સૂરજ બડજાત્યા અને રાજશ્રી પ્રોડક્શન્સનું નામ જે સર્જન સાથે સંકળાય (‘મૈં પ્રેમ કી દીવાની હૂં’નો અપવાદ બાદ રાખતાં) એમાં ભારોભાર પારિવારિક પરિબળ અને દેશીપણું હોય એ અપેક્ષિત જ હોય. ઓટીટીનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે ત્યારે બડજાત્યા માટે એમાં પોતાના સર્જનની રોશની ફેલાવ્યે આમ પણ છૂટકો નહોતો. તેઓ ફાઇનલી ઓટીટી પર આવ્યા છે. પોતાની સાથે ‘બડા નામ કરેંગે’ નામની સિરીઝ લઈને. સોની લિવ પર આવેલી આ સિરીઝમાં નવ એપિસોડ્સ છે. જોવાનું શું છે?
દેશનાં બે મધ્યમ કદનાં શહેર, રતલામ અને ઉજ્જૈનની પશ્ચાદભૂ પર સિરીઝની વાર્તા આકાર લે છે. એમાં મુંબઈ પણ એક કેન્દ્રવર્તી શહેર ખરું. ઉજ્જૈનની કન્યા સુરભિ (આયેશા કડુસ્કર) અને રતલામી યુવાન રિષભ (રિતિક ઘનશાની) બેઉ મુંબઈમાં ભણે છે. કન્યા ગર્લ્સ હોસ્ટેલમાં તો યુવાન પૉશ ફ્લેટના પોતાના બેચલર્સ હાઉસમાં રહે છે. વાર્તા એમના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓને એકમેકમાં સાંકળતી રહે છે. વાત એમ છે કે બેઉના પરિવારજનોએ એમના અરેન્જ્ડ મેરેજનો વિચાર કર્યો છે. એટલે આબાલવૃદ્ધની હાજરીમાં પહેલી મીટિંગ ગોઠવાઈ છે. એમાંથી ખુલે છે વીતેલી ઘટનાઓની પાંખડીઓ. દર્શકને જાણ થાય છે કે ભલે પરિવારજનો માટે આ લગ્નોત્સુકો પહેલીવાર મળી રહ્યાં હશે પણ હકીકત જરા જુદી છે. થયું એમ છે કે મુંબઈમાં બેઉની મુલાકાત તો થઈ છે જ, પણ બેઉને લૉકડાઉનમાં સાવ અનાયાસે રિષભના ઘરમાં સાથે રહેવાની ફરજ પણ પડી હતી. એમાં મુશ્કેલી એ સર્જાય છે કે જેમના પરિવાર સત્ય જ સર્વસ્વ છે, પરિવારજના સામે ક્યારેય ખોટું ના બોલવું એવી રટણમાં રાચતા હોય, ત્યાં આ કન્યા-યુવાન એ કહી શકતાં નથી કે લે, અમે તો એકમેકને પહેલેથી ઓળખીએ છીએ. બસ, આવડીક આ વાત પર નવેનવ એપિસોડમાં કંઈક ને કંઈક થયે રાખે છે, થયે રાખે છે…
તો, રતલામી યુવાનનો પરિવાર ધનાઢ્ય છે. ઉજ્જૈની કન્યા શિક્ષકપુત્રી અને સાધારણ આર્થિક સ્થિતિ ધરાવે છે. રતલામી યુવાન ઊંચા માયલું ભણીને પરિવારના મીઠાઈ-ફરસાણના સફળ વેપારને નવી ઊંચાઈએ લઈ જવા ચાહે છે. એના તાઉજી આનંદ રાઠી (કંવલજીત સિંઘ) સંસ્કાર અને નીતિમત્તાનો છલોછલ છલકતો ઘડો છે. એના પિતા વિવેક (રાજેશ જૈસ) સહિત લગભગ સૌ પરિવારજનો તાઉજીના આજ્ઞાંકિત છે. એક તાઈજી કુસુમ (અલકા અમીન) અને નીતાફઈ (અંજના સુખાની) વચ્ચેના સંબંધ જરા તંગ છે. પણ એ તો દરેક ઘરમાં કોઈક વચ્ચે હોયને?
આપણી સુરભિ આમ તો વાઇરોલોજિસ્ટ થવાને સજ્જ છે પણ એના વિશે સિરીઝમાં અમથા વઘારથી વિશેષ કશું આવતું નથી. એવી જ રીતે, ડિઝાઇનર વસ્ત્રોમાં સજ્જ પાત્રો, બેઉ પરિવારના, વાતાવરણને ઘણી અંશે બીબાઢાળ બનાવે છે. રતલામમાંનું રાઠી પરિવારનું ઘર કોઈક દેશના રાજાને શરમાવે એવું ભવ્ય છે. હશે, વેપારી પરિવાર શ્રીમંત હશે પણ આ જરા વધારે પડતું છે. જોકે બડજાત્યાએ એમની પાછલી ફિલ્મોમાં, અદ્દલ ચોપરાઝ અને જોહર્સની જેમ લાર્જર ધેન લાઇફ રજૂઆતના નામે આ રીતે ભવ્ય ઘર દર્શાવ્યાં જ છે. એના લીધે અહીં વાર્તા અને વાતાવરણ બેઉની ઇમાનદારી ઓછી વર્તાય છે. છોકરીના ઘરમાં, “છોકરાવાળા ઊંચા, અમીર ખાનદાનના છે,” તો તાઉજીના સુકાનમાં, છોકરાના ઘરમાં, “પરંપરા, નીતિ, સંસ્કાર વગેરે વગેરે સર્વસ્વ છે,” એની એકધારી વાતો થયા કરે છે.
બેશક, ઘણી ઘાણ વેબ સિરીઝ કરતાં ‘બડા નામ કરેંગે’ ક્યાંય બહેતર છે. એક તો એ વેબ સિરીઝની દુનિયામાં ચોખ્ખીચણાક કથા લાવ્યું છે એ માટે એને પૂરા માર્ક્સ આપવા રહ્યા. એ એક પ્લસ પછી ઊંડાણમાં જઈએ તો એ બાબતો સામે આવે છે જે જરા કઠે છે. જેમ કે, તાઉજીના નીતિમત્તાના, ઓલમોસ્ટ ભાષણ લાગતા સંવાદો, જરા વધારે પડતા છે. સિરીઝમાં ડગલે ને પગલે આખો પરિવાર એકસાથે બેસીને જે રીતે ચર્ચાઓ (સેન્ટરમાં તો તાઉજી જ) કરતા બતાવ્યો છે એ પણ ઓહોહો છે. સંસ્કારોને સેન્ટરમાં રાખીને પણ વધુ વાસ્તવિક સ્પર્શથી સિરીઝને વધુ અસરકારક બનાવી શકાઈ હોત. એવી જ રીતે, છોકરા-છોકરીના સગપણની વાતથી સિરીઝ શરૂ થાય એ સરસ હતું પણ એની પાછળ એક પછી એક એપિસોડ્સ પાણીની જેમ વહી જાય છે એ નીરસતાનો મામલો છે. એમાં વાર્તા રસાળ થવાને બદલે કંટાળાજનક થવા માંડે છે. નવ એપિસોડ જેટલો વ્યવસ્થિત પનો હોય ત્યારે કથામાં બીજા ઘણા આયામ ઉમેરાઈને એની ગતિ વધારવી કદાચ અનવાર્ય હતી.
હશે, સિરીઝમાં જે બાબત મન જીતી લેશે એ એની સરળતા છે. બીજી આ નવયુવાન કલાકારો, આયેશા-રિતિકની સરસ સ્ક્રીન પ્રેઝન્સ છે. બેઉ પોતપોતાના પાત્રમાં બંધબેસે છે. કવંલજીત સહિતના અનુભવી કલાકારોને ભાગે પાત્ર જેવું પણ આવ્યું હોય પણ એ સૌનો અભિનય સંનિષ્ઠ અને કથાયોગ્ય છે.
સિરીઝના લેખક એસ. મનસ્વી છે જેમણે 2011માં રાજશ્રી માટે ‘લવ યુ મિસ્ટર કલાકાર’ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી હતી. સહલેખક વિદિત ત્રિપાઠી છે. સિરીઝના ડિરેક્ટર પલાશ વાસવાનીએ આ પહેલાં ‘ગુલ્લક’ સિરીઝના અમુક એપિસોડ્સ ડિરેક્ટ કર્યા હતા. એમણે અહીં પણ થોડી હળવાશભરી પળોથી માહોલને સંસ્કાર સહિત સ્મિતથી ભરી દીધો હોત તો સરસ કામ થાત.
સિરીઝનું મેકિંગ વાર્તાની જરૂરિયાત કરતાં વધુ ભપકાદાર છે. એમાં ભપકા કરતાં વાસ્તવિકતાનો સ્પર્શ વધુ જરૂરી હતો. સંગીત અનુરાગ સૈકૈયાનું છે જે ક્યાંક કર્ણપ્રિય તો ક્યાંક સાધારણ છે. નિશ્ચિતપણે જ એમાં બડજાત્યાના સ્પર્શનો અભાવ છે. સરવાળે, ‘બડા નામ કરેંગે’ 2025માં દર્શકને 1990 કે એ પહેલાંના દાયકામાં લટાર મારવા લઈ જતા પાત્રો અને વાર્તાનો સમન્વય છે.
નવું શું છે
- ‘ઉપ્સ અબ કયા?’ વેબસિરીઝ ગઈકાલથી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. આ સિરીઝમાં શ્વેતા બાસુ પ્રસાદ, આશિમ ગુલાટી, જાવેદ જાફરી, સોનાલી કુલકર્ણી, અપરા મહેતા, અભય મહાજન અને એમી આએલા મુખ્ય ભૂમિકામાં છે.
- ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમની દુનિયામાં પત્રકારોના જીવનને ઉજાગર કરતી સિરીઝ ‘ક્રાઇમ બીટ’ આજથી ઝી ફાઇવ પર આવી છે. આ સિરીઝમાં અભિષેક સિંહા, સાકીબ સલીમ,બિન્ની ચૌધરી, સાઈ તામહણકર વગેરે જેવા કલાકારો અભિનય કરતા દેખાશે.
- અમેરિકન એકશન ક્રાઇમ ટેલિવિઝન સિરીઝ ‘રીચર સીઝન 3’ ગઈકાલથી અમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી છે. આ સિરીઝમાં એલન રિચસન, મારિયા સ્ટેન, એન્થોની માઈકલ હોલ અને જોની બર્ચટોલ્ડ મુખ્ય ભૂમિકાઓમાં છે. જેમાં આઠ એપિસોડ છે.
- ટોમા ઇકુટા, માસાહિરો હિગાશિડે, મિઉ તનાકા અભિનિત જાપાનીઝ એકશન, એડવેન્ચર, ક્રાઇમ નેટફ્લિક્સ ફિલ્મ ‘ડેમોન સિટી’ 27 ફ્રેબુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
- ડિરેકટર લેસ્લી લિંકા ગ્લેટની નેટફ્લિક્સ માટે બનાવવામાં આવેલી અમેરિકન પોલિટિકલ થ્રિલર ટેલિવિઝન સિરીઝ ‘ઝીરો ડે’ ગઈકાલથી નેટફ્લિક્સ આવી છે
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/21-02-2025/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment