ભગવાન શ્રીરામ સદાકાળના છે, પછી વાત આસ્થાની હોય કે કચકડાના આનંદની. દેશમાં ફિલ્મો બનવાની શરૂ થઈ ત્યારથી રામાયણ, શ્રીરામ, હનુમાનજી વિશેનાં સર્જનો બનતાં રહ્યાં છે

 ફાઇનલી, અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ. સદીઓ પછી શહેરમાં રામલલ્લા ફરી ભવ્ય સ્થાનકે બિરાજમાન થયા છે. સમગ્ર દેશ, આમ તો આખી દુનિયા શ્રીરામના આ મંદિરને ભાવવિભોર નયનોએ નિહાળી રહી છે. એવામાં થાય કે ઓનલાઇન દુનિયામાં વિહરતા ભગવાન શ્રીરામ વિશેની કોઈક ફિલ્મ, સિરીઝ કે ટેલિવિઝન સિરિયલ જોવી છે, તો બિલકુલ બરાબર છે. આવો, વાત કરીએ એવા મનોરંજક વિકલ્પોની જે લઈ જશે સતયુગમાં, સીતારામ સમીપે…

રામાયણ સિરિયલઃ કચકડે મઢ્યા શ્રીરામની વાત આવે ત્યારે સૌપ્રથમ તો રામાનંદ સાગર કૃત અવ્વલ ટીવી સિરીયલ યાદ કરવી પડે. 1987-88 દરમિયાન દૂરદર્શન પર એ પહેલીવાર પ્રસારિત થઈ હતી. વિશ્વમાં એ સૌથી વધુ જોવાયેલી સિરિયલ છે. ભારત ઉપરાંત સત્તર દેશોમાં એ ટેલિકાસ્ટ થઈ છે. વાલ્મીકિ અને તુલસીદાસજીના ‘રામાયણ’ ઉપરાંત એમાં વિવિધભાષી સંદર્ભગ્રંથોનો આધાર લેવામાં આવ્યો હતો. કોવિડ વખતે એ ફરી પ્રસારિત થઈ ત્યારે પણ રેકોર્ડ બ્રેક વ્યુઅરશિપ મેળવીને એણે સૌને દંગ કર્યા હતા. એમાં 78 એપિસોડ્સ છે. એને ઓનલાઇન માણવા યુટ્યુબ પર પહોંચી જાવ અને સર્ચ કરો. તિલક નામની એક ચેનલ (એના સબસ્ક્રાઇબર્સ પોણાત્રણ કરોડથી વધુ છે) પર આખી સિરિયલ ઉપલબ્ધ છે.  અરુણ ગોવિલ શ્રીરામ, દીપિકા ચીખલિયા સીતામૈયા, સુનિલ લહરી લક્ષ્મણજી, દારા સિંઘ હનુમાનજી તરીકે અને અરવિંદ ત્રિવેદી દશાનન રાવણ તરીકે જેનાથી સદૈવ ઓળખાય છે એવી આ સિરિયલ એક નહીં, અનેકવાર જોઈને પણ મન ભરાશે નહીં એ નક્કી.

અયોધ્યા વાપસીઃ સોની લિવ પર ઉપલબ્ધ આ ચાર એપિસોડની મિની સિરીઝમાં ભગવાનના વનવાસથી પાછા ફર્યા પછીની વાત છે. એ એરટેલ એક્સ્ટ્રીમ પર પણ જોઈ શકાય છે.

રામાયણઃ ધ લિજન્ડ ઓફ પ્રિન્સ રામઃ 1992ની આ એનિમેશન ફિલ્મનું સહનિર્માણ ભારત અને જાપાને કર્યું હતું. એના દિગ્દર્શક યુગો સાકો છે. વનરાજ ભાટિયાએ એમાં સંગીત પીરસ્યું છે. બાબરી મસ્જિદની ઘટના વખતે એ દેશમાં પ્રતિબંધિત હતી. પછી એનું પ્રસારણ દૂરદર્શન પર થયું હતું. નિખિલ કપૂરે શ્રીરામનું, રેલ પદમસીએ સીતાજીનું, મિશલ વર્માએ લક્ષ્મણજીનું તો ઉદય માથને રાવણનું પાત્ર ભજવ્યું છે. શત્રુઘ્ન સિંહા સૂત્રધાર છે. મૂળ અંગ્રેજી એવી આમ ફિલ્મની હિન્દી વર્ઝન પણ છે. ઓનલાઇન સર્ચ કરતાં કરતાં આ ફિલ્મ હિન્દીમાં મળી આવી હતી ઝોરોક્સ ડોટ ટુ નામની વેબસાઇટ પર. આ નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પણ મળી. એના પર ફિલ્મ અંગ્રેજીમાં જોઈ શકાય છે. એ સિવાયના વિકલ્પો પણ હશે જ.

હનુમાનઃ અહીં એક કરતાં વધુ ફિલ્મોની વાત છે. એક છે 1995ની આ નામની ફિલ્મ. એમાં ટાઇટલ રોલમાં મુકેશ ખન્ના છે. એ પણ એનિમેશન ફિલ્મ છે. પવનપુત્રના જીવનને ફિલ્મમાં કથાબદ્ધ કરવામાં આવી છે. એ ઓનલાઇન જોવા મળે કે કેમ એ એક પ્રશ્ન છે. બીજી છે 2005ની આ નામની જ એનિમેશન ફિલ્મ. એના દિગ્દર્શક વી. જી. સામંત છે. થિયેટરમાં રિલીઝ થનારી દેશની પ્રથમ ફુલ લેન્થ એનિમેશન ફિલ્મ તરીકે એ ઓળખાય છે. એની તેલુગુ વર્ઝન પણ છે. એમાં ચિરંજીવી સૂત્રધાર છે. ફિલ્મનું એનિમેશન કરનાર સિલ્વરટૂન્સ નામની કંપનીની યુટ્યુબ ચેનલ પર એ જોઈ શકાય છે. એની સિક્વલ રિટર્ન ઓફ હનુમાન પણ છે જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર છે. રસપ્રદ વાત એ પણ ખરી કે ‘રિટર્ન ઓફ હનુમાન’ પછી રિટર્ન ઓફ રાવણ નામની ફિલ્મ બનાવવાની સર્જકોની ઇચ્છા હતી પણ એ ફિલ્મ આજ સુધી પૂરી થઈ નથી.

જય હનુમાનઃ સંજય ખાને 1997માં બનાવેલી આ સિરિયલ પણ દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. એ પછી સોની પર પણ આવી હતી. હવે એ યુટ્યુબ પર અલ્ટ્રા ભક્તિ ચેનલ પર જોઈ શકાય છે. હનુમાન તરીકે એમાં રાજ પ્રેમી છે. એમાં બાળહનુમાન તરીકે આજનો જાણીતો કલાકાર કવિન દવે છે. સિરિયલમાં કુલ 178 એપિસોડ્સ છે.

હનુમાન દા દમદારઃ 2017ની આ એનિમેશન ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર છે. રુચિ નારાયણ એની દિગ્દર્શિકા છે. એમાં હનુમાન તરીકે સલમાન ખાને, રવિના ટંડને અંજની તો સૌરભ શુક્લાએ કેસરી તરીકે સ્વર આપ્યો છે. નોંધનીય છે કે આવાં મોટાં નામ છતાં ફિલ્મ ક્યારે આવી અને જતી રહી એ કોઈને યાદ નથી.

રામ સેતુઃ બે વરસ પહેલાંની અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડિઝ, નુસરત ભરુચાને ચમકાવતી આ ફિલ્મ એનું નામ સૂચવે છે એમ રામસેતુની વાત લાવી હતી. અક્ષય એમાં પુરાત્તત્વ ખાતાના અધિકારી ડો. આર્યન કુલશ્રેષ્ઠનું પાત્ર ભજવે છે. અભિષેક શર્મા દિગ્દર્શિત આ ફિલ્મ અક્ષયના સુવર્ણકાળમાં આવવા છતાં બોક્સ ઓફિસ પર નબળી રહી હતી. એ જોઈ શકાય છે પ્રાઇમ વિડિયો પર.

રામરાજ્યઃ આ નામની બે ફિલ્મો બની, એક 1943 તો બીજી 1967માં. બેઉના દિગ્દર્શક વિજય ભટ્ટ હતા. એમાંની 1943ની ફિલ્મ એકમાત્ર છે જે ગાંધીજીએ એમના જીવનમાં જોઈ હતી. અમેરિકામાં જેનું પ્રીમિયર થયું એવી એ પ્રથમ ભારતીય ફિલ્મ પણ હતી. શ્રીરામનું પાત્ર એમાં પ્રેમ અદિબે, સીતામૈયાનું પાત્ર શોભના સમર્થે, લક્ષ્મણજીનું પાત્ર ઉમાકાંતે  ભજવ્યું હતું. 1943માં બોક્સ ઓફિસ પર સૌથી વધુ વકરો આ ફિલ્મે કર્યો હતો. યુટ્યુબ પર એક કરતાં વધુ ચેનલ્સ પર ફિલ્મ ઉપલબ્ધ છે. 1967માં આવેલી રામરાજ્યમાં પ્રમુખ પાત્રો કુમાર સેન, બીના, બદરી પ્રસાદ અને ગોપી ક્રિષ્ણાએ ભજવ્યાં હતાં. એ પણ ઓનલાઇન જોઈ શકાય છે.

સંપૂર્ણ રામાયણઃ બાબુભાઈ મિસ્ત્રી દિગ્દર્શિત આ ફિલ્મ 1961માં આવી હતી. વાલ્મીકિ રામાયણ પર એ આધારિત હતી. મહિપાલ એમાં શ્રીરામ, અનિતા ગુહા સીતાજી તો બી. એમ. વ્યાસ રાવણ તરીકે હતાં. હિંદુ ઇતિહાસના મામલે એ એક સીમાચિહ્ન લેખાય છે. બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. લતાદીદીએ ફિલ્મ માટે ગાયેલાં બે ગીત, સન સનન, સનન, અને બાદલોં બરસો નયન કી ઓર સે, બેહદ લોકપ્રિય રહ્યાં હતાં અને આજે પણ છે. આ ફિલ્મ પણ યુટ્યુબ પર વિવિધ ચેનલ્સ પર છે.

સીતા રામા કલ્યાણમઃ 1961ની આ તેલુગુ ફિલ્મની વાત એટલે કરીએ કેમ કે રામાયણ વિશેની શ્રેષ્ઠ ફિલ્મોમાં એ શિરમોર ગણાતી રહી છે. એમાં એન. ટી. રામરાવે રાવણનું પાત્ર ભજવ્યું હતું. દિગ્દર્શક તરીકે એ એમની પ્રથમ ફિલ્મ હતી. એની કથા ત્યાં શરૂ થાય છે જ્યાં રાવણ ખોટા સમયે કૈલાસે પહોંચે છે. ફિલ્મમાં મંદોદરી તરીકે બી. સરોજા દેવી, હરનાથ શ્રીરામ તરીકે, ગીતાંજલિ સીતાજી તરીકે તો કાંતા રાલ નારદ તરીકે ઝળક્યાં હતાં. ફિલ્મમાં 27 ગીતો હતાં એ પણ એક નોંધવા જેવી વાત. ફિલ્મ જોઈ શકાય છે યુટ્યુબ પર, તેલુગુ સમજાય તો.

બજરંગબલીઃ 1976ની આ ફિલ્મમાં દારા સિંઘે પહેલીવાર હનુમાનજી તરીકે અભિનય કર્યો હતો. શ્રીરામ તરીકે હતા વિશ્વજીત, તો સીતાજી તરીકે મૌસમી ચેટર્જી. નિર્માતા-દિગ્દર્શક ચંદ્રકાંતની આ ફિલ્મમાં સંગીત કલ્યાણજી આણંદજીનું હતું. ફિલ્મ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

લવ કુશઃ ઉત્તર રામાયણ પર આધારિત આ ફિલ્મ 1997માં આવી હતી. એમાં જીતેન્દ્ર અને જયા પ્રદા અનુક્રમે શ્રીરામ અને સીતાજી તરીકે હતાં. નોંધનીય છે કે એમાં લક્ષ્મણજી બન્યા હતા અરુણ ગોવિલ! અને હા, હનુમાનજી દારા સિંઘ જ હતા તો સાથે પ્રાણ એમાં વાલ્મીકિ બન્યા હતા. ફિલ્મ ઉપલબ્ધ છે ઝીફાઇવ પર.

બોક્સ મેટર

વિકિપીડિયા તપાસતાં જાણ થાય છે કે ભગવાન શ્રીરામ પર આપણે ત્યાં 53 ફિલ્મો બની ચૂકી છે. ફિલ્મો જ, એમાં વેબ સિરીઝ કે સિરિયલ્સની ગણના નથી. એમાં વિદેશમાં બનેલી રામાયણ કે શ્રીરામ આધારિત ફિલ્મો વગેરે પણ નથી. એમાં હનુમાનજી વિશેની આજની મોડર્ન ફિલ્મો પણ સામેલ નથી. મુદ્દે, શ્રીરામ માત્ર આસ્થા નહીં, આનંદ અને મનોરંજનના વિશ્વ માટે પણ એક વિશિષ્ટ પ્રેરક બળ છે. રામાયણ આધારિત ફિલ્મોની યાદી તપાસતાં એ પણ ખ્યાલ આવે છે કે એમાંની મહત્તમ ફિલ્મો દક્ષિણ ભારતીય ભાષાઓમાં બની છે.

ભગવાન શ્રીરામ અને રામાયણ આવનારા સમયમાં પણ સર્જકોને આગવી રીતે ફિલ્મો, સિરીઝ વગેરે બનાવવા પ્રેરતા રહેવાના છે. દંગલ અને છિછોરે ફેમ નીતેશ તિવારી પણ રામાયણ પરથી ફિલ્મ બનાવવાની તજવીજ કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ એમની વર્ઝનમાં રામ તરીકે રણબીર કપૂર, સીતાજી તરીકે સાંઈ પલ્લવી, રાવણ તરીકે કેજીએફ ફેમ યશ, લક્ષ્મણજી તરીકે સાઉથનો અભિનેતા નવીન પોલીશેટ્ટી, હનુમાનજી તરીકે સની દેઓલ, કુંભકર્ણ તરીકે બોબી દેઓલ હશે એવી વાતો છે. ફિલ્મનું શૂટિંગ ચોમાસા પહેલાં પૂરું થવાની વાત છે.

નવું શું છે?

 

  • રણબીર કપૂરની સફળ ફિલ્મ એનિમલ નેટફ્લિક્સ પર આવે એ પહેલાં એના નિર્માતાઓ આપસમાં બાખડ્યા. મામલો અદાલતે ગયો. હવે સમાચાર છે કે મામલો થાળે પડી ગયો છે. ફિલ્મના ઓટીટી આગમન સામેનાં વિઘ્નો દૂર થયાં છે.
  • એનિમલ સાથે રિલીઝ થઈને બોક્સ ઓફિસે માર ખાનારી વિકી કૌશલની સેમ બહાદુર પણ ઓટીટીએ આવી છે. એ જોઈ શકાય છે. ઝીફાઇવ પર.
  • ગયા અઠવાડિયે નેટફ્લિક્સ પર સાલાર પાર્ટ વન પણ આવી ગઈ છે. પ્રભાસની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી છે.
  • રવિના ટંડનને ચમકાવતી કર્મા કોલિંગ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. અલીબાગના બેકડ્રોપવાળી આ સિરીઝ અમેરિકન સિરીઝ રિવેન્જથી પ્રેરિત છે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.26 જાન્યુઆરી, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/26-01-2024/6

મારા બ્લોગ અહીં વાચો   https://www.egujarati.com

 

Share: