ઓડિયો ફોરમેટમાં ઓટીટી લગાતાર પ્રગતિ સાધી રહ્યાં છે. મજાની વાત એ પણ કે વિદેશીઓ કરતાં ભારતીયો શ્રવણાનંદમાં વધુ રુચિ લઈ રહ્યા છે અને સમય પણ વધુ ખર્ચી રહ્યા છે
ઓટીટી એટલે શું? સામાન્ય જવાબ છેઃ કંઈક ગમતીલું જોવું. થોડો અલગ જવાબ છેઃ કંઈક સરસ સાંભળવું. ક્યારેક ઘરમાં ટેલિવિઝન અને રેડિયો સાથેનું ટેપ રેકોર્ડર, એમ બે અલગ સાધન હતાં. આ બે સાધનો દર્શન અને શ્રવણનો આનંદ પીરસનારાં ખેરખાં હતાં. સમય સાથે ઓડિયો ઇન્સ્ટ્રુમેન્ટનું સ્થાન મોબાઇલ, કોમ્પ્યુટર, ટેલિવિઝને લીધું. પહેલાં એવું પણ હતું કે દર્શન એટલે કંઈક જોવા માટેના વિકલ્પો આટલા ધોધમાર વરસતા નહોતા. એટલે લોકો શ્રવણને પણ પ્રાધાન્ય આપતા. આજે તો માત્ર ગીત સાંભળવા પણ લોકો યુટ્યુબ પર પહોંચી જાય છે. ગીત હોય ઓડિયો ફોરમેટમાં. એની વચ્ચે ઓટીટી પર અનેક એપ્સે પોતપોતાનું સ્થાન બનાવ્યું, જેનો ઉદ્દેશ માત્ર શ્રવણાનંદનો છે. આવી એપ્સ ધીમી પણ મક્કમ ગતિએ આગેકૂચ કરી રહી છે.
ઓડિયો ઓટીટી પ્લેટફોર્મ્સ પણ વિડિયો જેટલાં અગત્યનાં છે. એમાં સાઉન્ડની ગુણવત્તા બહેતર મળે છે. એમાં સ્ટ્રીમિંંગ વખતે ઓછા ડેટાનો ખપ પડે છે. એના પર આંખો ખોડી રાખવાની ગરજ પડતી નથી. લવાજમ ભરીને અથવા અમુક કિસ્સામાં મફતમાં એમાં જાહેરાતોના આક્રમણ વિના નોન સ્ટોપ સંગીત માણી શકાય છે. ઓડિયો ઓટીટી માત્ર ગીત-સંગીત નહીં, બીજું ઘણું પીરસે છે. એટલે એમની મહત્તા વધી રહી છે. બેશક, ઓડિયો ઓટીટી ક્યારેય વિડિયો ઓટીટીનું સ્થાન લઈ શકે નહીં પણ એમ તો વિડિયો ઓટીટી પણ ઘણી વાતે ઓડિયો ઓટીટીની તોલે આવી શકે નહીં.
ઓડિયો ઓટીટીની સિચ્યુએશનની વાત કરીએ. પાછલાં ત્રણ વરસમાં આપણે ત્યાં એના વપરાશકર્તા વીસ-ત્રીસ કરોડ પહોંચ્યા છે! આંકડો મોટો છે. કોવિડકાળથી એના વિકાસની નક્કર શરૂઆત થઈ હતી જે આજ સુધી જારી છે.
કદાચ કોઈને ખ્યાલ ના હોય પણ આપણે વિડિયો ફોરમેટના ઓટીટીએ ચાર-પાંચ વરસમાં કરેલી ધનાધન પ્રગતિ હવે પોરો ખાવા સુધી પહોંચી છે. લોકો હઇશો હઇશો કરતા ઘેલા થઈને શોર્ટ્સ અને રીલ્સ જોતા હતા એ આદત પણ પોરો ખાવા માંડી છે. કારણ, એનો અતિરેક થયો. બનાવનારા ગમે તે ગાંડા કાઢે અને જોનારા એ ગાંડાવેડા જોઈને ખીખીખીખી કરે એની હદ તો આવે જ. વળી, સાવ અર્થ વગરનું અને બીબાઢાળ મનોરંજન એક હદ પછી આનંદ ઓછો અને કંટાળો વધારે આપે. આને બોલિવુડની સ્થિતિ સાથે સરખાવો. સ્ટારડમ કે ફોર્મ્યુલા કે સ્ટાઇલ કે લોકોને આવું જ ગમે છે એમ ઠોકી બજાવીને કહ્યે રાખી બોલિવુડે પાછલાં થોડાં વરસોમાં પોતાની જ ઘોર ખોદી. હવે થયું એમ છે કે બાકીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ રોફથી આગેકદમ કરી રહી છે ત્યારે બોલિવુડ માથું ખંજવાળી રહ્યું છે કે બનાવવું તો શું. કોઈ કરતા કોઈ મેકર પાસે જવાબ નથી કે દર્શકોને ગમશે શું. શોર્ટ્સ અને રીલ્સના પણ એ દિવસો આવી શકે છે. જસ્ટ ફોર ફન ઠીક છે પણ કોણ, કેટલી હદે બકવાસ વિડિયો કાયમ માટે જોઈ શકે?
ઓડિયો ફોરમેટના ઓટીટી માટે હવે પ્રગતિનો સમય શરૂ થયો છે. એની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન ફિલ્મી મ્યુઝિકનું છે. આપણે ત્યાં સૌથી વધુ માણવામાં આવતા ઓડિયો પ્રકારમાં ફિલ્મી સંગીત નંબર વન છે. એની સાથે વિકસી રહ્યાં છે પોડકાસ્ટ અને ઓડિયો બુક્સ જેવા પ્રકાર. પોડકાસ્ટમાં ઘણું બઘું આવી જાય. જેમ કે કોઈક સાધુનું પ્રવચન, કે કોઈકના મનની વાત વગેરે. ઓડિયો બુક્સ એટલે પુસ્તકને વાંચવાને બદલે સાંભળવું.
સ્પોટિફાઈ, જિયો સાવન, હંગામા મ્યુઝિક, કુકુ એફએમ, પોકેટ એફએમ, ગાના, વિન્ક, એમેઝોન મ્યુઝિક વગેરે પ્લેટફોર્મ્સ સહિત ઓડિયો ઓટીટી માટે પ્રાદેશિક ભાષામાં શ્રવણસમ મનોરંજન પીરસતા ઘણા વિકલ્પો છે. ભારતમાં ઓડિયો માણવા માટે લોકો સરેરાશ જે સમય ફાળવે છે એ વૈશ્વિક સરેરાશથી વધારે છે. તેમાં ભારતીયો 83% સમય પ્રાદેશિક, એટલે પોતાની ભાષામાં ઓડિયો માણે છે. અત્યારે આ બજારમાં સૌથી વધુ શ્રોતાઓ દેશનાં આઠ મુખ્ય શહેરોના વસનારા છે પણ નાનાં શહેરો અને ગામડાંના શ્રોતાઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. આનાથી એટલું સ્પષ્ટ છે કે આપણે ત્યાં પ્રાદેશિક ભાષાના ઓડિયોની બજાર તંદુરસ્તી સાથે અને તગડી રીતે વિકસવાને છે.
ભારતીય ઓડિયો ઓટીટી બજાર વાર્ષિક 15%ના વિકાસ સાથે વિકસી રહી છે. 2025 સુધીમાં આ આંકડો સાડાત્રણ અબજ ડોલરને આંબી જશે એવો અંદાજ સેવાય છે. માત્ર વેપારની દ્રષ્ટિએ નહીં પણ આનંદ અને વૈવિધ્યની દ્રષ્ટિએ પણ આ આંકડો અગત્યનો છે. 2022માં વૈશ્વિક ઓડિયો ઓટીટી બજાર 18.5 અમેરિકન ડોલર રહી હતી. વૈશ્વિક સ્તરે આ બજાર વાર્ષિર 28%ના દરે 2030 સુધી વધતી રહેવાની ધારણા છે.
ઘણાં દેશી-વિદેશી ઓડિયો ઓટીટી પ્લેટફોર્મ એવાં છે જે ભલે હાલમાં લાઇમલાઇટમાં નથી પણ એમની પ્રગતિ થઈ રહી છે. કાસ્ટબોક્સ એમાંનું એક છે. એ મૂળ ચીનની કંપની છે. એના શ્રાવકો આપણે ત્યાં પણ છે. એની સેવા હાલમાં મફત માણી શકાય છે.
ઓડિયો ઓટીટીનો એક પ્લસ પોઇન્ટ એ છે કે એમના લવાજમ સામાન્યપણે વિડિયો ઓટીટી કરતાં ઓછા છે. ઓછો ખર્ચ અને બીજા કામ કરતા કરતા શ્રવણ થઈ શકે એના લીધે પણ ઓડિયો ઓટીટી લોકોને આકર્ષી રહ્યાં છે.
ઓડિયો ઓટીટીનો વેપાર થાળે પડવાને વાર હોવા છતાં એમ કહેવામાં ખોટું નથી કે ગાડી સાચી દિશામાં છે. ગ્રાહક અંકે કરવા અને બજારમાં આધિપત્ય સ્થાપવા હાલમાં ઓડિયો ઓટીટી કંપનીઓ મરણિયા પ્રયાસ કરી રહી છે. ઉદાહરણ તરીકે પોકેટ એફએમ લઈએ. 2018માં એની શરૂઆત થઈ. કંપનીએ 2022માં એક રૂપિયાની આવક રળવા અગિયાર રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ધ્રાસ્કો પડે એવી આ વાત સાથે એ પણ જાણી લો કે આવા ખર્ચ (અને નુકસાન) છતાં, કંપની પર એના રોકાણકારોને ભરોસો છે. આજનો ખર્ચ આવતીકાલની આવક અને સફળતા છે એ વાતમાં તેમનો વિશ્વાસ છે. વાત પોકેટ એફએમ કરતાં ઓડિયો ઓટીટીની વધારે છે, કેમ કે રોકાણકારો છેવટે બ્રાન્ડ સાથે બિઝનેસમાં અને બિઝનેસના ભવિષ્યમાં રુચિ ધરાવતા હોય છે.
સરવાળે, માત્ર દ્રશ્યાનંદમ માટે નહીં પણ શ્રવણાનંદ માટે પણ ઓટીટી અગત્યનાં થઈ રહ્યાં છે. લોકોને જેમ જેમ એની આદત પડતી જશે તેમ તેમ આ દુનિયા વધુ રંગીન થતી જવાની.
નવું શું છે
- 15 જૂનથી જિયો સિનેમા પર મનીષ પોલ અને પ્રિયા બાપટને ચમકાવતી વેબ સિરીઝ ‘રફૂચક્કર’ રિલીઝ થવાની છે. એ સાથે મનીષ ઓટીટીની દુનિયામાં પદાર્પણ કરશે. ડિરેક્ટર રિતમ શ્રીવાસ્તવ છે.
- આઈપીએલના દિવસો પૂરા થયા. હવે કાઉન્ટડાઉન આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું શરૂ થયું છે. એની મેચ જોઈ શકાશે ડિઝની પ્લસ હોટસ્ટાર પર. સાતમી અને અગિયારમી જૂન વચ્ચે.
- ઓટીટીની શોઝ અને ફિલ્મોમાં નશીલા પદાર્થોના સેવનનાં દ્રશ્યો ભરપૂર હોય છે. એમના પર જોકે ફિલ્મોની જેમ આવાં દ્રશ્યો માટે સૂચના લખવી ફરજિયાત નથી. સરકાર હવે એને ફરજિયાત કરવાનું વિચારી રહી છે. સાથે એમના પર લગામ તાણવાનું પણ વિચારવામાં આવે તો વધુ સારું.
- નેટફ્લિક્સની આગામી વેબ સિરીઝ ‘કોહરા’નો ફર્સ્ટ લૂક આવી ચૂક્યો છે. એમાં સુવિન્દર વિકી, વરુણ સોબ્તી, વરુણ બદોલા, હરલીન સેઠી વગેરે કલાકારો છે. સિરીઝની ભાષા હિન્દી અને પંજાબીનું મિશ્રણ છે. લગ્નની જસ્ટ પહેલાં પંજાબમાં એક પંજાબી એનઆરઆઈનું મર્ડર થાય છે એ સાથે વાર્તા શરૂ થાય છે. રિલીઝની તારીખ આવવાની બાકી છે.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 2 જૂન, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment