ઇન્ટરનેટ પર એક અંગ્રેજી શબ્દપ્રયોગ કે ટર્મ છેઃ ઇગોસર્ફ. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે આ અનઔપચારિક ક્રિયાપદનો અર્થ પોતાના વિશે ઇન્ટરનેટ પર શોધખોળ કરવી એવો થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો વ્યક્તિ પોતે કેટલી પ્રસિદ્ધ છે, કેટલા લોકો એના વિશે જાણવાની ઉત્કંઠા ધરાવે છે, કેટલા એને ચાહે-વખોડે છે, એવા ઇન્ટરનેટિયાં ખાંખાંખોળા કરે એ ઇગોસર્ફ છે કે ઇગોસર્ફિંગ કરવું છે. આજે આપણી વ્યક્તિ નહીં, ગુજરાતી ભાષા-પ્રજા માટે ઓનલાઇન ઇગો સર્ફિંગ કરીએ. ઇન્ટરનટનું ‘સમુદ્રમંથન’ કરતાં એ રત્નો શોધવાનો પ્રયત્ન કરીએ જેને જાણીને પોરસ ચડે.
ગરવી ભાષાની ગમતીલી વાતઃ ગુજરાતી પહેલાં આપણે એક પૂર્વી ઇરાની ભાષા બોલતા હતા. બ્રિટાનિકા અનુસાર ઇન્ડો-યુરોપિયન ભાષાઓમાં એક જૂથ ઇન્ડો-ઇરાનિયન ભાષાનું અને એ જૂથની સભ્ય છે આપણી ઇન્ડો-આર્યન ભાષા, ગુજરાતી. એનો વિકાસ બારમી સદીમાં શરૂ થયો હશે. આપણી ભાષા વિશે એ કહે છે કે એ મુખ્યત્વે બે રીતે બોલાય છે. એક છે ચુસ્તતાભરી તો બીજી છે તૂટકતૂટક બોલાતી ગુજરાતી. આ બેનો ફરક સમજવા સામાન્ય ગુજરાતીની અને પારસી ગુજરાતીના ઉચ્ચારણોનો ફરક મનમાં વિચારો, બસ, એમાં બધું આવી ગયું.
ક્યાંથી ક્યાં વસ્યા ગુજરાતીઃ એનસાયક્લોપીડિયાની નોંધ છે કે શ્વેત હુણ પરથી ઊતરી આવેલી પ્રજાને ગુજરાતી સંબોધન ગુજર (આ ગુજર એટલે શ્વેત હુણની એક શાખા) પરથી આવ્યું. ગુજરો આઠમી-નવમી સદીમાં જે ભૂમિ પર સર્વોપરી હતા એનો એક ભાગ આજે ગુજરાત છે. એનસાયક્લોપીડિયામાં એવી પણ નોંધ છે કે ગુજરના કંઈક પહેલાંથી ગુજરાતીનો ઇતિહાસ શરૂ થઈ ગયો હતો. પ્રાગઐતિહાસિક કાળમાં (ઇસવી સન પૂર્વે 2000માં) એનો પ્રારંભ થયો હતો. ગુજરાતીઓ એમની સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ સાથે વહેંચે છે. રહી વાત હાલના ગુજરાતની તો એની તવારીખ શરૂ થઈ ઇસવી સન 250 આસપાસ.
આપણાં મૂળિયાં ક્યાં સુધીઃ ચેટજીપીટી, વિકિપીડિયા, એનસાયક્લોપીડિયા સહિતની વેબસાઇટ્સ પર શોધખોળ કરતાં જે થોડી સ્પષ્ટતા છે એ કંઈક આવી છે. આપણાં મૂળિયાં પાંચમી અને છઠ્ઠી સદીની હફથાલી નામની ખાનાબદોશ કે વણજારા જાતિના લોકો સુધી પહોંચે છે. ક્યારેક આપણે શ્વેત હુણ અને તુરુષ્ક તરીકે ઓળખાતી પ્રજા પણ રહી ચૂક્યા છીએ. જોકે ગુજરાતીઓને સજ્જડપણે શ્વેત હુણો સાથે જોડતી કોઈ ઐતિહાસિક કડી કે જૈવિક પુરાવા હજી મળ્યા નથી.
આપણા ધર્મ કયાઃ હફથાલીઓ કયા કયા ધર્મના અનુયાયીઓ હતા? એ ધર્મ હતા બૌદ્ધ, ઇરાનના (બૌદ્ધ, જરથુસ્ટી અને ઇસાઈ ધર્મના મિશ્રણ સમાન) પ્રાચીન ધર્મ માની, શૈવ પારસી, અને ઇસાઈ (એ સમયે કલીસિયા). હફ્થાલીઓનાં મૂળિયાં ક્યાં એ પ્રશ્નના જવાબમાં મતમતાંતરો છે. સૌથી વજનદાર મત કે આ પ્રજા મૂળ બેક્ટ્રિયા કે બાખ્તરમાં વસતી હતી. આજે એમના મૂળ વસવાટનો, હિંદુ કુશની પર્વતમાળાનો વિસ્તાર અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશોમાં વહેંચાયેલો છે.
અને આપણું સાહિત્યઃ એના વિશે અનેક પ્રકારની માહિતી ઇન્ટરનેટ પર છે. આપણે થોડી નોંધ જોઈએ. પ્રાચીનતમ ગુજરાતી સાહિત્યનું ઉદાહરણ બારમી સદીના જૈન વિદ્વાન હેમચંદ્ર (કે કલિકાલ સર્વજ્ઞ, મુનિ હેમચંદ્રાચાર્ય) રચિત સાહિત્યનું છે. સોલંકી યુગમાં થયેલા મુનિ હેમચંદ્રાચાર્ય, વિદ્વાન, કવિ અને સાહિત્યકાર હતા. સમગ્ર ગુર્જરભૂમિને અહિંસામય બનાવવાનો જશ પણ ઘણા તેઓને આપે છે. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો પર તેઓએ સહિત્ય સર્જ્યું હતું. સંસ્કૃત અને પ્રાકૃત પર પણ તેમનું પ્રભુત્વ હતું. તેમણે લખેલા ‘કાવ્યાનુશાસન’ ગ્રંથે તેમને ઉચ્ચ કોટિના રચયિતાઓની શ્રેણીમાં પ્રસ્થાપિત કર્યા.
દુનિયાભરમાં ગુજરાતીનો ડંકોઃ ગુજરાતીઓ ક્યાં છે એવું કોઈ પૂછતું નથી. પૂછે છે તો એવું કે ગુજરાતીઓ ક્યાં નથી. દુનિયાના 190માંથી 129 દેશને ગુજરાતીઓએ પોતાનાં ઘર બનાવ્યાં છે. વિદેશ વસતા ભારતીયોમાં 33% ગુજરાતીઓ છે. ભારત પછી સૌથી વધુ ગુજરાતીઓ પાકિસ્તાનમાં (35 લાખ) છે. બ્રિટનમાં 8,64,000, તો કેનેડામાં 2,09,000 ગુજરાતીઓ છે. ગુજરાતીઓ મુખ્યત્વે હિંદુ, જૈન અને મુસ્લિમ આ ત્રણ ભાષાઓના અનુયાયીઓ છે. જોશુઆ પ્રોજેક્ટ નામની વેબસાઇટ પર વિશ્વના 29 દેશોમાં વસતા ગુજરાતીઓના આંકડા છે. બુરુન્ડીમાં 3,100, ઇથિયોપિયામાં 3,800, ફ્રાન્સમાં 1,100 (ત્યાં લાખથી વધુ ભારતીયો પણ ગુજરાતીઓ મુઠ્ઠીભર, એવું કેમ હશે?), ઇરાનમાં 38,000 (જ્યાંથી લગભગ બધા ગુજરાતીઓ આવ્યા?), માલદિવ્સમાં 1,100, રવાન્ડામાં 1,400 અને સિંગાપોરમાં 4,400 ગુજરાતીઓ છે. સેશેલ્સમાં 300 ગુજરાતીઓ છે એવું પણ આ સાઇટ કહે છે. એ સિવાય ટોપ મોસ્ટ દેશોમાં ગુજરાતીઓ છે એ તો સૌ જાણે જ છે.
અમેરિકામાં પણ ઓહોહોઃ વિકિપીડિયા, પ્યુ પાવર રિસર્ચ વગેરે વેબસાઇટ્સ પર અમેરિકામાં વસતા ભારતીયોના વિભિન્ન અંદાજિત આંકડા છે. વિકિપીડિયા કહે છે 49 લાખ, પ્યુ કહે છે 48 લાખ. આપણા વિદેશ મંત્રાલયની વેબસાઇટ કહે છે 44,57,000 ભારતીયો અમેરિકામાં વસે છે. સમગ્ર અમેરિકન વસ્તીમાં ભારતીયો દોઢેક ટકા જેટલા છે. એમાં સૌથી પ્રગતિશાળી અને ધનાઢ્ય ગુજરાતીઓ છે. ગુજરાતીઓના નામે અંકલ સેમના દેશના હોસ્પિટાલિટી (હોટેલ વગેરે) ઉદ્યોગના 42% બોલે છે. દેશની 53,000 હોટેલ્સ અને મોટેલ્સમાંથી 21,000 ગુજરાતીઓની છે. સરેરાશ અમેરિકન કરતાં ગુજરાતી અમેરિકનની આવક ત્રણગણી છે એવું પણ ઇન્ટરનેટ કહે છે. અમેરિકન વસ્તી ગણતરી અનુસાર ભારતની કૂલ વસ્તીના છએક ટકા ગુજરાતીઓ સામે અમેરિકામાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓ 20% છે.
દેશી અબજોપતિઓમાં અવ્વલઃ આજની તારીખે દેશના સૌથી ધનાઢ્ય જે પચીસ જણ છે એમાંના આઠ ગુજરાતી છે. મતલબ, દર ત્રીજો બિલ્યોનેર ભારતીય ગુજરાતી છે. વિકિપીડિયા પર એની યાદી છે. 2024માં ભારતીય અબજોપતિની સંખ્યા 334 પર પહોંચી છે. એમાંના કેટલા ગુજરાતી, એની યાદી બની શકી નથી. હા, ગચા વરસ સુધી દેશમાં 169 અબજોપતિ હતા. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, લિન્ક્ડઇનના અલગ અલગ અડસટ્ટા પ્રમાણે એમાંના 50થી 86 ટકા ગુજરાતીઓ હતા. આપણે પચાસ ટકા લઈએ લઈએ તો પણ, બોસ, છાતી છપ્પનની થઈ જ જાય.
શેરબજારમાં ખાંઃ શેરબજારમાં સોદા કરતા રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યાની વાત કરીએ તો મહારાષ્ટ્ર મોખરે છે. 164 મહારાષ્ટ્રિયનો શેરબજારમાં રોકાણ કરે છે. બીજા નંબરે બેશક ગુજરાત છે, 85,50 લાખ રોકાણકારો સાથે. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં પ્રસિદ્ધ થયેલા આ આંકડાનો રોચક ભાગ એ કે આ રજિસ્ટર્ડ રોકાણકારોમાંથી જેઓ ખરેખર લેવેચમાં પ્રવૃત્ત છે એવા મેક્ઝિમમ રોકાણકારો ગુજરાતમાં છે. એમની ટકાવારી 22.57 છે. મહારાષ્ટ્રના મામલે ટકાવારી 17.98 છે. અને હા, મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે એટલે શક્ય છે કે એના સક્રિય રોકાણકારોમાં પણ ગુજરાતીઓની સંખ્યા મોટી હશે, શું કહો છો?
આ તો થઈ એક ડૂબકીમાત્ર. આવી બીજી ઘણી ડૂબકી મારીને ગુજરાત, ગુજરાતી અને ગુજરાતિયત વિશે ઇન્ટરનેટ પર ઘણુંઘણું જાણી શકાય છે. ક્યારેક કરો તો ખરા માતૃભાષા માટે ઇગો સર્ફિંગ.
નવું શું છે?
- હિન્દી એનિમેટેડ વેબ સિરીઝ ‘ધ લેજન્ડ ઓફ હનુમાન’ની પાંચમી સીઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર આજથી આવી છે. સિરીઝમાં 13 એપિસોડ્સ હશે.
- રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘દો પત્તી’માં ક્રીતિ સેનન, કાજોલ અને શાહીર શેખ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ડિરેકટર છે શશાંક ચતુર્વેદી.
- સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘અય ઝિંદગી’ સત્ય ઘટના પર આધારિત છે. આજથી એ ઝીફાઇવ પર આવી છે. આ ફિલ્મમાં રેવતી, સત્યજીત દુબે, મૃણમયી ગોડબોલે મુખ્ય ભૂમિકામાં છે.
- કપિલ શર્મા અભિનિત, ડિરેકટર નંદિતા દાસની ‘ઝ્વિગેટો’ માર્ચ 2023માં રિલીઝ થઈ હતી. થિયેટરમાં એ ખાસ ચાલી નહોતી. હવે એ આ શુક્રવારથી પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 25 ઓકટોબર 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/25-10-2024/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment