કોવિડકાળે ઓટીટીને મોટા પડદાનું કટ્ટર પ્રતિસ્પર્ધી બનાવ્યું. એ એડવાન્ટેજે ઘેરબેઠા મનોરંજનની સૌને આદત પાડી દીધી. 2022 પહેલું એવું વરસ જેમાં ઓટીટીએ નોર્મલ લાફઇસ્ટાઇલ વચ્ચે પોતાનું સ્થાન પુરવાર કરવાનું હતું. જાણીએ, ઓટીટીનું 2022નું સરવૈયું. 

ઘરમાં વાઈફાઈ અને સ્માર્ટ ટીવી, હાથમાં મોબાઇલ અને લેપટોપ, ઓફિસ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોટેલ અને અત્રસત્રસર્વત્ર કનેક્ટિવિટી… મનોરંજનના મહાસાગરને ઉછાળા મારવાનો આવો પરવાનો મળશે એ કોણે ધાર્યું હતું? થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મો માટે મોટાં કલેક્શન તો દૂર,સન્માનજનક આંકડા અંકે કરવા પણ અઘરાં થઈ જશે એવું કોણે ધાર્યું હતું? એવું હવે થઈ રહ્યું છે. ઓટીટીએ મનોરંજન ગ્રાહ્ય કરી શકવાની રીત ધરમૂળથી બદલી છે. લૉકડાઉનમાં એના સિવાય આરો નહોતો એટલે ત્યારની એની લોકપ્રિયતા નવાઈ નહોતી. 2022 એવું પહેલું વરસ હતું જ્યારે ઓટીટીનાં પારખાં થવાનાં હતાં. આ રહ્યું નિરીક્ષણ…

રુદ્રએ રાજ કર્યું વેબ સિરીઝ તરીકે… 

આ વરસે અજય દેવગન માત્ર બોક્સ ઓફિસ નહીં, ઓટીટીના બાદશાહ તરીકે પણ છવાયા. એમની ‘દ્રશ્યમ ટુ’એ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો એ પહેલાં, માર્ચમાં આવી હતી એમની વેબ સિરીઝ ‘રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ.’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ વેબ સિરીઝ છે.

આશ્રમ 3’થી ચમક્યા બોબી સહ અજાણ્યા ચહેરા

બોબી દેઓલની ફિલ્મી કરિયર ભલે ટાઢીબોળ થઈ પણ ‘આશ્રમ’ સિરીઝે એમને છેલ્લાં ત્રણેક વરસથી લોકહૃદયમાં નવેસરથી સ્થાન અપાવ્યું. પ્રકાશ ઝાની આ વેબ સિરીઝના હોટ સીન્સની ભારે ચર્ચા થઈ. એ પણ સ્વીકારવું રહ્યું કે સિરીઝના સબજેક્ટમાં દમ છે. અદિતી પોહણકર, દર્શન કુમાર, ચંદન રોય સન્યાલ, ત્રિધા ચૌધરી જેવાં કલાકારોને આ સિરીઝે ખાસ્સાં પોપ્યુલર કર્યાં. ત્રીજી સીઝનના લેખક બદલાયા પછી એ પહેલી બે સીઝન જેટલી એને સફળતા ના મળી તો પણ એ પાકું કે એમએક્સ પર સ્ટ્રીમ થતી ‘આશ્રમ’ બેહદ સક્સેસફુલ ફ્રેન્ચાઇઝી છે.

પંચાયતકી ક્યા બાત હૈ

જીતેન્દ્ર કુમાર નામના સ્ટારનો સિતારો ચમક્યો જ ઓટીટીથી. એમાં પણ પ્રાઇમ વિડિયો પર આવતી ‘પંચાયત’ સીઝન સાથે એમની લોકપ્રિયતા ચરમસીમા પર પહોંચી. વત્તા, શહેરી વાર્તા, ક્રાઇમ બેઝ્ડ સ્ટોરીઝ, સ્ટાર સ્ટડેડ પ્રોડક્શન્સ અને ઝાકઝમાળ જ સફળતાના બેરોમીટર છે એ મિથ સિરીઝે તોડી. એની બેઉ સીઝનને જબરદસ્ત પ્રેમ મળ્યો. રઘુવીર યાદવ અને નીના ગુપ્તા પણ આ સિરીઝના ટ્રમ્પ કાર્ડ્સ છે. એ નક્કી કે એની આવતી સીઝનની પ્રેક્ષકો ઉત્સુકતાભેર રાહ જોઈ રહ્યા છે.

ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડરેવધુ ઝળકાવ્યા પ્રતીક ગાંધીને 

વરસની શરૂઆતમાં આવેલી આ નવ એપિસોડવાળી સિરીઝે પણ રંગ રાખ્યો. ક્રાઇમ બેઝ્ડ શોઝ લોકોને કાયમ ગમતા રહ્યા છે, ટીવી હોય કે ઓટીટી. તિગ્માંશુ ધુલિયા ડિરેક્ટેડ આ સિરીઝમાં રિચા ચઢ્ઢા, પ્રતીક ગાંધી, આશુતોષ રાણા, રઘુવીર યાદવ વગેરે કલાકારોનો કાફલો હતો.

ગુલ્લકગાજે વન્સ અગેઇન

‘પંચાયત’ની જેમ સ્લાઇસ ઓફ લાઇફ કે હ્યુમર આધારિત સરળ વાર્તા સાથેની આ સિરીઝે એનો દમામ જાળવી રાખ્યો છે. એની ત્રીજી સીઝન પણ બેહદ સફળ રહી. જમીલ ખાન, ગીતાંજલિ કુલકર્ણી, વૈભવ રાજ ગુપ્તા, હર્ષ માયર જેવાં કલાકારોએ સિરીઝમાં રિયલ ફેમિલીના વાતાવરણ સાથે સામાન્ય મુદ્દાવાળી વિવિધ વાર્તાઓને હૃદયસ્પર્શી બનાવી છે. સોની લિવ પર આવતી આ સિરીઝ આગળ જમાવટ કરતી રહેશે એવી અપેક્ષા અસ્થાને નથી.

હ્યુમનથી પણ ચમક્યાં શેફાલી શાહ 

જાન્યુઆરીમાં વિપુલ અૃતલાલ શાહની વેબ સિરીઝ ‘હ્યુમન’ આવી. મેડિકલ ક્ષેત્રમાં પ્રવર્તતા કાવાદાવાને એણે ઉજાગર કર્યા. હુકમના એક્કા જેવાં અભિનેત્રી અને શાહનાં પત્ની શેફાલી શાહનો એમાં ડો. ગૌરી નાથ તરીકે અવ્વલ પરફોર્મન્સ છે. એટલી જ દમદાર ભૂમિકામાં કીર્તિ ખુલ્લરી છે. વિશાલ જેઠવા, રિદ્ધિ કુમાર, ઇન્દ્રનીલ સેનગુપ્તા, સીમા બિશ્વાસ, રામ કપૂર સહિતનાં કલાકારોનો પણ સરસ પરફોર્મન્સ.

રોકેટ બોય્ઝરહી અનોખી સિરીઝ 

હોમી ભાભા અને ડો. વિક્રમ સારાભાઈ જેવા લિજન્ડ્સ વિશે પણ વેબ સિરીઝ હોઈ શકે અને એ પણ આટલી ઇન્ટરેસ્ટિંગ એ તો ‘રોકેટ બોય્ઝ’ જોઈને જ ખ્યાલ આવે. પિરિયડ ડ્રામા હોવાથી એના લૂક એન્ડ ફીલ પણ નોખાં છે. જિમ પ્રભ, ઇશ્વાક સિંઘ, રેગિના કાસાન્ડ્રા જેવાં કલાકારોની સિરીઝે ઇશ્વાકને ડિપેન્ડેબલ સ્ટારસની યાદીમાં સ્થાન અપાવ્યું છે.

આરઆરઆરઓલ ધ વે

માત્ર બોક્સ ઓફિસ નહીં, રાજામૌલીની આ સુપર ફિલ્મે ઓટીટી પર પણ વિવિધ ભાષાઓમાં તરખાટ મચાવ્યો. દુનિયામાં ભારતનું નામ રોશન કરવાને રસ્તે પ્રશસ્ત આ ફિલ્મથી જુનિયર એનટીઆર અને રામ ચરણ ટોચના ભારતીય સિતારા બની ગયા છે. વાર્તા હોય કે ટ્રીટમેન્ટ અને સંગીત હોય કે નૃત્ય, આ ફિલ્મની દરેક વાત ન્યારી બની છે.

વિવેક અગ્નિહોત્રીનો વટ છે 

બોક્સ ઓફિસ સફળતા અને ઓટીટી સફળતાનું કોમ્બિનેશન ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું પણ એટલું જ તગડું છે જેટલું ‘આરઆરઆર’નું. એ અલગ વાત કે બોલિવુડના અમુક પ્રસ્થાપિત હિતો આ સત્ય સ્વીકારવા તૈયાર નથી. કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની હૃદયદ્રાવક વાત આ પહેલાં આટલી વિગતવાર રીતે ક્યારેય કહેવાઈ નહોતી. અનુપમ ખેરનો એમાં જે અભિનય છે એ લાંબા સમય સુધી યાદ રહેવાનો છે. ઓટીટી પર આ ફિલ્મ બેહદ સફળ રહી અને હજી પણ ખૂબ જોવાઈ રહી છે.

અ થર્સ્ટડેસા કોઈ નહીં 

બેહઝાદ ખંભાતા દિગ્દર્શિત આ ફિલ્મે યામી ગૌતમની બીજી એવી ફિલ્મને મોટી સફળતા અપાવી જે સીધી ઓટીટી પર આવી હોય. એમાં અતુલ કુલકર્ણી, નેહા ધુપિયા, ડિમ્પલ કાપડિયા વગેરે સિતારાઓનાં પણ મહત્ત્વનાં પાત્રો છે. આ સુંદર થ્રિલરની સફળતા વર્ડ ઓફ માઉથથી શક્ય થઈ, મોટા પ્રમોશન વિના.

કૌન પ્રવીણ તાંબે?’નો જવાબ મેળવી લો 

આધેડ વયે ક્રિકેટમાં છવાઈ જઈને જીવનભરનું સપનું સાકાર કરનારા ક્રિકેટરના જીવન વિશેની આ ફિલ્મ રિયલી મસ્ત છે. શ્રેયસ તળપદેએ તાંબેના પાત્રને ફિલ્મમાં સાકાર કર્યું છે. સાથે આશિષ વિદ્યાર્થી, પરમબત્રા ચેટર્જી અને અંજલિ પાટીલ જેવાં કલાકારો છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવેલી આ ફિલ્મ પણ અંડરડોગ ગણાતી હતી, કોઈ પ્રમોશન નહોતું પણ એની સફળતાએ સિદ્ધ કર્યું કે સારા કન્ટેન્ટને કોઈ રોકી શકતું નથી.

જલસાપણ જોવાઈ ખાસ્સી

વિદ્યા બાલન અને શેફાલી શાહ એટલે જબરદસ્ત ટેલેન્ટનું સુપર્બ કોમ્બિનેશન. સુરેશ ત્રિવેણીની ફિલ્મ ‘જલસા’માં બેઉ સાથે હોય એ ફિલ્મનો સૌથી મોટો પાવર. માર્ચમાં પ્રાઇમ વિડિયો પર આવેલી આ ફિલ્મ કેટલી દમદાર કે નબળી એ પાકું કરવું થોડું અઘરું રહ્યું પણ એ જોવામાં ખૂબ આવી. ટાઇટલ પણ વાર્તાને અનુરૂપ છે કે નહીં એ કહેવું અઘરું છે. છતાં, અટપટા વિષય અને માનવીય સંવેદનાઓના અંડરકરન્ટે ફિલ્મને લોકભોગ્ય બનાવી.

ગેહરાઇયાંકેટલાને ગમી એ પ્રશ્ન છે 

દીપિકા પદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, ધૈર્ય કારવા જેવાં કલાકારોની આ ફિલ્મના આંકડા એવું જણાવે છે કે એ વરસની એક સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની છે. પણ એનાં કારણો જુદાં હોઈ શકે છે. અસંખ્ય કામુક દ્રશ્યોવાળી આ ફિલ્મની વાર્તામાં કે વાતમાં સાચે કોઈ નોંધપાત્ર મોણ નથી. સ્ટાર્સની હાજરી, કરણ જોહર જેવાનું નિર્માણ અને સ્માર્ટ માર્કેટિંગ વગેરેએ એને સીધી ઓટીટી પર આ વરસે આવેલી ટોચની ફિલ્મ બનાવી.

નેટફ્લિક્સનો દબદબો ઘટ્યો છે 

ઓટીટી પર પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ જેવાં ગ્લોબલ પાવર ધરાવતાં પ્લેટફોર્મ્સનું આધિપત્ય અસ્તાચળે છે. દેશમાં જ સ્થપાયેલાં અને વિકસી રહેલાં પ્લેટફોર્મ્સ પણ રંગ દેખાડી રહ્યાં છે. આ વરસે એ અંડરલાઇન થઈ ચૂક્યું છે.

પ્રાદેશિક ભાષાઓ કા ટાઇમ આ ગયા 

હિન્દી અને અંગ્રેજી ભાષાની ફિલ્મો કે સિરીઝનું આધિપત્ય પણ પતવાને છે. ગયા અઠવાડિયે આપણે વાત કરી એમ, દર્શકોને પોતાની ભાષામાં મનોરંજન માણવું ગમે છે. આ વરસે એવાં અમુક પ્લેટફોર્મ્સ આવ્યાં છે જેમનું ફોકસ આ બે ભાષાઓ પર ઓછું અને પ્રાદેશિક ભાષાઓ પર વધારે છે. એમાં ઉમેરી દો બિનઅંગ્રેજી વિદેશી ભાષાઓ અને ડબ્ડ શોઝ, એટલે સમજાય છે કે આવનારા દિવસો વરાઇટીના મામલે ખરેખર એક્સાઇટિંગ હશે.

મોટી સિરીઝ માણી ફ્રીમાં

જિયો સિનેમાએ ફૂટબોલ વર્લ્ડ કપ જેવી વિશ્વની એક સૌથી અગત્યની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ દર્શકો માટે ઓટીટી પર મફતમાં અવેલેબલ કરી એ પણ આ વરસની એક નોંધપાત્ર ઘટના ગણાય. ભૂતકાળમાં ક્રિકેટ સિરીઝના અધિકારો મેળવી, એનું સ્ટ્રીમિંગ કરીને ચેનલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ તરી ગયાં છે. જિયોએ ઓટીટી પર મફતમાં ફૂટબોલ વર્લ્ડ કપ દેખાડીને કયાં ગણિત ચલાવ્યાં એ સમય આવ્યે ખબર પડશે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 23 ડિસેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/23-12-2022/6

Share: