દેશની અઢારમી લોકસભાની ચૂંટણીનાં બ્યુગલ વાગી ગયાં છે. સાત તબક્કા, 44 દિવસ ચાલનારી ચૂંટણીને લીધે સર્વત્ર રાજકીય માહોલનું પ્રભુત્વ રહેવાનું છે. કોનો ગજ વાગશે, કોણ સત્તારૂઢ થશે, કોણ વિપક્ષમાં બેસશે, એની જાણ ચોથી જૂને થવાની, બશર્તે એક પક્ષ કે યુતિને બહુમતી મળે. રાજકારણ સમાજના કેન્દ્રમાં રહેવાનું છે ત્યારે યાદ કરીએ એવી થોડી ફિલ્મો, જેમાં રાજકારણની વાત રસાળ રીતે રજૂ થઈ

આંધીઃ રાજકીય મુદ્દાને આવરી લેવાનો જૂનો પણ જાણીતો સિનેમેટિક પ્રયાસ એટલે સંજીવ કુમાર અને સુચિત્રા સેનની ‘આંધી’. ગુલઝાર દિગ્દર્શક હતા. ઇન્દિરા ગાંધીના જીવનથી પ્રેરિત હોવાના મુદ્દાએ ફિલ્મ વિશે હોબાળો ઊભો કર્યો હતો. એવો કે એને સરખી રિલીઝ થવા દેવાઈ નહોતી. 14 ફેબ્રુઆરી 1975 રિલીઝની તારીખ હતી. પછી દેશમાં કટોકટી જાહેર થઈ ત્યારે તો ફિલ્મ પર સીધો  પ્રતિબંધ ઠોકી દેવાયો હતો. છેક 1977માં જનતા પાર્ટીનું રાજ આવ્યું ત્યારે ફિલ્મ રાજકારણના ચુંગાલમાંથી મુક્ત થઈ. પછી તો એને ઇન્દિરાવિરોધી કેન્દ્ર સરકારે વટથી દૂરદર્શન પર પ્રસારિત કરી હતી. વાર્તા હતી હોટેલ મેનેજર જે. કે. (સંજીવ કુમાર) અને આરતી દેવી (સુચિત્રા સેન)ના પ્રણયની, છૂટાછેડાની અને પુનઃ મિલનની. વિવાદોને ભૂલીને કહીએ તો આ ફિલ્મ જોવી પડે એનાં મુખ્ય કલાકારોના દાદુ અભિનય માટે, ચિરસ્મરણીય ગીતો માટે અને મેકિંગની પ્રામાણિકતા માટે. જુઓ યુટ્યુબ પર.

રાજનીતિઃ સાંપ્રત રાજકારણને કેન્દ્રમાં રાખીને બનેલી આ એક ઉમદા ફિલ્મ છે. પ્રકાશ ઝા એના સર્જક. 2010માં રિલીઝ થઈ. અજય દેવગન, નાના પાટેકર, રણબીર કપૂર, કેટરિના કૈફ, અર્જુન રામપાલ, મનોજ બાજપાયી, નસીરુદ્દીન શાહ જેવાં સિતારાઓ એમાં છે. શક્તિશાળી રાજકીય પરિવારો અને એના પ્રતિનિધિઓ, નબીરાઓ વચ્ચેના વૈમનસ્ય, ઘર્ષણની વાત છે. સ્વાર્થ અનુસાર ક્યારેક એકમેકને ટેકો આપતા અને ક્યારેક પગ તળેથી જાજમ ખેંચી લેતા રાજકારણીઓના દાવપેચ, એમની ગુંડાગીરી, ખૂનામરકી વગેરે ફિલ્મમાં ઠાંસીઠાંસીને ભર્યું છે. ઉપરાંત ફિલ્મની કથા અને પાત્રો મહાભારતનાં પાત્રોથી પણ પ્રેરિત છે. અર્જુનથી પ્રેરિત પાત્ર રણબીરનું, કર્ણથી દેવગનનું, કૃષ્ણથી પાટેકરનું, ભીમથી રામપાલનું, દ્રોણાચાર્યથી બાજપાયીનું તો દ્રૌપદીથી કેટનું પાત્ર પ્રેરિત છે. અમુક દ્રશ્યો ક્લાસિક હોલિવુડ ફિલ્મ ‘ગૉડફાધર’ની બેઠ્ઠી નકલ જેવાં પણ છે. સંજય દત્ત, વિવેક ઓબેરોય જેવા સ્ટાર્સે આ ફિલ્મ સાઇન કરી હતી પણ છેવટે તેઓ કરી શક્યા નહોતા. રિલીઝના વરસની એ ચોથી સૌથી તગડી કમાણી કરનારી ફિલ્મ હતી. એ જોઈ શકાય છે નેટફ્લિક્સ, યુટ્યુબ, એપલ ટીવી પર અથવા, રૂ. 100 ચૂકવીને ગૂગલ પ્લે મૂવીઝ પર.

સરકારઃ રાજનીતિથી પાંચેક વરસ પહેલાં, રામગોપાલ વર્માનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે, તેમની આ ફિલ્મ આવી હતી. બિગ બી અને અભિષેક બચ્ચન ઉપરાંત એમાં કે. કે. મેનન, કેટરિના કૈફ, તાનિશા મુખર્જી, અનુપમ ખેર વગેરે હતાં. ફિલ્મનું મુખ્ય પાત્ર અમુક અંશે શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેથી પ્રેરિત હતું. અમિતાભે ભજવેલુ એ પાત્ર સુભાષ નાગરેનું હતું. મજાની વાત એ પણ કે આ ફિલ્મ પર પણ ‘ગોડફાધર’નો બેહદ પ્રભાવ હતો. એ પણ એક અમીટ સત્ય છે કે બોલિવુડમાં બનેલી બીજી ઘણી રાજકારણ અને અંડરવર્લ્ડ ફિલ્મો પર ‘ગોડફાધર’નો પ્રભાવ રહ્યો છે. ‘સરકાર’ની વાત પર કરીએ તો, રામુએ અમિતાભને મૂળે ‘એક’ નામની ફિલ્મ માટે સાઇન કર્યા હતા. એ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યા પછી એણે પિતા સાથે પુત્રને સાઇન કર્યો અને બની ‘સરકાર’. એવી પણ વાત છે કે રામુ ’સરકાર’ મૂળે 1993માં સંજય દત્ત સાથે બનાવી નાખત, પણ ત્યારે સંજુબાબાની અટક થતાં મામલો અભેરાઈ પર ચડી ગયો હતો. ‘સરકાર પછી એની સિક્વલ ‘સરકાર રાજ’ 2008માં અને ‘સરકાર 3’ 2017માં આવી હતી. ’ખેર, ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર,યુટ્યુબ, એપલ ટીવી, એમેઝોન પ્રાઇમ વિડિયો વગેરે પર ઉપલબ્ધ છે.

યુવાઃ મણિરત્નમનો મેજિકલ ટચ ઘરાવતી 2004ની ફિલ્મની વાર્તા કંઈક અંશે ઓસ્માનિયા યુનિવર્સિટીના સ્કોલર જ્યોર્જ રેડ્ડીના જીવનથી પ્રેરિત હતી. રેડ્ડી પ્રતિભાશાળી વિદ્યાર્થી ઉપરાંત વિદ્યાર્થીનેતા અને સામાજિક ચળવળકર્તા હતા. ન્યુક્લિયર ફિઝિક્સમાં એમણે પીએ.ડી. કરતા સુવર્ણપદક જીત્યો હતો. એમના અકાળ અવસાને વિદ્યાર્થીઓને યુનિયન સ્થાપવા પ્રેર્યા હતા. અજય દેવગન, અભિષેક બચ્ચન અને વિવેક ઓબેરોય એમાં ત્રણ વિરોધાભાસી બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓના પાત્રમાં હતા. સંયોગે એમનાં જીવન કાયમ માટે બદલાઈ જાય છે. અભિનેત્રીઓ હતી રાની મુખર્જી, કરીના કપૂર અને એશા દેઓલ. ફિલ્મમાં અભિષેક લલ્લન સિંઘ છે, જે પાત્ર હૃતિક રોશન ભજવવાનો હતો. એવી જ રીતે, દેવગનનું માઇકલ મુખર્જીનું પાત્ર ઓરિજનલી શાહરુખ ભજવવાનો હતો. યુવાનોને સાંકળતી આવી ઉમદા પોલિટિકલ આપણે ત્યાં ઓછી બની છે. ફિલ્મ જોઈ શકાય છે નેટફ્લિક્સ, યુટ્યુબ કે ગૂગલ પ્લે મૂવીઝ પર.

નાયકઃ ફિલ્મનું આખું નામ ‘નાયકઃ ધ રિયલ હીરો’ હતું. શંકર દિગ્દર્શિત ફિલ્મમાં અનિલ કપૂર, રાની મુખર્જી, અમરિષ પુરી, પરેશ રાવલ હતાં. ભ્રષ્ટાચાર અને અંધાધૂંધીની દેશ પર સજ્જડ પકડના સમયમાં આવેલી આ ફિલ્મે લોકોની લાગણીનો જબરદસ્ત પડઘો ઝીલ્યો હતો. મૂળે એ 1999માં તામિલમાં બની હતી. હિન્દી રિમેક આવી 2001માં. એક ટીવી કેમેરામેન અનાયાસે એક દિવસ માટે રાજ્યનો મુખ્ય પ્રધાન બને ત્યારે શું થાય એવી એની વાર્તા હતી. શૂટિંગ દેશમાં સોએક ઠેકાણે થયું હતું. રૂ. 21 કરોડના નિર્માણના બજેટને એ બોક્સ ઓફિસ પરથી રિકવર કરી શકી નહોતી. આજે એ કલ્ટ ફિલ્મ છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ ખૂબ જોવાઈ છે. સેટેલાઇટ ચેનલ્સ પર એને દર્શકોએ ખાસ્સી માણી છે. એનાં ગીતો પણ સદાબહાર છે. ‘નાયક’ યુટ્યુબ ઉપરાંત એરટેલ એક્સ્ટ્રીમ પ્લે પર જોઈ શકાય છે.

અને આ પણઃ ‘રાજનીતિ’ની સફળતા પછી ઝાએ 2011માં ‘આરક્ષણ’ આપી હતી. અમિતાભ, સૈફ, બાજપાયી, દીપિકા પદુકોણ, પ્રતીક બબ્બર એમાં હતાં. વાર્તા આરક્ષણના રાજકારણની હતી. બોક્સ ઓફિસ પર એ ઠીક રહી હતી. એ જોઈ શકાય છે જિયો સિનેમા, યુટ્યુબ, એમેઝોન પ્રાઇમ કે ગૂગલ પ્લે મૂવીઝ પર. રવિના ટંડનના શ્રેષ્ઠ અભિનયવાળી ગણાતી ફિલ્મોમાં સ્થાન પામતી ‘સત્તા’ના ડિરેક્ટર મધુર ભંડારકર હતા. 2003ની આ ફિલ્મમાં અતુલ કુલકર્ણી, ગોવિંદ નામદેવ વગેરે પણ હતા. વાર્તા હતી એક મહત્ત્વાકાંક્ષી મુખ્ય પ્રધાન અને એની પત્નીની. એ પણ ‘આરક્ષણ’વાળા પ્લેટફોર્મ્સ ઉપરાંત એપલ ટીવી પર છે. આ સિવાય રાજકીય પાત્રો અને વિવાદાસ્પદ ઘટનાઓ આધારિત ઘણી ફિલ્મો છે. એમાં ‘ઠાકરે’, ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘શૂલ’, ‘સરદાર’, ‘શાંઘાઈ’, ‘ગુલાલ’… ઘણાં નામ લઈ શકાય. એટલાથી વાત નહીં અટકતા ઘણી વેબ સિરીઝ પણ ખરી જ.

નવું શું છે?

  • સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘ફાઇટર’ નેટફ્લિક્સ પર આવી છે. હૃતિક રોશન, દીપિકા પદુકોણ, અનિલ કપૂર, કરણ સિંઘ ગ્રોવર, અક્ષય ઓબેરોય એમાં છે.
  • પ્રાઇમ વિડિયો પર સારા અલી ખાનની ‘અય વતન મેરે વતન’ આવી છે. કથા સ્વાતંત્ર્યસૈનિક ઉષા મહેતાથી પ્રેરિત છે, જેઓએ 1942માં અંગ્રેજો વિરુદ્ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. ફિલ્મમાં સચીન ખેડેકર, અભય વર્મા, આનંદ તિવારી પણ છે. ફિલ્મ ગઈકાલથી સ્ટ્રીમ થવી શરૂ થઈ છે.
  • ઓસ્કારમાં સપાટો બોલાવનારી ‘ઓપનહેમર’ પણ ગઈકાલથી ઓટીટી પર આવી. પ્લેટફોર્મ જિયો સિનેમા છે. એમાં સિલિયન મર્ફી, એમિલી બ્લન્ટ, મેટ ડેમન, રોબર્ટ ડાઉની જુનિયર અને ફ્લોરેન્સ પઘ જેવાં કલાકારો છે.
  • હંસલ મહેતાની સિરીઝ ‘લૂટેરે’ આધારિત છે સોમાલિયાના ચાંચિયાઓએ અપહૃત કરેલી શિપ અને એની ટીમની ઘટના પર. સિરીઝમાં વિવેક ગોમ્બર, દીપક તિજોરી, રજત કપૂર, ચંદન રોય સન્યાલ, અમૃતા ખાનવિલકર વગેરે છે. આજથી એ જોઈ શકાય છે ડિઝની પ્લસ હોટસ્ટાર પર.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.22 માર્ચ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/15-03-2024/6

મારા બ્લોગ અહીં વાચો

https://www.egujarati.com

 

Share: