ઓટીટી સતત મોંઘાં થવાના મુકામે પહોંચી ગયાં છે. એની સંખ્યા આપણી ખરેખરી મનોરંજનની ભૂખ કરતાં ક્યાંય વધી ગઈ છે. સામાન્ય પરિવાર એમની પાછળ આવકની તગડી રકમ ખર્ચી રહ્યો છે. સવાલ એ છે કે આ બધું ક્યાં જઈને અટકવાનું

 

ઇન્ડિયામાં સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતું ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ છે. સબસ્ક્રાઇબર્સ 4,92,00,000 છે. જિયો સિનેમાના અઢી કરોડ સબસ્ક્રાઇબર્સ છે. એમેઝોનના પ્રાઇમ વિડિયોના  બે કરોડ દસ લાખ, સોની લિવના એક કરોડ વીસ લાખ તો ઝી ફાઇવના 75 લાખ છે. આ પ્લેટફોર્મ્સ પૈસા લઈને મનોરંજન પીરસે છે. પૈસા લેતી વખતે જાહેરાત મનોરંજન પીરસવાનું એમણે આશ્વાસન આપ્યું છે. એ આશ્વાસનનું ઝડપભેર બાષ્પીભવન થઈ રહ્યું છે. પેઇડ સબસ્ક્રિપ્શન હોય તો પણ જાહેરાત જોવી જ પડે એ દિવસો ઓલમોસ્ટ આવી ગયા છે.

એમએક્સ જેવાં પ્લેટફોર્મ્સ પહેલેથી કહે છેઃ મફતમાં મનોરંજન જોવા યુ આર મોસ્ટ વેલકમ, એટલી શરતે કે શો, ફિલ્મની વચવચમાં જાહેરાતો જોવાની. પેઇડ પ્લેટફોર્મ્સે સબસ્ક્રાઇબર્સને વગર જાહેરાતનો મોજથાળ (મોહનથાળની જેમ) પીરસવાનો વાયદો આપીને હવે હળવેકથી દર્શકોના માથે એડ્સ ફટકારવા માંડી છે. ઓટીટી પ્લેટફોર્મ્સને સબસ્ક્રાઇબર્સથી સેંકડો-હજાર કરોડમાં આવકથી પણ ધરવ નથી. ગ્રાહકે વગર જાહેરાતના મનોરંજનના માટે લવાજમ ભર્યું છતાં એને એડ્સ જોવાની ફરજ પાડવામાં આવી રહી છે. એ અંચઈ છે.

 

એની સામે લડત આપવાનો સવાલ જ નથી. ગ્રાહકના અધિકારની પરવા નથી કંપનીઓને કે નથી કાયદામાં એ માટે સચોટ જોગવાઈ. કોઈ માથાફરેલ ગ્રાહક વાંધો ઉઠાવે તો ઓટીટી પ્લેટફોર્મ્સ, ‘ટર્મ્સ એન્ડ કંડિશન્સ’ બતાવીને છેવટે સિદ્ધ કરી દેશે કે અમને આ કરવાનો અધિકાર છે. ગ્રાહક શું કરી લેવાનો? ઓટીટી પ્લેટફોર્મ્સનાં લવાજમ ફટાફટ વધવાનાં છે. વગર એડ્સના અલાયદા પ્લાન પણ આવવાના છે. વધારાના દામ સાથે. નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયોએ અન્ય દેશોમાં આ આરંભી દીધું છે. આપણા સુધી રેલો આવવાનો છે. બાકીની કંપનીઓ પણ લવાજમ વધારશે. જાહેરાત સાથે કે વિનાના પ્લાન લાવીને કંપનીઓ બે વિકલ્પ આપશેઃ કાં અમને જાહેરાતથી પણ કાં તગડી સબસ્ક્રિપ્શન ફી ચૂકવીને કમાવા દો.

 

કેટલું? ધારો કે ડિઝની પ્લસ હોટસ્ટારના તમામ સબસ્ક્રાઇબર્સ મિનિમમ પ્લાનમાં, વાર્ષિક રૂ. 899ના પ્લાનમાં, છે. તો, કંપનીને સબસ્ક્રાઇબર્સથી વાર્ષિક રૂ. 4,423 કરોડ આવક છે. રૂ. 1,499ના પ્લાન પ્રમાણે રકમ 7,375 કરોડ થાય. હવે કંપનીના ખરેખરા ટર્નઓવરની વાત કરીએ. ડિઝની પ્લસ હોટસ્ટારે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 4,340.79 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. આંકડો માત્ર ભારતનો છે. વિશ્વના તમામ દેશોના ટર્નઓવરનો આંકડો માથું ચકરાવી નાખે એવો છે. આવાં જ ટર્નઓવર નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયોનાં છે. ચિક્કાર આવક પછી પણ, કંપનીઓનાં પેટ ભરાતાં નથી એટલે એ હજી વધુ, હજી વધુ કરતીક કમાણીના નીતનવા રસ્તા શોધ્યે રાખે છે.

સામે આ કંપનીઓ શું આપે છે? જાતે બનાવેલા અથવા બીજા સર્જકોના શોઝ-ફિલ્મોના અધિકાર ખરીદીને આપણને જોવાની સગવડ. જાતે નિર્માણ કરતી વખતે ઓટીટી પ્લેટફોર્મ્સના અધિકારીઓ પોતાની સમજણ (કે મુનસફી) પ્રમાણે કામ કરે છેઆ અધિકારીઓ, ભલે તમામ નહીં પણ અનેક કિસ્સામાં, કડદો એટલે ભ્રષ્ટાચાર કરે છે. આ કલ્ચર ફિલ્મોમાં, ટીવી સિરિયલ્સમાં પહેલેથી હતું. ત્યાંના જ રથી-મહારથીઓ ઓટીટીમાં છે એટલે એ બધું આ ક્ષેત્રમાં ફેલાય એ સ્વાભાવિક છે. ભ્રષ્ટાટાર ઉપરાંત અધિકારીઓ સર્જનાત્મકતાના નામે સર્જકોના માથે જબરદસ્તી પોતાના નિર્ણયો ઠોકી દે છે. “શો તો આમ જ બનશે, ફાવે તો કરો બાકી ચાલતા પકડો,” એનું ફરમાન અધિકારીઓ નવોદિત સર્જકોને અને એસ્ટાબ્લિશ્ડ, સફળ, લોકપ્રિય સર્જકોને પણ બેશરમી સાથે કરે છે. પરિણામે, ઓટીટીના મોટાભાગના શોઝ કે ફિલ્મો સર્જકોની સાચી આવડત કે ક્ષમતાનું પરિણામ બનવાને બદલે અધિકારીઓની દાદાગીરીથી તૈયાર થતું વર્ઝન હોય છે.

હજાર કરોડમાં આવક કરનારાં ઓટીટી બિગ બજેટ શો બનાવતી વખતે કોને ખબર શું વિચારતા હશે. ગયા વરસે પ્રિયંકા ચોપરા, સ્ટેનલી ટૂચી, લેસ્લી મેનવિલનો શો ‘સિટાડેલ’ પ્રાઇમ વિડિયો પર આવ્યો. નિર્માણનું બજેટ શું હતું? 300 મિલિયન અમેરિકન ડોલર, એટલે રૂ. 2490 કરોડ. શો એવી ખરાબ રીતે રોકાણના છઠ્ઠા ભાગ જેટલું વળતર માંડ મળ્યું હશે.

આવાં નુકસાનવાળી સિરીઝ પછી કંપનીઓ આર્થિક અકળામણ સહન કરે ત્યારે સૂટેડ-બૂટેડ અધિકારીઓનું ખાસ કંઈ જતું નથી. જોબ ગઈ બીજા કોઈક ઓટીટીવાળા એમને પોતાના કરી લે છે. મર થાય છે સબસ્ક્રાઇબર્સનો, દર્શકોનો. એ મોટી આશા સાથે ખરાબ શો જુએ. છોગામાં, કંપનીઓનાં નુકસાનનું સાટું વાળવા સબસ્ક્રિપ્શન ફીમાં વધારો થાય તો પણ ચૂકવે. અને હવે એ જાહેરાતો પણ જોશે.

તમે એવું વિચારી રહ્યા છો કે આ બધું શું છે?

આ છે કોર્પોરેટ કલ્ચર, જેનું કશું થઈ શકે નહીં. આ એ સિસ્ટમ છે જેમાં ખામી હોય તો પણ કોઈ ચિંતિત નથી. વરસો પહેલાં બધે કેબલ કનેક્શન હતાં. ત્યારે પણ આવો તાલ થતો. કંપનીઓ સમયાંતરે માસિક ભાડું વધારતી. ત્યારે હજી ગ્રાહક સુરક્ષા કોઈક ચીજ હોવાથી સત્તાધીશો, રાજકારણીઓ પણ વચમાં પડતા. પ્રજા ઉહાપોહ કરતી. હવે એવી આશા વ્યર્થ છે. હવે કોર્પોરેટ માંધાતાઓ કરે એ સાચું.

ઓટીટી સહિત અનેક વેપારમાં આ સિદ્ધ રીત અપનાવાય છે. સૌથી પહેલા કંનીઓ સસ્તા ભાવે માલ (અહીં, સબસ્ક્રિપ્શન) આપે. સામાન્ય માણસ લલચાઈને ગ્રાહક બની જાય. એ તબક્કે કંપનીઓ નુકસાન કરે તો એના સ્થાપકો, રોકાણકારો એને નુકસાન ખમી લેવા સજ્જ હોય છે. ધીમેધીમે ગ્રાહકોની સંખ્યા વધે અને નુકસાન ઓછું થાય. પછી એ મુકામ આવે જ્યાં કંપની થાળે પડે. એના ગ્રાહકનોી સંખ્યા મોટી હોય, વેપલો પણ વધ્યો હોય અને ગ્રાહકનું કાંડું આમળી શકાય એવી સ્થિતિ પણ સર્જાઈ હોય. સાથે, જે તે માલ નોવેલ્ટી કે આકર્ષણ, લક્ઝરી વગેરેમાંથી આવશ્યક ચીજ પણ બની હોય. બસ, પછી ખેલ શરૂ. પછી કંપનીઓ માલનો ભાવ પોતાની રીતે નક્કી કરે, શરતો પણ બદલે રાકે, તો પણ ગ્રાહક આંટીમાં આવી ગયો હોવાથી નો પ્રોબ્લેમ.

આ કુપ્રથા અનેક એવી ચીજોને લાગુ પડે છે જેની પંદર-પચીસ વરસ કલ્પના સુધ્ધાં થતી નહોતી. ખરેખર કહેજો, આપણે આટલાં બધાં ઓટીટી પ્લેટફોર્મ્સની જરૂર છે ખરી? સસ્તા મનોરંજનના નામે દર મહિને ઓટીટી પાછળ આટલા બધા રૂપિયા વાપરવાની જરૂર છે ખરી? આપણે ઓછી ફિલ્મો, અમુક કલાક જ ચાલતા ટેલિવિઝન ટેલિકાસ્ટ,અને પછી  સાદગી સાથે બનતી દૂરદર્શનની સિરિયલ્સ સાથે પણ આનંદમાં હતા. હવે પડદાનું મનોરંજન આપણા જીવનના અનેક અમૂલ્ય કલાકો ઓહિયા કરી જાય છે. એણે આણને જીવનનાં બીજાં અનેક મજાનાં મનોરંજનોથી અળગા કરી દીધા છે. આ બધું ખરેખર રાઇટ છે? વેલ્યુ ફોર મની છે? જીવનની આવશ્યકતા છે?

આ સવાલ એટલા માટે વિચારવાનો છે કેમ કે પસાર થતા સમય સાથે ઓટીટી પ્લેટફોર્મ્સ મોંઘાં થવાનાં જ છે. એમણે આપણી માનસિકતા પર સજ્જડ પકડ તો કરી જ લીધી છે. આપણે એમના ઓશિયાળા ના થઈએ એ હવે શક્ય નથી પણ કેટલા ઓશિયાળા થઈએ એના પર ગંભીરપણે વિચાર ચોક્કસ કરવા જેવો છે. સોચ લો.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/16-02-2024/6

મારા બ્લોગ અહીં વાચો

https://www.egujarati.com

Share: