ગયા અઠવાડિયે દેશી ફિલ્મો અને શોઝની આપણે વાત કરી. આ અઠવાડિયે 2022ને આવજો કહેતા જાણીએ વૈશ્વિક દ્રષ્ટિકોણથી. કયા શોઝ સૌથી વધુ જોવાયા અને કઈ ફિલ્મોએ અપરાંપાર સફળતા મેળવી એ જાણ્યા પછી ઉપાડો રિમોટ અને જુઓ કાંઈક મનગમતું…

‘મની હાઇસ્ટ’ અને ‘સ્ક્વિડ ગેમ’ જેવા શોઝ સૌને યાદ છે. આખી દુનિયામાં આ શોઝે અકલ્પનીય સફળતા મેળવી. આ શોઝ એવી પકડ ધરાવતા હતા કે જેમની ઇચ્છા ના હોય એ પણ બિન્જ વોચિંગ કરવા મજબૂર થઈ જાય. મતલબ એકવાર શરૂ કર્યા પછી એને પૂરો જોયા વિના જીવને જંપ વળે નહીં. 2022માં કયા વિદેશી શોઝ કે કઈ ફિલ્મો દેશમાં અને વિશ્વમાં આવી અથવા નોંધનીય સફળતા મેળવી શક્યા એ જાણીએ.

‘હાઉસ ઓફ ધ ડ્રેગન’ રહ્યો સુપર સફળ

વરસનો સૌથી વધુ જોવાયેલો શો છે આ. એક અમેરિકન ફેન્ટસી, શો જે ‘ગેમ ઓફ થ્રોન્સ’ નામના પહેલાંના શોની પ્રિક્વલ છે. ઓગસ્ટ 2022માં રિલીઝ અને કુલ 10 એપિસોડ્સ. એચબીઓનો આ શો ડિઝની હોટસ્ટાર પર છે. આ સિરીઝ જો માણી નથી તો નવા વરસને વધાવતી વખતે માણી લો.

‘મૂન નાઇટ’ લોકોના દિલમાં વસ્યો

જેરેમી સ્લેટરનું સર્જન આ સિરીઝ પણ અમેરિકન છે. એ પણ ડિઝની હોટસ્ટાર પર જોઈ શકાય છે. માર્વેલ કોમિક્સના આધારે એ સિરીઝ માર્વેલ સ્ટુડિયોઝે બનાવી છે.

‘હૉકઆય’ વખણાઈ મેકિંગ માટે

‘હૉકઆય’ પણ અમેરિકન સિરીઝ અને એ પણ છે ડિઝની પ્લસ હોટસ્ટાર પર. 2019ની ‘એવેન્જર્સ’ ફિલ્મ પછી થતી ઘટનાઓ એની વાર્તામાં વણી લેવાઈ છે. એની એક્શન સિકવન્સીસના ખૂબ વખાણ થયાં છે.

‘તથાસ્તુ’થી ઝાકીર ફરી છવાયા

2017થી સ્ટેન્ડ-અપ કોમેડીમાં પોતાની જગ્યા બનાવી છે ઝાકીર ખાને. એમની ‘તથાસ્તુ’ સિરીઝ થિયેટરના સિમ્પલ ફોરમેટથી વિશેષ ઝાકઝમાળ સાથે આવી અને ઇમ્પ્રેસ કરી ગઈ. એમાં તેમનું મુખ્ય ફોકસ પોતાના બાળપણમાં દાદા સાથેના સંબંધો પર છે.

‘નેવર હેવ આઈ એવર’ પણ ગાજી રહી છે

પ્રથમ વખત લૉકડાઉનમાં આવેલી આ સિરીઝે ત્રીજી સીઝનમાં પણ લોકોની અપેક્ષા સંતોષી છે. આ રોમાન્સ, કોમેડી ડ્રામામાં મૈત્રેયી રામકૃષ્ણનન છે. વાર્તા છે ભારતીય અમેરિકન હાઇસ્કૂલ સ્ટુડન્ટની. અમેરિકામાં વસતા એશિયન્સના જીવનને પડદે સાકાર કરવાના મામલે આ સિરીઝે નવા માપદંડો બનાવ્યા છે.

‘સ્ટ્રેન્જર થિંગ્સ’

ચોથી સીઝનમાં પણ સફળ રહેનારી આ સિરીઝ છેક જુલાઈમાં રિલીઝ થયા પછી આજે પણ ખાસ્સી જોવાઈ રહી છે. એની વાર્તા 1980ના સમયની છે. સાયન્સ ફિક્શન હોરર ડ્રામાવાળી આ સિરીઝ યુવા દર્શકોમાં વિશેષ વખણાઈ છે. અનેક એવોર્ડ્સ એ જીતી છે.

સબસ્ક્રાઇબર્સ વધી રહ્યા છે ઓટીટીના

2022માં ઓટીટી પ્લેટફોર્મ્સની પેઇડ સેવાઓ લેનારા ભારતીયોની ટકાવારીમાં 20% વધારો થયો છે. કુલ સબસ્ક્રાઇબર્સમાં 33% તો છ મોટાં શહેરોમાં છે. ઓટીટી જોનારા મેક્ઝિમમ લોકો પહેલેથી જ મફતમાં મળતી સેવાઓ માણવા તરફ ઝોંક ધરાવે છે. એમાં આ વરસે પણ ખાસ ફરક પડ્યો નથી.

‘લોર્ડ ઓફ ધ રિંગ્સઃ ધ રિંગ્સ ઓફ પાવર’ પણ સફળ

 પ્રાઇમ વિડિયોની આ સિરીઝની બે સીઝન થઈ છે. કુલ પાંચ સીઝન થશે ત્યારે એ દુનિયાની સૌથી મોંઘી વેબ સિરીઝ હશે. આ નામની ફિલ્મ અને સિરીઝની વાર્તા વચ્ચે સામ્યતા નથી. સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ્સ એના સુપર પ્લસ પોઇન્ટ્સ છે.

‘ગ્લાસ ઓનિયનઃ અ નાઇવ્સ આઉટ મિસ્ટ્રી’ પણ જોવાય

 આ ફિલ્મ 2019ની ફિલ્મની સિક્વલ છે. ડેનિયલ ક્રેગ જેવા સ્ટાર એમાં ડિટેક્ટિવના મુખ્ય પાત્રમાં છે. ફેસ્ટિવલ્સ પછી ફિલ્મ માત્ર એક અઠવાડિયા માટે થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. 2022ની એક સારી ફિલ્મ તરીકે ઘણાએ એને નવાજી છે.

‘ડ્યુનઃ પાર્ટ વન’ વિઝ્યુઅલ ટ્રીટ છે

 બુડાપેસ્ટ, જોર્ડન, નોર્વે અને અબુધાબીમાં શૂટ થેયલી આ ફિલ્મમાં જાણીતા સ્ટાર્સનો કાફલો છે. આંખો ઠારતાં દ્રશ્યો અને દમદાર વાર્તા એને માણવાલાયક બનાવે છે.

‘અવતાર’ ફરી જામી

 જેમ્સ કેમેરોનની ઓરિજિનલ ફિલ્મ 2009માં આવી હતી. આ વરસે સિક્વલ આવી એ પહેલાં ઓટીટી પર ઓરિજિનલ ફિલ્મની ડિમાન્ડ વધી. અનેક દર્શકોએ એ પહેલીવાર જોઈ કાં પછી રિપીટ, જેથી સિક્વલ જોતા પહેલાં વાર્તા સાથે ફરી કનેક્ટ થઈ શકાય.

મોટી સિરીઝ માણી ફ્રીમાં

જિયો સિનેમાએ ફૂટબોલ વર્લ્ડ કપ જેવી વિશ્વની એક સૌથી અગત્યની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ દર્શકો માટે ઓટીટી પર મફતમાં અવેલેબલ કરી. આ વરસની એ એક નોંધપાત્ર ઘટના ગણાય. ભૂતકાળમાં ક્રિકેટ સિરીઝના અધિકારો મેળવી, એનું સ્ટ્રીમિંગ કરીને ચેનલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ તરી ગયાં છે. જિયોએ ઓટીટી પર મફતમાં ફૂટબોલ વર્લ્ડ કપ દેખાડીને કયાં ગણિત ચલાવ્યાં એ સમય આવ્યે ખબર પડશે.

‘બેબી શાર્ક’ 11 બિલિયન વ્યુઝની પાર યુટ્યુબ પર

આઠ અબજ માણસોની દુનિયા અને એક વિડિયો જોવાયો 11 અબજ એટલે 11,000 હજાર કરોડ વાર! મગડ ભમી જાય એવો આ આંકડો પાર કર્યો છે સાઉથ કોરિયાના એક ગીતે. 2022માં એ વિશ્વનો પ્રથમ એવો યુટ્યુબ વિડિયો બન્યો જેણે 10 અકલ્પનીય અબજ વ્યુઝ પાર કર્યા છે. એની પોપ્યુલારિટીની રફ્તાર 2016થી નોન-સ્ટોપ જારી છે.

શ્રીવલ્લીની હિન્દી સફળતા, આહા!

‘પુષ્પા’ના પહેલા ભાગના ઓરિજિનલ તેલુગુ ગીતની હિન્દી વર્ઝને 2022માં યુટ્યુબ પર રાજ કર્યું છે. એ જોવાયું છે પંચાવન કરોડથી વધારે વખત. બાકીની ભાષાઓમાં પણ ગીત બેહદ સફળ છે એ કહેવાની જરૂર ખરી?

પાકિસ્તાની ‘પસૂરી’ પણ પાવરફુલ

કોક સ્ટુડિયો એકએકથી ચડિયાતાં રિક્રિએટેડ (અને ઓરિજિનલ) સોન્ગ્સથી બેહદ સફળ બ્રાન્ડ બની છે. અનેક દેશોમાં એ ચાલે છે. પાકિસ્તાની ગીત ‘પસૂરી’એ 2022માં દેશના સીમાડા તોડીને વૈશ્વિક સફળતા મેળવી છે. 47 કરોડથી વધારે વખત એ માણવામાં આવી ચૂક્યું છે.

અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનું યુટ્યુબ પર આધિપત્ય

સવાત્રણસો અઠવાડિયાંથી આપણાં પોતાનાં અલકાબહેન યુટ્યુબ પર નંબર વન કલાકાર છે. દેશમાં નહીં, આખી દુનિયામાં. બીજા નંબરે છે ઉદિતભાઈ.  યાજ્ઞિક 327 અઠવાડિયાં તો નારાયણ 348 અઠવાડિયાંથી ગ્લોબલ ટોપ આર્ટિસ્ટ્સની યાદીમાં અનુક્રમે પહેલા અને બીજા સ્થાને છે. ઓહ માય ગોડ!

ક્રિસમસ ફીવર અને મારિયાના ગીતનો મેજિક

મારિયા કેરીનું એક ગીત ‘ઓલ આઈ વોન્ટ ફોર ક્રિસમસ’ આમ તો ત્રણ વરસ પહેલાં આવ્યું. આ વરસે પણ એણે ગ્લોબલ ચાર્ટ પર મજબૂતીથી પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી વધુ સમયથી એ વિશ્વમાં બીજું સૌથી વધુ જોવાતું ગીત છે.

કોરિયન અને સ્પેનિશ બુલડોઝર ફરી રહયું છે ઓટીટી પર

નેટફ્લિક્સની એનાલિસીસ મુજબ વિશ્વભરમાં અંગ્રેજી ઉપરાંત જે ભાષાઓના શોઝ અને ફિલ્મ મહત્તમ જોવાઈ રહ્યા છે એ સ્પેનિશ અને કોરિયન છે. કોરિયન ફિલ્મો પહેલેથી જામી રહી હતી. એમાં ‘સ્ક્વિડ ગેમ’ આવી અને કમાલ થઈ. સ્પેનિશ માટે આ કામ ‘મની હાઇસ્ટે’ કર્યું હતું. એક સારી સિરીઝ કે ફિલ્મ કોઈક ભાષાને ક્યાંની ક્યાં લઈ જઈ શકે છે એ છે આ વાત. આ વરસે આપણી હિન્દી માટે આવું કંઈક અંશે ‘આરઆરઆર’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ કર્યું છે એ પણ નોંધવું રહ્યું.

‘મિર્ઝાપુર’ વિશ્વની એક સૌથી વધુ જોવાયેલી સિરીઝ

2018 અને 2020 વચ્ચે ‘મિર્ઝાપુર’ની બે સીઝન આવી હતી. 2022માં પણ એ વિશ્વની એક સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝ તરીકે માનભર્યું સ્થાન ધરાવે છે. ક્રાઇમ આધારિત શોઝ માત્ર ભારતમાં મહત્તમ જોવાય છે એવું નથી હોં.

‘ગેમ ઓફ થ્રોન્સ’ આજે પણ ટોપ મોસ્ટ વેબ સિરીઝ

આઠ સીઝન અને 73 એપિસોડ્સની આ વેબ સિરીઝની વિવિધ સીઝન્સ 2011 અને 2019 વચ્ચે આવી. દર્શકોનું ફાંકડું રેટિંગ્સ ધરાવતી આ સિરીઝને આ વરસે પણ કોઈ નવી સિરીઝ પરાસ્ત કરી શકી નથી. એની લોકપ્રિયતા કમાલ અને અકલ્પનીય છે.

‘મિસ માર્વેલ’થી ફેલાયો દેશીઓનો જાદુ

પાકિસ્તાની સર્જકો અને કલાકારોનો દબદબો ધરાવતી માર્વેલની આ સિરીઝ પોતાનામાં અનોખી છે. એક ટીનએજ યુવતીને અનાયાસે મેજિકલ તાકાત મળે પછી શું થાય એ એની વાર્તા છે. અગત્યનો મુદ્દો જો કે એમાં દેખાડવામાં આવેલા અમેરિકન-એશિયન કલ્ચરનો રહ્યો છે. છ એપિસોડની આ સિરીઝ વાસ્તવિકતાભર્યાં પાત્રો અને જીવનશૈલીની ઝલકને લીધે પ્રશસ્તિ પામી.

 

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 30 ડિસેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)

 

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/30-12-2022/6

Share: