ઓટીટી પર હમણાં સુધી એક પ્લેટફોર્મ પર જોવા મળતાં લોકપ્રિય શો કે ફિલ્મો અન્ય પ્લેટફોર્મ પર જોવા મળતાં નથી. અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ્સ માત્ર પોતાના ગ્રાહકો, એટલે કે સબસ્ક્રાઇબર્સ માટે જે શો બનાવે એ હોય છે ઓરિજિન્લસ. આ ઓરિજિનલ્સ શબ્દ ઘણા શો-ફિલ્મની જાહેરાતમાં, એમના ટ્રેઇલર્સમાં આપણે વારંવાર જોયો છે. હવે સિચ્યુએશનમાં ધીમેધીમે પણ ફરક પડવાની શરૂઆત થવાની છે. હવે એવું બની શકે છે કે પ્રાઇમ વિડિયોનો ઓરિજિનલ શો નેટફ્લિક્સ પર અને નેટફ્લિક્સનો ઓરિજિનલ શો જિયો સિનેમા પર પણ જોઈ શકાય. એને કહેવાય સિન્ડિકેશન. ઓટીટીની દુનિયામાં હવે જે પરિવર્તન આપણે નિહાળવાના છીએ એ છે સિન્ડિકેશનનું. વિગતે સમજી લઈએ.
સિન્ડિકેશન એટલે એક શો કે ફિલ્મ કે સીરીઝને એક કરતાં વધુ પ્લેટફોર્મ પર માણવાનો વિકલ્પ મળવો. અત્યારે પણ ઘણી જૂની ફિલ્મો અને ટીવીના શોઝ, ડોક્યુમેન્ટરીઝ એક કરતાં વધુ ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જૂના કાર્યક્રમો માટે આવું કરવું વધુ સુલભ હોય છે. કારણ, એના પ્રસારણના અધિકારો થકી થનારી મોટાભાગની આવક નિર્માતાએ પહેલેથી રળી લીધી હોય છે. પછી જે બચે એ કસ કાઢવા નિર્માતા પ્રસારણના અધિકાર સસ્તામાં અનેકને આપે છે. એક્સક્લુઝિવ અને નોન એક્સક્લુઝિવ એ પ્રસારણ અધિકારોના બે મુખ્ય પ્રકાર છે. ઓટીટી પ્લેટફોર્મ્સે પોતાનો દર્શકવર્ગ ઊભો કરવા હમણાં સુધી એક્સક્લુઝિવ શોઝ અને ફિલ્મોનું નિર્માણ કરવા પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. આવી ફિલ્મો અને શોઝ જ્યારે માત્ર એક પ્લેટફોર્મ પર હોય ત્યારે, ગમે તેટલી સારી ગુણવત્તા હોય તો પણ, એને દર્શકો તો માત્ર એ મળે જે સંબંધિત ઓટીટી પ્લેટફોર્મના ગ્રાહક હોય. સિન્ડિકેશનને લીધે આ મર્યાદા હટી જાય છે. એના લીધે અન્ય પ્લેટફોર્મ્સના ગ્રાહકોને પણ એ ફિલ્મો, શોઝ વગેરે જોવાનો લહાવો મળી શકે છે. એમ થવાથી નિર્માતાને રોકાણનું વધુ વળતર કમાવાની તક સાથે વધુ દર્શકો સુધી પહોંચવાની તક પણ મળે છે.
ઓટીટી ઓપરેટર્સને આવું કરવાની જરૂર પડવાનાં દેખીતાં કારણ છે. આપણે ત્યાં ઓટીટીના પેઇડ સબસ્ક્રાઇબરનો દોર કોરોનાકાળમાં શરૂ થયો. લોકો ઘરમાં ગોંધાયેલા હોવાથી મનોરંજન માટે સૌથી હાથવગું સાધન ઓટીટી હતું. એ સમયગાળામાં કરોડો ભારતીયોએ ઓટીટીનાં લવાજમ ભર્યાં. પછી દુનિયા પૂર્વવત્ થઈ. લોકો કામકાજમાં વ્યસ્ત થઈ ગયા. સિનેમાઘરો અને નાટ્યગૃહો સહિત મનોરંજનનાં અન્ય માધ્યમો કાર્યરત થઈ ગયાં. બેશક, એના લીધે કોરોનાકાળમાં ઓટીટી પ્લેટફોર્મ્સે આપણા જીવનમાં જે પ્રવેશ કર્યો એ નકામો સાબિત નથી થયો. આપણે સૌએ એક અથવા બીજા પ્લેટફોર્મનું લવાજમ ભર્યું જ છે. આપણે ઓટીટી પાછળ થતા ખર્ચને જીવનનો અંતરંગ હિસ્સો ગણી લીધો છે. આ ખર્ચને લીધે જ ઓટીટી પ્લેટફોર્મ્સ થાળે પડ્યાં છે અને મોંઘાદાટ શોઝ-ફિલ્મો બનાવીને આપણું મનોરંજન કરવા સક્ષમ બન્યાં છે. પણ હવે નવા ગ્રાહકો અંકે કરવાની રફ્તાર ધીમી પડી છે. આગળ પણ ધીમી રહેવાની છે. આ ઉદ્યોગને આવકનો જે પ્રારંભિક ઉછાળો મળવાનો હતો એ મળી ગયો છે. હવે ઓટીટી ઓપરેટર્સે નવા દર્શકો અને વધુ આવક માટે અન્યત્ર નજર દોડાવવાની છે. એટલે, સિન્ડિકેશન.
એકતા કપૂરના પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજીએ ઘણા વખત પહેલાં પોતાના નિર્માણને અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાનો ઇરાદો જાહેર કરી દીધો હતો. આ કંપનીએ ઝીફાઇવ સાથે નિર્માણના સ્ટ્રીમિંગ માટે હાથ મિલાવ્યા છે. એમએક્સ પ્લેયરનાં નિર્માણ ટીવી ચેનલ સ્ટાર ભારત પર પણ છે. બંગાળના ટોચના પ્લેટફોર્મ હોઇચોઈનાં નિર્માણની ડબ્ડ વર્ઝન જિયો સિનેમા પર આવી છે.
ડબ્ડ વર્ઝનની વાતને સિન્ડિકેશન સાથે સાંકળવા જેવી છે. આપણે અનેક કોરિયન સહિતના વિદેશી શોઝ આપણી ભાષામાં જોઈએ છીએ. આ શો પણ એક રીતે સિન્ડિકેશનથી આપણા સુધી પહોંચ્યા છે. દક્ષિણ કોરિયાનાં ઓટીટી પ્લેટફોર્મ્સ આપણે ત્યાં જોઈ શકાતાં નથી. જોઈ શકાય તો પણ આપણને એમની ભાષામાં ટપ ના પડે તો શો કેવી રીતે માણી શકવાના? એટલે. ત્યાંનું કોઈક પ્લેટફોર્મ આપણે ત્યાંના ઓટીટી પ્લેટફોર્મ સાથે હાથ મિલાવે, સિન્ડિકેશન કરે, કોરિયન શોને આપણી ભાષામાં ડબ કરે અને એમ, આપણે આ શો જોઈ શકીએ છીએ. ભારતના કિસ્સામાં પોરસ એ વાતનો કે આપણો દેશ ગજબનું ભાષાવૈવિધ્ય ધરાવે છે. એક સારી ફિલ્મ કે સિરીઝ એક ભાષામાં બને અને એની પહોંચ મર્યાદિત રહે તો નિર્માતા, કલાકારોનો ફાયદો સીમિત રહે. આવું થવાનું અટકવાથી તો આપણે અલ્લુ અર્જુન કે મહેશ બાબુ સહિતના અનેક દક્ષિણી સિતારાઓથી પરિચિત થયા અને એમના ફેન થયા. ડબિગ અને સિન્ડિકેશનને લીધે આવું થવાની ગતિ વધવાની છે. હમણાં તમે નોંધ્યું હોય તો આપણી ગુજરાતી ફિલ્મો માતૃભાષા સાથે હવે હિન્દીમાં ડબ થઈને મોટા પડદે આવી રહી છે. ડબિંગ અને સિન્ડિકેશનને લીધે ઉત્તમ ગુજરાતી નિર્માણો દક્ષિણમાં, બંગાળમાં પણ પ્રવેશ કરી શકે છે. આપણા કલાકારોનો ત્યાં પણ ચાહકવર્ગ બની શકે છે. નિર્માતાઓ ગુજરાતી સર્જનોની મર્યાદિત બોક્સ ઓફિસ આવકથી હમણાં જેમ હેરાન છે, એમને પણ નવી આવક ઊભી કરવાની તક મળી શકે છે.
ઓટીટી પ્લેટફોર્મ્સે આ દિશામાં પહેલાં કરતાં વધુ આક્રમક વલણ અપનાવીને આવક અને દર્શક બેઉ ઊભા કરવાના છે. સિન્ડિકેશન એટલે જ યોગ્ય દિશામાં પગલું છે. એનો વ્યાપ જેટલો વધશે એટલું મનોરંજનનું વૈવિધ્ય વધશે. નિર્માતાઓની આવક વધશે. એટલું આસાન ઓટીટી ઓપરેટર્સ માટે અસ્તિત્વ ટકાવવું થશે.
અમુક બાબતોનો જવાબ તો સમયે જ મળશે. એક છે મોટા પ્લેટફોર્મ્સની સિન્ડિકેશન નહીં કરવાની નીતિ. તગડી પહોંચ, લવાજમધારકોની વિશાળ સંખ્યા, ગ્લોબલ બ્રાન્ડ નેમ વગેરે પ્લેટફોર્મ્સને સિન્ડિકેશનની ઓછી જરૂર છે. એમએક્સ પ્લેયર, ઉલ્લુ, ઓલ્ટ બાલાજીને વધુ છે. નિર્માણની ગુણવત્તાના મામલે મોટાં પ્લેટફોર્મ્સ વધુ સક્ષમ છે. નાનાં પ્લેટફોર્મ્સને પહોંચ, આવક, દર્શક, જાહેરાત સહિત દરેકની જરૂર છે. છતાં, પરિવર્તન અનિવાર્ય છે. આખરે લોકો કેટલાં ઓટીટી પ્લેટફોર્મ્સને લવાજમ આપશે અને કેટલાં પ્લેટફોર્મ્સ ડાઉનલોડ કરશે? બસ તો, કંપનીઓએ સિન્ડિકેશન થકી પોતાના અને દર્શકોના લાભ માટે નવું પ્રકરણ શરૂ કર્યે છૂટકો છે એમ સમજી લો.
નવું શું છે?
- ઓટીટી પર આવી રહેલી નવી અને એક્સક્લુઝિવ ફિલ્મો હવે પેઇડ થઈ રહી છે. રિલીઝના પહેલા જ દિવસથી દર્શકોને એ મફતમાં ઉપલબ્ધ કરાવવાને બદલે કંપનીઓ સ્ટ્રીમિંગની શરૂઆત પે પર વ્યુથી કરી રહી છે. હાલમાં આ રીતે અમુક ફિલ્મો અને અન્ય નિર્માણ ઓટીટી પર આવ્યાં છે.
- અમેરિકન સુપર હીરો સિરીઝ ધ બોય્ઝની ચોથી સીઝન ગઈકાલથી પ્રાઇમ વિડિયો પર આવી છે. ગાર્થ એનિસ અને ડેરિક રોબર્ટસનની કોમિક બુક સિરીઝ પર આ આધારિત છે.
- યશરાજની ફિલ્મ મહારાજ આજથી નેટફ્લિક્સ પર આવી છે. એમાં આમિર ખાનના દીકરા જુનૈદ ખાન સાથે જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શક સિદ્ધાર્થ પી. મલ્હોત્રા છે.
- ઇશરત આર. ખાન દિગ્દર્શિત ફિલ્મ લવ કી એરેન્જ મેરેજ પણ આજથી ઝીફાઇવ પર આવી છે. એમાં સની સિંઘ અને અવનીત કૌર મુખ્ય પાત્રોમાં છે. સાથે છે અન્નુ કપૂર અને સુપ્રિયા પાઠક.
- થ્રિલર સિરીઝ ‘ગાંઠ’ના પ્રથમ ચેપ્ટર ‘જમના પાર’નું સ્ટ્રીમિંગ જિયો સિનેમા પર શરૂ થઈ ગયું છે. પૂર્વ દિલ્હીમાં આકાર લેતી એની વાર્તામાં માનવ વીજ સાથે મોનિકા પનવર છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.14 જૂન, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/14-06-2024/6
Leave a Comment