
બે ફિલ્મોની આજે વાત કરીએ. એક છે ‘જ્વેલ થીફ – ધ હાઇસ્ટ બિગિન્સ’ અને બીજી, ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ.’ એક સીધી ઓટીટી, નેટફ્લિક્સ પર આવી છે. બીજી, રિલીઝ તો થઈ હતી સિનેમાઘરોમાં પણ એની તરફ દર્શકોનું ધ્યાન હવે ખેંચાયું છે, જ્યારે એ પ્રાઇમ વિડિયો પર આવી છે, ત્યારે.
1978માં ધર્મેન્દ્ર અને ઝીનત અમાનને મુખ્ય પાત્રોમાં ચમકાવતી ફિલ્મ નામે ‘શાલીમાર’ આવી હતી. કૃષ્ણા શાહ એના દિગ્દર્શક હતા. ફિલ્મ ફ્લોપ હતી ખરી પણ સમય જતા એ એક કલ્ટ ફિલ્મ જેવી ગણાવા માંડી. એની કથા એક ચોર એસ. એસ. કુમારની હતી જે અણમોલ હીરો શાલીમાર ચોરવા મેદાને પડે છે. ‘જ્વેલ થીફ’માં માહોલ એવો જ કંઈક છે. દિગ્દર્શક કૂકી ગુલાટી અને રોબી ગ્રેવાલની આ ફિલ્મમાં એક તરફ એક ગેન્ગસ્ટર રાજન ઔલખ (જયદીપ અહલાવત) છે જે સારા માણસનો અંચળો ઓઢીને સૌની આંખમાં ધૂળ નાખીને જીવી રહ્યો છે. મુંબઈમાં એકવાર આફ્રિકન હીરો, ધ રેડ સન, પ્રદર્શન માટે આવે છે. એને ચોરવા રાજન દાવ રમે છે. એમાં એ અઠંગ ચોર રેહાન રોયને આંતરે છે. રેહાને ધ રેડ સન ચોરીને રાજનને આપવાનો છે બાકી…
મુંબઈ અને ટર્કીના ઇસ્તાનબુલ શહેર વચ્ચે ઝોલાં ખાતી આ ફિલ્મ સ્ટાઇલિશ છે. અહલાવત એમાં ઘટાડેલા શરીરે વધુ દમદાર રીતે વિલનના પાત્રને સાકાર કરે છે. એની સાથે સૈફની સરસ જુલગબંધી છે. એમાં ઉમેરી દો રાજનની પત્ની ફરાહ તરીકે ગ્લેમરસ નિકિતા દત્તા. આ સિવાય ઇનવેસ્ટિગેટિવ ઓફિસર વિક્રમ પટેલ તરીકે છે દેખાવડો કુનાલ કપૂર. સહકલાકારોમાં છે રેહાનના પિતા તરીકે કુલભૂષણ ખરબંદા અને અન્ય.
ફિલ્મની શરૂઆત પ્રમાણમાં ધીમી પણ સીધી વિષયસોતી છે. પહેલા જ દ્રશ્યમાં રાજન એના વિશ્વાસુ અકાઉન્ટન્ટનું મર્ડર કરે છે. ત્યાંથી માહોલ બનવા માંડે છે. ફટાફટ એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે રાજન કઈ બલા છે અને રેહાને શું કરવાનું છે. પછી આવે છે મૂળ મુદ્દોઃ ધ રેડ સનની ચોરી કેવી રીતે શક્ય થશે અને પછી, એ ચોરી કરવાની ઘટના.
જોકે કથામાં વળાંકો પણ ઠીકઠીક આવતા રહે છે. ખાસ કરીને સેકન્ડ હાફમાં જ્યાં નવી બાબતોથી ફિલ્મ વધુ રસપ્રદ થાય છે. ‘જ્વેલ થીફ’ જોઈ શકાય એવી ફિલ્મ હોવાનું કારણ એના પ્રમુખ કલાકારોનો સુંદર અભિનય છે. પ્લોટમાં ભલે ક્યાંક ક્યાંક બોરિયત વર્તાય પણ અભિનય વત્તા, સરસ નિર્માણ, આપણને ફિલ્મને જોતા રહેવા પ્રેરે છે. સંગીતના (સચીન-જિગર, ઓએએફએફ-સવેરા) મામલે ફિલ્મમાં કશું વખાણવાલાયક નથી. બેકગ્રાઉન્ડ સ્કોર શેઝાન શેખનો છે જે કથાસંગત છે.
ઓટીટી પર સાવ નાખી દેવા જેવી ફિલ્મો આવે છે એના કરતાં ‘જ્વેલ થીફ’ સારી છે. એકવાર જોઈ શકાય.
બીજી ફિલ્મ છે ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ.’ એક્સેલ એન્ટરટેઇનમેન્ટની આ ફિલ્મ માલેગાંવની વાસ્તવિક ઘટના પર બની છે. એ છે ત્યાંના અમુક યુવાનોએ ‘શોલે’, ‘શાન’, ‘સુપરમેન’ જેવી ફિલ્મોની વરસો પહેલાં બનાવેલી પેરોડીની.
રીમા કાગતી દિગ્દર્શિકા છે. બેકડ્રોપ છે 2008ના માલેગાંવનું. નાસીર શેખ (આદર્શ ગૌરવ) એના ભાઈઓ સાથે ત્યાં વિડિયો પાર્લર ચલાવે છે. એકવાર વિડિયો કેસેટ્સ ખરીદવા જતા એને પ્રેરણા મળે છે વિવિધ ફિલ્મોના કટકા ભેગા કરીને ફિલ્મ બનાવવાની. અને પછી, એનો ઉત્સાહ ત્યાં સુધી પહોંચે છે કે આપણે જાતે ફિલ્મ બનાવીએ. પણ માલેગાંવમાં, વગર પૈસે, વગર સાધનોએ, કલાકારોએ, ટેક્નિકલ જ્ઞાન વિના, ફિલ્મ કેવી રીતે બનાવવી?
નાસીર એની મહત્વાકાંક્ષાને સિદ્ધ કરવા યાર-દોસ્તોનો સાથ લે છે. એ ખરેખર ‘શોલે’ની પેરોડી એવી ‘માલેગાંવ કે શોલે’ નામની ફિલ્મ બનાવે છે. એ ફિલ્મ ખૂબ પૈસા કમાય છે. પછી નાસીર ‘શાન’ની અને છેલ્લે, ‘સુપરમેન’ની પેરોડી બનાવી છે. આ તો થઈ કથાની ઉપલક વાત. મજાની વાત છે ટ્રીટમેન્ટ, ફિલ્મમાં ધબકતી માનવીય સંવેદનાઓ, સંબંધોની આંટીઘૂંટીઓ અને ક્લાઇમેક્સ સુધીમાં ઉકલાતા ઘણા પ્રશ્નો.
કથાની મિત્રમંડળીમાં લેખક ફારોક (વિનીત કુમાર સિંઘ) શફિક (શશાંક અરોરા), અકરમ (અનુજ સિંઘ દુહાન), અને ફિલ્મમાં હીરોઇન બનતી તૃપ્તિ (મંજરી પુપાલા) સહિત, નાસીરની ગર્લફ્રેન્ડ મલ્લિકા (રિદ્ધિ કુમાર) વગેરે પાત્રો પણ મહત્ત્વનાં છે. આંખો ઠારે એવા મેકિંગ સાથેની આ ફિલ્મ વાસ્તવિકતાની બને તેટલી નજીક હોવાથી એ વધુ માણવાલાયક બની છે. ફદિયાં વિના ફિલ્મમેકર અને એક્ટર-રાઇટર બનવા નીકળેલા, નાનકડા નગરના યુવાનો ટીમ તરીકે જે કમાલ કરે છે એ જોવામાં પણ મજા પડે છે. એટલેથી વાત અટકી હોત તો કદાચ આ ફિલ્મ મજેદાર ના બનત. એ મજેદાર બની એનું કારણ કથાનાં અન્ય પાસાં છે, કલાકારોનો વખાણવાલાયક અભિનય છે.
એટલી જ ક્રેડિટ ફિલ્મના લેખન અને દિગ્દર્શનને પણ આપવી રહી. દિગ્દર્શિકા તરીકે રીમાએ રંગ રાખ્યો છે. એવી જ રીતે, વરુણ ગ્રોવર સાથે, શશાંક અરોરા અને વિનીત કુમાર સિંઘે કલ્પનાશીલ લખાણથી ફિલ્મને જકડી રાખતી બનાવી છે. અહીં પણ સંગીત સચીન-જિગરનું છે. ગીતોમાં ખાસ ભલીવાર નથી પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને બંધબેસતું છે.
મોટા પડદે આવી ત્યારે પણ ઠીકઠીક વખણાયેલી ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’ ખાસ ચાલી નહોતી. કારણ કદાચ પ્રમોશનનો અભાવ હતો. હવે નાના પડદે એ આવી છે ત્યારે અવશ્ય જોઈ શકાય.
નવું શું છે?
- સત્ય ઘટના પર આધારિત કોસ્ટાઓ ફર્નાન્ડિસની ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘કોસ્ટાઓ’ ઝીફાઇવ પર પહેલી મે એટલે ગઈકાલે રિલીઝ થઈ છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી, પ્રિયા બાપટ, કિશોર કુમાર જી., હુસૈન દલાલ અને મહિકા શર્મા છે. ડિરેકટર છે સેજલ શાહ.
- નિમરત કૌર અને રિદ્ધિ ડોગરા અભિનિત સિરીઝ ‘કુલ – ધ લેગસી ઓફ ધ રાયઝિંગ્સ’ જિયો હોટસ્ટાર પર આજથી આવી છે.
- ડિરેકટર પોલ ફેઇગની અમેરિકન બ્લેક કોમેડી ફિલ્મ ‘અનધર સિમ્પલ ફેવર’માં બ્લેક લાઇવલી, અન્ના કેન્ડ્રિક, એલિસન જેની, જોશુઆ સેટિન અને મિચ સાલ્મ છે. ફિલ્મ આજથી પ્રાઇમ વિડીયો પર આવી છે.
- શ્રેણીબદ્ધ હત્યાના હાઈ પ્રોફાઇલ કેસ પર કેન્દ્રિત ‘બ્લેક વ્હાઇટ એન્ડ ગ્રે – લવ કિલ્સ’ આજથી સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહી છે. એમાં અભિષેક ભાલેરાવ, નિશાંત શમસ્કર, મયૂર મોરે, તિગ્માંશુ ધુલિયા, દેવેન ભોજાણી અને હકીમ શાહજહાં મુખ્ય ભૂમિકામાં છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/02-05-2025/6
Leave a Comment