ફિલ્મ મધ્યમ કે ઉચ્ચ અભ્યાસ પામેલાનું મનોરંજનનું માધ્યમ છે. શોર્ટ્સ છે ઓછું શિક્ષણ પામનારાનું મનોરંજન. કોઈ ઊંચું ભણેલો આ વાંચીને ભવાં તાણી શકે પણ વાતને સમજો તો એમાં દમ છે
ચીનનું મીડિયા એના સત્તાધીશોના લોખંડી પંજા નીચે કામ કરે છે. ચીની અખબારો કે સામયિકો જો વાંચો તો એમાં એવી કોઈ સ્ટોરી નહીં જ જોવા મળે જેમાં ચીન કે એના સત્તાધીશ, જેના મુખિયા શી જિનપિંગ છે, એમને ઉતારી પાડવામાં આવ્યા હોય.
એવા ચીની અખબારમાં આપણે જેને ફીચર સ્ટોરી કે વિચારમંથનનું લખાણ પણ ઓછું મળે. અથવા મળે તો ચીની વખાણના વઘારવાળું જ. એવામાં એક સરસ લખાણ એક ચીની અખબારમાં વાંચવા મળ્યું. એમાં મુખ્ય મુદ્દો હતો ફિલ્મ નામના મનોરંજનનું પર્સનલાઇઝેશન અને છતાં, એના વિકાસની છૂપી અને વણદીઠી તાકાત.
ગયા અઠવાડિયે આ પાને જ આપણે આમિર ખાનની વાત જાણી હતી. એની આસપાસ રમતા મુદ્દા આજે આ ચીની લેખના સંદર્ભમાં મમળાવીએ.
ચાઇનીઝ નેશનલ એકેડેમી ઓફ આર્ટ્સના ડેપ્યુટી ડિરેક્ટર સુન ચેન્ગિયાન એ લેખના લેખક છે. એમણે લખ્યું છે કે ફિલ્મ માણવાની પદ્ધતિ પહેલાં અલગ અને હવે અલગ હતી. પહેલાં એ સામુહિક રીતે, મોટા પડદે માણવાની ચીજ હતી. હવે સૌના હાથમાં સ્ક્રીન હોવાથી એનું વ્યક્તિગતકરણ થઈ ગયું છે. પહેલાં ફિલ્મ જોવી એ એક અનુભવ વત્તા આનંદ હતો. હવે અનુભવનું ઝાઝું મહત્ત્વ નથી રહ્યું. આનંદ પણ મળે એટલો ઠીક એવી સ્થિતિ થઈ છે.
ઓનલાઇન મનોરંજનના મહાપૂર વચ્ચે આ વાત સખત અને ટકોરાબંધ છે. આપણે સૌ અંગત અનુભવે એ જાણીએ છીએ. સિનેમાઘરના કાળાડિબાંગ અંધારામાં, જ્યાં વિશાળ પડદા સિવાય કશામાં રસ લેવો અઘરો થઈ જાય, ત્યાં દર્શક દ્રશ્ય અને શ્રાવ્ય બેઉ રીતે ફિલ્મમાં આપોઆપ સરી પડીને એકરસ થઈ જતો. ટેલિવિઝને એની માત્રા ઘટાડી હતી ખરી પણ મોબાઇલ વગેરે પછી આ માત્રા સદંતર ઓછી થઈ ગઈ છે. હવે બની શકે કે ફિલ્મ કો સિરીઝ મોબાઇલ કે લેપટોપમાં પ્લે થાય ત્યારે પણ દર્શક મનથી એમાં ઓતપ્રોત ના હોય. એવી જ રીતે, સિનેમાઘરમાં અણગમતાં ગીત, દ્રશ્યો વગેરે બધું ફરજિયાત માણવું પડતું. હવે સટાક, સટાક, સટાક… જે ક્ષણવાર પણ અપ્રિય થાય એને ફાસ્ટ ફોર્વર્ડ કરી શકાય છે. આ નિર્દયતાએ ઘણીવાર સારા કોન્ટેન્ટને પણ કણસતું કરી નાખ્યું છે. ઉદાહરણ તરીકે, ઓટીટીની અનેક સિરીઝમાં સુંદર ગીતો આવ્યાં પણ લોકજીભે કેટલાં ચડ્યાં? સોમાંથી એક? કદાચ.
આપણી જેમ ચીનમાં પણ કરોડો દર્શકોને નાની સ્ક્રીનની બહુ ગંદી આદત પડી ગઈ છે. ત્યાં શોર્ટ વિડિયો જોવાની વ્યક્તિદીઠ દૈનિક સરેરાશ 156 મિનિટે પહોંચી ગઈ છે. એટલે જીવનમાં રોજના અઢી કલાક ચીનાઓ શોર્ટ વિડિયોઝ પાછળ સ્વાહા કરી રહ્યા છે.
આટલું બધું લોકો જો જો કરી રહ્યા છે ત્યારે પણ, ફિલ્મોની, મોટા પડદાના મનોરંજનની જેમ, લોકો એ નથી માણી રહ્યા જે એમને ખરેખર માણવાની ઇચ્છા હોય. બિગ સ્ક્રીન એન્ટરટેઇનમેન્ટ અને સ્મોલ સ્ક્રીન દૂષણનો આ ફરક સમજવા જેવો છે. ટૂંકા ને ટચ, ફટફટ જોવાઈ જતા વિડિયોઝ માણતી વખતે દર્શક સામાન્યપણે એ નથી જોઈ રહ્યો હોતો જેને જોવાની ઇચ્છા થઈ હોય. એમાં તો એ મનોરંજન જ જોવાય છે જે ટેક્નોલોજીએ, માર્કેટિંગે, એલ્ગોરિધમે એને જોવાની ફરજ પાડી હોય.
ટ્રેનમાં, બસમાં, અહીંતહીં મોબાઇલમાં કશુંક જોનારા લોકોના આ હાલ છે. તેઓ કદાચ શોર્ટ્સ માણવાની શરૂઆત પોતાની મુનસફી પ્રમાણે કરતા હશે પણ પલકવારમાં એમને વાળી દેવામાં આવે છે એવા જ વિડિયો તરફ જે ટેક્નોલોજી એમને ‘દેખાડવા’ ચાહે છે. તમારી સાથે પણ આવું થતું જ હશે. સવાલ જ નથી એમાં.
હદ એ છે કે આ ટેક્નોલોજી, આ એલ્ગોરિધમ દાવો એવો કરે છે કે અમે તો દર્શકને એ જોવામાં મદદ કરીએ છીએ જેમાં એણે રુચિ દર્શાવી. અરે, પણ મારે એકવાર તાજ મહેલનો વિડિયો જોવો હતો અને જોઈ લીધો એના પછી આ ટેક્નોલોજી વારંવાર કેમ તાજ મહેલના વિડિયો મારા માથે ઝીંકે છે, એવું આપણ વિચારીને ત્રસ્ત થઈએ છીએને? અને છતાં એનું કશું કરી શકતા નથીને?
આ એલ્ગોરિધમ ખતરનાક બલા છે. એ આપણા ભૂતકાળના વર્તનને આપણા ભવિષ્યનું દર્પણ ગણી લે છે. એને માનવીય સંવેદનાઓ નથી, સમજણ નથી, ઊંડાણ નથી. એને બસ એટલી ખબર છે કે આ માણસે ઓનલાઇન કશેક આમિર ખાન વિશે સર્ચ કર્યું કે વાંચ્યું એટલે એને આમિર ખાનમાં ભારે રસ છે, તો હવે એને પીરસતા રહો આમિર ખાન.
આ એલ્ગોરિધમને લીધે શું થાય છે કે ગમે તે આલિયામાલિયા વિડિયો એકવાર છાપરે ચડે પછી એમના વ્યુઝ રોકેટની ગતિએ વધતા જ જાય છે. એને ગુણવત્તા સાથે લેશમાત્ર લેવાદેવા નથી હોતી.
અને જાણો છો ફિલ્મો અને શોર્ટ વિડિયોઝના દર્શકોમાં એક વિચારતા કરી દેનારો તફાવત શો છે? એ એવો કે ફિલ્મો, સુન ચેન્ગિયાન લખે છે, મધ્યમ કે ઉચ્ચ અભ્યાસ પામેલાઓનું મનોરંજનનું માધ્યમ છે. શોર્ટ્સ છે ઓછું શિક્ષણ પામનારા લોકોનું મનોરંજન. કોઈ ઊંચું ભણેલો આ વાંચીને ભવાં તાણી શકે છે પણ વાતને સરખી સમજો તો એમાં દમ પણ ખરો. શું કામ એ જાણીએ. સિનેમાઘરમાં ફિલ્મો જોવા પાછળ પાકો વિચાર અને સાચી ઇચ્છા કામ કરે છે. શોર્ટ્સ જોવામાં એવી ભાવનાની કોઈ જરૂર નથી હોતી. હા, વિચારવંતો સિનેમાઘરમાં જઈને જે ફિલ્મની સરાહના કરી અને એની વાત પ્રસરે તો એના લીધે ઓછા સાક્ષર પણ એ ફિલ્મ જોવા પ્રેરાય છે ખરા.
આપણી ફિલ્મોના સંદર્ભમાં વાત કરીએ તો આપણે ત્યાં વિચારવંતો (ક્લાસ) અને સામાન્ય માણસો (માસ) બેઉ માટેની ફિલ્મો વચ્ચે પહેલેથી શીતયુદ્ધ રહ્યું છે. કહેવાવાળા ભલે કહે કે સિનેમા ઇઝ સિનેમા પણ ક્લાસ-માસનો ફરક તો રહ્યો જ છે.
ફિલ્મને મોટા પડદે, અક્ષરશઃ એમાં ખોવાઈ જઈને જ્યારે માણીએ ત્યારે વાસ્તવમાં એક્શન પડદા પર નહીં, આપણા હૃદયમાં થતી હોય છે. સારી ફિલ્મ જોતા વખતે આપણું તન અને મન સંપૂર્ણપણે એને વશ થયાં હોય છે. એલ્ગોરિધમે એ મજાને જ પતાવી નાખી છે. નાની સ્ક્રીન પર કશુંક જોતી વખતે આ હદે એક્શન સાથે વણાઈ કે તણાઈ જવું ભાગ્યે જ બને છે.
તાત્પર્ય એટલું કે ભલે નાના પડદાને લીધે, ઓટીટીને લીધે, એપ્સને લીધે, આપણી આ કે પેલું જોવાની માત્રા ખાસ્સી વધી ગઈ પણ એના લીધે આપણે જે માણી-અનુભવી શકતા હતા એ મનોરંજનની માત્રા ખાસ્સી ઘટી ગઈ છે. મેં જોયું એવું કહેવું આસાન થઈ ગયું છે પણ મેં માણ્યું એવું ખરા હૃદયથી બોલી શકવું અઘરું થઈ ગયું છે. આ સ્થિતિનો કોઈ નિવેડો પણ હાલપૂરતો નથી. સિવાય કે સમાજમાં મોટું પરિવર્તન આવે, એકાએક લોકોની આદત બદલાય અને સૌ મોટા પડદે મનોરંજન માણવાના ટ્રેન્ડનો હિસ્સો બની જાય. આવું થવાની અપેક્ષા રાખવી જરા વધુ પડતી નથી? શું કહો છો તમે?
નવું શું છે?
- ડિરેકટર ગોપીચંદ માલીનેની એક્શન થ્રિલર ફિલ્મ ‘જાટ’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે. ફિલ્મમાં સની દેઓલ, રણદીપ હુડા સાથે સંયમી ખેર, રેજિના કેસાન્ડ્રા છે.
- અભિષેક બેનર્જી અભિનિત ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘સ્ટોલન’ બુધવારથી પ્રાઇમ વિડિયો પર આવી ગઈ છે. ફિલ્મમાં હરીશ ખન્ના, મિયા મેલ્ઝર, સાહિદુર રહેમાન અને શુભમ વર્ધન પણ છે. ડિરેકટર કરણ તેજપાલની આ પહેલી ફિલ્મ છે.
- ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ટાઈટન: ધ ઓશનગેટ ડિઝાસ્ટર’ આવતા બુધવારે નેટફ્લિક્સ પર આવશે. ડિરેકટર માર્ક મનરોનાની આ ડોક્યુમેન્ટરી ટાઇટન સબમર્સિબલની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અને જૂન 2023માં ટાઇટનિકના ભંગારમાં થયેલા વિસ્ફોટ પર આધારિત છે.
- નેટફ્લિક્સ સિરીઝ ‘ગિની એન્ડ જ્યોર્જિયા’ની ત્રીજી સીઝન પર પણ આવી ગઈ છે. દસ એપિસોડવાળી સિરીઝમાં બ્રાયન હોવી, એન્ટોનિયા જેન્ટ્રી, ડીઝલ લા ટોરાકા, જેનિફર રોબર્ટસન વગેરે છે.
- અભિનેત્રી શ્રિયા પિળગાંવકરની એકશન થ્રિલર ફિલ્મ ‘છલ કપટ: ધ ડિસેપ્શન’ ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર છે અજય ભુયાન.





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment