“થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મોની કમઠાણ એ થઈ છે કે એના બિઝનેસ મૉડેલમાં જ મોટી ખામી સર્જાઈ છે. કારણ, નિર્માતાઓ દર્શકો પાસે એ ફિલ્મ જોવા માટે પૈસા ખર્ચીને ટિકિટ ખરીદવાની અપેક્ષા સેવે છે જેના માટે એમણે ઓલરેડી દામ ચૂકવી દીધા છે. દર્શકે એ દામ ચૂકવ્યો છે ઓટીટી પ્લેટફોર્મ્સનું લવાજમ ભરીને. એ જાણે જ છે કે આ ફિલ્મ મને જોવા મળવાની જ છે, ઘેરબેઠા, ઓટીટી પર, આઠ અઠવાડિયાં પછી…”
આ નિરીક્ષણ છે વિચક્ષણ, બુદ્ધિમાન અને વિચારવંત આમિર ખાનનું. સોએ સો ટકા સચોટ.
ફિલ્મ ઉદ્યોગના હાલના ‘બિઝનેસ મૉડેલ’ની કરમ કઠણાઈને આનાથી સારી કોઈ રીતે વર્ણવી શકાય તેમ નથી. ખાસ તો ત્યારે કે જ્યારે લગભગ નિર્માતાઓ એ ભૂલી જ ગયા લાગે છે કે દર્શકોને થિયેટરમાં જ જેને જોવાનું મન થાય, કે ફરજ પડે, એવી ફિલ્મ આખરે બનાવવી તો કેવી રીતે બનાવવી?
2025ના પાંચ મહિના પૂરા થયા. બોલિવુડની એમાં સ્થિતિ કેવી રહી? જાન્યુઆરીમાં અગિયાર, ફેબ્રુઆરીમાં બાર, માર્ચમાં નવ, એપ્રિલમાં આઠ અને મેમાં અગિયાર ફિલ્મો આવી. કુલ પચાસ થઈ.
એમાંની આટલી ફિલ્મો તો સીધી ઓટીટીને ઘર બનાવી ગઈઃ ‘હિસાબ બરાબર’ (ઝીફાઇવ), ‘સ્વીટ ડ્રીમ્સ’ (ડિઝની પ્લસ હોટસ્ટાર) ‘ધ સ્ટોરીટેલર’ (ડિઝની પ્લસ હોટસ્ટાર), ‘મિસીસ’ (ઝીફાઇવ), ‘ધ મહેતા બોય્ઝ’ (પ્રાઇમ વિડિયો), ‘બોબી ઔર રિશી કી લવ સ્ટોરી’ (ડિઝની પ્લસ હોટસ્ટાર), ‘ધૂમધામ’ (નેટફ્લિક્સ), ‘કૌશલજીઝ વર્સીસ કૌશલ’ (ડિઝની પ્લસ હોટસ્ટાર), ‘દિલ દોસ્તી ઔર ડોગ્ઝ’ (જિયો હોટસ્ટાર), ‘નાદાનિયાં’ (નેટફ્લિક્સ), ‘બી હૅપી’ (પ્રાઇમ વિડિયો), ‘અચારી બા’ (જિયો હોટસ્ટાર), ‘છોરી ટુ’ (પ્રાઇમ વિડિયો), ‘લોગઆઉટ’ (ઝિફાઇવ), ‘જ્વેલ થીફ’ (નેટફ્લિક્સ) અને ‘કોસ્ટાવ’ (ઝીફાઇવ). કુલ 16 થઈ.
મુદ્દે, દર ત્રીજી ફ્રેશમફ્રેશ ફિલ્મની તો થિયેટરમાં રજૂઆત થઈ જ નહીં. રહી બાકીની બે તૃતિઆંશ ફિલ્મો. એમાંની 13 કે 14 એવી કે જેને થિયેટરમાં જઈને જોવાનો વિચાર દર્શક તો ઠીક, ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના આપ્તજનોએ પણ ભૂલમાં જ કે વિવેકમાં જ કર્યો હશે. હવે રહી ગઈ વીસેક ફિલ્મો. એમાંની સુપર ડુપર હિટ એક જ, ‘છાવા’. ઠીકઠીક નફો રળનારી એક જ, ‘રેઇડ ટુ’. વખણાવા છતાં પર્યાપ્ત નહીં કમાઈ શકનારી ફિલ્મ એટલે ‘કેસરી ચેપ્ટર ટુ’ અને કંઈક અંશે, ‘ફતેહ’. બાકીની તમામ ફિલ્મો, સલમાનની હોય કે અક્ષયની કે જોન અબ્રાહમની કે હિમેશ રેશમિયાની, પાણીમાં બેસી ગઈ.
હવે, એના સંદર્ભમાં વિચારો કે આમિરે જે કહ્યું એની સાંપ્રતતા અને સચોટતા કેટલી. બેહદ, સખત અને એકદમ સમયોચિત. બોલિવુડમાં વરસોથી, આમ પણ, હિટ અને ફ્લોપનું પ્રમાણ એક-બે સામે નવ જેવું જ રહ્યું છે. એમાં હવે મોંઘવારી સખત વધી, પહેલાં સેટેલાઇટ ચેનલ્સ અને હવે ઓટીટી પ્લેટફોર્મ્સ અપરંપાર થયાં. એમાં ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝનો, ટીવી સિરિયલ્સ કરતાં ક્યાંય સહ્ય અને ફિલ્મોની લગોલગનો ફાલ ઊતરવા માંડ્યો. એમાં હિન્દી સુપરસ્ટાર્સ ખાંડ ખાવા લાગ્યા કે દર્શકો અમારા દીવાના છે એટલે અમારી દરેક ફિલ્મ જોવા થિયેટરે દોડશે. એમાં દક્ષિણના સુપરસ્ટાર્સે ડબિંગ અને પૅન-ઇન્ડિયા ફિલ્મોથી બોલિવુડના ગઢ પર ભયંકર વાર કર્યો અને કાંગરા રીતસર હચમચાવી નાખ્યા. પરિણામ ભારે ચિંતાજનક આવ્યું છે. બોલિવુડની ફિલ્મોની આજે છે એવી દયનીય, પ્રવાહી અને ચિંતાજનક સ્થિત પહેલાં ક્યારેય નહોતી.
આમિર ખાન એકદમ રાઇટ છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગ સામે પડકારો આ પહેલાં પણ આવ્યા છે. વીસીઆર, ડીવીડીનો જમાનો ઉદ્યોગે ઝીલ્યો છે. પણ હવેનો સમય બધાનો બાપ છે. ફિલ્મ બનાવવાનો ખર્ચ આભ આંબી ગયો છે. મૌલિક વિષયોનો કાં તો દુકાળ પડ્યો છે કાં સર્જકોની બુદ્ધિ બહેર મારી ગઈ છે. અને સારી ફિલ્મ બની જાય તો પણ, બની શકે છે કે એને જોવા દર્શક ધરાર થિયેટર સુધી ના જાય, કારણ એ જાણે છે કે છેલ્લે ક્યાં જાવાની આ ફિલ્મ, ઓટીટીએ. તો મેલો તડકે ખર્ચાને.
આમિરના નિર્માણવાળી ‘લાપતા લેડીઝ’ સાથે એવું જ કંઈક થયું એમ કહી શકાય. એને થિયેટરમાં જોવા લોકો ધરાર ના ગયા પણ જેવી ફિલ્મ ઓટીટી પર આવી કે તૂટી પડ્યા અને એ પણ કેવા? રણબીર કપૂરની બ્લોકબસ્ટર ‘એનિમલ’ને ઓટીટી પર જોનારા લોકોથી વધુ લોકોએ આ ફિલ્મ ઓટીટી પર જોઈ નાખી. એનું પણ કારણ છે. દર્શકો એના એ હોય પણ ‘એનિમલ’ને લોકોએ મોટા પડદે પેટ ભરીને માણી હતી. તો ઓટીટી પર પાછી એ જોવાનો સવાલ નહોતો. મુદ્દે, ફિલ્મને થિયેટરમાં માણીને દર્શક એને જે સન્માન આપે એ ‘એનિમલ’ને આપ્યું પણ ‘લાપતા લેડીઝ’ ને તો ખભા ઉલાળીને એને નિસ્તેજ કરી નાખી.
આપણે અહીં આ પહેલાં વાત કરી ગયા છીએ કે ભારતમાં ફિલ્મોનો યથાયોગ્ય ઉદ્ધાર થિયેટર્સની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યે થઈ શકે. કારણ, હવે ફિલ્મને મોટા પડદે રહેવાનાં એક્સક્લુઝિવ આઠ અઠવાડિયાં મળે છે. પછી તો એણે મુંડાવાનું જ છે ઓટીટીના હાથે. આ બે મહિનામાં કરોડોના રોકાણને પાછું અંકે કરતી વખતે, જે આવક થાય, એની અડધી તો પ્રમોશન, એક્ઝિબિશન કરનારાને ઓરી દેવાની હોય છે. એટલે, રૂ. 100 કરોડની ફિલ્મે રૂ. 200 કરોડ નહીં બનાવ્યા તો, ખલ્લાસ. આટલી આવક કરવા જે માત્રામાં ફિલ્મો દર્શકોમાં ઘૂસણખોરી કરવી પડે એમાં થિયેટર્સની મર્યાદિત સંખ્યા મોટા વિલન જેવી છે. મોટાં શહેરો બાદ કરો તો દેશના બહુમતી ભાગમાં આજે પણ થિયેટર નથી. ત્યાંના દર્શક ચાહે તો પણ થિયેટરમાં ફિલ્મ જોઈ શકતા નથી. એનો સીધો ગેરલાભ ફિલ્મોને થઈ રહ્યો છે.
રહી વાત ફિલ્મોની સફળતાની, તો એ માટે ગુણવત્તા તો જોઈશે જ, બૉસ. બાકી શું સલમાન, આમિર કે શાહરુખ. અને હા, આમિરે એની લેટેસ્ટ ફિલ્મ, ‘સિતારેં ઝમીન’ને ઓટીટી પર મફતિયા જ્યાફત બનાવવાને બદલે, પૈસા ફેંક તમાશા દેખ નિયમ પ્રમાણે રિલીઝ કરવાનું ઠરાવ્યું છે. એટલે, થિયેટર રન પછી ફિલ્મ ઓટીટી પર આવશે ખરી પણ એનો જોવા માટે, લવાજમ ધારકો ઓટીટી રસિયાઓએ, પે પર વ્યુ (પીપીવી) પ્રમાણે ફદિયાં ખર્ચવાનાં રહેશે. એમ થનારી આવકમાં એક ભાગ આમિરનો પણ રહેશે. ગુડ મુવ, આમિર .
જોઈએ, બીજા નિર્માતાઓ શું કરે છે, એક તો સારી ફિલ્મ બનાવવાના મામલે અને બીજું, તોસ્તાન રોકાણને પાછું મેળવવા માટે.
નવુ શું છે
- એક પરિવાર જયારે પોતાના પૂર્વજોના ઘરે પાછા ફરે છે ત્યારે ધટતી ભૂતકાળની વણઉકેલાયેલી અલૌકિક ઘટનાઓ પર આધારિત ડિરેકટર ભીમરાવ મુડેની હોરર, સસ્પેન્સ,મિસ્ટ્રી મરાઠી વેબ સિરીઝ ‘અંધાર માયા’ આજથી ઝીફાઇવ પર આવી છે.
- મોહિત રૈના, રોશન મેથ્યુ, સારાહ જેન ડાયસ અને ત્રિનેત્ર હલધર ગુમ્મારાજુ મહત્વપૂર્ણ ભૂમિકાવાળી ક્રાઇમ, ડ્રામા, થ્રિલર હિન્દી વેબ સિરીઝ ‘કાનખજુરા’ આજથી સોનીલિવ પર જોઈ શકાશે.
- ‘ક્રિમિનલ જસ્ટિસ: અ ફેમિલી મેટર’ની ચોથી સીઝન જિયોહોટસ્ટાર પર ગઇકાલે આવી છે. આ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, મોહમ્મદ ઝીશાન અયુબ, સુરવીન ચાવલા, ખુશ્બુ અત્રે અને આશા નેગી મુખ્ય ભૂમિકાઓમાં છે.
- ડિરેકટર કાર્લોસ સેડેસની સ્પેનિશ ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘અ વિડોઝ ગેમ’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. ઇવાના બાક્વેરો, ટ્રિસ્ટાન ઉલોઆ અને કાર્મેન માચી આ ફિલ્મમાં અભિનય કરતા દેખાશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment