ઓટીટીએ તાજી હવાની લહેરખીની જેમ આવકાર મેળવ્યો હતો. હવે, ગણતરીનાં વરસોમાં એ ગંધાતા ગટરિયા પાણી થવાના માર્ગે છે. કારણ એ તમામ બદીઓ છે જેણે બોલિવુડને, ટીવીને કમજોર કર્યાં છે. ઓટીટીએ દબદબો જાળવવા માટે બેહદ સતર્ક, પ્રયોગાત્મક, નોખા અને દર્શકસંગત રહેવું પડશે, સતત.
એક ડિરેક્ટર મિત્રને મળવાનું થયું. ઓટીટીના સંચાલકોની મંદબુદ્ધિમત્તાથી એ પરેશાન છે, ‘ફિલ્મો જેવી હાલત થવા માંડી છે ઓટીટીની. ફોર્મ્યુલા, સ્ટારડમ અને ઘરેડની પાછળ સૌ દોડે છે. એમાં વિદેશી સિરીઝની રિમેક ઉમેરી દે. પછી ઉમેર ગાળો, સેક્સ અને ક્રાઇમ. આટલું ઓછું હોય તેમ ખોળે લીધેલા મેકર્સને અપાતું પ્રેફરેન્સ. આ મોટ્ટા ઓટીટીઝ છેને દોસ્ત, તું જોજે, ધીમેધીમે ખાડે જવાના રસ્તે છે.’
ઘેરબેઠા, પોતપોતાની સગવડે ફિલ્મો, સિરીઝ વગેરે જોવાની મજ્જા ઓટીટીએ કરી આપી છે. એણે મનોરંજનના ઉપભોગની સિસ્ટમ ઉપરતળે કરી છે. એણે હિન્દી સિનેમાના ભપકાને તસતસાવીને તમાચો માર્યો છે. ટેલીવિઝનને હાંસિયા ધકેલી દીધું છે. ઓટીટી જૈસા કોઈ નહીં જસ્ટ લાગવા માંડ્યું છે ત્યારે આવું સાંભળવા મળે ત્યારે નવાઈ લાગે, ધક્કો બેસે: આ શું કહે છે, યાર? વાત સાવ અસ્થાને નથી એ સમજવા વિગતમાં ઊતરવું પડે. પૉઇન્ટ ટુ પૉઇન્ટ.
ફોર્મ્યુલા, આ એક શબ્દ ઓટીટી શું, દરેક વેપારની પત્તર ઝીંકતો વિલન છે. નાવીન્ય માથે ફોર્મ્યુલા નામનો કાળિયો નાગ નાચે ત્યારે કામ ઊંધાંચત્તાં થવા માંડે. મનોરંજન તો પ્રયોગોનું, અખતરાનું જગત. અહીં ફોર્મ્યુલાનો જન્મ જ અખતરાની કૂખે થાય છે. પણ પછી, સફળતાને લીધે અખતરો જ ફોર્મ્યુલા બને એટલે વાત બગડવા માંડે.
ઓટીટી પર એનું ફોર્મ્યુલા પાછળ દોડવાનો ટ્રેન્ડ જામ્યો છે. ‘સેક્રેડ ગેમ્સ’, ‘મિરઝાપુર’ને કારણે ક્રાઇમથી લબાલબ, ગાળાગાળીથી છલોછલ સિરીઝોનો રાફડો ફાટ્યો. એમાંથી મેકર્સ બહાર આવી શક્યા નથી. પછી ‘ફેમિલી મેન’, ‘દિલ્હી ક્રાઇમ’ ચાલી એટલે વાત વધુ વણસી. ક્રાઇમ શો અને ગાળોની ભરમાર માણતાં દર્શકો થાકવા માંડ્યા પણ મેકર્સ થાકવાનું નામ લેતા નથી. લેટેસ્ટ ‘ફર્ઝી’ ભલે સારી, પણ નાવીન્ય એમાં પણ ઓછું. દર્શક માથું ખંજવાળી રહ્યો છે કે મારે શાને આવી વેબ સિરીઝ જોયે જ રાખવી? દર્શકની સાંભળવા ઓટીટીના માંધાતાઓ તૈયાર નથી. એ તો તોરમાં નાચીનાચીને બરાડા પાડી રહ્યા છે, ‘બનાવો, બનાવો, આવી સિરીઝ તો ચાલે જ.’
સ્ટારડમ હજી ઓટીટી માટે મોટી સમસ્યા નથી. બની શકે છે ખરી. ફિલ્મો અને ઓટીટીમાં એક ક્યુટ ફરક રહ્યો છે. અજાણ્યા કલાકારો ઓટીટી થકી આપણા દિલમાં વસી શક્યા છે. ઓટીટીએ પાછલાં ત્રણ-ચાર વરસમાં ઘણા કલાકારોને સેલિબ્રિટી બનાવ્યા છે. ફિલ્મસ્ટાર્સે પણ અહીં ઘૂસણખોરી કરીને નવી ઓળખ બનાવી છે. જોકે સિચ્યુએશન પહેલાં જેટલી સારી નથી. ધીમેધીમે ઓટીટીઝ પણ સ્ટારડમ પાછળ દોડતાં થયાં છે. આ દોડને લીધે પ્રોમિસિંગ મેકર્સના શ્વાસ રુંધાઈ રહ્યા છે. સારો વિષય અને સરસ સિરીઝ બનાવવાની હોંશ હોય તો પણ, ‘કોઈ બડા એક્ટર (કે એક્ટ્રેસ) લે કે આઓ તો દેખતે હૈ,’ એવી સૂફિયાણી વાતો એમને સંભળાવી દેવામાં આવે છે. કલાકાર જાણીતો થઈ જાય એટલે જમીનથી બે વેંત ઊંચે ચાલતા એ મોટ્ટા મેકર્સ સાથે કામ કરવાનો આગ્રહ રાખે. આમાં ઊગતા, પ્રતિભાશાળી મેકર્સ ક્યાં જાય?
બીજા એક મેકરની આપવીતી આ રહી. ઢાંસુ વિષય લઈને એ ગયા ઓટીટી પાસે. એક્ટર તરીકે નામ મૂક્યું એક ટોચની ઇન્ફ્લુએન્ઝર્સનું જે એમની દોસ્ત હતી. ઓટીટી ઓફિસર કહે, ‘આ ઇન્ફ્લુએન્ઝર લાવ તો તારો પ્રોજેક્ટ પાસ.’ હરખપદુડો મેકર ગયો દોસ્ત પાસે, એમ જાણી કે એ તો ઉછળી જ પડશે ટોચના ઓટીટી પર લીડ રોલ અને તગડી ફીની વાત સાંભળીને. પણ પેલીએ તો સબજેક્ટ સાંભળવાની સુધ્ધાં ના પાડી દીધી, ‘નો નો, સૉરી યાર. મારે ઓટીટી પર આવવું છે પણ ઓન્લી એ-ગ્રેડ બેનર સાથે.’
ફિલ્મજગતની જેમ ઓટીટી પર પણ એ-ગ્રેડના મેકર્સનો ભરડો વધી રહ્યો છે. પ્લેટફોર્મ્સના સંચાલકો એમના ઓશિયાળા થવા માંડયા છે અને કલાકારો પણ. એને લીધે નવા, નાના મેકર્સ માટે ઓટીટીમાં પ્રવેશ પહેલાં જેમ આસાન નથી રહ્યો. વાસ્તવિકતા એ હોવી જોઈએ કે ઓટીટીમાં દરેક ટેલેન્ટને દમ દેખાડવાની તક મળવી જોઈએ.