
બબ્બે સીઝન સુધી જેણે દર્શકોને જકડી રાખ્યા એવી એક બદનામ ‘આશ્રમ’ સિરીઝની ત્રીજી સીઝનનો બીજો ભાગ આવી ગયો છે. બોબી દેઓલને નિરાલા બાબા ઉર્ફે મોન્ટી તરીકે પેશ કરતી સિરીઝની આ કડી કેવી છે?
એમએક્સ પ્લેયરની સિરીઝના સર્જક પ્રકાશ ઝા છે. લૉકડાઉનમાં, એટલે ઓગસ્ટ 2020માં એની પહેલી સીઝન આવી હતી. લોકોની આસ્થાનો દુરુપયોગ કરતાના ઢોંગી ધર્મગુરુઓ જેવા નિરાલા બાબાને કેન્દ્રસ્થાને રાખીને બનેલી સિરીઝ અનેક બાબતોથી લોકપ્રિય થઈ. આપણે ત્યાં ઢોંગી ધર્મગુરુઓની કમી નથી. એમની ભવ્ય લાઇફસ્ટાઇલ, એમની કામક્રીડાઓ, રાજકીય રમતો અને આર્થિક ઉન્નતિઓ… બધાંથી લોકો વાકેફ છે. ‘આશ્રમ’ સિરીઝ એ વાતોને મનોરંજક પણ વેધક રીતે સામે લાવી.
સીઝન ત્રણના બીજા ભાગના પાંચ એપિસોડ્સમાં વાર્તા ચાલે છે બાબા નિરાલાએ પોતાને ભગવાન લેખાવા માંડ્યો છે ત્યાંથી. બાબાએ કરેલા શારીરિક સંભોગ પછી માનસિક ધ્વસ્ત પમ્મી પહલવાન (અદિતી પોહણકર) ન્યાય મેળવવાને બદલે સળિયા પાછળ છે. કારણ બાબાએ પોતાની શુદ્ધીકરણ (શારીરિક સંભોગ કરવાને અક્ષણ) સાબિત કર્યો છે. એના પર બળાત્કારનો આરોપ લગાડવા માટે પમ્મી હવે સજા ભોગવી રહી છે. બાબાનો પ્રભાવ એના અનુયાયીઓ તો ઠીક, રાજકારણીઓ પર પણ એવો છવાયો છે કે એ પરોક્ષ સત્તાધીશ થઈ ગયો છે. એ ઠરાવે ત્યારે દિવસ અને એ ઠરાવે ત્યારે રાત, એવી હાલત હોય ત્યાં પમ્મી બાબાનું બગાડી લેવાની?
પમ્મીની માનું મોત થાય છે. બાબા એને માના અંતિમસંસ્કારમાં હાજર રહેવાની પરવાનગી અપાવે છે. પમ્મીએ મનોમન ઠરાવી લીધું છે કે હવે બાબા સામે શિંગડાં ભરાવવા કરતાં એના ગઢમાં ગાબડું પાડવાનો એક જ માર્ગ બચ્યો છેઃ એનો વિશ્વાસ સંપાદન કરીને પછી યોગ્ય તક મળ્યે વાર કરવો. પમ્મી પોતાની યોજના સાકાર કરવા બાબાની માફી માગે છે. મોહાંધ બાબા પમ્મી સાથે શરીરસુખ માણવા છટપટિયાં મારી રહ્યો છે. એ પમ્મીને જેલમાંથી છોડાવે છે અને નિરાલા ધામમાં પાછી લાવે છે. બાબાની મેલી મથરાવટીને બરાબર પારખતો એનો મિત્ર-વિશ્વાસુ ભોપા સ્વામી (ચંદનરોય સન્યાલ) એને ચોખ્ખી ચેતવણી આપે છે, “ખબરદાર એની આસપાસ પણ ફરક્યો છે તો… આખો તારો આશ્રમ ભસ્મ કરી નાખે એવી છે આ…”
પમ્મી આશ્રમમાં નજરકેદ થયા જેવી સ્થિતિમાં રહેતાં સૌથી પહેલાં ભોપા સ્વામીને પોતાના મોહપાશમાં જકડી લે છે. બહુ વધુ શિસ્ત અને સંયમની શેખી મારતો ભોપા પમ્મીની જાળમાં ઊંધે માથે પટકાય છે. પોતાની લીલાઓમાં મસ્ત બાબા નિરાલાથી જોકે એ વાત ઝાઝો સમય છૂપી રહેતી નથી અને…
આશ્રમના આ તાજા એપિસોડ્સની તકલીફ એ છે કે એ દિશાભાન ખોઈ બેઠેલા એપિસોડ્સ લાગે છે. બાબાની સર્વોપરિતા સિદ્ધ થયા પછી, પમ્મીની વાર્તા એક મુકામે પહોંચ્યા પછી, સર્જક કદાચ એ સમજી શક્યા નથી કે હવે આગળ વધવું તો કઈ રીતે. બેશક, પમ્મી બદલો લે અને બાબાને એની કરતૂતોનાં બરાબર ફળ મળે એ એકદમ સહજ અને અપેક્ષિત આગેકદમ છે. પણ એને દર્શાવવાની રીત કંટાળાજનક પુનરાવર્તભરી અને નિસ્તેજ છે. સેક્સનાં દ્રશ્યો વાર્તામાં વણાયેલાં હોવા છતાં, એમની લંબાઈ કઠે એવી છે. એવી જ રીતે, ભોપા સ્વામી અને પમ્મી આશ્રમમાં છડેચોક લીલા કરે છે અને કોઈ કરતાં કોઈને એનો ખ્યાલ આવતો નથી એ બહુ વિચિત્ર વાત લાગે છે. ભોપા સ્વામીના શુદ્ધીકરણનો કિસ્સો સારો વળાંક છે પણ વાર્તામાં એકવાર એ આવી જાય પછી જરીકવાર સ્થગિતતા પણ આવી જાય છે.
પાંચે એપિસોડ્સમાં વાર્તાના કેન્દ્રસ્થાને નિરાલા, પમ્મી અને ભોપા સ્વામી છે. એમની આસપાસ વણાય છે બાબાને જેર કરવા આથુર ઇન્સ્પેક્ટર ઉજાગર સિંઘ (દર્શન કુમાર) તથા અન્ય પાત્રો. સિરીઝને લંબાઈ આપવા બાબાનો ભૂતકાળ, એની ગુરુની વાત અને નિરાલા કેવી રીતે એમનું સ્થાન પચાવી પાડે છે એનો સબપ્લોટ, સાવ બિનજરૂરી એવી આશ્રમમાં ગોળીબાર થવાની ઘટનાની મોક ડ્રિલ વગેરે પણ આવે છે. બબીતા (ત્રિધા ચૌધરી) વગેરે તમામ અન્ય પાત્રો બિલકુલ હાંસિયામાં ધકેલાઈ ગયાં છે.
આશ્રમના ચાહકો આ સિરીઝ જોશે તો કારણ એટલું કે તેઓ પાછલી સીઝનથી પ્રભાવિત છે. તેઓ બોબી દેઓલ, અદિતી, સન્યાલ વગેરેના સબળ પાત્રાલેખન અને અભિનયથી તેઓ ઇમ્પ્રેસ્ડ છે. એ અલગ વાત છે કે એમને વાર્તાના આ ઉત્તરાર્ધમાં એવો આનંદ નહીં મળે જેવો પૂર્વાર્ધમાં અને પછી પણ મળ્યો. આ વખતે જપનામના જાપનો પણ અતિરેક છે. શું કામ, કોને ખબર.
લેખકો કુલદીપ રુહીલ, તેજપાલ સિંઘ રાવત, અવિનાશ કુમાર અને માધવી ભટ્ટે ભલે કથાનકને અંજામ સુધી પહોંચાડવા ગમે તેટલી મહેનત કરી હોય પણ એમણે પાડેલો પરસેવો ક્યાંય મહેકી શક્યો નથી.
બેશક, આ વખતે પણ બોબી, અદિતી, સન્યાલ વગેરે પોતાનું કામ તો સારું કરી જ ગયાં છે. બસ, એ એક બાબત એવી છે જે સિરીઝ પતે ત્યાં સુધી દર્શકને કહે છે, “જોયે રાખો…”
ઇન શોર્ટ, એક બદનામ આશ્રમની પાછલી સીઝન્સ અને પાછલા એપિસોડ્સમાં જે રીતે રોમાંચ અનુભવાયો હશે એવી અપેક્ષા નવી સીઝનમાં રાખશો નહીં. બસ, છેલ્લે શું થાય છે એ જાણવાની ઉત્કંઠા સંતોષવા જ, જોવા હોય તો નવા એપિસોડ્સ જોઈ લો. ક્લાઇમેક્સનો ઇશારો હમણાં એ તરફ છે કે હવે આની કોઈ નવી સીઝન આવશે નહીં. છતાં, ભલું પૂછવું…
નવું શું છે
- બોલિવૂડ રોમ-કોમ નેટફ્લિક્સ ફિલ્મ ‘નાદાનિયા’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. નવોદિત ખુશી કપૂર અને ઇબ્રાહિમ અલી ખાન સાથે સુનીલ શેટ્ટી, જુગલ હંસરાજ, દિયા મિર્જા, મહિમા ચૌધરી અને અર્ચના પુરણ સિંહ તેમ જ મીઝાન જાફરી આ ફિલ્મમાં જોવા મળશે.
- 13 એપ્રિલ, 1919ના રોજ થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડની પૃષ્ઠભૂમિ પર આધારિત ઐતિહાસિક, થ્રિલર, ડ્રામા વેબસિરીઝ ‘ધ વેકિંગ ઓફ અ નેશન’ આજથી સોની લિવ પર આવી છે. આ શોમાં સાહિલ મહેતા, માન સિંહ કરમતી, અનન્યબ્રત ચક્રવર્તી, રાજ જાદોન અને તારરૂક રૈના મુખ્ય ભૂમિકામાં છે.
- ડિરેકટર સોનમ નાયરની નાના ગામની વાર્તાને અનોખા અંદાજમાં રજૂ કરતી કોમેડી-ડ્રામા વેબસિરીઝ ‘દુપહિયા’ આજથી પ્રાઇમ વીડિયો પર આવી છે. આ સિરીઝમાં કોમલ કુશવાહા, સ્પર્શ શ્રીવાસ્તવ, ગજરાજ રાવ, રેણુકા શહાણે અને યશપાલ શર્મા મુખ્ય ભૂમિકામાં છે.
- દક્ષિણ સુપરસ્ટાર સાઈ પલ્લવી અને નાગા ચૈતન્યની ‘થંડેલ’ ફિલ્મ આજથી હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં નેટફ્લિક્સ પર આવી છે.
- જેઓ મોટા પરદે માણવાનું ચૂકી ગયા હોય તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પર આધારિત બહુપ્રતિક્ષિત જીવનચરિત્રાત્મક ડ્રામા ફિલ્મ ‘ઇમરજન્સી’ 14 માર્ચે નેટફ્લિક્સ રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના રનૌત, અનુપમ ખેર, વિશાક નાયર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન અને સ્વર્ગસ્થ સતીશ કૌશિક છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/07-03-2025/6
Leave a Comment