ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સમાં અકાઉન્ટ ખોલાવવું, પૈસા ભરવા, ટ્રેક રાખવો એના કરતાં એક અકાઉન્ટથી અનેક ઓટીટી પ્લેટફોર્મ્સ માણવાં વધારે માફક આવે. એગ્રિગેટર કંપનીઓ આ કામ કરે છે. એગ્રિગેટર્સની સેવા ઓટીટી વિશ્વનું ભવિષ્ય છે

 

હાથમાં રિમોટ હોય. ફુરસદ હોય. ઓટીટી જોવાની તાલાવેલી હોય. ત્યારે મૂંઝવણ એ થઈ શકે કે શું જોવું? સરેરાશ વ્યક્તિ શું જોવું એ નક્કી કરવામાં આશરે ખાસ્સો સમય કાઢી નાખે છે. બીજી મૂંઝવણ કે જે જોવું હોય એ કયા ઓટીટી પ્લેટફોર્મ પર છે. પછી એ પણ વિચારવાનું કે જોવું છે એ ફલાણા ઓટીટી પર છે તો ખરું પણ એ પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લીધું છે કે નહીં. નથી લીધું તો ભરો પૈસા, બનાવો અકાઉન્ટ, કરો મહેનત.

એક પછી એક નવાં ઓટીટી પ્લેટફોર્મ્સ આવી રહ્યાં છે ત્યારે યુઝર્સ માટે કેટલાં લવાજમ ભરવાં, કેટલાં ખાતાં મેનેજ કરવાં એ મોટી મુશ્કેલી છે. ઓટાટી પાછળ સામાન્ય માણસનો થઈ રહેલો ખર્ચ પણ વધવા માંડ્યો છે. વિવિધ પ્લેટફોર્મ્સ પર અકાઉન્ટ બનાવ્યા પછી એમનો ટ્રેક રેકોર્ડ રાખવો પણ કડાકૂૂટ છે. આ બધાંથી આપણને બચાવી શકે છે એગ્રિગેટરની સેવા.

એગ્રિગેટર એટલે એવું પ્લેટફોર્મ જે એક અકાઉન્ટમાં અનેક ઓટીટી સેવા પૂરી પાડે. ઘડીકમાં પ્રાઇમ વિડિયો, ઘડીકમાં નેટફ્લિક્સ, એમએક્સ પ્લેયર, ઘડીકમાં ઝીફાઇવ એમ ગોળગોળ ફરવાની ઝંઝટથી જે આપણને બચાવે. બસ એક પ્લેટફોર્મ, એક લવાજમ અને અનેક ચોઇસ. આવું કરવા એગ્રિગેટર વિવિધ ઓટીટી સાથે હાથ મિલાવીને એમની સેવા પોતાના પ્લેટફોર્મ પર મૂકી દે છે. પછી એ કાં તો પોતે સિંગલ લવાજમ લઈને એ ઓટીટી જોવાની સગવડ પૂરી પાડે, કાં પછી જે તે લવાજમ પોતાને ત્યાંથી સીધા ભરવાની સગવડ કરી આપે.

ઓટીટી પ્લેટફોર્મ અને એગ્રિગેટર વચ્ચેના કરારને લીધે યુઝરને ઘણા લાભ મળે છે. પહેલો લાભ, ઉપર જણાવ્યું તેમ, અનેક ખાતાં ખોલવાં અને મેનેજ કરવાની ઝંઝટમાંથી મળતી મુક્તિ છે. બીજો લાભ વિવિધ લવાજમ પાછળ એકંદરે થતા ખર્ચ કરતાં ઓછો ખર્ચ થવાની શક્યતા છે. એગ્રિગેટર કંપનીઓ રિડિસ્ટ્રિબ્યુટર તરીકે પણ ઓળખાય છે.

સરળ શબ્દોમાં સમજવા ઉદાહરણ – કિરાણાની નાનકડી દુકાન અને નવા જમાનાના સુપર સ્ટોરનું લઈએ. સુપર સ્ટોરમાં અનાજ-કરિયાણા ઉપરાંત અનેક ચીજો ખરીદી શકાય. એના માટે દુકાને દુકાને ફરવાની જરૂર રહેતી નથી. એગ્રિગેટર્સ ઓટીટીના સુપર સ્ટોર્સ છે એમ સમજી લો. તેઓ અનેક ઓટીટીને એક એપ કે પ્લેટફોર્મ પર લાવીને મૂકી દે છે. પછી એ બધાંનાં લવાજમ પોતાના પ્લેટફોર્મ પર ભરવાની સગવડ કરી આપે છે. એમાં ડિસ્કાઉન્ટ પણ લાવી આપે છે. ગ્રાહકને ખાતું બનાવ્યા પછી એક કે વધારે ઓટીટીના વપરાશમાં જો કોઈ અડચણ પડે તો એનું નિવારણ પણ એ શોધી આપે છે.

ઓટીટી પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (હવે આ કમાલથી સૌ થોડેઘણે અંશે પરિચિત છે) થકી દર્શકની પસંદ કે નાપસંદની નાડ પારખતાં હોય છે. દર્શકે પહેલાં શું જોયું હતું એના આધારે એ એક યાદી બનાવીને એમને હવે શું જોઈ શકાય એની ભલામણ કરતાં હોય છે. કોમેડી જોનારને એ કોમેડીના અને થ્રિલર જોનારને થ્રિલરના વિકલ્પો દર્શાવે છે. એગ્રિગેટર પણ આ કામ કરે છે અને કદાચ વધારે સારી રીતે કરે છે. એગ્રિગેટર પાસે યુઝરે એક કરતાં વધારે ઓટીટી પર શું જોયું એનો ડેટા હોય છે. એના આધારે એ રિકમેન્ડેશન કે ભલામણ વધુ સારી રીતે કરી શકે છે.

તમે પૂછશો વિશ્વસનીય એગ્રિગેટર્સ કયા? જવાબમાં કહી શકાય કે ટોચની કંપનીઓમાંથી વિકલ્પ શોધો. એમેઝોનના પ્રાઇમ, એરટેલ, ટાટા પ્લે બિન્જ, જિયો વગેરે સહિતની જે કંપનીઓ પ્રસ્થાપિત છે એ આ મોરચે કાર્યરત છે. એમેઝોને આઠેક મહિના પહેલાં અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સના કોન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મ પર ઉપબલ્ધ કરાવવાની સેવા શરૂ કરી હતી. પ્રાઇમ વિડિયો એપથી સીધા અન્ય ઓટીટીમાં જવાની સગવડ એ પૂરી પાડે છે. અન્ય કોઈ ઓટીટીનું લવાજમ ભરવાનું હોય તો એ પણ સીધું ભરી શકાય છે. અમુકમાં ડિસ્કાઉન્ટ મળે છે. ટાટા પ્લે બિન્જમાં પણ અનેક ઓટીટી માણવાની વ્યવસ્થા છે. ગયા વરસે લૉન્ચ થયેલી એની સેવામાં એ સમયે 17  પ્લેટફોર્મ્સ હતા અને હવે 26 છે.

જિયો અને એરટેલ પણ એગ્રિગેટર છે. જેઓ પાસે એનું કનેક્શન હોય તેમને આ ચોઈસ મળે છે. જિયો સૌથી વધુ ટીવી ચેનલ્સ એક જ જગ્યાએ માણવાની ચોઇસ પણ ધરાવે છે. એરટેલ પણ એવી જ કામગીરી કરે છે. આ બેમાંથી કોઈ પણ કંપનીનું જેમનું અકાઉન્ટ હોય છે એમણે આ સેવા વાપરી હશે. બસ, કદાચ એ ખ્યાલ ના હોય કે એ શક્ય થાય છે એમની એગ્રિગેટર તરીકેની ભૂમિકાથી.

આ કંપનીઓ એગ્રિગેટર સેવા એટલે પૂરી પાડે છે કે એમને એના થકી વપરાશકર્તાઓની સંખ્યા વધારવા મળે છે. સાથે ટર્નઓવર પણ વધે છે. યુઝરને ફાયદો એ છે કે એક સેવા થકી એમને અનેક લાભ મળે છે.

બજારમાં બીજા પણ એગ્રિગેટર્સ છે. આ કંપનીઓ એપ મારફત કે વેબસાઇટ મારફત (કે બન્ને મારફત) એગ્રિગેટર તરીકે કાર્યરત છે. જોકે ટેક્નોલોજી કે યુઝર માટે વપરાશની અનુકૂળતાના મોરચે એમણે ઘણા સુધારા કરવા પડે એમ છે. એમાંના ઘણાંનાં ઇન્ટરફેસ (એટલે યુઝરને દેખાતી સ્ક્રીન્સ જેના થકી એ પ્લેટફોર્મ વાપરે છે) નબળાં છે. લોકો પૈસા ભરે પછી પણ એમનાં અકાઉન્ટ આસાનીથી બનતાં અને કામ કરતાં નથી. કોઈકમાં વળી અમુક શો હોવાનું સ્ક્રીન પર દેખાય પણ જેવો શો ચાલુ કરો કે કાળીધબ સ્ક્રીનથી આગળ કશું થાય જ નહીં… જેઓએ આવી એગ્રિગેટર કંપનીઓનાં લવાજમ ભર્યાં છે એમની આવી અનેક ફરિયાદો ઓનલાઇન છે. મુદ્દે, ઓછી જાણીતી અથવા સ્વતંત્ર એગ્રિગેટર કંપનીઓનો સંઘ કાશીએ પહોંચવાને હજી વાર છે. એગ્રિગેટરના નામે ઘણી બોગસ એપ પણ ઊગી નીકળી છે. આવી કંપનીઓ પૈસા પડાવીને પણ કશું આપતી નથી. છોગામાં યુઝરના ડેટા સાથે ચેડાં કરવાની એમની સામે ફરિયાદો જોવા મળે છે. છેતરપિંડીથી બચવા એગ્રિગેટરની સેવા લેતા પહેલાં પૂરતી તપાસ કરવી અને જાણકારોને પૂછી લેવું

એગ્રિગેટર તરીકે જેમનાં નામ ઘણી જગ્યાએ વાંચવા મળે છે એમાંનાં અમુક પ્લેબોક્સ ટીવી, બંડલપ્લે, ફ્લિક્સજિની, વૉચઓ, યપટીવી, ઓટીટીપ્લે વગેરે છે. આ કંપનીઓ પોતપોતાનું સ્થાન સુદ્રઢ કરવા પ્રયત્નશીલ છે. એમાંની અમુક ઠીકઠીક પણ હશે. છતાં, એટલું હાલપૂરતું નક્કી છે કે આ કંપનીઓ ગંજાવર પ્રતિસ્પર્ધીઓની તુલનામાં ખાસ્સી પાછળ છે.

એગ્રિગેટરની સેવા લેતા પહેલાં ધ્યાન રાખવું કે એણે કેટલાં ઓટીટી સાથે હાથ મિલાવ્યા છે, એને કયા ઓટીટીના તમામ કાર્યક્રમો બતાવવાની છૂટ છે. ઘણાંમાં એવું છે કે મફત માણી શકાતા કાર્યક્રમો એ જોવા દે પણ પૈસા ખર્ચીને જોઈ શકાતા કાર્યક્રમો ઉપલબ્ધ ના કરાવે. સાથે, સ્ટ્રીમિંગ એટલે વિડિયોની ગુણવત્તાના લોચા પણ હોઈ શકે છે.

અમુક એગ્રિગેટર્સ એ શોઝ પણ ધરાવે છે જે દેશમાં અન્ય કોઈ પ્લેટફોર્મ પર ના હોય. બીજા શબ્દોમાં કહીએ તો દેશી અને વિદેશી મેકર્સ પાસેથી એમણે સ્ટ્રીમિંગના એક્સક્લુઝિવ અધિકારો મેળવીને દર્શકને બીજા કરતાં કંઈક અલગ મળે એ માટે પણ મહેનત કરી હોય છે.

આપણે ત્યાં એગ્રિગેટર્સનું ભવિષ્ય શું હશે એનો અંદાજ મેળવવા અમેરિકા જેવા દેશમાં એગ્રિગેટર્સે શું કર્યું તપાસી શકાય. ત્યાંના અગ્રણી એગ્રિરેટર્સ યુઝર્સને ઓટીટી પ્લેટફોર્મ્સ, ટીવી ચેનલ્સ ઉપરાંત લાઇવ ઇવેન્ટ્સ સહિતના વિકલ્પો અસ્ખલિત ધોરણે, એક જ લવાજમમાં અને વગર અડચણે જોવાની સેવા આપે છે. એગ્રિગેટર્સની સેવા ત્યાં વધારે લોકપ્રિય થઈ છે. ભારતમાં આવો દિવસ આવી શકે છે. વારંવાર અકાઉન્ટ બનાવવા, બધાં અકાઉન્ટ્સનો રેકોર્ડ રાખવો, રિન્યુઅલ કરવું, હિસાબ રાખવો એના કરતાં એક અકાઉન્ટમાં પૈસા ભરીને રિલેક્સ રહેવું કોઈને પણ ગમે. એટલે જ તો એગ્રિગેટર્સ બન્યા છે.

 

નવું શું છે?

  • મંગળવારે ઝીફાઇવ પર મનોજ બાજપાયીને ચમકાવતી ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ સ્ટ્રીમ થવાની શરૂ થઈ છે. અપૂર્વ સિંઘ કરકી દિગ્દર્શિત ફિલ્મમાં વાત એક સાધુના પાખંડની અને એની વિરુદ્ધ જંગ છેડતા વકીલની છે.
  • અમર કૌશિક દિગ્દર્શિત ‘ભેડિયા’ જિયો સિનેમા પર આજથી સ્ટ્રીમ થવા માંડી છે. વરુણ ધવન અભિનિત ફિલ્મમાં ક્રીતિ સનન પણ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ નહીં ચાલી પણ એનાં વખાણ ઠીકઠીક થયાં હતાં.
  • સ્પેનિશ કોમેડી ડ્રામા ‘ઇન્ટરવિન્ડ’ની સીઝન બીજી આવી છે ડિઝની પ્લસ હોટસ્ટાર પર. માર્કો નામનું પાત્ર એમાં એનાં ભૂતકાળનાં રહસ્યોને ભવિષ્યમાં જઈને ઉકેલવાના પ્રયત્ન કરે છે. કલાકારો કેરોલિના ડેમનેક, એલેના રોજર, ક્લારા અલોન્સો અને જોસ ગિમનેઝ છે.
  • નાની અભિનિત ‘દસરા’ ગઈકાલથી નેટફ્લિક્સ પર આવી છે. હમણાંની અન્ય સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જેમ એણે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. શરૂઆતમાં એની સરખામણી ‘પુષ્પા’ સાથે થઈ હતી. રિલીઝ પછી એ સ્પષ્ટ થયું હતું કે આ ફિલ્મ તો સાવ જુદી છે.
  • યશોવર્ધન મિશ્રા દિગ્દર્શિત ‘કટહલ’ (એટલે ફણસ)માં સાન્યા મલ્હોત્રા સાથે વિજય રાઝ, રાજપાલ યાદવ વગેરે કલાકારો છે. ટાઇટલ અને પ્રથમદર્શી રીતે જુદા વિષયની લાગવાને લીધે ફિલ્મે રજૂઆત પહેલાં સારો રસ જગાડ્યો હતો પણ એ છે એવરેજ ટાઇપ્સની ફિલ્મ. ઘેરબેઠા એને જોવાની ઇચ્છા હોય તો નેટફ્લિક્સ પર પહોંચી જજો.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 26 મે, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/26-05-2023/6

 

 

Share: