Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Uncategorized

ઓટીટી બન ગયા સો કરોડપતિ

September 3, 2026 by Sanjay Shah No Comments


મોટા પડદાની ફિલ્મો માટે દેશમાં માંડ દસેક હજાર સિનેમાઘર છે. ઓટીટી માટે સો કરોડ છે. સ્પર્ધા ક્યાં રહી? આ સ્થિતિમાં ઓટીટી પ્લેટફોર્મ્સે એક જ કાળજી રાખવાની છે. બોલિવુડની જેમ એણે બીબાઢાળ થવાથી બચવાનું છે

સંજય વિ. શાહ

જીવનની પોણી સદી આંબતાં નાના પાટેકરે ઓટીટી પર પદાર્પણ કર્યું. એમએક્સ પ્લેયર પર પ્રકાશ ઝાની સિરીઝ ‘સંકલ્પ’નું એમણે સુકાન હાથમાં લીધું. એક સમય હતો કે ઘણા કલાકારો કારકિર્દી, ઇમેજ, આવક અને દર્શકો સુધી પહોંચવા માટે માત્ર મોટા પડદા પર મદાર રાખતા હતા. ૨૦૦૦ની સાલમાં અમિતાભ બચ્ચને ટેલિવિઝન પર, ‘કૌન બનેગા કરોડપતિ’થી પદાર્પણ કર્યું હતું ત્યારે (એમની કરિયર પહેલેથી ડામાડોળ હતી) ઇન્ડસ્ટ્રીએ ફેસલો સુણાવી દીધો હતો, “બચ્ચનની બાજી પૂરી. નાના પડદે કામ કરીને એમણે પોતાના પગ પર કુહાડી મારી દીધી.”

થયું સાવ ઊંધું. અભિનય અને પોતાના વ્યવસાયનાં તમામ પાસાં સૌથી સારી રીતે જાણનારા બોલિવુડના એક મેમ્બર બચ્ચન છે. ‘કેબીસી’એ એમને તારી દીધા. સાથે સ્ટાર પ્લસને નંબર વન સેટેલાઇટ ચેનલ બનાવી દીધી. અફ્ફકોર્સ, એમાં ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’નો ફાળો પણ રહ્યો. છતાં, આજે પચીસ વરસે પૃથક્કરણ કરીએ તો ચિત્ર સાફ છેઃ બેઉમાં બચ્ચનનો શો ક્યાંય વધારે આગળ છે, અજેય રહ્યો છે.

આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, ખાસ તો ‘વડીલ’ કલાકારો માટે, ત્યારે સમય બદલાયો હતો એમ કહીએ તો અતિશયોક્તિ નથી. અમિતાભ પહેલાં દિલીપ કુમાર, રાજેશ ખન્ના સહિત અનેક કલાકારો મોટી ઉંમર સુધી પ્રવૃત્ત રહ્યા પણ, જે રીતે અમિતાભે, જૂનું એ સોનું સિદ્ધ કર્યું એ રીતે એમની પહેલાં કોઈ કરી શક્યું નથી.

હવે ફરી સમય કરવટ લઈ રહ્યો છે. વડીલ કલાકારો અને બોલિવુડથી ફેંકાઈ ગયેલા કલાકારો માટે પણ નવું વિશ્વ ઉઘડ્યું છે. એ વિશ્વ ઓટીટી પ્લેટફોર્મ્સનું છે.

મનોજ બાજપાયી, પંકજ ત્રિપાઠી, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, બોબી દેઓલ, શેફાલી શાહ, નિમરત કૌર, અનિલ કપૂર… કેટલાંય નામ યાદ આવે છે. બોલિવુડમાં એમની કારકિર્દી જોઈએ એમ આગળ વધવાની બંધ થઈ ત્યારે એમને તક આપી ઓટીટીએ. ચલતા પુરજા પાત્રમાં નહીં, વજનદાર, કેન્દ્રવર્તી અને આખી ફિલ્મ કે સિરીઝનો ભાર વેંઢારતાં પાત્રોમાં. ઘણા એવા છે જેમને બોલિવુડે ક્યારેય એમની ખરી ક્ષમતાને અનુરૂપ તક આપી જ નહોતી. મોટા પડદે તેઓ નાના, ગૌણ પાત્રો ભજવીને ગૂંગળાઈ રહ્યા હતા પણ, સતત દેખાવા માટે, જે મળ્યું તે કામ કરી લેવું, એવા અભિગમ સિવાય એમની પાસે કોઈ પર્યાય નહોતો. આમાંના ઘણા કલાકારો ટેલિવિઝન પર નહીં જઈ શક્યા અથવા ગયા નહીં. એનાં અમુક કારણ સમજી શકાય એવાં છે. ટેલિવિઝન કલાકારના ભુક્કા નીકળી જાય એટલો સમય માગે છે. એમાં કથાનક કે પાત્ર કોઈનું એટલું મહત્ત્વ નથી જેટલું શોનું અને ચેનલનું છે. જે ચેનલ ટનાટન ચાલતી હોય એમાં નબળો શો પણ નીકળી જાય એ ટીવી પર શક્ય છે. જે કલાકાર સામે ચેનલ કે પ્રોડક્શન હાઉસને વાંધો પડે એનું પત્તું રાતોરાત કપાઈ જાય એ ટીવીમાં આસાન છે. ટીવી શોઝ સફળ થયે અનંતકાળ ખેંચવામાં આવે છે. અસલ કલાકારોને એની સામે પણ વાંધો હોય છે. એટલે ઘણા કલાકારોએ ઓછું કામ કરવું કબૂલ કર્યું પણ ટીવીની શરણાગતિ ધરાર સ્વીકારી નહીં.

ઓટીટીની વાત અલગ છે.

એમાં શોની સીઝન હોય. સમય ફાળવવાની મર્યાદા હોય. શૂટિંગ માટે એકધારા ઘસાવાનો ત્યાં સવાલ નથી. માત્ર ઓટીટી માટે બનતી ફિલ્મોનો મામલો ઔર મજાનો હોય છે. એને બોક્સ ઓફિસનો ભો સતાવતો નથી. ફિલ્મના પ્રમોશન માટે ચિક્કાર પૈસા ખર્ચવાની, વિતરકો-પ્રદર્શકો સામે તરણું ઝાલીને ફિલ્મ સારી રીતે રિલીઝ કરવા માટે કાલકૂદી કરવાની જરૂર નથી હોતી. બસ, ફિલ્મ બનાવો અને મૂકી દો ઓટીટી પર. દર્શકો પહેલેથી અંકે થઈ ગયા છે. પ્રમોશનની ચિંતા મોટા પડદા જેવી નથી. ફિલ્મ જો સારી નીકળી તો સડસડાટ વર્ડ ઓફ માઉથથી પોતાનું સજ્જડ સ્થાન બનાવી લે છે. શિરમોર વાત એ કે મોટા પડદે ફિલ્મનું આયુષ્ય સાવ ટૂંકું થઈ ગયું છે. ઓટીટી પર એવી કોઈ એક્સપાયરી ડેટ નથી. આજે રિલીઝ થનારી ફિલ્મ એક વરસે પણ હૈયાં જીતી શકે છે. સિમ્પલ.

વડીલ કલાકારો માટે એટલે મનોરંજન ઉદ્યોગમાં સુવર્ણકાળ છે. તગડા પૈસા, મર્યાદિત સમયની ફાળવણી, વ્યવસ્થિત પ્રમોશન અને પહેલેથી કમાયેલી ગુડવિલના જોરે તેઓ ઓટીટી ફિલ્મ અને સિરીઝથી પોતાની મહત્તા સિદ્ધ કરી શકે છે. પરિણામ સાફ છે. મનોજ બાજપાયી બોક્સ ઓફિસ પર રૂ. ૩૦૦ કરોડના પ્રોજેક્ટમાં લીડ કરવાનું ભલે વિચારી ના શકે, ઓટીટીના શો ‘ધ ફેમિલી મેન’ માટે એમનું કાસ્ટિંગ એકદમ સચોટ બને છે. બોબી દેઓલ ભલે મોટા પડદે કુછ કામ કા નહીં રહા, પણ, ‘આશ્રમ’ જેવી દમદાર સિરીઝની એમની હાજરી વિના કલ્પના કરવી અઘરી છે. ઓટીટી કલાકારને આકાશ આપે છે. ઇમેજ, નાચગાના, રોમાન્સ અને કહેવાતી કમર્શિયલ મસાલાની ફરજોના બંધનથી મુક્ત કરે છે. કલાકાર ચાહે એવું વેરિએશન અજમાવી શકે છે. ફિલ્મોમાં એ ક્યાંથી થાય?

માત્ર કલાકારો માટે નહીં, જાતજાતના વિષયના અખતરા કરવા માટે પણ ઓટીટી વરદાન છે. ફિલ્મોમાં નહીં થઈ શકતા અખતરા ઓટીટી પર શક્ય છે. કોર્ટરૂમ ડ્રામા, પોલિટિકલ થ્રિલર, જેલમાં ઘુમરાતી કથાઓ, સાયકોલોજિકલ કથાઓ… બીજું ઘણુંબધું જે માત્રામાં ઓટીટી માટે બનાવી શકાય છે એ માત્રામાં ફિલ્મો માટે બની શકે નહીં. ઓટીટી પર વિષયાનુરૂપ લંબાઈ શક્ય છે. જેવો વિષય એનું સર્જન શક્ય છે. ટૂંકમાં પતાવવા ફિલ્મ અને લંબાઈ જોઈએ તો સિરીઝ, શક્ય છે. સિરીઝ સરસ જાય તો નવી સીઝન શક્ય છે. ઇન ફેક્ટ, ફિલ્મ કરતાં કથાકથન માટે ઓટીટી બહેતર પુરવાર થઈ રહેલું પ્લેટફોર્મ છે.

આખી વાતમાં ઉમેરી દો દર્શકોનો બદલાતો મિજાજ. ખાસ કરીને શહેરી અને યુવા દર્શકો, જેઓ વિદેશી ફિલ્મો-સિરીઝથી પ્રભાવિત અને પરિચિત છે. એમને બોલિવુડના ટાયલાવેડા અને ફોર્મ્યુલા રેસ પસંદ નથી. એમને ખપે નાવીન્ય. ઓટીટી એ ખોબલેખોબલે આપી શકે છે.

સમય બદલાયો છે. દર્શકોનો ટેસ્ટ બદલાયો છે. મોટા પડદાની ફિલ્મો માટે દેશમાં માંડ દસેક હજાર સિનેમાઘર છે. ઓટીટી માટે સો કરોડ છે. સ્પર્ધા ક્યાં રહી? આ સ્થિતિમાં ઓટીટી પ્લેટફોર્મ્સે એક જ કાળજી રાખવાની છે. બોલિવુડની જેમ એણે બીબાઢાળ થવાથી બચવાનું છે. અત્યારે જોકે એવી ગંધ આવવા માંડી છે કે ઓટીટી પણ એ જાળમાં ફસાઈ રહ્યું છે. પોતાની સાથે એવું થવા દેવાથી જે ઓટીટી પ્લેટફોર્મ્સ બચી જશે એ તરી જશે. સાથે તારી જશે મનોરંજનની દુનિયાને અને દર્શકોને.

Share:
Reading time: 1 min
Uncategorized

શું ચાલી રહ્યું છે ઓટીટીની દુનિયામાં?

September 1, 2026 by Sanjay Shah No Comments

સાઉથની ઇન્ડસ્ટ્રીઝ ઠરાવી રહી છે કેટલાં અઠવાડિયે ફિલ્મ ઓટીટી પર આવે, મોટી કંપનીઓ ઠરાવી રહી છે માઇક્રોડ્રામામાં તહેલકો મચાવવા વિશે અને સરકાર ઠરાવી રહી છે ટીવી રેટિંગ્સની વિશ્વસનીયતા વિશે

સંજય વિ. શાહ

આજે વાત કરીએ ઓટીટીની વિવિધ ગતિવિધિઓની, કટકેકટકે…

સિનેમાઘરમાં રિલીઝ થતી ફિલ્મ ઓટીટી પર ક્યારે આવવી જોઈએ? લાંબા સમયથી ચાલતી આ ચર્ચા, ખરેખર તો, આ વિવાદમાં.


આ અઠવાડિયે એક ટ્વિસ્ટ આવ્યો. થયું એમ કે દક્ષિણ ભારતની ચારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં વિવિધ અસોસિયેશન્સ આ મુદ્દે વિચારવિમર્શ કરવા રવિવારે ભેગા થયા. હૈદરાબાદમાં મળેલી બેઠકમાં મુખ્ય પ્રશ્ન હતો કે ફિલ્મને સિનેમાઘરથી ઓટીટીભેગી કેટલાં અઠવાડિયાં પછી કરવાનો એક શિરસ્તો હોવો જોઈએ. 

એમાં પ્રસ્તાવ હતો આઠ અઠવાડિયાં કમ સે કમ રાખવાનો. તામિલ ફિલ્મો માટે હાલમાં એવી ગોઠવણ છે કે મોટા પડદે આવનારી કોઈ ફિલ્મ ઓટીટી પર આઠ અઠવાડિયાં પહેલાં જઈ શકે નહીં. આ નિયમ સાઉથની બધી ભાષાની ફિલ્મોને લાગુ કરવાનો ત્યાંના નિર્માતાઓનો વિચાર છે. નિર્માતા ઉપરાંત આ નિર્ણયમાં વિતરકો એટલે એક્ઝિબિટર્સ પણ અગત્યનું અંગ છે. બેઉનો આશય એટલો હોય છે કે કરોડો ખર્ચીને બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર પૂરતો સમય ચાલે અને શક્ય તેટલું કલેક્શન કરે. આઠ અઠવાડિયાંનો સમય એકદમ વાજબી છે. હા, ‘ધુરંધર’ જેવી અપવાદરૂપ ફિલ્મ કોઈપણ ભાષામાં આવે, એને આ નિયમથી બાકાત રાખવા માટે પણ જોગવાઈ હોવી જોઈએ. 

ગુજરાતી ફિલ્મોએ શું કરવું જોઈએ? ખેર, એની કોઈ ચર્ચા હજી થતી નથી કારણ આપણી ઇન્ડસ્ટ્રી હજી સંગઠિત નથી. આપણી ફિલ્મો હજી પોતાની પ્રજામાં સ્થાન સુદ્રઢ કરવા મથી રહી છે. સંખ્યામાં ભલે ગુજરાતી ફિલ્મો વધી પણ મનોરંજનક્ષમતામાં સિદ્ધિઓ હાંસલ કરવા ગુજરાતી ફિલ્મોએ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. શું છે કે પહેલાં આપણી ફિલ્મો પર આળ હતું કે એ તો ગામ, ગરબો અને ગોકીરોના ચક્રવ્યૂહમાં અટવાઈ ગઈ છે. હવે કહી શકાય કે એ તો કહેવાતી અર્બન ફિલ્મોની સ્ટાઇલના વમળમાં ઘુમરાઈ રહી છે. ‘વશ’, ‘હેલ્લારો’ જેવા અપવાદો હજી ઓછા છે. એ જ્યારે વધશે અને જ્યારે વિષયવૈવિધ્ય સાથે, વિષયને ખરા અર્થમાં ન્યાય આપતી ફિલ્મો બનશે ત્યારે ફરક પડશે.

ગુજરાતી ફિલ્મો માટે હજી ઓટીટી પર વેચાઈ જવું સહેલું નથી. સસ્તા ભાવે શરણાગતિ કરવા તૈયાર હોવા છતાંય, નથી. સિનેમાઘરમાં આવતી આપણી ફિલ્મોમાંથી ઓટીટી પર કેટલી ફિલ્મો આવી? એનો વિચાર કરીને સંખ્યા જાણીએ તો નવાઈ લાગે એવું છે. ઓટીટી પ્લેટફોર્મ્સ હજી ગુજરાતી ફિલ્મો ખરીદવા માટે બહુ ઉત્સુક હોય એમ લાગતું નથી. આપણી મહત્તમ ફિલ્મો શેમારૂ લે છે. નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો ક્યારેક છબછબિયાં કરી જાય છે. ઓહો ગુજરાતીએ મેદાન છોડી દીધું છે. જોજો હજી જામવાનું બાકી છે. છતાં, જેમજેમ ગુજરાતી ફિલ્મો વધુ સારી બનતી જશે એમ ફરક તો પડશે જ.

ઓટીટીનું સામ્રાજ્ય હચમચાવવા માઇક્રોડ્રામા ઉભરી રહ્યા છે એ પણ મોટી વાત છે. હવે તો યશરાજ સહિતની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી કંપનીઓ પણ આ મોરચે મોટા પાયે ઊતરવાની છે. જે દેશમાં દરેકના હાથમાં મોબાઇલ હોય અને લોકો ટેલિવિઝનની સ્ક્રીન કરતાં નાની સ્ક્રીન પર વધુ મનોરંજન માણતા હોય ત્યાં યે તો હોના હી થા. વળી, માઇક્રોડ્રામાના એપિસોડ્સ બે-ચાર મિનિટના માંડ હોય. એટલે, જ્યારે અને જેટલી ફુરસદ મળે એ પ્રમાણે માઇક્રોડ્રામા માણી શકાય છે. જોકે આ ક્ષેત્રમાં અત્યારે સૌથી મોટી સમસ્યા કઈ કથાઓ કહેવી એની છે. શરૂઆતમાં જેમણે વાવટા ફરકાવ્યા છે એમાંની મોટાભાગની કંપનીઓએ કે એપ્સે વિદેશી (ચાઇનીઝ) કથાઓની બેઠ્ઠી અને આડેધડ નકલ કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. બાકીનાઓએ એવી કથાઓથી સ્થાન બનાવ્યું જે પ્રમાણમાં અશ્લીલ વધુ અને સામાજિક ઓછી હોય છે. વાસ્તવમાં તો માઇક્રોડ્રામા ત્યારે જ જુવાળ બનશે જ્યારે એમાં અસલ ભારતીયતા, શ્રેષ્ઠ ગુણવત્તા અને લોકોની અપેક્ષાઓનું સાચું પ્રતિબિંબ ઝળકશે.

‘જન નાયકન’ થોડા દિવસ પહેલાં ઓનલાઇન લીક થઈ હતી. અભિનેતા ટર્ન્ડ નેતા એવા વિજયની આ ફિલ્મ સેન્સરની કાતર નીચે અત્યાર સુધી કચડાયેલી છે. લગભગ એ ત્યાં સુધી સિનેમાઘર નહીં જોઈ શકે જ્યાં સુધી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પૂરી નહીં થાય. બરાબર એવા સમયે ફિલ્મનું ઓનલાઇન લીક થવું અનેક પ્રશ્નો સર્જે છે. 

સૌથી મોટો પ્રશ્ન એ હોઈ શકે કે આ ફિલ્મ એની સાથે સંકળાયેલા કોઈકે જ લીક કરી હશે? આર્થિક નહીં તો અન્ય કારણોસર કરી હશે? બેશક, ફિલ્મ સાથે સંકળાયેલા લોકો અને કાયદો એની તપાસ કરશે પણ તોસ્તાન બજેટવાળી ફિલ્મ આ રીતે મફતિયા માલ તરીકે ઓનલાઇન આવી જાય એ ચિંતાનો વિષય છે. હાલમાં કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ પોલિસીની જાહેરાત કરી છે. એની સૌથી મોટી વાત એ છે કે હવેથી જેને મન ફાવે એ પોતાની રીતે ટીવી શોઝ માટે રેટિંગ જાહેર કરી શકશે નહીં. અર્થાત્, ખાનગી કંપનીઓના હાથમાંથી મનમાની કરવાની તાકાત કદાચ ઘટી જશે. અથવા, રેટિંગ જાહેર કરવાની લાયકાત મેળવવા એમણે સરકારી માર્ગદર્શિકા મુજબ ચાલવું પડશે. દાખલા તરીકે, ઓછાંમાં ઓછાં ૮૦,૦૦૦ ઘરમાં રેટિંગ માટે મીટર હશે તો એજન્સી રેટિંગ જાહેર કરી શકશે. અને પછી એ સંખ્યા ૧,૨૦,૦૦૦ કરીને એમાં દર વરસે ૧૦,૦૦૦ મીટર ઉમેરવાં પડશે. જે કંપની આ વેપારમાં રહેવા ચાહતી હશે એના પચાસ ટકા ડિરેક્ટર્સ સ્વતંત્ર હોવા જોઈએ. જે ડેટા આ કંપનીઓ જારી કરે એ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, ૨૦૨૩ સાથે મેળ ખાનારા હોવા જોઈએ.

આ સિવાય પણ નવી પોલિસી ઘણું દણાવે છે. સારી વાત એ કે સરકાર જો ગંભીરતાપૂર્વક રેટિંગ્સમાં ચાલતા કડદાને રોકી શકશે તો દર્શકોને પાકી જાણ થશે કે ખરેખર કયા ટીવી શોઝ સારા છે.

Share:
Reading time: 1 min

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

ઓટીટી બન ગયા સો કરોડપતિ

ઓટીટી બન ગયા સો કરોડપતિ

03.09.2026

દુબઈ સફરઃ ભાગ બેઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન

03.11.2022
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

ઓટીટી બન ગયા સો કરોડપતિ

ઓટીટી બન ગયા સો કરોડપતિ

03.09.2026
શું ચાલી રહ્યું છે ઓટીટીની દુનિયામાં?

શું ચાલી રહ્યું છે ઓટીટીની દુનિયામાં?

01.09.2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.