તોતિંગ બજેટ, મોટા સ્ટાર્સ અને ફાંકડું ઓટીટી પ્લેટફોર્મ – આ ત્રણનો સંગમ બહુ એક્સાઇટિંગ લાગે. મનમાં થાય કે આ સિરીઝ મોજ કરાવી દેશે. જોકે એવું દર વખતે થતું નથી. એના અનેક દાખલા આખી ઓનલાઇન દુનિયામાં અહીંતહીં વેરાયેલા છે

આ પણા મેકર્સને થયું છે શું? કેમ તેઓ એવી એવી સિરીઝ બનાવી રહ્યા છે જે ચકરાવે ચડાવી નાખવાની હદે નબળી હોય છે? વળી મેકર્સ કેવા, તો એવા જેમની સારી ફિલ્મો, શોઝથી આપણે એમના પર સમરકંદ બુખારા ઓવારી ગયા હોઈએ. જેમના માટે આપણે કહેતા ફરતા હોઈએ, ‘આ તો એની છેને, બેસ્ટ જ હશે, જોઈ લેજે.’ અને થઈ શું રહ્યું છે? સ્ટાર્સનાં પડીકાંમાં વીંટાળીને, પેકેજિંગનાં ગતકડાં પહેરાવીને મેકર્સ એવું કંઈક લાવવા (એક્ચ્યુઅલી, દર્શકોના માથે મારવા) માંડયા છે કે એમની સર્જનશક્તિ વિશે શંકાકુશંકાઓ થવા માંડે. વેરી બડ. બે-એક સિરીઝની વાત કરતા પહેલાં ૨૦૨૩ના થોડા શોઝની વાત કરીએ.

એ આખા વરસની સિરીઝ સૌથી વધુ વખણાયેલી સિરીઝની આપણે પહેલાં ચર્ચા કરી જ ગયા છીએ. ‘સ્કૂપ’, ‘રોકેટ બોય્ઝ’ સીઝન બે, ‘ધ રેલવેમેન’, ‘કોહરા’, ‘જ્યુબલી’, ‘ટ્રાયલ બાય ફાયર’, ‘ફર્ઝી’, ‘ધ નાઇટ મનેજર’ વગેરે એમાંની અમુક. ફિલ્મ કે સિરીઝ વિશે એવું પણ થાય કે પહેલી વાર જોતી વખતે થતી તાત્કાલિક લાગણી અને એમના વિશે બંધાતું મંતવ્ય સમય જતાં બદલાઈ જાય. સરિયામ નિષ્ફળ લેખાયેલી ફિલ્મો (અને સિરીઝ પણ) સમય વીત્યે એટલે જ કલ્ટ કે સીમાચિહ્ન સમાન બને છે. જેમ કે ‘લમ્હેં’, ‘મેરા નામ જોકર’, ‘કાગઝ કે ફૂલ’, ‘જાને ભી દો યારોં’, ‘સૂર્યવંશમ્’…
સિરીઝને પણ આ નિયમ લાગુ પડે. ગયા વરસની અનેક સિરીઝ મનમાં ઘુમરાય છે ત્યારે થાય કે એની પહેલાંના વરસમાં આવેલી અમુક નોંધપાત્ર સિરીઝ સામે એમની વિસાત નબળી રહી. અમુક જોકે ફર્સ્ટ વાચમાં પણ ગમી હતી. વિષયનું નાવીન્ય ‘ધ રેલવેમેન’માં હતું. ‘સ્કેમ ૨૦૦૩’ને ફર્સ્ટ સીઝનની સુપર સફળતાનું પીઠબળ હતું અને બીજી સીઝન પણ ગુણવત્તાની દ્રષ્ટિએ સમયનું રોકાણ વસૂલ કરનારી હતી. ‘જ્યુબલી’નું મેકિંગ ધ્યાનાકર્ષક હતું. બોલિવુડનાં પ્રારંભિક વરસોની એમાં ડોકિયું કરવાની મજા પડી હતી. ‘સ્કૂપ’ વાચેબલ હતી. ક્રાઇમ બેઝ્ડ ‘કોહરા’નો ઠહરાવ અને સુવિન્દર વિકીનો અભિનય જાનદાર હતા.

આ વરસની શરૂઆત બહુ આશાસ્પદ નથી લાગી રહી. બે સિરીઝના વાત કરીએ, એક છે મનોજ બાજપાયી, કોંકણા સેન શર્માવાળી ‘કિલર સૂપ’ અને બીજી છે રોહિત શેટ્ટીની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’. બેઉની અમુક સામ્યતા સમજીએ. બેઉ બનાવી છે સાંપ્રત સમયમાં વખણાયેલા અલગ અલગ મેકર્સે. બેઉમાં મોટા ગજાના સ્ટાર્સ છે. બેઉને ઓટીટી પ્લેટફોર્મ્સે કોથળા ખોલીને નાણાં આપતાં કહ્યું કે જા, બના લે અપની સિરીઝ.

બેઉના વૈવિધ્યની વાત કરીએ. ‘કિલર સૂપ’ બ્લેક કોમેડી, તો ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ એક્શન થ્રિલર છે. એક નેટફ્લિક્સ તો બીજી પ્રાઇમ વીડિયો પર છે. એકમાં આઠ તો બીજીમાં સાત એપિસોડ્સ છે. બેઉના સ્ટ્રીમિંગ શરૂ થવા વચ્ચે અઠવાડિયાનો ફેર છે. હવે એ જાણીએ કે બેઉમાં મોણ કેટલું છે.
બેમાંથી ઠીકઠીક ‘કિલર સૂપ’ છે. મતલબ એવો નહીં કરવો કે એ સારી છે. એની વાર્તા તામિલનાડુના મૈન્જુર નામના પર્વતોના ખોળે, ચાના બગીચા વચ્ચે રમતા કાલ્પનિક ગામે આકાર લે છે. એની માવજત વિચિત્ર છે. સિરીઝ જોતી વખતે સમજવું અઘરું થઈ પડે છે કે માળું, આગળ વધું કે નહીં. બીજું, સિરીઝ જોવાની ઉત્કંઠા હોય મનોજ માટે અને ખબર પડે કે આ તો આઉટ એન્ડ આઉટ કોંકણાની સિરીઝ છે! ટાઇટલ મજાનું હોવાથી, અને શરૂઆતમાં કોઈક રીતે એને એસ્ટાબ્લિશ કરવાનો જે પ્રયાસ થાય છે એનાથી, મનમાં ચટપટીનાં બીજ રોપાઈ જાય કે આગળ નક્કી કાંઈક જોરદાર થવાનું. બિલકુલ, સિરીઝ પતતાં સુધીમાં મુદ્દાઓ નીકળે છે ખરા પણ ફિસ્સા.

‘કિલર સૂપ’માં સયાજી શિંદે પણ જોરદાર છે. જે જોરદાર નથી એ છે માવજત. આવા વિષયમાં સુપર ટ્રીટમેન્ટ અનિવાર્ય છે. એ માટે છટપટિયાં અવશ્ય મારવામાં આવ્યાં છે. જાતજાતનાં ટ્રેક્સથી, જેના બે છેડા અડાડવા અઘરા થાય એવા પૂર્વાપર સંબંધોથી, ગળે ઊતરે નહીં એવાં પાત્રોથી… એ બધાંથી પણ દાળ (સોરી, સૂપ) ગળી (કે ગળ્યો) નહીં એટલે ભૂતિયો એન્ગલ પણ ઠપકારી દેવાયો. એ પછી પણ, રે નસીબ, કેમેય કરીને કથા જસ્ટિફાઈ થઈ નહીં. છેવટે એવા ક્લાઇમેક્સ પર સિરીઝ અટકે છે જેના વિશે હરખ કરવો કે શોક એ નક્કી કરવું કઠિન થઈ રહે છે.

‘કિલર સૂપ’ના એપિસોડ્સ બોરિયત કરાવે એટલા લાંબા છે, ઓલમોસ્ટ કલાકના છે. સિનેમેટોગ્રાફીથી એને ડાર્ક ટોનથી લીંપવામાં આવી છે જેથી વિષયવસ્તુ અનુરૂપ માહોલ બને. બબ્બે મનોજ બાજપાયી, ઇન્સ્પેક્ટર હાસન તરીકે નાસરનો સંતુલિત અભિનય પણ ખાસ કામના નથી બનતા. અભિષેક ચૌબેએ આ પહેલાં લેખક તરીકે ‘ઓમકારા’, ‘કમીને’, તો દિગ્દર્શક તરીકે ‘ઇશ્કિયા’, ‘ઊડતા પંજાબ’થી દર્શકોને આગવી શૈલીથી પ્રભાવિત કર્યા હતા. આ સિરીઝમાં એણે પોતાની હથોટીમાં શેક્સપિયરની અદા ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એ સફળ નથી તો નિષ્ફળ પણ નથી. મુશ્કેલી એ કે વાર્તાને ન્યાય કેમ આપવો એની વિમાસણમાં અન્ય ત્રણ લેખકો સાથે મળીને એણે સૂપનું રાયતું જ્યાંત્યાં ફેલાવી દીધું છે. પરિણામ? એક એવી સિરીઝ જેના વિશે સખત મતમતાંતરો રહેવાના. કોઈક કહેશે વાહ, એકદમ જુદી છે હોં. કોઈક કહેશે, અરે પણ આમાં કંઈ સમજાતું નથી એનું શું? હશે.

ઓટીટી પ્લેટફોર્મ્સના સંચાલકો ગેરન્ટેડ હિટ માટે મોટા મેકર્સ પર મદાર છે. એવી જ રીતે મોટા એક્ટર્સ પણ સેફ ઝોનમાં રહેવા મોટા મેકર્સની સિરીઝમાં કામ કરવું પસંદ કરે છે. કલાકાર તો એમ જ ધારે કે વિચારશીલ અને સફળતાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા મેકરના હાથમાં કરીઅર અને મારું કામ સુરક્ષિત છે. એ પછી પણ સૌથી મોટું નુકસાન દર્શકના ફાળે આવે છે. દર્શક અમૂલ્ય કલાકો કાઢીને, રિમોટરંગે રંગાઈને, હઈશો હઈશો કરતાક સિરીઝ જોવા અડિંગો જમાવી દે. એ પછી એના ભાગે છેવટે સાધારણ શો, દ્વિધા અને કંટાળો આવે એ કેવું?
અરે હા, હજી પેલી ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ની વાત રહી જ ગઈ. રોહિત શેટ્ટીની આ સિરીઝ એણે અને સુશ્વાંત પ્રકાશે ડિરેક્ટ કરી છે. એના વિશે આવતા અઠવાડિયે વાત.

 

Share: