અંગ્રેજી અને હિન્દી ભાષાનાં ઓટીટીમાં વળતાં પાણી થવાનાં ક્યારનાં શરૂ થઈ ગયાં છે.
- ભારતમાં જેમની પ્રથમ ભાષા અંગ્રજી હોય એવી પ્રજા નામની છે. હિન્દી જાણતા ભારતીયો દેશની અડધી વસતિનું પ્રતિનિધિત્વ કરે છે.
- 140 કરોડ લોકોના દેશમાં એટલે જ પ્રાદેશિક ભાષાનાં ઓટીટી પ્લેટફોર્મ્સ અનિવાર્ય છે.
એ ક ભાષા દસ લાખ લોકોથી વધારે લોકોની પ્રાથમિક ભાષા હોય એ મહત્ત્વની વાત ગણાય. ભારતમાં એવી ૩૧ ભાષાઓ છે, જે દસ લાખથી વધુ લોકોની પ્રાથમિક ભાષા છે. ભારત વિશ્વની એવા ભાગ્યશાળી દેશોમાં છે જ્યાં ભાષાવૈવિધ્ય અસાધારણ છે. આપણે ત્યાં ઓટીટી પણ વિવિધ ભાષાઓના મનોરંજક વિકલ્પોથી સમૃદ્ધ છે. ભારતની પોતાની ભાષાઓ સાથે લોકો વિદેશી ભાષાના વિકલ્પો પણ ધરાવે છે. સ્પેનિશ, કોરિયન, જાપાનીઝ, રશિયન, જર્મન, પશયન… યાદી લંબાતી જઈ રહી છે.
એક અભ્યાસ મુજબ ૨૦૨૪ સુધીમાં પ્રાદેશિક ભાષાઓ ઓટીટીમાં ૫૪% હિસ્સો ધરાવતી હશે. એમાં હિન્દી સબળ પ્રાદેશિક હોવા છતાં સામેલ નથી. અંગ્રેજી પણ એમાં નથી. ૨૦૨૧માં પણ પ્રાદેશિક ભાષાઓ ઓટીટીમાં ૪૭% શોઝ અને ૬૯% ફિલ્મો એવી હતી, જે બિનહિન્દી કે બિનઅંગ્રેજી હતાં. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, તેમ તેમ ઓટીટી પ્લેટફોર્મ્સ અંગ્રેજી અને હિન્દી સિવાયની ભાષાના શોઝ અને એની ફિલ્મો અંકે કરવા વધુ મરણિયાં થઈ રહ્યાં છે. એમની દોડ સ્વાભાવિક છે એ ઉપરના આંકડા જણાવે છે.
ઓટીટીના બિઝનેસને માર્કેટિંગના પાઇન્ટ ઓફ વ્યુથી પણ સમજવો રહ્યો. ઓટીટી પ્લેટફોર્મ આખા દેશમાં ડંકો વગાડવા માટે અંગ્રેજી કે હિન્દી પાછળ હાથ ધોઈને પડી રહે તો એમનો ગજ વાગે નહીં. એમણે ઓછામાં ઓછી આઠ-નવ ભાષાઓની બજારમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવું પડે. એમ કરીને તેઓ ખરા અર્થમાં રાષ્ટ્રીય બની શકે. તેમણે મેટ્રો સિટીના વિસ્તારો બહાર, જેમને ટિયર-ટુ અને ટિયર-થ્રી એટલે વિકસતાં શહેરો કે વિસ્તારો લેખાવી શકાય ત્યાંના ભારતીયોને પોતાના કરવા પડે. ઓટીટીની બજારનો ખરો અને ઝડપી વિકાસ હવે આવા વિસ્તારોમાં થવાનો છે. માર્કેટિંગ વિના વેપાર કે નફો નથી. એટલે પણ ઓટીટી પ્લેટફોર્મ્સ માટે બિનહિન્દી અને બિનઅંગ્રેજી બજારો મહત્ત્વની છે.
યાદ રહે કે સબસ્ક્રિપ્શન લઈને ઓટીટી માણતા દર્શકો કરતાં એ દર્શકો વધુ અગત્યના છે, જેઓ જાહેરાતનાં વિઘ્નો સહન કરીને મફતમાં ઓટીટી માણીને રાજી છે. એમએક્સ પ્લેયર જેવાં ઘણાં પ્લેટફોર્મ્સ આ મોડેલ થકી ટક્યાં છે. ઓટીટીને સારી જાહેરાત જોઈતી હોય તો એમણે પ્રાદેશિક ભાષાઓમાં સ્થાન મજબૂત બનાવવું પડે.
અમુક સ્વદેશી ભાષાઓમાં આ દિશામાં વહેલાસર કામ શરૂ થયું હતું. એમાં ગુજરાતી નહોતી એ અલગ વાત છે. બંગાળમાં હોઈચોઈ, તેલુગુમાં અહા, દક્ષિણની ભાષાઓમાં સન નેક્સ્ટ (જે હવે બંગાળની બજારમાં પણ વિકસી રહ્યું છે), મલયાલમમાં કૂડે જેવાં ઓટીટી પ્લેટફોર્મ્સે આગવું સ્થાન બનાવ્યું છે. એમણે નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમની જેમ હિન્દી-અંગ્રેજી બજાર પાછળ જવાનું વિચાર્યું નહીં એ સ્ટ્રેટેજી સફળ રહી છે. આજે પોતપોતાના ક્ષેત્ર અને ભાષામાં તેઓ ટોચ પર છે.
ઇન્ટરનેટ વપરાશકર્તાની વધતી સંખ્યાને ઓટીટીના વિકાસ સાથે સીધો સંબંધ છે. છેક ૨૦૧૭થી સિચ્યુએશન એવી થવા માંડી હતી કે ઇન્ટરનેટ સાથે જોડાતા ભારતીયોની સંખ્યામાં બિનઅંગ્રેજી ભાષાની જનતા વધતી ગઈ. ૨૦૨૧માં અંગ્રેજી જાણનારા ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા ૨૦ કરોડથી ઓછી હતી. સામે પક્ષે બિનઅંગ્રેજી ભાષાના વપરાશકર્તાઓની સંખ્યા ૫૪ કરોડથી થોડી ઓછી હતી. ૯૦% ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તા એવા છે, જેઓ પોતાની પ્રથમ ભાષામાં ઇન્ટરનેટ વાપરવું પસંદ કરે છે. ઓટીટી પ્લેટફોર્મ્સ એ સમજી ગયા છે કે હવે પછી ભારતીય ભાષાઓ અને વિશ્વની અન્ય પ્રાદેશિક ભાષાઓના કાર્યક્રમો ડબ કરીને દેશી ભાષાઓમાં પીરસવામાં માલ છે. અંગ્રેજી અને હિન્દી પર મદાર રાખીને જે વિકાસ થવાનો હતો એ થઈ ગયો.
ઇઝરાયલમાં બનેલા ‘ફાવડા’ નામના શોનું ઉદાહરણ લઈએ. જેમ ‘મની હાઇસ્ટ’ કે ‘સ્ક્વિડ ગેમ’ જેવી સિરીઝે આખી દુનિયામાં દર્શકોનાં દિલ જીત્યાં એમ હમણાં ‘ફાવડા’એ ધમાલ મચાવી છે. મૂળ હિબુ્ર ભાષાના આ શોની ત્રણ સીઝન થઈ છે. ચોથી જાન્યુઆરી ૨૦૨૩માં આવશે. આવા શો અંગ્રેજીમાં બને તો દર્શકો માણે એવો ભ્રમ હવે કોઈને નથી. ભાષાને શું વળગે ભૂર… સારો શો કે સારી ફિલ્મ એક ભાષામાં દમ દેખાડે પછી અન્ય ભાષામાં એને મૂકતા કેટલી વાર લાગે?
ગુજરાતી ભાષાની વાત કરીએ તો એ દિશામાં શેમારૂએ પહેલેથી કદમ માંડયાં હતાં. પછી અભિષેક જૈને ‘ઓહો ગુજરાતી’ પ્રજાનાં દિલ જીતવા પ્લેટફોર્મ શરૂ કર્યું. હાલમાં ‘વન ઓટીટી’ નામનું પ્લેટફોર્મ આવ્યું છે, જેમાં ગુજરાતી પણ એક ભાષા છે. ખેદની વાત એ કે ઘણાં અગ્રણી પ્લેટફોર્મ્સ એમના શોઝને ગુજરાતીમાં મૂકવાની ખાસ જરૂર સમજતાં નથી. એનું સિમ્પલ કારણ કે ગુજરાતની બહુમતી પ્રજા હિન્દી જાણે છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં ઓટીટીની પહોંચ વધતી જશે એમ બધાં પ્લેટફોર્મ્સે ગુજરાતીમાં ડબ્ડ શોઝ મૂકવા પર વિચાર કરવો પડશે.
ઓટીટી પ્લેટફોર્મ્સ હાલમાં જે ભારતીય ભાષાઓમાં મોટાં રોકાણ કરીને દર્શકો મેળવવા ધમપછાડા કરી રહ્યાં છે એમાં દક્ષિણની ભાષાઓ પછી બંગાળી, પંજાબી, મરાઠી છે. સારેગામા જેવી કંપનીઓ ભોજપુરી અને ગુજરાતી ભાષાઓમાં પણ નોંધપાત્ર રોકાણ કરી રહી છે. જોકે સારેગામાનું રોકાણ ગીતોની દુનિયામાં વધુ છે.
સ્થાનિક ભાષાઓના શોઝ અને ફિલ્મોનો એક ફાયદો એ કે આપણા દેશી કલ્ચરનું એમાં ઉત્તમ પ્રતિબિંબ ઝળકે. એવું જ વિશ્વની અન્ય ભાષાઓના શોઝમાં થઈ રહ્યું છે. જે ભારતીયો સતત કોરિયન ફિલ્મો કે શોઝ માણી રહ્યા છે તેઓ આજે કોરિયાને પહેલાં વધારે સારી રીતે જાણે છે. પ્રાદેશિક કન્ટેન્ટ મનોરંજન પીરસવા સાથે ટુરિઝમ, પરસ્પર આદર સહિતની બાબતોને પ્રોત્સાહન પૂરું પાડે છે. એ પ્રાદેશિક પ્રતિભાઓને નામ, કામ અને આવક પણ પૂરાં પાડે છે. ભારતનું દરેક રાજ્ય એક દેશ જેટલી તાકાત ધરાવે છે. જો અમુક લાખ કે કરોડની વસતિ ધરાવતા દેશના નાગરિકો માટે એમની ભાષામાં ભરપૂર શોઝ અને ફિલ્મો બની શકે તો એવું ભારતમાં થવું જ જોઈએ. ત્યારે જ ભારતીય દર્શકને સાચો ન્યાય મળ્યો ગણાય. ઓટીટીના માંધાતાઓ આ સત્યથી વાકેફ છે. એમણે બસ આ દિશામાં વધુ કામ કરતા રહીને ઓટીટીની દુનિયાને વધુ રંગીન અને એન્ટરટેઇનિંગ બનાવવાની છે.
ભારતીય ભાષાઓ વિશે આ પણ જાણી લો
- ભારતમાં સૌથી વધુ વપરાતી ભાષાઓમાં પ્રથમ ક્રમે હિન્દી છે. ૫૨,૮૩,૪૭,૧૯૩ લોકોની પ્રથમ ભાષા હિન્દી છે, જે વસતિના ૪૩.૬૩% છે. એમાં એવા લોકો ઉમેરો કે જેમની બીજી અને ત્રીજી ભાષા હિન્દી હોય તો આ સંખ્યા ૬૯,૧૩,૪૭,૧૯૩ પહોંચે છે જે વસતિના ૫૭.૦૯% છે.
- જેમની પ્રથમ ભાષા અંગ્રેજી હોય એવા લોકોની સંખ્યા માત્ર ૨,૫૯,૬૭૮ છે! જોકે જેમણે પોતાની બીજી અને ત્રીજી ભાષા અંગ્રેજી જણાવી હોય એમને આમાં ઉમેરી દો તો અંગ્રેજી જાણનારાની સંખ્યા ૧૨,૯૨,૫૯,૬૭૮ પહોંચે છે, જે આપણી વસતિના ૧૦.૬૭% છે.
- ગુજરાતીની વાત કરીએ તો પ્રથમ ભાષા ગુજરાતી ધરાવતા લોકો ૫,૫૪,૯૨,૫૫૪ એટલે દેશની વસતિના ૪.૫૮% છે. બીજી અને ત્રીજી ભાષા તરીકે જેઓ ગુજરાતી ધરાવે છે એવા લોકો સાથે આ સંખ્યા ૬,૦૪,૯૨,૫૫૪ એટલે કે વસતિના ૪.૯૯% પહોંચે છે.
- પહેલી, બીજી અને ત્રીજી ભાષા તરીકે જેઓ પંજાબીનો ઉપયોગ કરે છે એવા ભારતીયો ૩,૬૦,૭૪,૭૨૬ છે, જે વસતિના ૨.૯૭% છે. દેશની ટોચની દસ ભાષામાં એ રીતે પંજાબી આવતી નથી, પણ મસ્ત વાત એ છે કે યશ ચોપરા સહિતના સર્જકોએ પંજાબી સંસ્કૃતિને ફિલ્મ થકી દેશભરમાં આગવું સ્થાન અપાવ્યું છે.
- દેશની અન્ય અગ્રણી ભાષાઓમાં મૈથિલી, ભિલી (એટલે ભિલોડી), સંતાલી, કાશ્મીરી, ગોન્દી, નેપાળી, સિંધી, ડોગરી, કોંકણી, કુરુખ, ખાનદેશી, તુલુ, મૈતેઈ (એટલે મણિપુરી) સામેલ છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 09 ડિસેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment