ઘણી ફિલ્મોમાં એક કિસ્સો કે વિચાર કેન્દ્રસ્થાને હોય અને એની આસપાસ જ વાર્તાનું ઘડતર થાય છે. આવી અનેક ફિલ્મો આવી છે અને આવશે પણ. હાલમાં ઓટીટી પર આ પ્રકારની બે ફિલ્મો આવી છે

ફિલ્મ અને ચ્યુઇંગ ગમ ક્યારેક સરખાં હોય છે. વાત નાની હોય અને એના પરથી સવિસ્તર કથા પડદા પર સાકાર થતી હોય છે. મેકિંગ કમાલ હોય, લખાણ જકડી રાખનારું હોય અને કલાકારોનો અભિનય ઉત્કૃષ્ટ હોય ત્યારે આવી ફિલ્મ હૈયે જડાઈ જાય છે.

હાલમાં બે ફિલ્મો કંઈક આવી રીતે આકાર પામી છે. એક સીધી ઓટીટી પર આવી છે તો બીજી, મોટા પડદે સફળતાના ઝંડા લહેરાવીને. એક હિન્દી તો બીજી મલયાલમ છે પણ હિન્દીમાં એની ડબ્ડ વર્ઝન જોઈ શકાય છે. વાત કરીએ રાજપાલ યાદવ અભિનિત ‘કામ ચાલુ હૈ’ અને ઘણા કલાકારો ધરાવતી ‘મંજુમેલ બોયઝ’ની.

ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ રહેલી ‘કામ ચાલુ હૈ’ વાસ્તવિક ઘટના અને એની સાથે સંકળાયેલા માણસ નામે મનોજ પાટીલની વાત છે. રાજપાલ બન્યો છે મનોજ. ડિરેક્ટર પલાશ મુછાલ છે, જે બેસિકલી સંગીતકાર છે. એની બહેન પલક મુછાલ પણ જાણીતી ગાયિકા-ગીતકાર છે. ‘કામ ચાલુ હે’ પહેલાં પલાશ-રાજપાલની જોડી 2022માં ‘અર્ધ’ નામની ફિલ્મ આપી ચૂકી છે.

કથા એવી છે કે મનોજ મહારાષ્ટ્રના સાંગલીનો વતની છે. પત્ની રાધા (જિયા માણેક) અને આંખોના તારા જેવી દીકરી ગર્વિતા ઉર્ફે ગુડિયા (કુરંગી નાગરાજ) સાથે એનું મધ્યમવર્ગીય જીવન સુખે વહી રહ્યું છે. દીકરી ઉત્તમ ક્રિકેટ રમે છે. મનોજ એને જિલ્લા અને છેવટે દેશ માટે રમતી જોવા આતુર છે. એ માટે શાળાકીય અભ્યાસ સાથે એ ગુડિયાને ક્રિકેટનું કોચિંગ અપાવી રહ્યો છે. એકવાર બાપ-દીકરી મનોજની વારંવાર ખોટકાતી બાઇક પર ઘર આવી રહ્યાં છે. આપણે ત્યાં અત્રતત્રસર્વત્ર હોય એવો એક ખાડો રસ્તામાં આવે છે અકસ્માત થાય છે. એમાં ગુડિયાનું અવસાન થાય છે. મનોજ-રાધાનું જીવન રસાતળ થઈ જાય છે. મનોજ ગાંડા જેવો થઈ જાય છે. એ ઠરાવે છે એ રસ્તા પર ખાડો જેના કારણે થયો એ વ્યક્તિને સજા અપાવવી. એવું થતું તો નથી પણ મનોજનું જીવન સમર્પિત થઈ જાય છે રસ્તાના ખાડા પૂરી દેવાના અભિયાનને. આજ સુધી મનોજ પાટીલ આ કાર્ય નિરંતર કરી રહ્યો છે.

સાચી ઘટના ફિલ્મની પ્રેરણા છે. મનોજ પાટીલ આજે પણ સાંગલીમાં છે અને અભિયાનને આગળ વધારી રહ્યો છે. ફિલ્મના અંતે અસલી અને ફિલ્મી મનોજ એકસાથે દેખાય છે. ગુડિયાનો કિસ્સો હૃદયદ્રાવક હોવાથી એ દર્શકને ફિલ્મ જોવા પ્રેરે છે. અન્યથા, નબળા લેખન અને સાધારણ પરફોર્મન્સને લીધે ફિલ્મ કશેય પહોંચવાની નથી એવી લાગણી થાય છે.

એક કૅફેમાં કામ કરતા મનોજ અને પરિવાર સાથે વાર્તા માંડતી ફિલ્મનાં દ્રશ્યો સરેરાશ છે. કલાકારોમાં રાજપાલ જ અગત્યનો ચહેરો છે. દિગ્દર્શનની કચાશને લીધે પાત્રને બિલિવેબલ અને એન્જોયેબલ કરવા રાજપાલ પ્રયાસ કરતો દેખાય છે. એ પ્રયાસો નિરર્થક છે. કથામાં ગુડિયાનું અકસ્માતે મૃત્યુ અને મનોજનું રસ્તાના ખાડા પૂરવાનું અભિયાન એ સિવાય ત્રીજો મુદ્દો નથી. નથી સબપ્લોટ કે અન્ય મજાનાં પાત્રો. એક જ આયામને વળગી રહેતી ફિલ્મ મનોરંજક બનવા ખોટા હવાતિયાં મારતી રહે છે. છતાં ફિલ્મ જોવી હોય તો એટલા ખાતર કે એમાં વાત બાપ-દીકરીના પ્રેમની છે, એક એવા અભિયાનની છે જે ખરેખર અનોખું છે. ધેટ્સ ઇટ.

‘મંજુમેલ બોયઝ’ વીસેક કરોડમાં બનેલી ફિલ્મ છે. બોક્સ ઓફિસ પર એણે એના કરતાં દસગણાથી વધુ વેપાર કરીને સૌને ચકિત કર્યા હતા. વળી મલયાલમ ફિલ્મ આટલી કમાણી કરે એ મોટી વાત છે. ફિલ્મની વાર્તા 2006ની એક સાચી ઘટના પર આધારિત છે. કોચી શહેરનું યુવાનોનું એક જૂથ એક ક્લબ સાથે સંકળાયેલું છે. જૂથના મિત્રો એકવાર કોડાઇકેનાલ ફરવા જાય છે. એમાં તેઓ ત્યાં સ્થિત ગુણા ગુફાઓને જોવા પણ જાય છે. આ ગુફાઓ ડેવિલ્સ કિચન તરીકે બદનામ છે કારણ એનો એક ભાગ ઊંડી ગર્તા જેવો છે. એ ગર્તા કે ખાડો પ્રતિબંધિત વિસ્તાર છતાં જુવાનીના જોશથી છલકતા મિત્રો નિયમભંગ કરીને એને નજીકથી જોવા પહોંચી જાય છે. ધમાલમસ્તી વચ્ચે એક મિત્ર સુભાષ (શ્રીનાથ ભાસી) ગુફાના ખાડામાં સરી જાય છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ સુધ્ધાં મિત્રોને સુભાષના નામનું નાહી નાખવા વારંવાર સમજાવે છે. પણ પોતાના જિગરજાન મિત્રને આમ મૃત્યુમુખે છોડીને જવા એના સાથીઓ તૈયાર નથી.

છેવટે, એમની જિદ આગળ નમતું જોખીને કાયદો મદદે આવે છે પણ કોઈ પોલીસ કર્મચારી ખાડામાં ઊતરીને સુભાષનો જીવ બચાવવા તૈયાર નથી. છેવટે, મિત્રોમાંનો એક કુટ્ટન (શૌબીન શાહિર) એ ગર્તામાં ઊતરે છે. સૌના આશ્ચર્ય વચ્ચે, અશક્યને શક્ય કરતો એ સુભાષને, ખડકો વચ્ચેથી, સેંકડો ફૂટ નીચેથી જીવતો બહાર લાવે છે.

ગુણા કેવ્સનો આ ખતરનાક ભાગ એવો છે જ્યાં 3,000 ફૂટની અંધારી, ઊંડી અને માનવી માટે પહોંચી શકાય નહીં એવી ગર્તા છે. સુભાષનું બચાવ ઓપરેશન ફિલ્મની જાન છે. 135 મિનિટની ફિલ્મનો પહેલો મોટો હિસ્સો મિત્રોની ધમાલમસ્તી ભરેલી જિંદગી અને એમના પ્રવાસની હળવી પળોનો છે. બીજો હિસ્સો બચાવ અભિયાનનો છે. વિવિધ પાત્રોમાં દમદાર મલયાલમ કલાકારો છે. હળવી ક્ષણો અને ગંભીર સ્થિતિ, બેઉનું બિલિવેબલ ફિલ્માંકન થયું છે.

ચિદમ્બરમ એનો ડિરેક્ટર છે. આ એની બીજી જ ફિલ્મ છે. ‘મંજુમેલ બોયઝ’ જો જોવા જેવી અને સફળ છે તો એનું કારણ ચિદમ્બરમનું વિઝન અને આવા વિષયની પણ સારી ફિલ્મ બની શકે છે એનો અફર આત્મવિશ્વાસ છે. રસપ્રદ વાત એ પણ ખરી કે આ પહેલાં પણ ગુણા કેવ્સ ફિલ્મોમાં ઝળકી છે. કોઈ મેકરે આ પહેલાં ગુણા કેવ્સને આવા દ્રષ્ટિકોણથી આખી ફિલ્મના વિષય તરીકે વિચારી નહોતી. ઇન ફેક્ટ, ફિલ્મમાં મિત્રોનું જૂથ ગુણા કેવ્સ જાય જ એટલે છે કે કમલ હાસનની ‘ગુણા’ નામની ફિલ્મને લીધે એમને એની જાણ હતી. 2010માં અન્ય એક મલયાલમ ફિલ્મ ‘શિખર’માં પણ ગુણા કેવ્સ હતી. આ લોકેશનનો એના ક્લાઇમેક્સમાં ઉપયોગ થયો હતો.

એક ઉત્તમ ફિલ્મને ઘણીવાર અનેક ટ્રેક્સ, સબપ્લોટ્સ જેવાં પરિબળોની જરૂર પડતી નથી. વરસો પહેલાં, 1969માં યશ ચોપડાએ રાજેશ ખન્ના અને નંદાને લઈને ‘ઇત્તફાક’ નામની ફિલ્મ બનાવી હતી. રામગોપાલ વર્માએ 1999માં ઊર્મિલા માતોંડકર અને મનોજ બાજપાયીને લઈને ‘કૌન’ બનાવી હતી. હાલમાં આપણી ગુજરાતીમાં ‘વશ’ આવી હતી જે ‘શૈતાન’ નામે હિન્દીમાં પણ સફળ ફિલ્મ રહી. આ ફિલ્મોના વિષયોમાં મૂળ ઘટના નાની, એક જ લોકેશનમાં આકાર લેતી હતી. છતાં, ઉત્તમ સ્ક્રીનપ્લે, ડિરેક્શન અને અભિનયથી એ માણવાલાયક રહી હતી.

‘કામ ચાલુ હૈ’ એ મામલે એવરેજ છે. ‘મંજુમેલ બોયઝ’ વિષયની હૃદયદ્રાવકતાને લીધે સારી છે. જેવો સમય અને પસંદગી હોય એ પ્રમાણે આ ફિલ્મો જોઈ શકાય.

નવું શું છે?

  • પ્રસાર ભારતી ઓગસ્ટમાં પોતાનું પારિવારિક ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરશે એવો એક અહેવાલ છે. પહેલા વરસ માટે એને મફતમાં માણી શકાશે.
  • આઝાદીની રાતની કથાને કેન્દ્રમાં રાખતી અને એ નામના જ પુસ્તક પરથી બનેલી સિરીઝ ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ સોની લિવ પર આવી રહી છે. એના મેકર નિખિલ અડવાણી છે. મહમ્મદ અલી જિન્નાહ તરીકે આરીફ ઝકરિયા, એમની પત્ની ફાતીમા તરીકે ઇરા દુબે, આરજે મલિશ્કા સરોજિની નાયડુ તરીકે અને લિયાકત અલી ખાન તરીકે રાજેશ કુમાર જોવા મળશે.
  • વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘ઝરા હટ કે ઝરા બચ; કે આજથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થવા માંડી છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉત્તેકર છે.
  • આજથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર ‘બાહુબલીઃ ક્રાઉન ઓપ બ્લડ’ પણ સ્ટ્રીમ થવા માંડી છે. એસ. એસ. રાજામૌલીનું આ સર્જન એનિમેશન ફોરમેટમાં છે. એની કથા ‘બાહુબલી’ ફિલ્મની કથાની પહેલાંની છે એટલે કે એ પ્રિક્વલ છે.
  • ઝીફાઇવ પર આજથી ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ પણ આવી છે. અદાહ શર્મા અભિનિત આ ફિલ્મના ડિરેક્ટર સુદીપ્તો સેન છે. અન્ય કલાકારો છે ઇન્દિરા તિવારી, વિજય કૃષ્ણ, શિલ્પા શુક્લા, યશપાલ શર્મા અને રાઇમા સેન.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.17 મે, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/17-05-2024/6

Share: