બેએક વખત એક જ નવલકથા પરથી હોલિવુડમાં ફિલ્મો બન્યા પછી હવે બની છે સિરીઝ. ત્રણેયની ટ્રીટમેન્ટ જુદી અને જોઈને થતી અનુભૂતિ પણ જુદી. આ રહી એની વાત
નેટફ્લિક્સ પર ‘રિપ્લી’ નામની આઠ એપિસોડની સિરીઝ આવી છે. 1999ની ફિલ્મ ‘ધ ટેલેન્ટેડ મિ. રિપ્લી’ ઘણી પહેલેથી આ પ્લેટફોર્મ પર જ છે. બેઉનો આધાર 1955ની, ફિલ્મના નામની જ સફળ નવલકથા છે. ફિલ્મ 139 મિનિટની છે. સિરીઝ એનાથી ચારેક ગણી લાંબી છે. ફિલ્મ કલર તો સિરીઝ, હાલની છતાં, બ્લેક એન્ડ વ્હાઇટ છે. બેઉને માણ્યા પછી શું લાગ્યું?
વાર્તા ટોમ રિપ્લીની અને 1959ના દાયકાની શરૂઆતની છે. ન્યુ યોર્કનો એ મામૂલી ગુનેગાર છે. ઉદ્યોગપતિ હર્બર્ટ ગ્રીનલીફને ભ્રમ છે કે ટોમ એના દીકરા ડિકીનો કોલેજિયો મિત્ર છે. વંઠેલો દીકરો ડિકીમાં આવડતનો એ નથી. એ પોતાને કલાકાર ગણે છે અને બાપના પૈસે ઇટાલીમાં જલસા કરે છે. એને માર્જ શેરવૂડ નામે પ્રેયસી પણ છે, જે ઊગતી લેખિકા છે. હર્બર્ટ ટોમને જવાબદારી સોંપે છે ઇટાલી જઈને ડિકીને સમજાવી-પટાવીને પાછા લાવવાની. ટોમ પહોંચે છે ઇટાલી. ત્યાં એ ડિકીનો વિશ્વાસ સંપાદિત કરીને, ચીંધ્યું કામ કરવાને બદલે, ડિકીનાં ઐશ્વર્ય-સંપત્તિ-ઓળખ છીનવી લેવાનો કારસો રચે છે. એ ડિકીને મધદરિયે મારી નાખીને પોતે ડિકી બની મોજ કરવા માંડે છે. એના માર્ગમાં ડિકીનો મિત્ર ફ્રેડી વિઘ્ન બનવા માંડે છે. ટોમ એેને પણ પતાવી નાખે છે. રહી ગઈ માર્જ તો…
સિરીઝની વાત કરીએ. એનો માહોલ ફિલ્મની વાર્તા કરતાં એકાદ દાયકા પહેલાંનો રખાયો છે. સિરીઝના લેખક-દિગ્દર્શક સ્ટિવન ઝેલિયન છે. તેઓ સ્ટિવન સ્પિલબર્ગની ઉત્કૃષ્ટ ફિલ્મ શિંડલર્સ લિસ્ટના લેખક પણ હતા. શિંડલર્સ લિસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. ઝિલિયને પણ દાયકાઓ પહેલાંનો ઓથેન્ટિક માહોલ સર્જવા સિરીઝ બ્લેક એન્ડ વ્હાઇટ રાખી છે. એની અસર દમદાર છે. રોબર્ટ એલ્સવિટ સિનેમેટોગ્રાફર છે. એમનું જાદુઈ કેમેરાવર્ક સિરીઝની સૌથી મોટી તાકાત છે.
સિરીઝની કથા ઇટાલીના નાનકડા ટાઉન અટ્રાનીમાં વિકસે છે. ત્યાંથી ઇટાલીનાં અન્ય સ્થળોએ પણ પહોંચે છે. આઇરિશ અભિનેતા એન્ડ્ર્યુ સ્કૉટ ટોમ બન્યો છે. ડિકી છે જોની ફ્લીન અને માર્જ છે ડોકોટા ફેની. સિરીઝ સજ્જડપણે આ ત્રણ પાત્રો વિશે જ છે. એનાથી શરૂઆતમાં દ્વિધાભરી સ્થિરતા, એક ખાલીપો પણ વર્તાય છે. મનમાં થાય કે આ ત્રણને જ જોયે રાખવાનાં છે કે? પણ ઝેલિયને ઠહરાવ બખૂબી વાપર્યો છે. કથાને એમણે બહેલાવી છે. પાત્રોનાં ઊંડાણને પણ ખેડ્યાં છે. ફાસ્ટ કટ્સ-દ્રશ્યો જોવા ટેવાયેલા મગજને એની સાથે થાળે પડતાં થોડી વાર લાગે છે. વળી, દરેક એપિસોડ પ્રમાણમાં લાંબા (44થી 76 મિનિટ) છે. એને ધીરજપૂર્વક જોવાના રહે છે. પછી ઘરોબો થવા માંડે છે. અને, છેક ત્રીજા એપિસોડમાં, સેન રેમો ટાઉનના દરિયે ટોમ જ્યારે ડિકીનું કાસળ કાઢી નાખે છે ત્યારે પહેલો મોટો ટ્વિસ્ટ આવે છે. એ પછી ટોમ કેવી રીતે એની સામે આવતા પડકારોનો લુચ્ચાઈપૂર્વક રસ્તો કાઢતો જાય છે એ જોવામાં મજા પડે છે. આગળ ઇન્સ્પેક્ટર રવિની (મુર્ઝિયો લોમ્બાર્ડી) ઉમેરાય છે. એ પાત્રને લીધે ઉત્કંઠા વધે છે. સિરીઝ પતે ત્યાં સુધી મનમાં એક સવાલ પણ રમવા માંડે છે, “મારો બેટો, ઝડપાશે કે છટકી જશે?”
‘રિપ્લી’ની નબળાઈ અને તાકાત પણ, પાત્રોની બારીકી દર્શાવવામાં અને દ્રશ્યોને લંબાવવામાં છે. ઇટાલિયન શેરી, રસ્તા, સ્થાપત્યો, કેફે એમાં ફાંકડાં દેખાડાયાં છે. એના લીધે સિરીઝ ઇટાલીનો ટ્રાવેલ શો પણ લાગે છે. સંવાદો ઓછા છે. ખામોશી વધુ છે. આ બધું પેધે પડે તો સિરીઝ ગમતીલી લાગશે. શરૂઆતમાં ટોમ સાધારણ ઉચક્કો લાગે છે. પછી એ પોત પ્રકાશતો જાય એમ રંગ રહી જાય છે. પછી તો એની સામે ફ્રેડી, માર્જ અને ઇન્સ્પેક્ટર રવિની વધુ વામણા લાગવા માંડે છે. અંતમાં શું થાય છે? પાંચેક કલાકની ધીરજ હોય તો માણો ‘રિપ્લી.’
હવે, 1999ની ફિલ્મની વાત. એના દિગ્દર્શક એન્થની મિંઘેલા છે. કથા સિરીઝના સમય કરતાં એકાદ દાયકા આગળના સમયની છે. એમાં ટોમ તરીકે પ્રતિભાશાળી મેટ ડેમન, ડિકી તરીકે જુડ લૉ તો માર્જ તરીકે ગ્વેન્થ પાલથ્રો છે. અન્ય અમુક પાત્રો પણ મહત્ત્વ ધરાવે છે. જેમ કે, મેરેડિથ તરીકે કેટ બ્લેન્ચેટ, ફ્રેડી તરીકે ફિલિપ સેમોર હોફમેન, પીટર તરીકે જેક ડેવનપોર્ટ છે. ફિલ્મમાં ઇન્સ્પેક્ટર રોવેની (ત્યાં રવિની)નું પાત્ર સર્જિયો રુબિની ભજવે છે જે ખાસ મહત્ત્વ નથી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ હતી. એને ઓસ્કારમાં પાંચ નોમિનેશન મળ્યાં હતાં. ફિલ્મમાં અમુક ટ્વિસ્ટ અલગ છે, પાત્રાલેખનમાં ફરક છે. દાખલા તરીકે, ટોમ અને ડિકી સમલૈંગિક છે કે કેમ એની બેઉમાં ટ્રીટમેન્ટ જુદી છે. મુખ્ય પાત્રોનું વયજૂથ પણ જુદું છે. ડિકી અને સિલ્વાના (સ્ટેફિના રોકા) નામની યુવતી વચ્ચેનો એક અછડતો ટ્રેક ફિલ્મમાં છે. સિરીઝમાં એનો ઉલ્લેખ નથી. સિરીઝમાં ડિકીનો હલાદ છે પેઇન્ટિંગમાં, પેઇન્ટર બનવામાં. ફિલ્મમાં એના પર છવાયું છે જેઝ મ્યુઝિક. સિરીઝમાં માર્જની લેખિકા બનવાની હોંશનો વધુ ઉપયોગ થયો છે. ફિલ્મમાં મેરેડિથ નોંધપાત્ર ફૂટેજ મેળવે છે. એ યથાસ્થાને પણ લાગે છે. સિરીઝમાં એ પાત્ર જ નથી. ફિલ્મ બોલકી, સંવાદસભર છે. આવા તફાવતથી ફિલ્મ અને સિરીઝ અલાયદું વિશ્વ ધરાવે છે.
અમુક સામ્યતાઓ પણ છે. સેન રેમો શહેર બેઉમાં છે. સિરીઝનાં ઘણાં દ્રશ્યો એવાં છે જે ફિલ્મથી પ્રેરિત છે. સિરીઝનાં દ્રશ્યોમાં લંબાણ હોવાથી અમુક દ્રશ્યો બોરિંગ તો અમુક મસ્ત બન્યાં છે. દાખલા તરીકે, ડિકીની મધદરિયે થતી હત્યાની ઇમ્પેક્ટ સિરીઝમાં અસરકારક છે. ફિલ્મના એક દ્રશ્યમાં ટોમ ખેલો પાડીને માર્જ અને મેરેડિથની મુલાકાત કરાવીને પોતાના પ્રપંચનો હેતુ સર કરે છે એ દૃશ્ય સરસ છે.
એક હજી વાત. ‘રિપ્લી’ને કેન્દ્રસ્થાને રાખીને 1960માં ‘પર્પલ નૂન’ ફિલ્મ પણ બની હતી. એ પણ સફળ હતી. એમાં ટોમનું પાત્ર ભજવીને ફ્રેન્ચ અભિનેતા એલન ડેલોન સ્ટાર બન્યો હતો.
તો, બેમાંથી શું જોવું, ફિલ્મ કે સિરીઝ? વેલ, રૂટિનથી અલગ કંઈક જોવું હોય, પૂરતો સમય ફાળવી શકાતો હોય તો સિરીઝ જોવી. ખાસ તો એમાં બ્લેક એન્ડ વ્હાઇટ માહોલમાં જે કમાલ અનુભવાય છે એ માટે. ફિલ્મ જોવાનું મુખ્ય કારણ બે-સવા બે કલાકમાં સારી ફિલ્મ જોઈને મોકળા થઈ જવાનું હોઈ શકે છે. અને બહુ ઝાઝા મનોરંજનના રસિયા હોવ તો બેમાંથી કશું પણ એક જોયા પછી બીજું પણ જોઈ જ નાખવાનું. કોણ રોકે છે?
નવું શું છે?
- તુષાર કપૂર પણ હવે ઓટીટી પર આવી રહ્યો છે. એ દેખાશે અભિષેક જાયસ્વાલ દિગ્દર્શિત ફિલ્મ ‘ડન્ક’માં. એમાં એ વકીલના પાત્રમાં છે.
- યામી ગૌતમને ઓટીટી જબરદસ્ત ફળે છે. એની હાલની ફિલ્મ ‘આર્ટિકલ 370’ થિયેટરમાં ઠીકઠીક રહી હતી પણ ઓટીટી પર છવાઈ ગઈ છે. પાછલા અઠવાડિયે ઓટીટી પર એ સૌથી વધુ જોવાયેલી ફિલ્મ રહી છે. ફિલ્મ નેટફ્લિક્સ પર છે.
- પ્રાઇમ વિડિયોના લવાજમધારકો હવે એમજીએમ પ્લસનું વાર્ષિક લવાજમ રૂ. 599માં લઈ શકે છે. એમજીએમ ચેનલ પર એકએકથી ચડિયાતી ફિલ્મો માણી શકાય છે.
- આ વાંચતા હશો ત્યારે ઓટીટી પર ‘હીરામંડી’ આવી ચૂકી હશે. સંજય લીલા ભણસાલીની એ પહેલી અને આપણી કદાચ સૌથી મોંઘી વેબ સિરીઝ છે. મોટા સ્ટાર્સ સાથેની સિરીઝ ગાજ્યા પ્રમાણે વરસી છે કેમ એ પણ ઝટ ખબર પડી જશે.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.03 મે, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/03-05-2024/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment