કોણે કહ્યું કે ચીન માત્ર વસ્તુઓના ઉત્પાદનમાં દુનિયાને હંફાવી રહ્યું છે? ડ્રેગનના દેશની અત્યારની ચાલ બરાબર રહી તો એ દિવસ પણ કદાચ દૂર નથી જ્યારે મનોરંજનના મોરચે પણ એ હોલિવુડ સહિત આપણી ઇન્ડસ્ટ્રીને પણ હંફાવી નાખે

આવતા અઠવાડિયે આપણે ત્યાં ચાઈનીઝ એનિમેશન ફિલ્મ, ‘નેર જાહ ટુ’ રિલીઝ થશે. અત્યાર સુધીમાં દુનિયા આખીની બોક્સ ઓફિસ પરથી એ 2.1 બિલિયન અમેરિકન ડોલર, એટલે આપણા રૂ. 17,850 ઉસેડી ચૂકી છે. આટલી આવક આજ સુધી કોઈ હોલિવુડ એનિમેશન ફિલ્મ પણ કરી શકી નથી. અમેરિકા અચંબામાં છે, દર્શકો આનંદમાં છે. યાંગ યુ તરીકે પણ ઓળખાતા ચીની લેખક-દિગ્દર્શક જિયાઝોઈની આ ફિલ્મ એમની જ આ નામની 2019ની ફિલ્મની સિક્વલ છે. ચીનના એક પૌરાણિક પાત્ર અને સોળમી સદીની નવલકથા પર આધારિત આ ‘નેર જાહ ટુ’ જાન્યુઆરીમાં ચીનમાં પ્રદર્શિત થઈ. ચીનના નવા વરસી ઉજવણીના પહેલા દિવસે. રૂ. 680 કરોડમાં બનેલી ફિલ્મે, ટૂંકમાં અને અત્યાર સુધીમાં, એના રોકાણ કરતાં છવીસગણી આવક કરી લીધી છે. હજી તો ભારતમાં, અન્યત્ર રિલીઝ બાકી છે. હજી તો થિયેટ્રિકલ રિલીઝ પછી થતી આવક બાકી છે.

ચીનના બુલડોઝરથી એન્ટરટેઇનમેન્ટની ધરતી ચગદાવાની આ કદાચ શરૂઆત છે. બોલિવુડ અને સાઉથની ફિલ્મો બસો, પાંચસો અને હજાર કરોડ (રૂપિયાની, યાદ રહે) આવક કરે કે જમીનથી બેં વેંત ઊંચે ચાલે છે. એમણે ફટાફટ ગંભીર વિચાર શરૂ કરી દેવાનો છે. હોલિવુડને તો આપણે ક્યારેય પહોંચી શક્યા નથી. ચીની આક્રમણ ઝંઝાવાત બનશે ત્યારે શું થશે?

હજી એક ઉદાહરણ લઈએ. ગયા વરસે ‘યોલો’ નામે એક ચાઇનીઝ ફિલ્મ આવી હતી. જિયા લિન્ગ નામની મહિલા કોમેડિયન-અભિનેત્રીની ફિલ્મમેકર તરીકે એ બીજી કૃતિ હતી. એનો નિર્માણખર્ચ રૂ. 850 કરોડ હતો અને એનો અત્યાર સુધીનો, માત્ર બોક્સ ઓફિસ પરનો વેપાર, રૂ. 4,118 કરોડ છે. લો બોલો, ક્યાં આપણી રૂ. સો કરોડને આંબતી ફિલ્મોની અધધધ લાગણીઓ અને ક્યાં આ આંકડા?

2017માં ચીનમાં એક ટેલિવિઝન સિરીઝ બની, નામે ‘એટર્નલ લવ.’ એને થ્રી લાઇવ્સ, થ્રી વર્લ્ડ્સ અને ટેન માઇલ્સ ઓફ પીચ બ્લોસમ્સના નામે પણ ઓળખવામાં આવે છે. એને પણ આ નામની એક નોવેલ પરથી બનાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં એના 58 એપિસોડ્સ બન્યા છે. દુનિયામાં આ સિરીઝ પંચાવન અબજ વખત જોવાઈ છે. આ આંકડા એવા અકલ્પનીય છે કે આપણી કોઈ કરતાં કોઈ ટીવી સિરીઝ એની આસપાસ ફરકવાનો વિચાર સુધ્ધાં ના કરે. એક અંદાજ મુજબ રામાનંદ સાગરની અતિસફળ અને ઉત્તમ સિરિયલ ‘રામાયણ’ અત્યાર સુધીમાં 65 કરોડ વખત જોવાઈ ચૂકી છે. બોલો, છે કોઈ તુલના?

એક રીતે એને ચીનનો વધુ એક સોફ્ટ પાવર કહી શકાય. કારણ, માત્ર ઉપભોગની નહીં, હવે મનોરંજનની વસ્તુ એટલે ફિલ્મ અને સિરીઝ વગેરેથી ચીન દુનિયા સર કરવા નીકળ્યું છે. આ ઉદ્યોગ પર પણ અમેરિકાનું અજેય આધિપત્ય રહ્યું છે. ચીન આ ઉદ્યોગમાં નબળું ક્યારેય નહોતું પણ હવે જે રીતે એ હરણફાળ ભરી રહ્યું છે એ ચોક્કસપણે આશ્ચર્યનો, અને હોલિવુડ માટે પડકારનો વિષય બની શકે છે.

મનોરંજન વિશ્વમાં ચીન શા માટે આવી અમાપ સફળતા મેળવી રહ્યું છે?

ચીને એની ફિલ્મો અને સિરીઝના નિર્માણમાં છેલ્લાં થોડાં વરસમાં ગુણવત્તાના મામલે સોપાન સર કર્યાં છે. સાથે, અમેરિકાની માર્કેટિંગની આવડતને પણ આત્મસાત્ કરી છે. દર્શકોને ગમતું સર્જન બનાવવું એ એક વાત છે અને દર્શકો સુધી એને પહોંચાડવું બીજી વાત છે. બેઉ મોરચે ચીને ગણતરીપૂર્વક જે દાવ ખેલ્યા છે એનું પરિણામ છે કે આજે દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ એની ફિલ્મ બની ગઈ છે. ચીની ફિલ્મ ઉદ્યોગને આ મુકામે પહોંચાડવા ત્યાંની સરકારે સબળ સાથ આપ્યો છે. આપણી ફિલ્મો કે સિરીઝ માટે એવા સાથની અપેક્ષા રાખવી જ અસ્થાને છે.

ચીની સર્જનોમાં આપણી ફિલ્મોની જેમ એમની લોકકથાઓ, પૌરાણિક પાત્રો, પારિવારિક મૂલ્યો અને સાંપ્રત સમાજ, બધાંનું મસ્ત કોમ્બિનેશન થઈ રહ્યું છે. હોલિવુડનાં સર્જનોની મોટી ખામી લાગણીશૂન્યતા, પારિવારિક સ્પર્શનો અભાવ છે. ત્યાંની બહુ ઓછી ફિલ્મો એવી હોય છે જેમાં સંબંધો, લાગણી, ફેમિલી વેલ્યુઝ વગેરેનો ડોઝ આપણાં સર્જનો જેવો હોય છે. કોરિયન ડ્રામા પણ દુનિયામાં ડંકો વગાડી શક્યા છે તો એનું કારણ કે એમાં પણ આ બધી બાબતોનો સરસ સમાવેશ થાય છે.

બીજું કે ચીનમાં સિનેમાઘરોની સંખ્યા અફાટ છે, 86,000થી વધુ. આપણે ત્યાં વસ્તી ચીનથી વધી ગઈ પણ સિનેમાઘરોની સંખ્યા હજી 10,000 પહોંચી નથી. ત્રીજું કે ચીને પહેલેથી પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પહેલા ખોળાની જણી ગણી છે. વિદેશી ફિલ્મો ત્યાં બેશક રિલીઝ થાય છે પણ સંખ્યા પર સરકારનો કાબૂ છે. અમેરિકાની હોય કે ભારતની, ચીનમાં રિલીઝ માટે નિયમો અને સંખ્યાબાધ બેઉમાં એમણે પાર થયે છૂટકો છે. ચીનમાં વરસે 34 વિદેશી ફિલ્મો રિલીઝ થાય છે. એમાં ભારતની ફિલ્મો માંડ બેએક હોય છે. એમાં વળી મહત્તમ સ્ક્રીન્સની પણ મર્યાદા છે. વિદેશી ફિલ્મ ત્યાં 4,000થી વધુ પડદા પર એક સમયે દેખાડી શકાતી નથી.

કોરિયન અને ચીની ફિલ્મ-સિરીઝની વધતી વિશ્વવ્યાપકતા માટે એક અગત્યનું પરિબળ ઓટીટી છે. આ પ્લેટફોર્મ્સે ત્યાંનાં સર્જનોને એ દેશોમાં પણ સુલભતાથી ઉપલબ્ધ કરાવ્યાં છે જે અન્યથા દર્શકો માણી શકત નહીં. આપણે ત્યાં નામમાત્રની ચીની કે કોરિયન ફિલ્મો મોટા પડદે પહોંચે છે. ઓટીટીને કારણે હવે અગણિત ભારતીય દર્શકો ત્યાંનાં સર્જનોના દીવાના થયા છે. ઓટીટી વિના આવું થવું ઇમ્પોસિબલ હતું.

આને પણ શરૂઆત ગણો તો ખોટું નહીં રહે. કારણ, હોલિવુડ જે દાવ રમીને આટલા દાયકાઓ સુધી વિશ્વભરમાં ડંકો વગાડતું રહ્યું એના પર હવે કોઈનો ઇજારો નથી રહ્યો. સારી ફિલ્મ કે સિરીઝ પોતાના દર્શકો શોધતી થઈ ગઈ છે. ભારતે પણ આ બદલાતાં સમીકરણો સમજવાં પડશે. સારું સર્જન તો મેદાન સર કરવાની પહેલી શરત છે. એ પછી માર્કેટિંગ અને મેક્સિમમ દર્શકો સુધી પહોંચવાની લડાઈ છે. એમાં ફાવટ આવે તો કદાચ, કદાચ, આપણી કોઈ ફિલ્મ પણ સો-બસો નહીં, પાંચ-પંદર હજાર કરોડ કમાતી થઈ જાય. તો કદાચ આપણી સિરીઝ જોનારા દર્શકોની સંખ્યા પણ અબજમાં પહોંચી જાય.

એ માટે એક તો સર્જકોએ બુદ્ધિ લડાવવી પડશે, બીજું, સરકારે જાગવું પડશે. મનોરંજન ઉદ્યોગને સાવકું સંતાન ગણવાના દિવસો જતા કરવા પડશે. દેશ માટે વિદેશી હુંડિયામણ, નામના અને સોફ્ટ પાવર કમાઈ આપતા સંતાન જેમ એની કાળજી લેવી પડશે. ત્યારે જઈને બાત બનેગી.

 નવું શું છે

  • થિયેટરમાં ખાસ્સો કંઈ કમાલ ન કરનારી અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ અભિનિત, ડિરેકટર મુદસ્સર અઝીઝની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ આજથી જિયોહોટસ્ટાર પર આવી છે.
  • આઠ એપિસોડવાળી સસ્પેન્સ હોરર ડ્રામા સિરીઝ ‘ખૌફ’ પ્રાઇમ વિડિયો પર આજથી સ્ટ્રીમ થઈ છે. આ સિરીઝમાં રજત કપૂર, સુચી મલ્હોત્રા, રિયા શુક્લા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
  • ડિરેકટર બોબી બોર્મેન્સની 2022માં એમ્સ્ટરડેમમાં એપલ સ્ટોર પર થયેલા સત્યઘટના પર આધારિત થ્રિલર ફિલ્મ ‘આઈહોસ્ટોજ’ આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
  • ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાન અને રસિકા દુગલ અભિનિત થ્રિલર ફિલ્મ લોગઆઉટ આજથી ઝીફાઇવ પર આવી છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/18-04-2025/6

 

 

Share: