સીધી ઓટીટી પર આવતી ફિલ્મો કેમ દિવસે દિવસે ઓછી મનોરંજક લાગી રહી છે? સારા મેકર્સના સ્પર્શ છતાં કેમ વાત જામતી નથી? એનું ચોક્કસ કારણ ના હોઈ શકે પણ આ બે ફિલ્મો મજેદાર નથી એનાં કારણો બિલકુલ મમળાવી શકાય એવાં છે

ઝોયા અખ્તરે ઝિંદગી ‘ના મિલેગી દોબારા’, ‘તલાશ’, ‘ગલી બોય’થી દર્શકોના હૈયામાં અચળ સ્થાન બનાવ્યું છે. ‘ધ આર્ચીઝ’માં એને ચાંદીની તાસક પર અઢળક નાણાં અને સુપરસ્ટાર્સનાં સંતાનોને લૉન્ચ કરવાની તક મળી છે. ફિલ્મનું માર્કેટિંગ એવું સખત થયું કે ચૌરે ને ચોટે સૌને ખબર કે ફિલ્મ આવે છે. છેવટે, થોડા દિવસ પહેલાં નેટફ્લિક્સ પર ફિલ્મ આવી. જેમણે જોઈ નથી એમને થતું હશે કે શું છે એમાં?

આર્ચીઝ કોમિક્સ સિરીઝની જેમ અહીં પણ કાલ્પનિક ગામ રિવરડેલ છે. આપણું રિવરડેલ ઉત્તર ભારતમાં છે. અંગ્રેજોના સમયમાં અંગ્રેજ અને ભારતીય સ્ત્રી-પુરુષો વચ્ચે થયેલાં લગ્નોથી રિરડેલના એન્ગ્લો ઇન્ડિયન પરિવારો સર્જાયા છે. ગામમાં એક રિવાજ છે. બાળક પાંચ વરસનું થાય એટલે એના હાથે ગામના કેન્દ્રમાં આવેલા ગ્રીન પાર્કમાં એક વૃક્ષ વાવવું. ગ્રીન પાર્ક એવાં વૃક્ષોથી લીલુંછમ થવા સાથે ગામની શાન બન્યો છે. એવામાં, ગામના કાળજાસમ પાર્કને પ્રજા પાસેથી ઝૂંટવીને ત્યાં હોટેલ બાંધવાનો કારસો રચાય છે.

ફિલ્મમાં એની વાત મોળી રીતે આકાર લે છે. એની પહેલાં અઢળક પાત્રો અને અમુક ઘટનાઓ છે. આર્ચી (અગત્સ્ય નંદા), બેટ્ટી (ખુશી કપૂર), વેરોનિકા (સુહાના ખાન), જગહેડ (મિહિર આહુજા), એથેલ (અદિતી સાયગલ ઉર્ફે ડોટ), રેજી (વેદાંગ રૈના), ડિલ્ટોન (યુવરાજ મેન્દા) વગેરે ટીનએજ પાત્રો છે. એમનાં માટે ગીતો, નૃત્યો છે. વેરોનિકાના ધનાઢ્ય પિતા મિસ્ટર લોજ (અલી ખાન, જેણે પાર્ક અને ગામની જૂની દુકાનો હસ્તગત કરવા કારસો રચ્યો છે) છે. એનું પ્યાદું બનતો રાજકારણી ડોવસન (વિનય પાઠક), બુક શૉપનો માલિક હલ કૂપર (સત્યજિત શર્મા), આર્ચીનાં માબાપ મેરી અને ફ્રેડ (તારા શર્મા અને સુહાસ આહુજા) સહિત દોઢ-બે ડઝન પાત્રો છે. બધાંને કથાનક સાથે સાંકળતાં વાત ગ્રીન પાર્ક તરફ વળે છે.

એમાં મોડું થઈ જાય છે. કારણ કેટલીયે પિષ્ટપંજણ પછી આવીને ગ્રીન પાર્કનો મુદ્દો જામતો જ નથી. મજાના સેટ્સ, ફેન્સી વસ્ત્રો, (અ)કર્ણપ્રિય સંગીત, દોસ્તીયારી, પ્યાર-મોહબ્બતના ડોઝ વગેરે કશું કારગત નહીં થયે, ગ્રીન પાર્કનો કાંઠો ઝાલતી ઢીલાઢફ અંજામ તરફ ઢસડાવા માંડે છે. ગ્રામજનોના બહુમતી મતદાનથી પાર્કને હોટેલમાં પરિવર્તિત કરવાનો આદેશ પાછો ખેંચાશે કે નહીં એની પણ જોનારને તમા રહેતી નથી.

મુંબઈ, ઊટી અને મોરિશિયસમાં શૂટ થયેલી નેટફ્લિક્સની ધ ‘આર્ચીઝ’થી અમિતાભ, શાહરુખ, શ્રીદેવીના પરિવારનાં સંતાનોએ પડદાગમન કર્યું છે. એમાંથી અગત્સ્ય આશાસ્પદ છે. સુહાનાના ચહેરે સતત ઝળકતું સ્મિત ખટકે છે. ઉત્તરાર્ધમાં જોકે સુહાના બહેતર છે. ખુશી, વેદાંગ, મિહિર, ડોટ ઓકે છે. સહકલાકારોમાં ધ્યાન ખેંચે છે અલી ખાન અને સુહાસ આહુજા.

આશરે સવાબે કલાકની આ ફિલ્મ આખી જોવા શ્રમ કરવો પડે છે. નબળી પટકથા અને એનાથીયે નબળાં ગીત-સંગીત, સંવાદ એ માટે જવાબદાર છે. ઝોયાએ પડદે ભપકો ભર્યો છે પણ વાતમાં મોણ નહીં હોવાનું પિછાણવામાં થાપ ખાધી છે. ટીનએજર્સની કથામાં પાર્કના ગંભીર મુદ્દાને બદલે મુગ્ધાવસ્થાનો કોઈક મુદ્દો કેન્દ્રસ્થાને હોત તો વાત જુદી બનત. એક સમસ્યા હિન્દી-અંગ્રેજીની ભરપૂર ભેળસેળ છે. એના લીધે દર્શક ફિલ્મની ભાષા અને વાર્તા સાથે સુસંગત થવામાં કઠણાઈ અનુભવે છે. નથી દિલથી હિન્દીની અસર અનુભવાતી છે કે નથી અનુભવાતી અંગ્રેજીની. કરણ જોહર, આદિત્ય ચોપરા પ્રકારનાં દ્રશ્યોથી ફિલ્મનાં વેસ્ટર્નાઇઝ્ડ એજ્યુકેશન સિસ્ટમનાં દ્રશ્યો ચીતરાયાં છે. એમાં નાવીન્ય કે જાદુ નથી. મુખ્ય અને સાથી પાત્રોમાં ઊંડાણનો અભાવ હોવાથી એમની સાથે તાદાત્મ્ય સાધી શકાતું નથી. સરવાળે, ફિલ્મ આખી જોઈ તો પણ આંખોની અટારીથી દિલમાં ઊતરી શકતી નથી. ઇન શોર્ટ, ‘ધ આર્ચીઝ’ દેખી તો ક્યા ઔર ના દેખી તો ભી ક્યા?

‘આર્ચીઝ’ને સારી કહેવડાવે એવી એક ફિલ્મ ઝી ફાઇવ પર આવી છે. એ છે ‘કડક સિંઘ.’ એને જોવાનું બહાનું છે ટાઇટલ રોલમાં પંકજ ત્રિપાઠી જેવો કાબેલ કલાકાર અને 2016માં ‘પિન્ક’ ફિલ્મથી ધ્યાન ખેંચનાર બંગાળી દિગ્દર્શક અનિરુદ્ધ રોય ચૌધરી. ફિલ્મમાં બાંગલાદેશની જાણીતી અભિનેત્રી જયા અહસાન પણ અગત્યના પાત્રમાં છે. આ ફિલ્મની વાત પણ કરીએ.

સાયકોલોજિકલ થ્રિલર તરીકે લેખાવવામાં આવેલી ફિલ્મમાં વાત છે અરુણ  શ્રીવાસ્તવ ઉર્ફે કડક સિંઘ (ત્રિપાઠી)  નામના નાણાં ખાતાના અધિકારીની. આત્મહત્યાના પ્રયાસ પછી એ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. એને એનો ભૂતકાળ અધકચરો અને અવ્યવસ્થિતપણે યાદ છે. જેમ કે, એને યાદ છે મારે એક દીકરો છે પણ પાંચ વરસનો. વાસ્તવમાં દીકરો 17 વરસનો થયો છે. જે દીકરી ગોવાનું એને યાદ નથી એ દીકરી સાક્ષી (સંજના સાંઘી) પિતાને સ્વસ્થ કરાવવા અને જૂની વાતો યાદ કરાવવા હોસ્પિટલમાં સંસ્મરણો વાગોળ્યે જાય છે.

કોલકાતામાં આકાર લેતી આ ફિલ્મ સખ્ખત નબળી હોવાનું પંદરેક મિનિટમાં, જાણે પથ્થરની લકીર જેટલું સ્પષ્ટ થઈ જાય છે. ઘડીકમાં હોસ્પિટલમાં પથારીવશ શ્રીવાસ્તવ સાથે સાક્ષી અને નર્સ કન્નન (પાર્વતી થિરુવોતુ)નાં દ્રશ્યો અને ઘડીકમાં શ્રીવાસ્તવનાં ઘર-ઓફિસનાં દ્રશ્યો વચ્ચે અફળાયા કરતો એનો કથાપ્રવાહ બેહદ નીરસ છે. દર્શક સાક્ષી થકી જાણે છે કે શ્રીવાસ્તવ ક્યારેક ગુસ્સેલ હતો, સંતાનો એનાથી થરથરતાં હતાં. સંતાનોએ જ એને કડક સિંઘ ઉપનામ આપ્યું હતું. ઓફિસમાં પણ એ શિસ્ત અને પ્રામાણિકતાનું બીજું નામ ગણાતો હતો. પણ ભૂતકાળનાં કોઈ દ્રશ્યો એ વાતની શાખ પૂરતાં નથી. ઊલટાનું, અમુક દ્રશ્યમાં બાપ કરતાં દીકરી વધુ ગુસ્સેલ હોય એવું પ્રતીત થાય છે.

સાક્ષી સાથે વાર્તામાં શ્રીવાસ્તવની પ્રેમિકા નયના (જયા) અને પછી સહકર્મચારી અર્જુન (પરેશ પાહુજા) ઉમેરાય છે. એમના થકી પણ શ્રીવાસ્તવ ભૂતકાળના તાણાવાણા મેળવવા છટપટિયાં મારતો રહે છે. એની સાથે દર્શક છટપટિયાં મારતો રહે છે એમ ધારીને કે ફિલ્મમાં કંઈક તો એવું થશે જે એને જોયાનો જરાક પણ સંતોષ કરાવશે.

પંકજ ત્રિપાઠી જેવા કલાકારે કરેલી આ કદાચ સૌથી વરવી ફિલ્મ હશે. કારણ સમગ્ર ફિલ્મને નથી કોઈ સુર કે નથી કોઈ તાલ. ટાઇટલને ન્યાય આપે એવી ઘટનાઓનો એમાં હોરિબલ અભાવ છે. એટલી હદે કે પંકજ સિવાયનાં તમામ પાત્રો પણ ટાઢાંબોળ લાગે છે. જાણે દિગ્દર્શકે એમને દિશાવિહિનતાની દુનિયામાં ધક્કો મારીને કહી દીધું હશએઃ જાવ, આવડે એમ પાત્ર જીવી લો, એ એક જ ઉપાય છે આ ફિલ્મ બનાવવાનો.

બે કલાકથી જરાક લાંબી ફિલ્મમાં એટલે જ દર્શક ભેખડે ભરાય છે. એક રસ્તો હતો આ ફિલ્મ બચાવવાનો અને સારી રીતે બનાવવાનો. એ હતો ટાઇટલને છાજે એમ બે અંતિમો ઝાલીને કથા માંડવાનો. હોસ્પિટલના બિછાને, નખાયેલો શ્રીવાસ્તવ અને ભૂતકાળની વાતમાં વાઘની જેમ વર્તતો શ્રીવાસ્તવ. આ સિમ્પલ ફોર્મ્યુલાએ ઘણી ફિલ્મોને તારી છે અને ‘કડક સિંઘ’ને પણ તારી હોત. જો તારી ના હોત તો પણ ફિલ્મ આટલી ખરાબ રીતે ના હારી હોત. પણ, પેલું કહે છેને, અબ રોને સે ક્યા હોગા જબ…

નવું શું છે?

  • આ પહેલાં એમેઝોન પ્રાઇમ અને બુકમાયશો પર જોવા મળનારી ‘બાર્બી’ 21 ડિસેમ્બરથી જિયો સિનેમા પર આવી રહી છે. મેર્ગોટ રોબી એમાં બાર્બીના પાત્રમાં છે.
  • ક્રિસમસ ટાણે તહેવારને લગતા મનોરંજનના વિકલ્પો તરફ સૌનું ધ્યાન ખેંચાવાનું છે. એમોઝોન પ્રાઇમ વિડિયો પર મૂળ સ્પેનિશ ફિલ્મ ‘સાન્તા મી આમોર’ (અથવા ‘ડેટિંગ સાન્તા’) અને નેટફ્લિક્સ પર ‘ક્રિસમસ એઝ યુઝવલ’ તહેવારને લક્ષીને આવી છે. નેટફ્લિક્સવાળી ફિલ્મમાં મૂળ ભારતીય અભિનેતા કનન ગિલ એક મુખ્ય પાત્રમાં છે.
  • ભારત અને દક્ષિણ આફ્રિકાની પુરુષોની ક્રિકેટ ટીમની સિરીઝ હોટસ્ટાર પર વિનામૂલ્યે માણી શકાય છે. સિરીઝમાં ત્રણ-ત્રણ ટી-ટ્વેન્ટી અને વન-ડે ઉપરાંત બે ટેસ્ટ મેચ રમાશે.
  • 2023નું ખ્રિસ્તી વરસ પૂર્ણતા તરફ ધસી રહ્યું છે ત્યારે વિચાર આવે છે કે ફિલ્મો માટે ટર્નઅરાઉન્ડ સાબિત થનારા વરસમાં ઓટીટી પ્લેટફોર્મ્સ ખાસ ઉકાળી શક્યાં નથી. વિગતે ચર્ચા આવતા અઠવાડિયે શરૂ કરીશું. એટલું સ્પષ્ટ છે કે ગુણવત્તાના મામલે વેબ સિરીઝ અને સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મોએ સુધારા કરવા અનિવાર્ય છે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.08 ડિસેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/15-12-2023/6 

Share: