સાચું કહેજો, નવરા બેઠા હોવ ત્યારે તમારાથી સ્માર્ટ ફોન કે ટીવીની સ્ક્રીન છૂટે છે ખરી? બહુ ઓછા લોકો આ પ્રશ્નનો જવાબ હામાં આપી શકશે. જેઓ કંઈક જોઈ રહ્યા નથી હોતા તેઓ કશુંક સાંભળતા હોય છે. ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, કોન્ટેન્ટની અવેલેબિલિટી અને અધીરા જીવના વિશ્વમાં મનોરંજન કે માહિતી ઉલેચવાની વૃત્તિ ત્યજવી લગભગ અશક્ય થઈ રહી છે. બે વરસનું બચ્ચું જ્યાં સુધી કોઈક એનિમેશન વિડિયો ચાલતો નથી ત્યાં સુધી ખાવા તૈયાર નથી. એંસી વરસના દાદા ચુંવી આંખોએ પણ મોબાઇલમાંથી કોઈક ભજન કે સત્સંગ સાંભળ્યા વિના રહી શકતા નથી. ચાલીસ વરસની ગૃહિણી રોજ રસોઈ બનાવતી હોવા છતાં યુટ્યુબ પર વાનગીની રેસિપી જોયા વિના જંપી શકતી નથી. બાવીસ વરસનો યુવાન કાનમાં ભુંગળાં નાખીને કોઈક ગીત સાંભળ્યા વિના સૂઈ શકતો નથી. પિસ્તાલીસ વરસનો પ્રોફેશનલ મેટ્રોમાં કશેક જતી વખતે એકના એક સમાચાર જોયા-વાંચ્યા વિના પોતાને અપડેટેડ માનતો નથી.
ચૂંટણીનો માહોલ છે. કોણ સરકાર બનાવશે એ પછીની વાત છે. સરકાર બનતા પહેલાં સુધી અસંખ્ય સર્વેક્ષણોએ જબરદસ્ત વિરોધાભાસી તારણોથી મતદાતાને ત્રિભેટે લાવીને મૂકી દીધા છે. ઉમેદવારોની નાનામાં નાની હરકત જાણે મોટી ઘટના હોય એમ કરોડો સ્ક્રીન પર ફ્લેશ થયે રાખે છે. ઇન્સ્ટાથી લઈને એક્સ સુધી અને ટીવીથી લઈને વ્હોટ્સએપ સુધી બધે જાણે જિંદગીમાં ચૂંટણી જ સર્વસ્વ છે. સ્થિતિ ગજબ છે.
આ સ્થિતિ વચ્ચે વાત કરીએ એવા અમુક કોન્ટેન્ટની જેમની લોકપ્રિયતા આંખો ફાડી નાખનારી થઈ છે. પ્રવર્તમાન કનોક્ટિવિટી વિના કદાચ આમાની ઘણી ચીજો વિશે આપણે માહિતગાર હોત નહીં. કદાચ એમને જે હદે જોવા-માણવામાં આવી રહી છે એ રીતે માણવાનો સવાલ ઊભો થયો હોત નહીં.
યુટ્યુબથી શરૂ કરીએ. મફતમાં સૌને ઉપલબ્ધ આ પ્લેટફોર્મને લીધે દેશ તો ઠીક, દુનિયાભરનું મનોરંજન ક્લિક કરીને માણી શકાય છે.
ગુલશન કુમારને અભિનેતા તરીકે ચમકાવતી હનુમાન ચાલીસાએ યુટ્યુબ પર, આ લખાય છે ત્યાર સુધીમાં, 3,80,47,14,503 વ્યુઝ મેળવ્યા છે. 380 કરોડ! આ હનુમાનચાલીસાનો વિડિયો ટી-સિરીઝે બાર વરસ પહેલાં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. હરિહરનના સ્વરમાં એનું રેકોર્ડિંગ તો છેક 1992માં થયું હતું. એની લોકપ્રિયતા સમજી શકાય એવી છે કારણ એ હનુમાનચાલીસા છે અને એને બહુ હૃદયસ્પર્શી કંઠ મળ્યો છે. એક ગીત છે બાવન ગજ કા દામન. એના વિશે કશી ખબર છે?
એ હરિયાણવી ગીત છે. એને રેણુકા પવાર ઉર્ફે શાલુ નામની ફુટડી, 22 વરસની સિંગરે ગાયું છે. ગીતને યુટ્યુબ પર આવ્યે હજી ચાર વરસ નથી થયાં. એ જોવાયું-સંભળાયું છે 1,62,17,66,441 વખત, એટલે 162 કરોડ વખત. બોલો, શું કહેવું છે?
ટી-સિરીઝનું અન્ય એક ગીત વાસ્તે છે. ધ્વનિ ભાનુશાલી અને તાનિશ બાગચી એનાં ગાયકો છે. ગીત ઓનલાઇન આવ્યું પાંચેક વરસ પહેલાં. શક્ય છે યુવાનો એનાથી ખાસ્સા પરિચિત હશે. આ ગીત પણ 158 કરોડ વખતથી વધુ માણવામાં આવ્યું છે. એમાં શું છે? એક લવ સ્ટોરી અને કૉલેજનો માહોલ. એવાં અસંખ્ય ગીતો ભલે બન્યાં પણ પોપ્યુલારિટીના મામલે આ ગીતની સિદ્ધિ કમાલની છે.
ધ ફૉક એન્ડ સોલ સ્ટુડિયો નામની યુટ્યુબ ચેનલ યુએઈથી ચાલે છે. એના પર મુખ્યત્વે પાકિસ્તાની ગાયક-પરફોર્મર રાહત ફતેહ અલી ખાનનાં ગીતો છે. એમાંનું એક છે ઝરૂરી થા ગીત. એને ઓનલાઇન આવ્યાને દસેક વરસ થયાં છે. આ ગીત 156 કરોડ વખત માણવામાં આવ્યું છે. એવરગ્રીન, ઇમોશનલ લવ બ્રેકઅપ સોન્ગ તરીકે એને બેશક લેખાવી શકાય એવા એના શબ્દો અને ગાયકી છે.
2018માં ધનુષ અને સાંઈ પલ્લવીને ચમકાવતી તામિલ ફિલ્મ ‘મારી ટુ’ આવી હતી. એમાં એક ગીત હતું રાવડી બેબી. મસ્ત એનો વિડિયો છે અને ગીતમાં કોરિયોગ્રાફીમાં એનર્જી પણ સરસ છે. આ ગીત 150 કરોડ વખત જોવાઈ ચૂક્યું છે. એના જેવી જ લોકપ્રિયતા પંજાબી ગીત લૌન્ગ લાચીની છે. આ નામની જ 2018ની પંજાબી મૂવીનું એ ગીત છે. કલાકારો એમી વિર્ક અને નીરુ બાજવા છે. ગીત ગાયું છે મન્નત નૂરે. આ ગીત પણ લોકોએ 150 કરોડ વખત માણી લીધું છે.
ઇન્ટરનેટને લીધે માત્ર ગીતો લોકો સતત સંગીત જ માણી રહ્યા છે એનું નથી. બિનસંગીત, બિનફિલ્મી મનોરંજન પણ ચિક્કાર જોવાઈ રહ્યા છે. એની વાત આજે નહીં કરીએ. આજે ગીતોની જ વાત.
આ સફળ બિનફિલ્મી ગીતોમાં ઊડીને આંખે વળગતી વાત છે એમનું દમદાર વિડિયો પ્રેઝન્ટેશન. બેશક, ગીત તો સારું જોઈએ જ. સાથે, દર્શકો-શ્રોતાઓ એમને વારંવાર જુએ એ માટે વિડિયો પણ ફાંકડા હોવાં જોઈએ અને એવું આમાંનાં મોટાંભાગનાં ગીતોમાં અનુભવાય છે. અકલ્પનીય લોકપ્રિયતાના ઝંડા લહેરાવતાં આ ગીતોની યાદીમાં એવાં પણ ગીતો છે જે જૂનાં ગીતોની નવી વર્ઝન છે. જેમ કે, ‘સત્યમેવ જયતે’ ફિલ્મમાં, સિર્ફ તુમ ફિલ્મના દિલબર દિલબર ગીતની નવી વર્ઝન આવી. એ પણ મેક્ઝિમમ જોવાયેલાં 10 ગીતોની યાદીમાં પહોંચી ગયું છે. એને 128 કરોડ વખત લોકોએ માણ્યું છે.
ટી-સિરીઝ દેશ નહીં વિશ્વની એક સૌથી લોકપ્રિય યુટ્યુબ ચેનલ હોવાથી એનાં ગીતોને સહેલાઈથી દર્શકો મળવાનો એડવાન્ટેજ મળે છે. દેસી રેકોર્ડ્સ નામની કંપનીનું બાવન ગજ કા દામન જેવું હરિયાણવી ગીત સફળ થાય ત્યારે ગીત ખાસ ગણવું પડે.
એવો જ જશ તામિલ, તેલુગુ વગેરે પ્રાદેશિક ભાષાઓનાં ગીતોની સફળતાને પણ આપવો પડે. સાઉથની ફિલ્મોનાં ગીતોની એક વાત નોંધવી રહી. એમનાં અનેક ગીતો લખાણ, સંગીત, ગાયકી સહિત પિક્ચરાઇઝેનના મામલે હિન્દી ફિલ્મોને ઝાંખા પાડનારાં હોય છે. ત્યાંની ફિલ્મોની ડબ્ડ વર્ઝને સાઉથના સ્ટાર્સને નેશનલ સ્ટાર્સ પણ બનાવી દીધા છે. એમાં વળી ફિલ્મ પણ (દાખલા તરીકે ‘પુષ્પા’, ‘બાહુબલી’) જબ્બર એન્ટરટેઇનર હોય ત્યારે એનાં ગીતો સડસડાટ આગળ વધે છે. ક્યારેક વળી ગુંટુંર કારમ જેવો, ગાજ્યાં મેહ વરસ્યાં નહીં જેવો તાલ પણ થાય છે. મહેશ બાબુ અને શ્રીલીલાને ચમકાવતી આ તેલુગુ ફિલ્મે શરૂઆત સારી કરી પણ પછી પાણીમાં બેસી ગઈ. છતાં, એનું એક ગીત, કુર્ચી માદથપ્પેત્તી હાલમાં ગાજી રહ્યું છે.
આજનાં ગીતોની લાઇફ જૂનાં ગીતો જેવી કદાચ નથી પણ જેટલી પણ લાઇફ છે એમાં પ્રાણ પૂરવા ગીતોને ટેક્નોલોજી, શોર્ટ્સ-રીલ્સ, ફોરવર્ડિંગ, શેરિંગ, લાઇકિંગ વગેરેનો સુપર ટેકો છે. એટલે ગીતો ક્યાંનાં ક્યાં પહોંચી જાય છે. અન્યથા પેલી શ્રીલંકન સિંગર યોહાનીનું ગીત મનિકે મગે હિત્તે કેવી રીતે એ નાનકડા દેશની સરહદો વટાવીને ભારતમાં, દક્ષિણ એશિયામાં દોમદોમ સફળતા મેળવીને ચાર્ટના શિખરે પહોંચે?
ફાઇનલી, આપણાં ગુજરાતી ગીતોની શી સ્થિતિ છે? વેલ, આપણે એના વિશે ઘણા વખત પહેલાં ચર્ચા કરી ગયા છીએ. આપણું સૌથી સફળ ગીત ગીતા રબારીનું રોણા શેરમાં છે અને એ 56 કરોડ વખત માણવામાં આવ્યું છે. એ પછી કિંજલ દવેનું છોટે રાજા 38 કરોડ વખત, રાજલ બારોટનું એકદંત 24 કરોડ વખત, જિગ્નેશ કવિરાજનું હાથમાં છે વ્હિસ્કી 21 કરોડ વખત અને ગીતા રબારીનું મા તારા આશીર્વાદ 19 કરોડ વખત લોકોએ માણ્યું છે. મુદ્દે, આપણાં ગીતોએ સફળતાની મોટ્ટી છલાંગ મારવાનો ખાસ્સો સ્કોપ છે. આવશે, આપણુંય કોઈક એવું ગીત આવશે જે છપ્પર ફાડ કે સફળ થશે અને બિનગુજરાતીઓને પણ આપણા સંગીતની નોંધ લેતા કરી દેશે. આમીન.
નવું શું છે?
- લાયન્સગેટ પ્લે પર આજથી અમેરિકન એક્શન થ્રિલર ‘ધ બીકીપર’ આવી છે. ડેવિડ એયર એના દિગ્દર્શક છે. ફિલ્મમાં જેસન સ્ટેથમ, એમી રેવર-લેમ્પમેન, જોશ હચરસન વગેરે છે.
- ‘દિલ દોસ્તી ડિલેમા’ સિરીઝ ગઈકાલથી પ્રાઇમ વિડિયો પર આવી છે. અનુષ્કા સેન, કુશ જોતવાની, તન્વી આઝમી, શિશિર શર્મા, સુહાસિની મૂળે, શ્રુતિ શેઠ કલાકારો છે.
- જિયો સિનેમા પર ‘રણનીતિઃ બાલાકોટ એન્ડ બિયોન્ડ’ સિરીઝ આવી છે. જિમી શેરગિલ, આશુતોષ રાણા, આશિષ વિદ્યાર્થી, લારા દત્તાને ચમકાવતી સિરીઝ બાલાકોટ હુમલાનો બેકડ્રોપ ધરાવે છે. સંતોષ સિંઘ ડિરેક્ટર છે.
- શેમારુ પર ગુજરાતી ફિલ્મ ‘વશ’ ફાઇનલી આવી છે. હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલને ચમકાવતી ફિલ્મ ઓટીટી પર એટલે મોડી આવી છે કે એની હિન્દી વર્ઝન ‘શૈતાન’ બની રહી હતી. એ મોટા પડદે રિલીઝ થઈને સફળ પણ થઈ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક ડિરેક્ટર છે.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.26 એપ્રિલ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment