ગલગલિયાં કરાવતું, અસામાજિક લાગતું કોન્ટેન્ટ બધે છવાઈ ગયું છે. ઇન્ટરનેટે એના બંધનની દીવાલો તોડી નાખી છે. કાયદો પરવશતા સાથે, શિષ્ટ લોકો સ્તબ્ધ આંખે તાલ નિહાળી રહ્યા છે. આ પણ ખરેખર તો શરૂઆત માત્ર છે

 

એક ગુજરાતી છોકરો. જુહુમાં એ મોટો થયો. ભણતર ઓછું. કરિયરની શરૂઆતમાં ગેરેજમાં કામ કર્યું, ફેરિયા તરીકે પણ સંઘર્ષ કર્યો. પછી એક મિત્રએ એને ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ અપાવ્યું. બસ, પેલાને ફિલ્મોનો રંગ લાગ્યો. એણે નિર્માતા તરીકે મારધાડ નામની ફિલ્મમાં નાણાં રોક્યાં. નેકસ્ટ ફિલ્મ ‘ગંગા જમુના કી લલકાર’થી તો ડિરેક્શન પણ હાથમાં લઈ લીધું. 1995 સુધીમાં એણે 46 ફિલ્મો બનાવી નાખી. કરણ જોહર, આદિત્ય ચોપરા, ફરહાન અખ્તર, મધુર ભંડારકરે મળીને આખી જિંદગીમાં આટલી ફિલ્મો ડિરેક્ટ નથી કરી જેટલી આ સર્જકે કરી છે. એમાંની અમુકમાં સ્ટાર્સ હતા. અન્યથા. એની ફિલ્મ પોતાના દમ પર ચાલી છે. ચાલી પણ કેવી? ફિલ્મ બનાવવાની એ જાહેરાત કરે કે વિતરકો ધડ્ દઈને રાઇટ્સ ખરીદી લેતા. સુભાષ ઘાઈને ફિલ્મ વેચતા કદાચ મહેનત પડી હશે પણ આ મેકરને ક્યારેય નથી પડી. આટલું ઓછું હોય તેમ એની ફિલ્મ સામે મોટા મેકર્સ પોતાની ફિલ્મ રિલીઝ કરતા થરથરતા, એમ વિચારીને કે “નાના સેન્ટર્સમાં આની ફિલ્મ સામે મારી ફિલ્મનો ખો નીકળી જશે.”

એ ફિલ્મમેકર એટલે કાંતિ શાહ. એમના સહિત દિલીપ ગુલાટી, વિનોદ તલવાર, જે. નીલમ, કિશન શાહ જેવાં અમુક મેકર્સનો એ દોર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક ઓછું ચર્ચાતું પાસું કે પાનું છે. મલ્ટીપ્લેકસનો જમાનો આવ્યા પછી એમનાં વળતાં પાણી થયાં પણ આ સર્જકોએ કરેલું કામ અવગણી શકાય એવું નથી જ. ફિલ્મોને એ, બી, સી ગ્રેડ કે મોંઘી કે સસ્તી, સામાજિક કે સેક્સપ્રચુર એવા દાયરામાંથી બહાર કાઢીને, મનોરંજક, સફળ એવા જ માપદંડે મૂલવીએ તો આ લોકો લાજવાબ હતા. એમના વિશે પ્રાઇમ વિડિયો પર ડોક્યુમેન્ટરીની એક નાનકડી સિરીઝ પણ છે. તક મળ્યે જોઈ લેજો.

આ સર્જકોની ફિલ્મોમાં કોમન ફેક્ટર શું હતા? નાનાં બજેટ, સાધારણ પ્રકારનું મેકિંગ, સામાજિક વાર્તામાં ઠાંસીઠાંસીને ભરવામાં આવતી માદક ક્ષણો, તાળીઓ પાડવા મજબૂર કરે છતાં ચીલાચાલુ ગણાતા સંવાદો વગેરે બાબતો. અમુક સર્જકો હોરર સબજેક્ટ્સ પણ ખેડતા. એમની ફિલ્મોને ક્યારેય સન્માન મળ્યું નહીં પણ બોક્સ ઓફિસ પર દિલ કેમ જીતવાં, વેપલો કેમ કરવો એની આ સર્જકોને બરાબર જાણ હતી.

બિલકુલ એમના માર્ગે ચાલતા અમુક ઓટીટી પ્લેટફોર્મ્સે પણ પોતાનો ચીલો ચાતર્યો છે. એમને મોટા સ્ટાર્સની તમા નથી. એમને ખર્ચાળ મેકિંગ મહત્ત્વનાં નથી. એમને સર્વોત્તમ સબજેક્ટ્સ કે લખાણમાં ઝાઝો રસ નથી. એમને રસ છે, અથવા એમનું ફોકસ છે તો આ વાત પરઃ આમ આદમીને જે ગમી જાય એ વાત, આમ આદમી જેને જાહેરમાં નહીં તો ખાનગીમાં પણ ભરપૂર માણે એવાં સર્જનો.

ઉલ્લુ એપ વિશે ઘણાએ સાંભળ્યું જ છે. એના સ્થાપક વિભુ અગ્રવાલે ઉલ્લુ ઉપરાંત અતરંગી નામે ફ્રી સેટેલાઇટ ચેનલ પણ સર્જી છે. ઉલ્લુમાં કોન્ટેન્ટ બી-ગ્રેડનું પણ એને દર્શકોની ખોટ નથી. સેક્સ, ગલગલિયાં કરાવતી વાતો આસપાસ એની સિરીઝ ટેસથી રમતી રહે છે. પ્રજા અને સરકારે વારંવાર પસ્તાળ પાડવા છતાં ઉલ્લુ નામનો હાથી મદમસ્ત ચાલે આગળ વધી રહ્યો છે. હવે તો ઉલ્લુની કંપની શેરબજારમાં આઈપીઓ લાવીને સવાસો કરોડથી વધુનું ભંડોળ ઊભું કરવા સજ્જ થઈ રહી છે.

ઉલ્લુ આ માર્ગે ચાલતી એકમાત્ર એપ નથી. જાણીતી મેકર, ટીવી સોપ ક્વીન ગણાતી એકતા કપૂરની એપ ઑલ્ટ પર પણ અનેક એવા શોઝ છે જે કોઈ કાળે એ-ગ્રેડ નથી. એકતાએ ટિકાની પરવા નથી પહેલાં કરી કે નથી હવે કરતી. એ પોતાની મુનસફી પ્રમાણે નિર્માણ કરે છે. ઓટીટી છોડો, ફિલ્મોમાં પણ એણે ‘ક્યા કૂલ હૈ હમ’, ‘લવ સેક્સ ઔર ધોખા’, ‘રાગિણી એમએમએસ’ અને એની સિક્વલ,
‘ધ ડર્ટી પિક્ચર’ વગેરે બનાવીને લોકોને સેક્સ અને માદક ક્ષણો પીરસી છે.

આ બે તો પ્રમાણમાં જાણીતાં પ્લેટફોર્મ્સ થયાં. બીજાં ઘણાં પ્લેટફફોર્મ્સ છે. એમનું કામ જ સેક્સપ્રચુર, માદક, હલકી ચીજોને પડદે મઢીને લોકોનું ધ્યાન આકર્ષવાનું છે. એનો એવો અર્થ પણ નથી જ કે આ કાર્ય (કે દુષ્કાર્ય?) માત્ર આ પ્લેટફોર્મ્સ કરી રહ્યાં છે. એમની સ્પર્ધામાં ઊતરીને વિજેતા ઠરી જાય એવા ઘણા શોઝ, એવી ઘણી ફિલ્મો કહેવાતા મોટા ગજાનાં પ્લેટફોર્મ્સ પર, પ્રતિષ્ઠિત મેકર્સના છે જ.

‘તાંડવ’, ‘પાતાલલોક’, ‘શી’, ‘સેક્રિડ ગેમ્સ’, ‘હેલો મિની’, ‘મિર્ઝાપુર’, ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘રાણા નાયડુ’, ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’, ‘થેન્ક યુ ફોર કમિંગ’, ‘આશ્રમ’, રસભરી… લેતાં થાકી જઈએ એટલાં નામ છે. બધાંમાં કાંઈક તો એવાં તત્ત્વો છે જે એમને એ-ગ્રેડ મેકિંગ છતાં એમની કરતાં ઊતરતી કક્ષાનાં સર્જન સાબિત કરી શકે છે. ઉપરાંત, ઓટીટીની કહેવાતી પારિવારિક અને સામાજિક સિરીઝ-ફિલ્મો પણ દર્શકોને રીઝવવાના નામે સેક્સ બિનધાસ્ત પીરસતી થઈ છે. ચુંબન, ઢળતો પાલવ, શરીરનાં ચોક્કસ અંગ ઉઘાડાં કે અધઃઉઘાડાં દેખાય એવાં કોસ્ચુમ્સ (જેમાં જોહર, ચોપરા વગેરેની હથોટી છે), ગાળાગાળી, હલકા સંવાદો જેવું ઘણું કોમન થઈ ગયું છે. એટલું કે આખો પરિવાર જો સાથે કંઈક જોવા બેસે તો મરજાદી માણસે કપાળ કૂટવું પડે અથવા ચાલ્યા જવું પડે.

અરે હા, વિદેશી શો તો રહી જ ગયા. એને પણ ગણતરીમાં લઈએ તો વાત ક્યાં પહોંચશે?

સ્થિતિ એવી છે કે ખરેખર જેને પારિવારિક કહી શકાય, લાઇક ‘પંચાયત’, ‘ગુલ્લક’, એવા શોઝ નામના આવે છે. એમને ઓટીટી પર શોધવા કરતાં સહેલું કામ ઘાસના ગંજમાંથી સોય શોધવાનું થઈ ગયું છે. એવામાં ચોક્કસ ઓટીટી પ્લેટફોર્મ્સને ભાંડવા એ આમ જુઓ તો એમને ઘોર અન્યાય ગણાશે. વાસ્તવમાં, મેકર્સને ઓટીટીના સ્વરૂપમાં સર્જનાત્મક સ્વાતંત્ર્યનું આસાન લાઇસન્સ મળી ગયું છે. સેન્સર બોર્ડ કે ટીવીની માર્ગદર્શિકા તડકે મૂકીને ઓટીટી પર એ બધું થઈ શકે છે જે અન્યથા આ દેશમાં કોઈ મેકર કરે તો કામથી જાય.

ઇલાજ શો આનો? કોઈ કરતાં કોઈ નહીં. ખરેખર નહીં. કારણ? ઇન્ટરનેટ કોઈની બાપકી જાગીર નથી. ઓટીટી પ્લેટફોર્મ પર તવાઈ આવશે તો મેકર્સ ઇન્ટરનેટ પર જતા રહેશે. ઘણાએ એવું કર્યું પણ છે. ટીવી પરથી તગેડ્યા તો યુટ્યુબ પર પહોંચી ગયા. મુદ્દે, ક્રિએટિવ ફ્રીડમ સામે કાયદાએ ઘૂંટણિયાં ટેકવી દેવા સિવાય કોઈ ચારો નથી. આને પણ ક્લાઇમેક્સ કે અંત નહીં ગણતા. સંયમશીલ, સંસ્કારી ભારતીયોને થઈ રહેલી ગૂંગળામણની આ ભીંસ હજી સખત થવાની. મેકર્સ લઈ રહ્યા છે એ છૂટ વધતી જવાની. કશું થઈ શકે એમ નથી. થઈ શકે તો એટલું જ કે દર્શકો જાતેપોતે આવા શોઝને, સર્જનોને જાકારો આપી બતાવે. એવું નથી ભૂતકાળમાં થયું કે નથી થવાનું ભવિષ્યમાં… સમજ્યા?

નવું શું છે?

  • સોની પિક્ચર્સે એમેઝોનની ભાગીદારીમાં નવા ઓટીટી પ્લેટફોર્મની જાહેરાત કરી છે. એનું નામ સોની પિક્ચર્સ રહેશે. વાર્ષિક રૂ. 399ના લવાજમમાં એ મળશે. સોની લિવ હોવા કરતાં નવું પ્લેટફોર્મ કેવી રીતે જુદું પડે છે એ જોયે ખબર પડશે.
  • ‘ડંકી’એ બોક્સ ઓફિસ પર ધાર્યા પ્રમાણેનો ડંકો ના વગાડ્યો છતાં, એ હિટ તો રહી જ. હવે ઓટીટી પર એ દેશ-વિદેશમાં ટોચ પર છે. રાજકુમાર હીરાણી અને શાહરુખનો જાદુ, બીજું શું?
  • જિયો સિનેમા પર અમેરિકન ફિલ્મ ‘ફાઇવ નાઇટ્સ એટ ફ્રેડીઝ’ 27 ફેબ્રુઆરીથી સ્ટ્રીમ થશે. આ નામની વિડિયો ગેમ પર આધારિત ફિલ્મ ચારેક મહિના પહેલાં મોટા પડદે આવી હતી.
  • બાવીસમી ફેબ્રુઆરીથી એમેઝોન મિની ટીવી પર ‘રક્ષક – ઇન્ડિયન બ્રેવ્સ’ની બીજી સીઝન આવી છે. વરુણ સોબ્તી અને સુરભિ ચંદાના એનાં મુખ્ય કલાકારો છે.

 ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.23  ફેબ્રુઆરી, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/23-02-2024/6

Share: