Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Uncategorized

‘સિસ્ટમ’ના માળખામાં જ મોટી ખોટ છે

August 13, 2026 by Sanjay Shah No Comments

આ એવી ફિલ્મ છે જે કદાચ એટલે ધ્યાનમાં લેવાય કે એમાં સોનાક્ષી અને જ્યોતિકા છે. અભિનયના મોરચે જોકે સોનાક્ષી કરતાં જ્યોતિકા વધુ માર્ક્સ મેળવે છે

સંજય વિ. શાહ

 

‘દબંગ’ ગર્લ સોનાક્ષી સિંહાની કારકિર્દી એક સમયે પ્રખર જામી હતી. પછી વળતાં પાણી થયાં. 2010માં સોનાક્ષીએ પદાર્પણ કર્યું હતું. 2013માં ‘લૂટેરા’ આવી હતી જે ભલે સફળ નહોતી પણ નોખી જરૂર હતી. પછી લગભગ હમણાં સુધી સોનાક્ષીની એકપણ એવી ફિલ્મ નથી આવી જે કાં નોંધનીય હોય કાં જેમાં સોનાક્ષીએ સફળતામાં મોટું યોગદાન આપ્યું હોય. એની વચમાં 2023માં એ વેબ સિરીઝ ‘દહાડ’ અને ‘હીરામંડી’માં દેખાઈ. એની ઢીલી પડેલી કારકિર્દીમાં એ બે સિરીઝ પ્રમાણમાં સારી રહી ગણાય. હવે સોનાક્ષી ફરી ‘સિસ્ટમ’માં દેખાઈ છે. પ્રાઇમ વિડિયોની આ ફિલ્મમાં એની સાથે જ્યોતિકા અને આશુતોષ ગોવારિકર પ્રમુખ પાત્રોમાં છે. કેવીક છે ફિલ્મ?

બે કલાક કરતાં જરાક લાંબી ‘સિસ્ટમ’ અશ્વિની ઐયર તિવારીએ ડિરેક્ટ કરી છે. બાવેજા સ્ટુડિયોઝ બેનર છે. નિર્માતા પમ્મી બાવેજા, હરમન બાવેજા અને સ્મિતા બાલિગા છે. ઓટીટી પર ક્રાઇમ અને કોર્ટરૂમ ડ્રામાનાં સતત આવી રહેલાં સર્જનોમાં ‘સિસ્ટમ’ વધુ એક ફિલ્મ છે. 

નેહા રાજવંશ (સોનાક્ષી) પબ્લિક પ્રોસિક્યુટર છે. જીવનમાં એ એકપણ કેસ જીતી નથી. એના પિતા રવિ (આશુતોષ) સફળ વકીલ છે. એમની ફર્મ 

image courtesy; JustWatch

પાટનગરની સફળતમ એડ્વોકેટ ફર્મ્સમાંની એક છે. નેહા સામે પડકાર એવો છે કે એણે પિતા સમક્ષ પોતાની આવડત સિદ્ધ કરવા લાગલગાટ દસ કેસ જીતી બતાવવાના છે. એવામાં એક કેસની સુનાવણી વખતે નેહાનો ભેટો સારિકા (જ્યોતિકા) સાથે થાય છે. સારિકા કોર્ટમાં સ્ટેનોગ્રાફર છે. એક કેસમાં સારિકા નેહાને એવી કંઈક મદદ કરે છે જેનાથી હારેલી બાજી નેહા જીતી જાય છે. એમ, એની જીતનું ખાતું ખૂલે છે. પછી શું? અદાલતોની સુવાનણી સાંભળી સાંભળીને ધીટ થઈ ગયેલી સારિકાની મદદથી નેહા કેસ પછી કેસ જીતતી જાય છે. બેઉની દોસ્તી ગાઢ થાય છે. એવામાં આવે છે દસમો કેસ. એમાં નેહાએ એના પિતાને પરાજિત કરવાના છે જેઓ ડિફેન્સ વતી કેસ લડી રહ્યા છે. એ કેસ છે વિક્રમ બજરાલ (વિજયંત કોહલી) વિરુદ્ધનો, જેમાં એના પર એક યુવતીની હત્યાનો આરોપ છે. નેહા કેસ જીતશે ખરી? એ પણ એના પિતા, એક અત્યંત જાણીતા, સફળ એડ્વોકેટ સામે કે પછી… 

‘સિસ્ટમ’ની કથાનું આ એક પાસું થયું. બીજું પાસું નેહા અને સારિકાને સાંકળતું છે. ફિલ્મ જો જકડી રાખનારી બની શકત તો એનું કારણ આ બીજા પાસાંનો દમદાર ઉપયોગ કરવાની ડિરેક્ટરની આવડત હોત. એની બદલે, 

તિવારી ભારોભાર ઓછાં પડે છે. હરમન બાવેજા, અરુણ સુકુમાર, તિવારી પોતે, તસનીમ લોખંડવાલા અને અક્ષત ઘિડિયાલ, એમ પાંચ પાંચ લેખકોએ ભેગાં મળીને જે સ્ક્રિપ્ટ લખી છે એ અત્યંત કાચી અને દિશાવિહીન છે. નેહા ફિલ્મની કરોડરજ્જુ જેવું પાત્ર છે. એનું લખાણ કઢંગું, કાચું અને ગાંભીર્ય વિનાનું છે. નેહા કેસ લડવા માટે ઓલમોસ્ટ આખી ફિલ્મમાં એવું કશું કરતી નથી દેખાતી જેનાથી એમ થાય કે આને કહેવાય બાહોશ એડ્વોકેટ. હા, એ ઇન્સ્ટા રીલ્સ જોતી જરૂર દેખાય છે! સારિકા જેવી સ્ટેનો નેહાને જે ‘ટિપ’ આપીને વિજયરથ પર

સવાર કરે છે એ એટલી સાધારણ છે કે નવાઈ લાગે, “નિષ્ણાત વકીલ પોતે આવો વિચાર કરવાને સક્ષમ ના હોય કે?” ફિલ્મનો જેના પર દારોમદાર છે એ બજરાલના કેસ વખતે દર્શકને મનમાં એકાદવાર થાય કે હવે નેહા રંગ રાખશે પણ એવું કશું થતું નથી. એ કેસની લડતમાં નેહા એટલી કાચી લાગે છે કે ના પૂછો વાત. 

એના પ્રતિસ્પર્ધી, એના પિતા રવિનું પાત્ર કેરીકેચર જેવું છે. એણે સંવાદોથી સાબિત કરવાનું છે કે પોતે કેટલો વગદાર એડ્વોકેટ છે, નહીં કે એક્શન કે ઘટનાથી. પિતા-પુત્રી વચ્ચેનાં અમુક દૃશ્યો, જે એટલે લખાયાં હશે કે કોર્ટરૂમ ડ્રામા સાથે ફિલ્મ પારિવારિક અને સંવેદનાત્મક રીતે પણ અસરકારક બને, એમાં કશી ભલીવાર નથી. એ દૃશ્યોની તુલનામાં, જૂની ફિલ્મોનાં એ પ્રકારનાં દૃશ્યો, વધુ સારાં લાગે. 

મૂળે, કોર્ટરૂમ ડ્રામા, બાપ-દીકરીનો સંબંધ અને નેહા-સારિકાનું એકમેકને ઉપયોગી થવું, એ ત્રણ ટ્રેકમાંથી ફિલ્મમાં કોઈ ટ્રેક એ મુકામે પહોંચતો નથી જ્યાંથી એ બાગડોર સંભાળીને, બાકીના બે ટ્રેક નબળા રહે તો પણ, ફિલ્મને તારી જાય. સારિકાની અંગત જિંદગી એવી રીતે દર્શાવવામાં આવે છે કે એની મિડલ ક્લાસ સ્ટ્રગલ ક્ષણભર માટે વાસ્તવિક લાગે નહીં. એ દર્શાવવામાં ખર્ચવામાં આવેલો સ્ક્રીન ટાઇમ અર્થવિહોણો છે. 

ફિલ્મને ડૂબાડતું એટલું જ મોટું કારણ અધકચરું એક્ઝિક્યુશન છે. શું ડિરેક્શન કે શું પડદા પર દેખાતી સ્થિતિઓ અને રંગો, કશાયમાં નાવીન્ય નથી. એટલું ઓછું હોય તેમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોઈ નક્કર પેટર્ન કે અદા વગરનું છે. કબીર કાથપલિયા (ઓએફ), કાર્તિક માનિકવાસકમ, ઍના રહમાન અને સવેરા જેવાં ચાર સંગીતકારો સહિયારા ચાર એવી ટ્યુન ફિલ્મમાં ફિટ કરી શક્યાં નથી જે દૃશ્ય કે પરિસ્થિતિને ઉઠાવ આપે. એવું જ ફિલ્મની ડાર્ક સિનેમેટોગ્રાફી (રંગરાજન રમાબદ્રન) માટે કહી શકાય. આખી ફિલ્મ એવા ટોન પર આગળ વધ્યે રાખે છે જે આડકતરી રીતે એવો સંદેશો આપવા મથે છે કે આપણે સિરિયસ ફિલ્મ નિહાળી રહ્યા છીએ. એવા ટોનથી શું? જ્યાં સુધી ગાંભીર્ય દર્શકને સ્પર્શે નહીં, બધું એળે ગયું કહેવાય. અરે હા, ફિલ્મની પશ્ચાદભૂ દિલ્હી છે એવું માત્ર અછડતું વર્તાય છે. એનો કોઈ લાભ ફિલ્મ લઈ શકતી નથી કે નથી કે એ સંદર્ભમાં પોતાનું કોઈ કેરેક્ટરાઇઝેશન સર્જી શકતી. ફિલ્મમાં જે અન્ય પાત્રો છે, જેમ કે નેહાનો ભાઈ આલોક (આદિનાથ કોઠારે), એનો બોયફ્રેન્ડ વગેરે, એ પૂરક પાત્રો તરીકે કોઈ ખાસ કામનાં નથી. 

‘સિસ્ટમ’ એવી ફિલ્મ છે જે કદાચ એટલે ધ્યાનમાં લેવાય કે એમાં સોનાક્ષી અને જ્યોતિકા છે. અભિનયના મોરચે જોકે સોનાક્ષી કરતાં જ્યોતિકા વધુ માર્ક્સ મેળવે છે. આશુતોષના પાત્રમાં કોઈ ઊંડાણ નહીં હોવાથી એ ધારે તોય અહીં કશું કરી શકવાની સ્થિતિમાં હોત નહીં. ટૂંકમાં, રસવિહાણી અને અસરવિહોણી ‘સિસ્ટમ’ જોઈ તો શું અને…

Share:
Reading time: 1 min

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

18.08.2026

દુબઈ સફરઃ ભાગ બેઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન

03.11.2022
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

18.08.2026
‘સિસ્ટમ’ના માળખામાં જ મોટી ખોટ છે

‘સિસ્ટમ’ના માળખામાં જ મોટી ખોટ છે

13.08.2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.