કોન્સેપ્ટથી લેખન સુધી આ સિરીઝને પોતાને અસરકારક ઇલાજની જરૂર હતી. એ પછી જ એને બનાવવાની દરકાર સર્જકોએ કરવાની હતી. એ સિવાયનું જે પરિણામ પડદે આવ્યું છે એ દર્શકને અસુખ કરાવનારું છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફોર્મ્યુલાનું ગ્રહણ દાયકાઓથી લાગેલું છે. એક ફિલ્મ ચાલે એટલે એના જેવી ફિલ્મો બનાવવા સૌ નીકળી પડે. “ટ્રેન્ડ છે, લોકોને આવું જ કંઈક જોવું છે,” એ હોય છે દલીલ. આવી દલીલ કરતી વખતે કોઈ જોકે એ નથી કહેતું કે જે ફિલ્મથી ટ્રેન્ડ શરૂ થયો એના સર્જકે બસ, આત્મસ્ફુરણા કે પોતાના વિષય પર ભરોસો રાખીને એવું કંઈક બનાવ્યું જેનો ટ્રેન્ડ જ નહોતો. ટ્રેન્ડના પાપે જ્યાં એક-બે ફિલ્મો ચાલી જતી હોય છે ત્યાં અનેક ફિલ્મો પાણીમાં બેસી જતી હોય છે. એની જોકે કોઈ વાત કરતું નથી.
ઓટીટીની દુનિયામાં પણ આ ટ્રેન્ડિયા તકલીફ ઘર કરી ચૂકી છે. ક્રાઇમ થ્રિલર્સનો ટ્રેન્ડ તો ઓટીટીનો દોર જામ્યો ત્યારથી એટલે રહ્યો છે કે શરૂઆતી અમુક સિરીઝ એ પ્રકારની હતી. ‘પંચાયત’ જેવી સિરીઝે દેશી માહોલવાળી, સાવ સરળ વાર્તા અને પાત્રોનો એક ટ્રેન્ડ શરૂ કર્યો. નસીબજોગે હજી આ પ્રકારની સિરીઝનો મોટો ફાલ આવ્યો નથી પણ એની કહો કે શરૂઆત થઈ ગઈ છે. પ્રાઇમ વિડિયોએ જાણે એનું સુકાન લીધું છે. થોડા સમય પહેલાં આ પ્લેટફોર્મ પર ‘દુપહિયા’ પણ આવી. હવે ‘ગ્રામ ચિકિત્સાલય’ આવી છે. બિલકુલ યોગાનુયોગ વિના કહીએ તો એના સર્જક ‘પંચાયત’ વાળા ટીવીએફ અને અરુનભ કુમાર છે. પાંચ એપિસોડની સિરીઝનું નામ પણ એની તાસીર કહી જાય છે. કરીએ વાત.
દિલ્હીમાં મોટી હોસ્પિટલના વારસ એવો ડો. પ્રભાત સિંહા (અમોલ પરાશર), ઉત્તર ભારતના સુદૂરના નાનકડા ગામ ભટકંડીમાં સરકારી પ્રાથમિક ચિકિત્સાલયમાં સેવા આપવા સ્વેચ્છાએ જાય છે. ચિકિત્સાલયની હાલત ખસ્તા છે. એની જમીન પર પાડોશમાં વસતા રામ અવતાર (અખિલેશ્વર પ્રસાદ સિંહા)એ અડિંગો જમાવીને ખેતી કરવા માંડી છે. ચિકિત્સાલયના પગારદાર કર્મચારીઓ ફુટાની (આનંદેશ્વર દ્વિવેદી), ગોવિંદ (આકાશ મખીજા) વગેરે સમ ખાવા પૂરતું કોઈ કામ કરે છે. ગામમાં ઊંટવૈદ્ય ડો. ચેતક કુમાર (વિનય પાઠક)નું એકહથ્થું રાજ છે. ભલે એ થાઇરોઇડની તપાસ કરવા દરદીનાં આંખ અને કાન તપાસીને દવા આપે. છતાં, એકવાર ગામજમણમાં એ ડો. સિંહાને ભાષણ આપે છે, “પેશન્ટ કમાના પડતા હૈ.”
આવા માહોલમાં કંઈક હદે સીધું કામ કરતી કર્મચારી ઇન્દુ (ગરિમા વિક્રાંત સિંઘ) ખરી. પાસેના ગામમાં ચિકિત્સાલય સંભાળતી ડો. ગાર્ગી (આકાંશા કંજન કપૂર) છે જેનું ગામમાંનું, ગેસ્ટ હાઉસમાનું ઘર, ડો. સિંહાની પાડોશમાં છે. બેઉ વચ્ચે છૂટકછાટક સંવાદ સધાતો રહે છે જે સિરીઝ પત્યા સુધી ખાસ કશું સિદ્ધ કરતો નથી.
વાર્તામાં મોણ નથી. ચિકિત્સાલય પર ગ્રામજનોના અવિશ્વાસ, એને લગતાં કારણો, વચમાં રાજકારણના બિનજરૂરી કાવાદાવા અને એની વચ્ચે અટવાયેલો શહેરી ડોક્ટર. કથાનકને આગળ વધારવા માટે ઘડાયેલા પ્રસંગોમાં ગહનતાનો ભારોભાર અભાવ છે. સૌપ્રથમ તો, સવાલ એ થાય કે ભારતીય ગામડું ગમે તેટલું ભોળું કે પછાત હોઈ શકે પણ સિરીઝના ભટકંડી જેવું ના હોઈ શકે. દાખલા તરીકે, ગામમાં ભાગ્યે જ કોઈ પાત્ર પાસે મોબાઇલ છે. ભાગ્યે જ કોઈ પાત્ર વાસ્તવિકતાની નજીક છે. ગામમાં પોલીસ સ્ટેશન છે પણ એના અધિકારી (હરીશ હરિઔધ) ને નિશમેન્ટ પોસ્ટિંગ મળી છે. આ પોલીસ કથામાં માત્ર સગવડિયા પ્રસંગ માટે દેખાય છે.
રાહુલ પાંડે દિગ્દર્શિત આ સિરીઝ એટલે જ બની હશે કે ટીવીએફને ‘પંચાયત’થી એક ફોર્મ્યુલા જડી ગઈ. એ સિવાય આ સિરીઝ બનાવવાનું કોઈ દેખીતું કારણ નથી. હોત, જો એનાં પાત્રો, એની કથા, કથાના પ્રસંગોમાં સાવ એટલે સાવ નવી વાત હોત. સાથે, કંઈક તો વાસ્તવિકતા હોત. ઉપરાંત, હળવી રમૂજ જેવો વઘાર હોત. આ તમામ બાબતોનો સિરીઝમાં સદંતર પ્રભાવ છે. મોટો અભાવ પ્રવાહનો પણ છે. જ્યાંથી સિરીઝ શરૂ થાય છે અને જ્યાં એ વિરમે છે એની વચ્ચે એવું કશું નથી કે દર્શક ઉત્સુક થાય, એન્ગેજ થાય.
પાત્રોની વાત કરીએ. અભિનયનો સવાલ છે ત્યાં સુધી, પ્રમુખ કલાકારો પોતપોતાની જવાબદારી સરસ નિભાવી જાય છે. અમોલ પરાશર, આનંદેશ્વર દ્વિવેદી, આકાશ મખીજા ત્રણ આસપાસ મહત્તમ મામલા રમે છે. તેઓ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી જાય છે. પણ જ્યાં વાર્તા જ ગોકળગાયને સારી કહેવડાવે એવી હોય ત્યાં અભિનયને શું ઘોળીને પીવો? દર્શક છેવટ સુધી માથું ખંજવાળવા સિવાય અહીં કશું નથી કરી શકતો કે મેં આ સિરીઝ શાને જોઈ?
દર્શકની આ વેદનાને ડો. સિંહા પાંચમા એપિસોડમાં બરાબર ઝીલે છે. એ કહે છે, “મૈં યહાં પે આયા થા યે સોચ કે કિ કુછ કોન્ટ્રિબ્યુટ કરુંગા. પર જબ સે આયા હૂં વો હી ચલ રહા હૈ, વો હી. વો હી ખેત કી લડાઈ, વો હી રામ અવતાર કી ઝિકઝિક, વો હી તુમ્હારા ખડે રહના, વો હી ફુટાનીજી કા બૈઠે રહના… કામ કા કુછ કિયા હૈ મૈંને?” ભાઈ, ડો. સિંહા, નથી તમે કશું કરી શકતા કે નથી કરી શકતાં અન્ય પાત્રો, ઇન્દુ શું કામ છે સિરીઝમાં? એનો દીકરો સુધીર (સંતુ કુમાર), રામ અવતાર, ડો. ગાર્ગી વગેરે શું કામ છે? આ પ્રશ્નોનો જવાબ શોધ્યા પછી જ ટીવીએફે, કહેવાતા એક્સાઇટિંગ આઇડિયા પર સિરીઝ બનાવવાની જરૂર હતી. એટલી કાળજી રાખી હોત તો સુધીરના પાત્રમાં મનઘડંત ઉતારચઢાવ લાવવાની જરૂર ના પડત.
ટૂંકમાં, શબ્દો ચોર્યા વિના કહી શકાય કે ‘ગ્રામ ચિકિત્સાલય’ વિના કોઈ લાલચે જતી કરવા જેવી સિરીઝ છે. વધુ એક ગામડિયા સિરીઝમાં મજાની વાતો હશે, હળવાશભરી ક્ષણો હશે, મીઠડાં પાત્રો હશે, સરસ સંદેશ હશે, એવી અવધારણાઓને પોષતા સિરીઝ જોવાનો વિચાર નહીં કરતા. છતાં, ઘેરબેઠા જે મળે એ જોઈ જ નાખવાનું એવું માનીને સિરીઝ જુઓ તો, ઓલ ધ બેસ્ટ.
નવું શું છે
- ‘હે જુનૂન’ જે છ એપિસોડવાળી મ્યુઝિકલ વેબસિરીઝ છે. આ સિરીઝમાં જેકલીન ફર્નાન્ડીઝ, બોમન ઈરાની, નીલ નીતિન મુકેશ જેવા કલાકારો છે. જ્યારે, સિદ્ધાર્થ નિગમ, યુક્તિ થરીજા, પ્રિયંક શર્મા, એલિશા મેયર અને સુમેધ મુદગલકર મહત્વના રોલમાં છે. આ સિરીઝ આજથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
- ‘ડિયર હોંગરાંગ’ની વાર્તા એક છોકરીની આસપાસ ફરે છે જે તેના ભાઈને શોધવા માટે સંઘર્ષ કરે છે. આ સિરીઝમાં લી જે-વૂક, જો બોઆ, કિમ જે-વૂક, પાર્ક બ્યોંગહુન અને ઉહમ જીવોન મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
- ક્રાઇમ, ડ્રામા, મિસ્ટ્રી વેબસિરીઝ ‘બેટ’ ગઈકાલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. આ શોમાં કુલ દસ એપિસોડ છે. મિકુ માર્ટિનો, આયો સોલંકે, ક્લેરા એલેક્ઝાન્ડ્રોવા, હન્ટર કાર્ડિનલ, ઇવ એડવર્ડ્સ વગેરે કલાકારો આ સિરીઝમાં અભિનય કરતા દેખાશે.
- રાયન ફિલિપ, નથાલી કેલી, માઈકલ સિમિનો અને મેલિસા કોલાઝો અભિનિત ‘મોટરહેડ્સ’ એ એક અમેરિકન કમિંગ-ઓફ-એજ ડ્રામા ટેલિવિઝન સિરીઝ છે, એમેઝોન પ્રાઇમ વિડીયો પર 20 મે, 2025ના રોજ એ રિલીઝ થશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/16-05-2025/6#google_vignette





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment