ડબિંગ અને ઓટીટીએ ભેગાં મળીને કેટલીયે ભાષાની ફિલ્મો અને શોઝ સૌને જોવા માટે આસાન કરી દીધાં છે. તેલુગુ અને તામિલ ભાષાની બે એવી ફિલ્મોની આજે વાત કરીએ જે રિયલ એન્ટરટેઇનર છે

 અમુક મજાની ફિલ્મોનું સર્જન અણધારી અને અનપેક્ષિત રીતે થતું હોય છે. એવી એક ફિલ્મ ‘સિનેમા બાન્દી’ છે. આ તેલુગુ ફિલ્મ 2021માં નેટફ્લિક્સ પર આવી હતી. દર્શકોએ એને ભરપૂર માણી હતી. પ્રવીણને એ ફિલ્મ માટે એ વરસના સૌથી આશાસ્પદ નવોદિત ડિરેક્ટર તરીકે માન-અકરામ પણ મળ્યા હતા. ‘સિનેમા બાન્દી’ની વાર્તા  મજાની છે. પડદે પણ એ ખાસ્સી રોચક છે. ફિલ્મની વાત કરતા પહેલાં એ કેવી રીતે બની એ વિશે વાત કરવા જેવી છે.

સિનેમા બાઝાર નામની એક નિયમિત ઇવેન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. એમાં ફિલ્મ બનાવવા આતુર લેખકો, ડિરેક્ટર્સ વગેરે પોતપોતાના આઇડિયાઝ લઈને જતા હોય છે. ઇન્ડસ્ટ્રીના પ્રસ્થાપિત મેકર્સ, પ્રોડ્યુસર્સ વગેરે પણ સિનેમા બાઝારમાં જોડાતા હોય છે. નવોદિતો અને અનુભવીઓ વચ્ચેના આ મિલનથી ઘણીવાર એવી ફિલ્મો આકાર લેતી હોય છે જે અન્યથા કદાચ ના બની હોત.

સિનેમા બાઝારની આવી જ એક ઇવેન્ટમાં પ્રવીણ કેન્દ્રાગુલા નામના આશાસ્પદ ડિરેક્ટર અને વસંત મરીનગન્તી નામના લેખક એકવાર ગયા હતા. ત્યાં એમનો ભેટો રાજ અને ડીકે સાથે થયો. ‘ફેમિલી મેન’ વેબ સિરીઝ સહિત વિવિધ સફળ ફિલ્મોના આ મેકર્સ સમક્ષ પ્રવીણ અને વસંતે એક ફિલ્મનો આઇડિયા રજૂ કર્યો. વાત સિમ્પલ હતી. નાનકડા કોઈ ગામમાં એક જણ રિક્શામાં એનો કેમેરા ભૂલી જાય છે. રિક્શાચાલકને કેમેરા મળે છે અને એના મિત્ર સાથે મળીને એ નક્કી કરે છે ફિલ્મ બનાવવાનું. કોન્સેપ્ટ જાણ્યા પછી રાજ અને ડીકેએ પ્રવીણ-વસંતને કહ્યું, “સરસ. સ્ક્રિપ્ટ લખો એ પછી જોઈએ.” સ્ક્રિપ્ટ લખવામાં આવી. રાજ અને ડીકેને એ ગમી ગઈ. એમણે પ્રવીણને કહ્યું, “હવે ફિલ્મ બનાવો.” પ્રવીણે ફિલ્મ શૂટ કરી. જીવનમાં એ પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યા હતા. એમણે નાનકડા ગામમાં શૂટિંગ કરતા અમુક સ્થાનિકોને એમાં કલાકાર-કસબી તરીકે તક આપી. શૂટ થયા પછી ફિલ્મ રાજ-ડીકેને દેખાડવામાં આવી ત્યારે એક મોટી મુશ્કેલી એની લંબાઈની હતી. ફિલ્મ હતી ચાર કલાકની. આજના જમાનામાં કોણ ચાર કલાકની ફિલ્મ જોવાના? એને કાપીકાપીને છેવટે નેવુ મિનિટની ફિલ્મ ફાઇનલ કરવામાં આવી. એ પહોંચી દર્શકો સુધી.

 

બોક્સ ઓફિસ પર જો આ ફિલ્મ આવી હોત તો એણે સારી કમાણી કરી હોત. જોકે ઓટીટી પર પણ એણે ભાષાનાં બંધનો તોડીને દર્શકોનાં મન જીત્યાં હતાં. ફિલ્મની વાર્તા આકાર લે છે આન્ધ્ર પ્રદેશ અને કર્ણાટકની સરહદ નજીકના એક ગામડામાં. વીરાબાબુ નામના એક રિક્શાચાલકને એક સવારે ખ્યાલ આવે છે કે કોઈક પ્રવાસી એની રિક્શામાં એક કેમેરા ભૂલી ગયો છે. શરૂઆતમાં એ વિચારે છે કે કેમેરા ભાડે ફેરવતા રહીને આવક રળી લઉં. પછી એકવાર એક ટીવી શો જોઈને એને ચાનક ચડે છે ઓછા બજેટની ફિલ્મ બનાવવાની. જોકે જિંદગીમાં વીરાબાબુએ ફિલ્મ તો ઠીક, ફોટોગ્રાફી સુધ્ધાં કરી નહોતી. ગામમાં એક સ્ટિલ ફોટોગ્રાફર નામના ગણપતિ છે. એની મદદ લઈને વીરાબાબુ પોતાના વિચારને સાકાર કરવાનું ઠરાવે છે. હવે સવાલ છે વાર્તાનો તો એ મળે છે દામના એક વૃદ્ધે કહેલી લવ સ્ટોરીમાંથી. પછી ગામના હજામને લેવામાં આવે છે હીરો તરીકે અને એક વિદ્યાર્થિની દિવ્યા તૈયાર થાય છે હિરોઇન બનવા. ફિલ્મ બનવાની શરૂ થાય છે ત્યાં અધવચ્ચે દિવ્યાનો બાપ એનાં લગ્ન કરાવવા ઘાંઘો થાય છે અને દિવ્યા નાસી જાય છે એના બોયફ્રેન્ડ સાથે. પત્યું… કર્યું કારવ્યું બધું માટીમાં મળી જાય છે છતાં વીરાબાબુ જીદ પર છે કે ફિલ્મ તો બનશે જ. એ સાથે થાય છે નવેસરથી શ્રીગણેશ…

ફિલ્મ કેવી રીતે બને છે, વીરાબાબુ એને અંજામ કેવી રીતે આપે છે, જેન કેમેરા ખોવાયો એ વ્યક્તિ પાછી આવે ત્યારે શું થાય છે એ બધું જાણવા આ ફિલ્મ જોવા જેવી છે. સિમ્પલ નરેશન, ગામડાનાં સરસ દ્રશ્યો, અભિનયમાં તાજી અને નિર્દોષતાથી સર્જાતો માહોલ અને મનોરંજન, એના સંગમ માટે ‘સિનેમા બાન્દી’ માણવા જેવી છે.

સીધી ઓટીટી પર આવેલી અન્ય એક દક્ષિણ ભારતીય ફિલ્મ એટલે ‘ઉડાન’, જેનું તામિલ નામ હતું ‘સુરારાઈ પોતરુ’. મૂળે બિગ સિનેમા માટે બનેલી આ ફિલ્મે કોવિડકાળમાં પરિસ્થિતિને વશ એમેઝોન પર રિલીઝ થઈ સંતોષ માણવો પડ્યો હતો. દર્શકોએ એને ખાસ્સી માણી. એક જમાનામાં દેશના આકાશને ગજવનારી એરલાઇન એર ડેક્કનના સ્થાપક જી. આર. ગોપીનાથના જીવન વિશેનું પુસ્તક સિમ્પ્લી ફ્લાય પુસ્તકના આધારે બની આ ફિલ્મ.

દક્ષિણના સ્ટાર સુરિયા સહિત અપર્ણા બાલામુરલી અને પરેશ રાવલ સહિતનાં કલાકારો એમાં છે. પોણાબે કલાકની ફિલ્મમાં એવાં ફેક્ટર્સ હતાં જેને લીધે એ જુદી તરી આવતી હતી. એક, એની સરસ પ્રોડક્શન વેલ્યુ, બે, કથાનકની અસ્ખલિત ગતિ, ત્રણ, સુરિયા અને અપર્ણાનો અભિનય અને ચાર, ફિલ્મનો સંદેશો કે વિઝન મોટું હોય તો માણસ ધારે તે કરી શકે છે.

ફિલ્મ શરૂ થાય એ સાથે એ રફ્તાર પકડી લે છે. સુધા કોન્ગારુના દિગ્દર્શનમાં ફિલ્મનો નાયક, નેદુમારન રાજંગમ ઉર્ફે મારા, એર ફોર્સનો નિવૃત્ત કેપ્ટન, શમણું જુએ છે સોંઘી એરલાઇન સ્થાપવાની. એનો આદર્શ છે જેટ એરલાઇનના માલિક પરેશ ગોસ્વામી. મુશ્કેલી એટલી કે એના પાસે એરલાઇન તો શું ટેક્સી સર્વિસ શરૂ કરવાના પૈસા નથી. આ ટ્રેક સાથે બીજો ટ્રેક છે સુંદરીનો જેની સાથે મારાનાં લગ્ન કરાવવાની વાતો છે. મારાની જેમ સુંદરી પણ મહત્ત્વાકાંક્ષી અને પોતાની શરતે જિંદગી જીવવામાં માનનારી છે. સુંદરી ઇચ્છે છે બેકરી ખોલવાનું. એક તરફ એકમેકથી ભિન્ન પણ કંઈક મોટું સિદ્ધ કરવા થનગનતાં બે પાત્રો અને બીજી તરફ એરલાઇન તથા બેકરીનો બિઝનેસ, બેઉની વાત.

‘ઉડાન’ની તાકાત એની સશક્ત પટકથામાં છે. એમાં કંટાળાજનક ક્ષણ ઓછી છે. કદાચ એટલે જ ઓટીટી પર એ બેહદ સફળ રહી. હા, ઇન્ટરવલ પછી ક્યાંક ક્યાંક એમ લાગી શકે ખરું કે ગતિ ધીમી પડી પણ એનું પ્રમાણ ઓછું છે. સેકન્ડ હાફમાં પણ મેજિકલ મોમેન્ટ્સ તો છે જ. એ પણ નક્કી છે કે ફિલ્મની સિનેમેટોગ્રાફી અને લોકેશન્સ વગેરેનો વધુ આનંદ મોટા પડદે આવી શકત. છતાં, ઘેરબેઠા પણ ‘ઉડાન’ ભરપૂર આનંદ પીરસે છે.

તો, ગુણવત્તાવાળી એકાદ મૂવી જોવાની ઇચ્છા હોય તો કરો આ ફિલ્મોની પસંદગી. બેઉમાં વાર્તા, અભિનય, નિર્માણ સહિતનાં પાસાં તગડાં છે. સમય અને પૈસા વસૂલ થશે.

નવું શું છે?

  • ફિલ્મોમાં બ્રાન્ડ પ્રમોશન અને માર્કેટિંગ થાય છે એવું ઓટીટીમાં પણ થાય છે. જે રીતે ઓટીટીએ દેશમાં ઘેરઘેર અડિંગો જમાવ્યો છે એ જોતાં એનું પ્રમાણ વધતું જવાનું છે. અને હા, એમેઝોનની ઘણી મિની સિરીઝ તો બને છે જ બ્રાન્ડના સપોર્ટથી અને સિરીઝ મફતમાં જોવા માટે વચ્ચે આવતી જાહેરાતો જોવી અનિવાર્ય છે.
  • આજથી પ્રાઇમ વિડિયો પર નીતેશ તિવારીની ફિલ્મ ‘બવાલ’ આવી છે. વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આ ફિલ્મ મોટા પડદે નથી પહોંચી.
  • જિયો સિનેમા પર આજથી ‘ટ્રાયલ પિરિયડ’ ફિલ્મ આવી છે. જેનેલિયા દેશમુખ, માનવ કૌલ, ગજરાજ રાવ જેવાં કલાકારોની આ રોમાન્ટિક ડ્રામા ફિલ્મ અલેયા સેને ડિરેક્ટ કરી છે.
  • આશુતોષ ગોવારિકર મૂળે અભિનેતા અને પછી ડિરેક્ટર. એમણે ડિરેક્શન શરૂ કર્યા પછી અભિનય ઓછો કર્યો છે. છેલ્લે એ દેખાયા હતા ‘વેન્ટિલેટર’ ફિલ્મમાં. હવે આંદામાન-નિકોબાર ટાપુઓમાં આકાર લેતી સર્વાઇવલ ડ્રામા સિરીઝ ‘કાલા પાની’માં એ અભિનેતા તરીકે દેખાશે. એ એમનું ઓટીટી પર પદાર્પણ પણ હશે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.21 જુલાઈ, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/21-07-2023/6

 

 

Share: