[su_pullquote]સર્જન હિટ થાય એટલે એની લોકપ્રિયતાને ફરી રોકડી કરવામાં કશું ખોટું નથી. નવા વરસમાં અમુક જૂની સિરીઝ એ ન્યાયે નવી સીઝન લાવશે. જાણીએ કે કઈ કઈ સિરીઝની નવી સીઝન આવવાને છે[/su_pullquote]
2025માં કે એ પહેલાંથી શરૂ થયેલી ઘણી વેબ સિરીઝ નવા વરસમાં નવી સીઝન લાવે એવી શક્યતા છે. અમુક ઓલરેડી મેકિંગમાં છે. અમુકનું મેકિંગ શરૂ થવાનાં એંધાણ છે. અમુક એવી પણ છે જેમની (કથિત) છેલ્લી સીઝન હાલમાં જ આવી અને હવે પછી એમની નવી સીઝન આવે એવી શક્યતા નથી. એક નજર વિવિધ સિરીઝ પર.
ફોર મોર શોટ્સ પ્લીઝઃ પ્રાઇમ વિડિયોની આ સિરીઝ સૌપ્રથમ સીઝન લઈને 2019માં આવી હતી. એમાં સાયની ગુપ્તા, બાની, કીર્તિ ખુલ્લરી અને માનવી ગગરૂ લીડ રોલ્સમાં છે. સાથે અનેક કલાકારો છે. લીસા રે, મિલિંદ સોમણ, પ્રતીક બબ્બર, સિમોન સિંઘ…ચાર સીઝનમાં સિરીઝના 37 એપિસોડ્સ આવ્યા છે. પહેલી અને બીજી સીઝન દર્શકોએ વખાણી હતી. મહિલાઓની આઝાદી, ફાંકડું નિર્માણ, સુંદર વસ્ત્રો, લોકેશન્સ અને હાડોહાડ શહેરી માનસિકતાથી છલકતી કથા-પટકથા. પછી જોકે સિરીઝ બીબાઢાળ થવા માંડી. ચોથી સીઝનમાં તો જાણે એવી વેઠ ઊતરી કે સિરીઝ ક્યારે આવી એની નોંધ પણ ખાસ લેવાઈ નહીં. સદનસીબે એ છેલ્લી સીઝન હતી. ગ્લેમર અને મોડર્ન માહોલનો અતિરેક સિરીઝ માટે પહેલાં તાકાત અને પછી નબળાઈ બન્યાં છે.
ફર્ઝીઃ પ્રાઇમની જ આ સિરીઝથી શાહિદ કપૂરે ઓટીટી પર પદાર્પણ કર્યું હતું. સાથે વિજય સેતુપતિ, કે. કે. મેનન, રાશિ ખન્ના, ઝાકીર હુસેન જેવા કલાકારો હતાં. અમોલ પાલેકર પણ ખરા. રાજ અને ડી. કેની આ સિરીઝ એમની એક સૌથી ઓછી અસરકારક સિરીઝ ગણી શકાય. આઠ એપિસોડની સિરીઝમાં નકલી નોટોની વાત હતી. સ્ટાર્સની હાજરી અને ત્યારે પ્રવર્તમાન ઓટીટી માટેના ક્રેઝને કારણે સિરીઝે સૌથી વધુ જોવાયેલી સિરીઝમાં સ્થાન બનાવ્યું હતું. એની બીજી સીઝન વર્ષાંતે આવવાની શક્યતા છે.
હીરામંડીઃ સંજય લીલા ભણસાલીએ ઓટીટી પર આ સિરીઝ સાથે આગમન કર્યું હતું. ઓટીટીની એ એક સૌથી મોંઘી સિરીઝ પણ હતી. પાકિસ્તાનના બદનામ રેડ લાઇટ વિસ્તાર હીરામંડીમાં એની કથા આકાર લે છે. ભણસાલીએ આવા જ વિષય પર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ પણ આવી હતી. એમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં હતી. ‘હીરામંડી’માં મનીષા કોઇરાલા, સોનાક્ષી સિંહા, અદિતી રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શરમીન સેગલ, તાહા શાહ બાદુશા જેવાં કલાકારો છે. નેટફ્લિક્સની આ સિરીઝ, અપેક્ષા પ્રમાણે જ, એની પ્રોડક્શન વેલ્યુઝ અને સંગીત માટે વખણાઈ હતી. આઠ એપિસોડ્સની સિરીઝને ઘણાં નોમિનેશન્સ અને અમુક એવોર્ડ્સ મળ્યાં હતાં. સીઝન બેની જાહેરાત છેક જૂન 2024માં, પહેલી સીઝન આવી ગઈ એ પછી તરત, થઈ હતી. એની રજૂઆત એક્ઝેક્ટ્લી ક્યારે થશે એ હજી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. એટલું નક્કી કે ભણસાલી જેવા સર્જકની સિરીઝનું નવું પ્રકરણ અન્ય ઘણી જૂની-નવી સિરીઝ કરતાં વધુ રોમાંચક હશે.
ધ ફેમિલી મેનઃ 2019થી ચાલતી, મનોજ બાજપાયી અને પ્રિયામણિને પ્રમુખ રોલમાં ચમકાવતી આ સિરીઝ એટલે સિરીઝના મામલે અલગ સીમાચિહ્નો સ્થાપનારું સર્જન. એ પણ રાજ અને ડી. કેની કૃતિ છે. શ્રીકાંત તિવારી તરીકે બાજપાયીએ એમાં રંગ રાખ્યો છે. એક તરફ અંડરકવર એજન્ટ તરીકે અને બીજી તરફ પારિવારિક વ્યક્તિ તરીકે, બેઉ રૂપમાં બાજપાયી અને સાથે પ્રિયામણિનો, પરફોર્મન્સ વખણાયો છે. ત્રીજી સીઝન હજી નવેમ્બરમાં જ આવી હતી. અત્યાર સુધીની એ સૌથી નબળી સીઝન હતી. એમાં સાત એપિસોડ્સ હતા. પહલી સીઝનમાં સંભવિત આતંકવાદી હુમલાની, બીજીમાં તામિલ ટાઇગર્સ જેવા મિલિટરી આંદોલનની તો ત્રીજીમાં નોર્થ-ઇસ્ટ ઇન્ડિયાની સમસ્યાની વાત હતી. પ્રાઇમ વિડિયો ચોથી સીઝનમાં શું લાવશે એ ખબર નથી પણ એટલું નક્કી કે જો પહેલી-બીજી સીઝન જેવી તાકાત વિના સિરીઝ આગળ વધવાની હોય તો…
પંચાયતઃ સૌથી ઓછી હોહા વિના આવવા છતાં સૌથી વધુ વખણાયેલી કોઈ સિરીઝ હોચ તો એ આ. દીપક કુમાર મિશ્રા અને (સીઝન ચારમાં) અક્ષત વિજયવર્ગીય એના દિગ્દર્શકો છે. એ પણ પ્રાઇમ વિડિયોની સિરીઝ છે. જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, ચંદન રોય, ફૈસલ મલિક, સાન્વિકા, દુર્ગેશ કુમાર જેવાં કલાકારોની આ સિરીઝે યાદવ-ગુપ્તા સિવાયનાં ત્યારે ભાગ્યે જ પરિચિત ચહેરાઓને લોકપ્રિયતા અપાવી. જીતેન્દ્ર કુમાર તો લગભગ આ સિરીઝથી જ સ્ટાર બન્યો. 2020થી ચાલતી સિરીઝની ચોથી સીઝન જૂનમાં આવી હતી. એની પહેલાંની સીઝન કરતાં એ ખાસ્સી નબળી હતી. સિરીઝની તાકાત એની સહજતા, ગ્રામ્યતા અને હળવી રમૂજમાં રહી છે. આગળ જો એ એની ઓરિજિનાલિટીને જાળવી રાખતા મનોરંજન પીરસશે તો અર્થ સરશે.
મિર્ઝાપુરઃ ત્રણ સીઝન પછી એમાં હવે નવું શું આવશે એ તો એના સર્જકો અને પ્રાઇમ વિડિયો જાણે. પણ ક્રાઇમ અને ખૂનામરકીથી તરબતર આ સિરીઝની ત્રણમાંની બે સીઝન દમદાર હતી. કરણ અંશુમાન અને પુનિત કૃષ્ણ એના સર્જકો છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, વિક્રાંત મેસી, શ્વેતા ત્રિપાઠી, શ્રિયા પિળગાંવકર, રસિકા દુગ્ગલ, હર્ષિતા ગૌર, કુલભૂષણ ખરબંદા જેવાં અનેક કલાકારો એમાં છે. ઓટીટી પર ગુનાખોરીની દુનિયાને ગ્લોરિફાઈ કરવાનું અને દર્શકો પર સજ્જડ અસર ઊભી કરવાનું કામ આ સિરીઝે કર્યું હતું. એની ચોથી સીઝન આવશે ખરી? શક્યતા પૂરી છે.
આશ્રમઃ એ એવી સીઝન છે જેણે બોબી દેઓલને ઓટીટીના એક સૌથી સફળ કલાકારોમાં સ્થાન અપાવ્યું. સાથે એની કારકિર્દીને પણ લિફ્ટ આપી. મૂળે એ એમએક્સ પ્લેયરની આ સિરીઝ. હવે એ પ્લેટફોર્મનું પ્રાઇમ વિડિયોમાં વિલીનીકરણ થયું છે. બોબી ઉપરાંત એમાં અદિતી પોહણકર, દર્શન કુમાર, ચંદન રોય સન્યાલ, તુષાર પાંડે, ત્રિધા ચૌધરી, એશા ગુપ્તા, અધ્યયન સુમન વગેરે કલાકારો ચમક્યાં છે. ગયા ફેબ્રુઆરીમાં એની ત્રીજી સીઝનના છેલ્લા પાંચ એપિસોડ્સ આવ્યા હતા. નવી સીઝનની શક્યતા પ્રબળ છે.
આ સિવાયઃ ‘પાતાલલોક’, ‘દિલ્હી ક્રાઇમ’, ‘અસૂર’, ‘મહારાણી’, ‘સેક્રિડ ગેમ્સ’, ‘કોટા ફેક્ટરી’, ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘ગુલ્લક’, ‘રોકેટ બોય્ઝ’, ‘આર્યા’, ‘અપહરણ’, ‘સ્પેશિયલ ઓપ્સ’, ‘અનદેખી’, ‘જમતારા’, ‘બંદિશ બેન્ડિટ્સ’… આ બધી એવી સિરીઝ છે જેમની એક અથવા વધુ સિરીઝ આવી છે. દર્શકોએ એમને માણી છે. એમાંની અમુક નવી સીઝન માટે ઉપયુક્ત છે. જોવાનું એ રહેશે કે નવા વરસમાં આ બધી સિરીઝમાંથી કઈ કઈ આપણને ફરી પીરસાય છે.
નવું શું છે
- શાહ બાનો કેસ પર આધારિત કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘હક’ આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ડિરેકટર સુપન વર્માની આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે.
- ફિલ્મ નિર્માતા બર્ટી ગ્રેગરીના સેરેનગેટી ચિત્તાઓના અંતરંગ દેખાવ પર આધારિત નેશનલ જિયોગ્રાફિક ડોક્યુમેન્ટરી ‘ચિત્તાહ અપ ક્લોઝ વિથ બર્ટી ગ્રેગરી’ આજથી જિયોહોટસ્ટાર પર આવી છે.
- અમેરિકન સાયન્સ ફિક્શન હોરર ડ્રામા ટેલિવિઝન સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની પાંચમી અને અંતિમ સીઝનનો છેલ્લો એપિસોડ ગઈકાલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ગયો છે.
- ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ પ્રાઇડ ઓફ ઇન્ડિયા થીમ સાથે 5 જાન્યુઆરી 2026થી સોની લિવ પર પરત ફરી રહ્યું છે. આ શોમાં આ વખતે પણ જજ તરીકે શેફ કુણાલ કપૂર, વિકાસ ખન્ના અને રણવીર બ્રાર દેખાશે.
- ક્રિસ્ટા કોસોનેન, મોહમ્મદ નૂર ઓકલાહ અને પીટર ગેન્ટમેન અભિનિત સ્વીડિશ સિરીઝ ‘લેન્ડ ઓફ સિન’ પાંચ એપિસોડ સાથે આજથી નેટફ્લિક્સ પર જોવા મળશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/02-01-2026/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment