજાન (અદિતી રાવ હૈદરી), આલમઝેબ (શરમીન સેગલ), દત્તક દીકરી લજ્જો (રિચા ચઢ્ઢા) બહેન વહીદા (સંજીદા શેખ) વગેરે સાથે એ લાહોરની રાણી જેવા ઠાઠ માણે છે. નવાબો અને ધનાઢ્યો પર એની વગ છે. એની સર્વોપરિતા સામે વરસો પહેલાં એની જ બહેન રેહાના (સોનાક્ષી સિંહા)એ પડકાર ફેંક્યો હતો. એનાથી ગિન્નાયેલી મલ્લિકાએ બહેનને પતાવી નાખી હતી. હવે રેહાનાની દીકરી ફરીદન (સોનાક્ષી અગેઇન) શત્રુ-પ્રતિસ્પર્ધી બની છે. ‘હીરામંડી’ કથા છે બેઉના વૈમનસ્યની, આલમઝેબના પ્રેમમાં પડતા, અને પછી ક્રાંતિકારી બનતા, નવાબજાદા તાજદાર (તાહા શાહ)ની, અને અંગ્રેજી અફસરોની.
સંવાદો અને અભિનયઃ દિવ્યા નિધિ અને વિભુ પુરીના સંવાદો ઝમકદાર છે. “બીવી સચ, માશુકા ખ્વાહિશ, તવાયફ તમન્ના” એવા મતલબનો સંવાદ હોય કે મલ્લિકાજાન, ફરીદન, તાજદાર, આલમઝેબ વગેરે પાત્રોની વાતચીત-દલીલ, અનેક સંવાદો સારા છે. મુશ્કેલી પણ કે મોટાભાગના સંવાદો સદંતર સિનેમેટિક છે. મનીષા, તાહા, ભણસાલીની ભાણી શરમીનનો અભિનય અવ્વલ છે. છએક ફિલ્મો અને ત્રણેક સિરીઝમાં ઓલરેડી આવી ચૂકેલો તાહા આજ સુધી કેમ સારા કલાકાર તરીકે કોઈના ધ્યાનમાં નહીં આવ્યો હોય? શરમીને 2019માં મામાએ જ પ્રોડ્યુસ કરેલી ‘મલાલ’થી પદાર્પણ કર્યું હતું. એમાં એનું પાત્ર આસ્થા અને ફિલ્મ બેઉ ભૂલવાયોગ્ય હતાં. હવે સિરીઝથી એની કરિયર ઊંચકાશે. ઇન્દ્રેશ મલિક નામના કલાકારને સ્ત્રૈણ ઉસ્તાદના પાત્રમાં જોઈને તબિયત ખુશ થઈ જશે. આ પહેલાં એ ‘ફન્ને ખાન’, ‘ગુમરાહ’, ‘ગંગુબાઈ’ જેવી ફિલ્મો અને અમુક સિરિયલ્સમાં દેખાયો, પણ છવાશે હવે. ફરીદા જલાલને અંતરાલ પછી સોળે કળાએ ખીલતાં જોઈને ખુશ થવાય છે. અદિતી, સંજીદા પણ સારી છે. અંગ્રેજ અફસર કાર્ટરાઇટ તરીકે જેસન શાહ જામે છે. નાનાં પાત્રોમાં રિચા ચઢ્ઢા, કમબેક કલાકાર ફરદીન ખાન (વલી મહમ્મદ), શેખર સુમન (ઝુલ્ફીકાર) પણ નોંધનીય છે.