ઓટીટીએ જે કર્યું છે એ ફિલ્મો અને ટીવી સિરિયલ્સ કદાચ વરસો અને દાયકાઓ સુધી કરી શકી નથી. મુઠ્ઠીભર કલાકાર-કસબીઓને જ માથે બેસાડીને પૂજવાની મનોરંજનનાં એ બે માધ્યમોથી સાવ જુદો ચીલો ઓટીટીએ ચાતર્યો છે. એનાં મસ્ત પરિણામ સૌની સામે છે
મનોજ બાજપાયી આમ તો ‘સત્યા’ના સમયથી જાણીતા સ્ટાર. બિહારના ચંપારણ જિલ્લાના નાનકડા ગામ બેલવામાં જન્મેલા આ સિતારાએ ચોથા ધોરણ સુધી કુટિરમાં ચાલતી શાળામાં અભ્યાસ કર્યો. સત્તર વરસની ઉંમરે દિલ્હી ગયા. ત્યાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ નહીં મળતાં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. પછી બેરી જોનની ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયના પાઠ ભણ્યા. ચાર વખત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશના નિષ્ફળ પ્રયાસ પછી ત્યાં જ એમને શિક્ષક તરીકે કામ મળ્યું. 1994માં ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘દ્રોહકાલ’માં એક મિનિટનો રોલ અને એ વરસે જ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’માં નાનકડો પણ મહત્ત્વનો રોલ ભજવ્યો. પછી અન્ય પરચૂરણ પાત્રો, ઓછા દામમાં ટીવી સિરિયલમાં કામ કરવાની તૈયારી અને 1997ની રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘દૌડ’માં નાનકડું પાત્ર મળવા સાથે રામુને લાગ્યું કે આ તો ટેલેન્ટનો બોમ્બ છે. એમાંથી ‘સત્યા’માં ભીકુ મ્હાત્રે બનવાની તક અને…
મનોજે એ પછી પાછું વળીને જોવાનો વારો નહીં આવ્યો છતાં, હકીકત એ ખરી કે બોલિવુડમાં એમની ટેલેન્ટનો ઉપયોગ ઓછો થયો. એટલે જ ઓટીટી પર જબ્બર નામ અને સફળતા મેળવીને તેઓ ખુશખુશાલ છે. તેઓએ કહ્યું છે, “ઓટીટીએ અમ કલાકારો માટે નવાં દ્વાર ઉઘાડી આપી મનોરંજનની દુનિયા નવી રીતે ખેડવાના વિકલ્પ આપ્યા છે.” એમની વાતમાં દમ છે. ઓટીટી વિના અનેક કલાકારો એ સ્થાને પહોંચી શક્યા ના હોત જ્યાં તેઓ છે.
ઓટીટીએ કલાકારોને ટાઇપકાસ્ટ થવાના ભયથી પણ મુક્ત કર્યા છે. એક સમયે ફિલ્મી કલાકારોને એવો ભય ટેલિવિઝનના નામથી લાગતો. અમિતાભ બચ્ચને પહેલીવાર ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કર્યો હતો ત્યારે ગણગણાટ થયો હતો કે લો, આમની કારકિર્દી પતી ગઈ. થયું સાવ ઊંધું. ‘કેબીસી’એ સ્ટાર પ્લસને તારવા સાથે બિગ બીની કરિયરને નવી ઉડાન ભરતી કરી આપી.
ઓટીટીએ આવું કંઈક ઘણા કલાકારો માટે કર્યું છે. ફિલ્મોમાં અને ટીવીમાં જેમનો ખાસ ગજ વાગતો નહોતો, દમદાર પાત્રો મળતાં નહોતાં એવા પ્રતિભાવંત કલાકારોને ઓટીટીએ ઝળકાવ્યા છે. આ કલાકારો હવે લોકહૃદયમાં બિરાજવા સાથે તગડી આવક રળે છે. ઘણાને ઓટીટીએ પ્રાદેશિકથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ બનાવ્યા છે. અમુક એવા છે જેમની કરિયર ઓટીટી અને ઓનલાઇન માધ્યમોને જ આભારી છે.
જીતેન્દ્ર કુમાર ઉર્ફે ‘પંચાયત’નો અભિષેક ત્રિપાઠી, ‘મિર્ઝાપુર’ અને ‘દિલ્હી ક્રાઇમ’ ફેમ રસિકા દુગ્ગલ, ‘લિટલ થિન્ગ્સ઼’ અને ‘ગર્લ ઇન ધ સિટી’ ફેમ મિથિલા પારકર, ‘પાતાલલોક’ ફેમ જયદીપ અહલાવત, ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સેક્રિડ ગેમ્સ’, ‘ઘૌલ’ વગેરે ફેમ રાધિકા આપ્ટે (જેને લોકો નેટફ્લિક્સ ગર્લ તરીકે સંબોધે છે)… યાદી લાંબી છે. આપણા માનીતા સુરતી બોય પ્રતીક ગાંધીને ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોથી જે સફળતા મળી એને ક્યાંય વટાવી જનારી સફળતા મળી ‘સ્કેમ 1992’થી.
ઓટીટીએ કલાકારોની કદરદાની વધારી છે. એક કરતાં વધુ ભાષામાં શો કે ફિલ્મ સ્ટ્રીમ થવાથી ઓટીટીની પ્રતિભાઓ ભાષાનાં બંધન વટાવીને દેશ-દેશાવર ચાહકોના ગુણાકાર કરી શકે છે. ફિલ્મો થિયેટરમાં ગણતરીના દિવસો રહે અને સિરિયલના કંટાળાજનક અને લગાતાર પ્રવાહમાં ટીવીમાં મોટું નામ કમાવું અઘરું બની શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સમાં શો અને ફિલ્મ મહિનાઓ સુધી ટ્રેન્ડિંગ રહે છે. એક દેશમાં વાવટા ફરકાવ્યા પછી બીજા દેશમાં વાવટા ફરકાવી શકે છે. પાત્ર નાનકડું હોય તો પણ દર્શકોની નજરમાં વસી શકે છે. ‘ફેમિલી મેન’માં સામંતા અકિનેનીનું પાત્ર નાનું છતાં, સિરીઝ હિટ થવા સાથે એમની લોકપ્રિયતાએ સરહદો વટાવી. ‘જ્યુબલી’થી બંગાળના સુપરસ્ટાર પ્રસનજીત ચેટર્જી સાથે પણ આવું થયું છે. જિશુ સેનગુપ્તા, વામિકા ગબ્બી, સ્વસ્તિકા મુખર્જી, પરમબત્ર ચટ્ટોપાધ્યાય, પાઓલી ડમ, અક્ષય ઓબેરોય, અમિત સધ, વિક્રાંત મેસી, પંકજ ત્રિપાઠી, હુમા કુરેશી… એટએટલાં નામ છે કે ના પૂછો વાત. પ્રતિભાવંત અભિનેત્રી શેફાલી શાહને પણ ઓટીટી પર કરિયરની કદાચ સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ મળી છે.
ઓટીટી કદાચ સૌથી સશક્ત એન્ટરટેઇનમેન્ટ ઓપ્શન હોવા સાથે ઊગતા કલાકાર-કસબીઓ માટે પણ સૌથી ઉપયુક્ત માધ્યમ બન્યું છે. ફિલ્મોની જેમ સેટ-અપ અને સ્ટારડમની મોહતાજી એને નડતી નથી. ઓટીટી માટે મેકર્સ સારા કલાકારો સાઇન કરી શકે છે. ફિલ્મ, ટીવી અને ઓટીટીના કાસ્ટિંગમાં હજી એક ફરક છે. ફિલ્મી કથા સામાન્યપણે ચુનંદા કલાકારો આસપાસ ફરતી રહે છે. એમાં નાના પાત્રના કલાકાર નાના રહી જાય છે. ટીવી સિરિયલમાં જેમને મહત્ત્વનું પાત્ર મળ્યું એમને મળ્યું, બાકીના ઠેરના ઠેર રહી જાય. ટીવી સિરિયલમાં કલાકાર સજ્જડ રીતે પ્રોજેક્ટમાં અટવાઈ શકે અને ટાઇપકાસ્ટ થઈ શકે. ઓટીટીને આ સમસ્યાઓ નથી. ઓટીટીમાં નાનું પાત્ર પણ ધ્યાન ખેંચનારું બનવાની ઉજળી શક્યતા હોય છે. સમયનું કમિટમેન્ટ ઓછું રહેવાથી કલાકાર ઓટીટી પર એક પછી બીજા શો થકી પોતાની ઇમેજ વિસ્તૃત કરી શકે છે. એકાદ એવું પાત્ર મળી જવાની અપેક્ષા પણ સેવી શકે જે એમને લાઇમલાઇટમાં મૂકી દે.
મનોજની જેમ શેફાલીએ પણ એક ઇન્ટરવ્યુમાં ઓટીટીની તાકત વિશે સરસ વાત કરી હતી. એમણે કહ્યું હતું, “1960-70ના દાચકાઓમાં બોલિવુડમાં ‘બંદીની’ અને ‘આરાધના’ જેવી બળુકા મહિલા પાત્રોવાળી ફિલ્મો બનતી હતી એ સમય જતાં ગાયબ થતાં અભિનેત્રીઓ એક્સેસરીઝ બની ગઈ. એ સિચ્યુએશન હવે બદલાઈ રહી છે. ફિલ્મના બે કલાકના સમય સામે ઓટીટી પર આઠ કલાકનો સ્ક્રીન ટાઇમ હોય છે. ઓટીટી પર તમારા માટે સ્ટાર નહીં, એક્ટર હોવું જરૂરી છે, કારણ પાત્રો એવા સ્ટ્રોન્ગ હોય છે જેમને જીવી જવા એક્ટર્સની જરૂર પડે.” ‘દિલ્હી ક્રાઇમ’ની બે સીઝન ઉપરાંત ‘હ્યમુન’, ‘અજીબ દાસ્તાન્સ’, ‘જ્યુસ’ (શોર્ટ ફિલ્મ), ‘જલસા’, ‘ડાર્લિંગ્સ’ સહિતના શોઝ-ફિલ્મો થકી શેફાલી કરિયરનો સુવર્ણકાળ માણી રહ્યાં છે.
આવો જ સુવર્ણકાળ અન્ય કલાકારો અને કસબીઓનો પણ છે. દર્શકો માટે પણ મજા છે. બીબાઢાળ, સ્ટારના નામે ગોથાં ખાતી ફિલ્મો અને ભાગ્યે જ બીજા દિવસે જેના એપિસોડનો વિચાર સુધ્ધાં આવે એવી સિરિયલ્સ કરતાં ક્યાંય સારા મનોરંજનના વિકલ્પો એમના માટે ઓટીટી લાવ્યું છે. આ દોર માટે એવી આશા સેવો કે એ જેટલો લાંબો ચાલે એટલું સારું.
નવું શું છે?
- માર્ચમાં આવેલી અને સફળ રહેલી ‘જોન વિકઃ ચેપ્ટર ફોર’ ફિલ્મ પછી હવે એની સમાંતર બનવાની શરૂ થયેલી સિરીઝ ‘ધ કોન્ટિનેન્ટલઃ ફ્રોમ ધ વર્લ્ડ ઓફ જોન’ વિક સપ્ટેમ્બરમાં ઓટીટી પર આવશે. ભારતમાં જોઈ શકાશે પ્રાઇમ વિડિયો પર.
- કમલ હાસનની ‘ઇન્ડિયન ટુ’એ ઓટીટી રાઇટ્સની કિંમતની બાબતમાં શાહરુખની ‘ડન્કી’ અને ‘જવાન’ને પણ પાછળ મૂકી દીધી હોવાની વાત છે. ફિલ્મના ઓટીટી રાઇટ્સ નેટફલિક્સે રૂ. 200 કરોડમાં ખરીદ્યા એ સાચું હોય તો કહેવું પડે બાકી.
- આર્ય બબ્બર, રાહુલ દેવ, રિતુપર્ણા ઐશ્વર્યા વગેરેને ચમકાવતી વેબ સિરીઝ ‘દુનિયા ગઈ ભાડ મેં’ કે મેક્સ નામના ઓટીટી પ્લેટફોર્મ પર આવી છે. એમાં કુલ છ એપિસોડ્સ છે. કે મેક્સ વિનામૂલ્યે જોઈ શકાય છે. એમાં આ સિવાય પણ ઘણા શોઝ ઉપલબ્ધ છે.
- નેટફ્લિક્સે મુક્ત હાથે થતી પાસવર્ડની લહાણી પર લગામ તાણવા મહેનત કરી છે. વરસના બીજા ત્રિમાસિક ગાળામાં એના લીધે એણે આશરે સાઠ લાખ નવા સબસ્ક્રાઇબર્સ અંકે કર્યા છે. ભારતમાં પણ એણે આ દિશામાં કામ આદરી દીધું છે. આઈપી એડ્રેસ અને અન્ય ચીજોની મદદથી એ યુઝરના અકાઉન્ટને એના પરિવારજનો સુધી સીમિત રાખવાનાં પ્રયોજન કરી રહ્યું છે. ચાલાક યુઝર્સ એનોય તોડ કાઢશે કે કેમ એ જોવાનું રહ્યું.





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment