અનુભવી કલાકારોનો સરસ અભિનય, ક્યાંક ક્યાંક આવી જતી મજાની ક્ષણો આ સિરીઝને સહ્ય બનાવે છે. એની લંબાઈ અને અનેક વાતોના તાણાવાણા એની વિરુદ્ધ જાય છે

‘પંચાયત’… એક એવી સિરીઝ જેણે ગામડાની સીધી, સરળ વાતને પણ ખાસ્સી મનોરંજક રીતે પડદે પેશ કરી શકાય છે એવું ઓટીટી પર સિદ્ધ કર્યું. જોકે ‘ગુલ્લક’ પણ પોતાનામાં ખાસ છે, કારણ એણે નાનકડા નગરમાં વસતા પરિવારની વાતને અત્યંત મનોરંજક રીતે રજૂ કરી. આવી અમુક સિરીઝથી ઓટીટી પર નિર્ભેળ દેશી વાર્તાઓનું સ્થાન મજબૂત થયું છે. એ કતારમાં હવે દુપહિયા જોડાઈ છે. એ પણ ધડકપુર નામના કાલ્પનિક ગામમાં આકાર લેતી સરળ, સહજ વાર્તા છે. એમાં એવું શું છે કે એને જોવા માટે એમેઝોન પ્રાઇમ પર જઈ શકાય?

બનવારી ઝા (ગજરાજ રાવ)નો પરિવાર ધડકપુરમાં રહે છે. આ ગામ દેશના એકમાત્ર ગુનામુક્ત ગામ તરીકે પોરસાય છે. બનવારી-માલતી અંજુમન સક્સેના)ની દીકરી રોશની (શિવાની રઘુવંશી)નાં લગ્ન નક્કી થાય છે એ છે સિરીઝની શરૂઆતનો મુદ્દો. લગ્ન નક્કી થયાં છે કુબેર ત્રિપાઠી (અવિનાશ દ્વિવેદી) સાથે. આમ તો માગું આવ્યું હતું કુબેરના ભાઈ દુર્લભ (ગોદાન કુમાર)નું પણ રોશનીને મુંબઈ વસવાના અભરખા, એટલે વાત ચાલી મુંબઇયા કુબેર સાથે. લગ્નમાં એક બાઇક દહેજમાં આપવાની શરત સાથે ગોળધાણા ખવાય છે. જીવનભરની બચત ખર્ચીને બનવારી થવાવાળા જમાઈ માટે એક સરસ મજાની બાઇક ખરીદે છે. પણ દીકરો ભૂગોલ (સ્પર્શ શ્રીવાસ્તવ), વાઇરલ થવાયોગ્ય રીલ બનાવવાના ચક્કરમાં, રાતે બાઇક ખેતરે લઈ જાય છે. ત્યાં કોઈક ત્રાટકે છે અને બાઇક લઈને પલાયન થઈ જાય છે. પત્યું. અઠવાડિયે રોશનીનાં લગ્ન છે. હવે શું થશે?

બોમ્બે ફિલ્મ કાર્ટેલની આ સિરીઝનાં ડિરેક્ટર સોનમ નાયર છે. લેખકો અવિનાશ દ્વિવેદી અને ચિરાગ ગર્ગ છે. વાતનું વતેસર કેવી રીતે થાય એની અહીં વાત છે. બાઇકઘેલા ભાવિ જમાઈને બાઇક ના મળે તો રોશનીનાં લગ્ન ફોક થવાની ધાસ્તી છે. બનવારી, ભૂગોલ સહિત આખું ગામ બાઇક શોધવા અને પછી, નવું બાઇક ખરીદવા આકાશપાતાળ એક કરે છે એ કથાને આગળ વધારતાં પરિબળો છે. એમાં ગામની પ્રમુખ પુષ્પલતા યાદવ (રેણુકા શહાણે), સરપંચ (યોગેન્દ્ર ટિક્કુ) અને અન્ય રાજકારણીઓ પણ પરિબળ છે જે અગત્યનાં છે. પુષ્પલતાની શ્યામવર્ણી દીકરી નિર્મલ (કોમલ કુશવાહા) અને ટીપુ (સોમનાથ મહોર)નો ટ્રેક પણ છે. રોશની-નિર્મલ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. નિર્મલને જોકે એ વાત કઠે છે કે પોતે બધી વાતે રોશની કરતાં ચડિયાતી છતાં, બાળપણથી, માત્ર એના વાનને લીધે, રોશની કરતાં બધી વાતે પાછળ રહી ગઈ. એવી જ રીતે, રોશનીને ચાહતો અને ક્લેપ્ટોમેનિયા (એટલે અકારણ ચોરી કરીને આનંદ અનુભવવાની બીમારી)થી પીડાતો અમાવસ (ભુવન અરોરા) પણ એક અગત્યનું પરિબળ છે.

પછીથી ઉમેરાય છે પોલીસ સ્ટેશનના વડા, ઇન્સ્પેક્ટર મિથિલેશ કુશવાહા (યશપાલ શર્મા). બનવારીએ એમની હાંસી ઉડાડ્યા પછી મિથિલેશને બસ એક જ રટ છે કે ગમેતેમ ધડકપુરમાં એક ગુનો નોંધાય અને ગામનું ગુનાખોર મુક્ત હોવાનું ગૌરવ છીનવાઈ જાય. એેને એ તક મળે છે બાઇક ચોરાવાથી પણ, મુશ્કેલી એ છે કે, ગામની કોઈ વ્યક્તિ, આ ચોરી વિશે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. કે નથી બનવારી તૈયાર બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવા. રોશનીનાં લગ્ન સામે આવીને ઊભેલા પડકાર સામે બનવારી નમતું જોખીને પોલીસ ફરિયાદ કરશે ખરો?

‘દુપહિયા’ ધીમી ગતિએ, ટિપિકલ દેશી દ્રશ્યો સાથે આગળ વધતી, નવ એપિસોડ્સની સિરીઝ છે. ટિપિકલ એટલા માટે કે એનાં દ્રશ્યો નથી બેહદ રોચક કે નથી સાવ ક્ષુલ્લક. કહો કે સિરીઝ એવી ધાર પર ચાલ્યા કરે છે જ્યાં એના માટે પ્રેમ ઉભરાય નહીં તોય, અભાવ થાય નહીં. હા, શરૂઆતના એક-બે એપિસોડ્સ પ્રમાણમાં મોળા ખરા પણ નાખી દેવા જેવા નથી. સિરીઝનો આશય છે હળવું મનોરંજન પીરસવાનું. હસીહસીને બેવડ નહીં તો દર્શકોના ચહેરે મંદમંદ સ્મિત ફરકાવવાનું. એમાં એ આંશિક રીતે સફળ થાય છે. ડિઝાઇનર ગામ અને અસાહજિક સિચ્યુએશન્સ અહીં મનોરંજનનો મહાથાળ પીરસવાના પ્રયાસ છતાં મોટાભાગે મોળાકાત બની રહે છે.

1970-80ના દાયકાની હળવીફુલ ફિલ્મોમાં આ પ્રકારની વાર્તામાં સરસ રીતે વાતને પ્રસરતા અને ખથાને ખીલતા દર્શકોએ જોઈ છે. સુપર સાહજિકતા હતી અને બિલિવેલ પાત્રાલેખન એ ફિલ્મોની અસલ તાકાત હતી. એને અનુસરવું સૌના ગજાની વાત નથી. ‘દુપહિયા’ એ કરવા પ્રયાસ કરતાં સોમાંથી પાસિંગ એટલે પાંત્રીસ-પિસ્તાલીસ માર્ક્સ મેળવી જાય છે. એ માર્ક્સ મુખ્યત્વે ગજરાજ રાવ, રેણુકા શહાણે જેવાં કલાકારોને લીધે મળે છે. કંઈક અંશે શિવાની પણ એમાં યોગદાન આપે છે, એના ઠીકઠીક અભિનય અને સરસ સ્ક્રીન પ્રેઝન્સથી.

‘દુપહિયા’ની એક તકલીફ એટલે એક સિરીઝમાં ઘણુંબધું દેખાડી દેવાની હાયવોય. બાઇકકથા, એમાં પ્રેમકથા, ગોરી-કાળી કન્યામાં થતો ભેદભાવ, સોશિયલ મીડિયા પર વાઇરલ થવા થનગનતા યુવાનોની વાત, રાજકારણ, પોલીસ અધિકારી, લગ્નોત્સુક વિચિત્ર યુવાન… અને એ બધાંને જોડતી કડી એક જ… ચોરાઈ ગયેલી બાઇક.

ચોરીના એ એક નાનકડા મુદ્દાને નવ એપિસોડ્સમાં પાથરવાના પ્રયત્નો સંનિષ્ઠ છતાં સાધારણ બની રહે છે. એમાં વળી અહીંતહીં ટપકી પડતાં ગીતો, બિનજરૂરી ટ્રેક્સ, ફિલસૂફી વગેરે પણ અર્થહીન લાગે છે. અમુક પાત્રો કૃત્રિમ હોવાથી પણ સિરીઝ ધાર્યા પ્રમાણેની અસર ઊભી કરી શકતી નથી.

છતાં, ક્રાઇમની વાર્તાઓની જેમ, ગામઠી કથાઓનાં અમીછાંટણાં દર્શકોને ગમતી બાબત હોવાથી, બાજી ‘દુપહિયા’ના પક્ષમાં છે. એને ‘પંચાયતે’ મેળવ્યો એવો પ્રેમ કદાચ ના મળે તો પણ, એની ગાડી અઠ્ઠેકઠ્ઠે ચાલી જાય તો નવાઈ નહીં. એટલું જરૂર કે સિરીઝ નાખી દેવા જેવી નથી. તો, નક્કી કરો કે શું કરવું છે. ‘દુપહિયા’ની સવારી કરવી હોય તો મનોરંજનનું અંતર જેટલું કપાય એટલાથી સંતોષ માનવાની તૈયારી સાથે કરજો.

નવું શું છે

  • એક એકલ પિતા અને તેની પ્રતિભાશાળી પુત્રીની સફર વિશેની ફિલ્મ ‘બી હેપી’માં અભિષેક બચ્ચન, નોરા ફતેહી, જોની લીવર, નાસર, હરલીન સેઠી અને ઇનાયત વર્મા છે. ફિલ્મ આજથી પ્રાઇમ વિડિયો પર આવી છે.
  • અમેરિકન સાયન્સ ફિકશન ફિલ્મ ‘ધ ઇલેક્ટ્રિક સ્ટેટ’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે. ફિલ્મમાં મિલી બોબી બ્રાઉન, ક્રિસ પ્રેટ, કે હુય ક્વાન, એન્ડી મુશિયેટ્ટી, સ્ટેનલી ટુચી મુખ્ય ભૂમિકામાં છે.
  • પરમાણુ બોમ્બના જનક પર બનેલી બાયોપિક મૂવી ‘ઓપનહાઇમર’ 2023માં થિયેટરમાં રિલીઝ થઈ હતી. 2024માં એણે સાત ઓસ્કર એવોર્ડ પટકાવ્યા હતા. ફિલ્મ 21મી માર્ચથી જિયો સિનેમા પર જોવા મળશે.
  • સેક્સવર્કરના જીવન પર આધારિત ‘અનોરા’ 17 માર્ચથી જિયો હોટસ્ટારના પિકોક હબ પર સ્ટ્રીમ થશે. ઓસ્કારમાં ફિલ્મે પાંચ એવોર્ડ જીત્યા છે.
  • ડિરેકટર ચંદન અરોરાની સિરીઝ ‘કનેડા’ 21 માર્ચથી જિયો હોટસ્ટાર પર આવશે. 1984નાં શીખ વિરોધી રમખાણો વખતે દેશથી ઉચાળાં ભરીને કેનેડ વસનારા શીખો આસપાસ કથા ફરે છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/14-03-2025/6

 

 

 

 

 

 

Share: