શું જોવું, સાભળવું, વાંચવું, અનુસરવું અને અન્યો સુધી પહોંચાડવું એની જીવનસહજ સમજણ ખતમ કરી નાખી છે ડિજિટલ ક્રાંતિએ. સમય પાકી ગયો છે જ્યારે એની નાગચૂડથી મુક્ત થવાને વ્યક્તિ સફાળી બેઠી થાય
પેલા ‘ઇન્ડિયાસ ગોટ લેટન્ટ’ શોએ આખા દેશમાં બવાલ ઊભો કર્યો એ એક રીતે સારું થયું. એનાથી સારું તો એ થશે કે હલકાઈ કરનારા દેશના બધા અલ્લાહબાદિયાઝ આંટીમાં આવી જાય અને એકવાર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય. સમાચાર એવા પણ આવ્યા કે મહાકુંભમેળા નિમિત્તે ઓનલાઇન મીડિયાથી લોકોને ગેરમાર્ગે દોરનારાં સામે સરકારે લાલ આંખ કરી છે. એવું કરનારાં સોશિયલ મીડિયાના 140 ખાતાં સામે કાયદાકીય પગલાં લેવાઈ રહ્યાં છે. ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે કેવી રીતે પાડવો એની સૂધબૂધ નથી વાપરનારાને કે નથી ક્રિએટ કરનારને. સરકાર અશ્લીલ અને અસામાજિક કોન્ટેન્ટ બનાવનારા પર તવાઈ મૂકવા મહેનત કરે એ ઠીક છે. એ સિક્કાની એક બાજુ હશે. કોન્ટેન્ટ જોનારાનું સરકાર શું કરે? એમને શિસ્ત, પ્રમાણભાન કેવી રીતે શીખવે?
વપરાશકર્તા પણ જવાબદાર છેઃ ઓનલાઇન મીડિયા લખાણ, તસવીરો, વિડિયોનો મહાસાગર છે. બે ઘડીના આનંદ, લાઇક-સબસ્ક્રાઇબ માટે એમાં કડદો કરવાની મસ્તી થવી માનવસહજ સ્વભાવ છે. કોઈકના મનમાં આવેલા ઉભરાના પાપે, નરી મસ્તી માટે, ક્યારેક કોઈકને દેખાડી દેવા માટે અવિચારી કોન્ટેન્ટ ઓનલાઇન જાય એ ડેન્જરસ છે. આપણે ચેતી અને સુધરી જવાનું છે. ડિજિટલ મીડિયા પર મૂકેલું બધું કાયમી સંગ્રહ બને છે. એનાં દુષ્પરિણામ સમાજે ભોગવવાં પડી શકે છે. વાઇરલ થતા વિડિયો, પોસ્ટર્સ જોયાં જ હશે. એમાંના અનેક ગેરમાર્ગે દોરનારાં, ખોટી વાતને સાચી તરીકે રજૂ કરનારાં હોય છે. આવું કશું ઓનલાઇન બજારમાં જાતે ફેરવતા પહેલાં કે બીજાએ મૂકેલા કચરાને આલિંગન આપતા પહેલાં વિચારવાનું છે, “આ હું કરું છું એ યોગ્ય છે?”
બિનજરૂરી ઉત્સાહ નહીં રાખવોઃ સમય મળ્યે હવે લોકો ડિજિટલી કનેક્ટ થવાનું કામ સૌથી ઝાઝું કરે છે. વાંચન, આંખો બંધ કરીને બસ પોતાનામાં ખોવાઈ જવું, લટાર મારવી એ બધું ગયું. જ્યારે અકારણ ઓનલાઇન હોઈએ ત્યારે અનેક દુષ્કર્મોને નોતરું આપી બેસાય છે. એ દુષ્કર્મો મગજને ભળતી જ ગલીમાં ભેરવી નાખે છે. એનાથી બચવું જ રહ્યું.
ખોટી વાતને સાચી નહીં માનોઃ અલ્લાહબાદિયાઝથી છલકાતા ડિજિટલ વિશ્વમાં આ કામ બહુ અઘરું છે. અમુક બીમારીમાં ઘરેલુ દવાના નુસ્ખાથી રૂ. 15,000માં મળતા બેસ્ટ ફોન સુધી, ખોટી જાણકારીની કમી નથી. એના પર ભરોસો મૂકનારાની પણ કમી નથી. આ જમાતમાં સૌ જાણ્યે-અજાણ્યે જોડાઈ જાય છે. બચવાનો રસ્તો લગભગ નથી પણ, સંયમ કરવા સિવાય છૂટકો નથી.
ઓટીટી હદ વટાવી ગયું છેઃ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના જમાનામાં શાંતિ હતી. ઇન્ટરનેટ તો હતું જ નહીં. મનોરંજનને ત્યારે મર્યાદા હતી. હવે નથી. કશું ના જોવું હોય છતાં ટીવી, કોમ્પ્યુટર કે મોબાઇલ પર કશુંક ચાલતું જ હોય છે. નથી ભાષાબંધન, નથી વિષયબંધન. મનોરંજન સહિતના કોઈ પણ કારણસર જો જો કરવાની આ રીત આપણી અનેક શક્તિઓ હરી રહી છે. એનાથી વિચારો કુંઠિત થઈ રહ્યા છે. નિર્ણયો એની લપેટમાં આવી ગયા છે. જીવનમાં કરી શકાતી અનેક સુંદર પ્રવૃત્તિઓનું નિકંદન નીકળી ગયું છે. એને રોક્યા વિના એ સમજી જ શકાશે નહીં કે ઓટીટી વિના, ડિજિટલ મનોરંજન વિના પણ, જીવન કેટલું સભર અને રસાળ છે. બિન્જ વૉચિંગ એટલે થાક અને ઊંઘને પણ તિરસ્કૃત કરીને કશુંક જોતા રહેવું એ ઇન થિન્ગ છે. એનાથી શરીરને પહોંચતી જફાની ગણતરી ક્યારેક કરવા જેવી છે. ઘરમાં વડીલો આવું કરે ત્યારે બાળકોને, યુવાનોને કોઈ શું કહેવાનું. મમ્મા જ બચ્ચાને, “સી, કાર્ટૂન, નાઉ ઇટ ધીસ,” કરતી હોય ત્યારે જિંદગી કાર્ટૂનથી બદતર ના થાય તો બીજું થાય પણ શું? ઓટીટીને લગામ તાણ્યા વિના નહીં ચાલે. ઘરમાં ટેલિવિઝન બંધ જ ના થાય એ નહીં ચાલે. હાથમાં મોબાઇલ નિરંતર ખંજવાળ કરાવે એ નહીં ચાલે. સ્ટોપ ધીસ.
ફૅક અને ફાઇનમાં ફરક શો છેઃ ડીપફૅક અને એઆઈ આવ્યા પછી તો આવું નક્કી કરવું ઇમ્પોસિબલ થવાને માર્ગે છે. જે દેખાય કે સંભળાય છે એ સાચું એ માનવાની ભૂલ હવે કરી શકાય એમ નથી. તેથી જ, હવે માત્ર એ લોકો પ્રમાણમાં વધુ શાંતિ અને નિરાંત અનુભવશે જેઓ ડિજિટલી મિનિમમ ઉત્પાત કરે છે. બાકીનાઓને રામ બચાવે.
શું લાવ લાવ માંડ્યું છે આઃ ઓનલાઇન મનોરંજનની જેમ ઓનલાઇન શોપિંગ ખતરનાક હદે પહોંચી ગયું છે. જેની જરૂર જ નથી એવી ચીજો પણ સૌ ખરીદી રહ્યા છે. કંપનીઓને ડિજિટલ મીડિયાના રૂપમાં રાઉન્ડ ધ ક્લોક ચાલતી દુકાનો મળી ગઈ છે. ગ્રાહકના ગળે માલ પધરાવવા સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્ઝર્સના રૂપમાં ચતુર સેલ્સપર્સન્સ મળી ગયા છે. ભેગા મળીને તેઓ જનતાના જીવન અને એમની પરસેવાની કમાણીનું કાસળ કાઢી રહ્યા છે. એમને રોકવાનું કામ જનતા પોતે કરી શકે છે અને એ પણ અંગત ધોરણ સુધી. બીજો કોઈ રસ્તો નથી.
સારપ તરફ વળવાનો વિચાર પૂરતો નથી, નિર્ધાર અનિવાર્ય છેઃ પોર્નોગ્રાફી જોવી, અટકચાળા કરવા અને મસ્તીખોરી માણવી એક જમાનામાં ક્યારેક થતી ચીજ હતી. તહેવારે મળતી મીઠાઈ જેવી એની મજા હતી. એટલે એ માફ થઈ જતી હરકતો હતી. ઓટીટી, ડિજિટલ પ્લેટફોર્મ્સના અતિરેકથી આ મીઠાઈઓ બદીમાં ફેરવાઈ ગઈ છે. સહજ માનવીય પ્રકૃતિ પ્રમાણે ડિજિટલી આ બધાનો દબદબો થયો છે. સારી ચીજો મળે છે ડિજિટલી એને માણનારા, અનુસરનારા ઓછા છે. આ ઓછા લોકોની પંગતમાં બેસવાની નરી ઇચ્છા કરવાનો અર્થ નથી. ક્યારેક એકાદ સારી ચીજ માણીને પછી સર્કલમા, “હું તો આ પણ જોઉં છું,” એવી ડિંગ મારવાનો કોઈ ફાયદો નથી. મનને મુશ્કેરાટ બાંધીને, જીવન, પરિવાર પ્રત્યેની જવાબદારી જાણીને, એના લાભને કાયમી કરવા માટે, ઇન્ટરનેટ અને ઓનલાઇન મનોરંજનનો સકારાત્મક ઉપયોગ કાયમી બાબત બનાવ્યે વાત બનશે. ઘરમાં રામાયણ અને ભગવદગીતા કે કુરાન હોય પણ ક્યારેય એક પાનું વાંચ્યું નહીં તો એનો અર્થ શો? ઓનલાઇન ખજાનામાં હોય બધું પણ મનની અવળચંડાઈને, “જી હુજૂર” કહીને કચરો જ ઉસેડ્યો તો અર્થ શો? સમય પાકી ગયો છે જ્યારે આ મુદ્દે સિરિયસલી વિચાર કરીને પોતાની જાતને સીધીદોર કરી દઈએ. બાકી અહિત કરીને આવક રળનારા અને સમાજનું નિકંદન કાઢનારા ડફરો ફાવી જવાના.
નવું શું છે
- કેટ હડસન, ડ્રુ ટાર્વર, સ્કોટ મેકઆર્થર અભિનિત અમેરિકન કોમેડી સિરીઝ ‘રનિંગ પોઇન્ટ’ ગઈકાલે નેટફ્લિકસ પર આવી છે. આ સિરીઝમાં દસ એપિસોડ છે.
- આઠ એપિસોડવાળી યંગ એડલ્ટ સિરીઝ ‘ઝિદ્દી ગર્લ’ ગઈકાલથી અમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ છે. આ સિરીઝમાં રેવતી, નંદિતા દાસ, સિમરન, નંદિશ સિંહ સંધુ, અનુપ્રિયા કેરોલી, અતિયા તારા નાયક, દિયા દામિની, ઉમંગ ભદાના અને ઝૈના અલી છે.
- ડિરેકટર પ્રકાશ ઝાની ‘આશ્રમ સીઝન ત્રણ ભાગ બે’ અમેઝોન એમએક્સ પ્લેયર પર ગઈકાલથી આવી છે. આ સિરીઝમાં ફરી એકવાર બાબા નિરાલા ઉર્ફ બોબી દેઓલની સાથે અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, વિક્રમ કોચર, અનુપ્રિયા ગોએન્કા, ત્રિધા ચૌધરી, રાજીવ સિદ્ધાર્થ અને એશા ગુપ્તા મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.
- ક્રાઇમ ડ્રામા સિરીઝ ‘ડબ્બા કાર્ટેલ’ આજથી નેટફ્લિકસ પર આવી છે. આ સિરીઝમાં શબાના આઝમી, ગજરાજ રાવ અને જ્યોતિકા જેવા શાનદાર કલાકારો છે. આ સિરીઝની વાર્તા મુંબઈ નજીક થાણેની ઉદ્યોગસાહસિક મધ્યમ વર્ગની મહિલાઓના એક જૂથની આસપાસ ફરે છે, જેઓ એક સાદી ડબ્બા (લંચબોક્સ) સેવા ચલાવે છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/28-02-2025/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment