સીધી ઓટીટી પર આવતી ક્ષુલ્લક ફિલ્મોથી આ ફિલ્મ અલગ છે. અટપટી ટ્રીટમેન્ટ છતાં એ સ્નિગ્ધ છે. બિનપંજાબીઓ જેને ઓળખતા નહીં હોય એવા ગાયકના જીવનની ઘટમાળને પેશ કરતાં એ જીવનસ્પર્શી મુદ્દાઓ છેડતા દર્શકને અભિભૂત કરે છે

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ અમર સિંઘ ચમકીલામાં ધન્નીરામ ઉર્ફે અમર સિંઘ, લુધિયાણામાં ઢોલકવાદક કેસર સિંઘ ટિક્કીને મળે છે. વરસ 1977નું છે. અમર સિંઘ ટિક્કીને કહે છે કે મને ગાયક જિતેન્દર જિન્દાને મેળવી આપો. અમરને તુચ્છ ગણીને ટિક્કી પૂછે છે, “તું હૈ કોન?”

અમર કહે છે, “મૈં આજ કુછ નહીં હૂં જી.”

ટિક્કી કહે છે, “ઔર કલ હો જાયેગા?”

અમર આત્મવિશ્વાસ સાથે કહે છે, “હાં…”

…આગળ જતાં અમર સિંઘ બને છે ચમકીલા. ચમાર જાતિમાંથી આવતો એવો ગાયક જે પંજાબીઓનાં હૈયાં પર એકહથ્થુ રાજ કરે છે. રાજ એવું કે કેસેટ-રેકોર્ડ્સના જમાનામાં એનાં આલબમ સોલ્ડ આઉટ થઈ જતાં, એનાં કાળાંબજાર થતાં. પેલો ટિક્કી પણ ચમકીલાનો તબલચી બને છે. વાત ત્યાં પહોંચે છે કે દસ વરસ પછી, ટોરોન્ટોમાં અમિતાભ બચ્ચનના શો પછી ચમકીલાનો શો હતો. આયોજક ઉછળતા અવાજમાં ચમકીલાને કહે છે, “અમિતજીનો શો થયો ત્યારે હૉલમાં એક્સ્ટ્રા 137 સીટ લગાડવી પડી હતી. તમારા શોમાં 1024 સીટ લગાડવી પડી!”

આ સિદ્ધિથી ખુશ થવાને બદલે ચમકીલા ખિન્ન છે. એની અંદર જાણે શૂન્યતા વ્યાપી જાય છે. કારણ? આવી સફળતા પણ વ્યર્થ છે એની જાણે એને પ્રતીતિ થાય છે? પછીના દ્રશ્યમાં ચમકીલાનાં ગીતોથી સખત નારાજ શીખ આગેવાનો ચમકીલાને ધમકાવે છે, “આજથી, અત્યારથી કોઈ શોમાં તું કોઈ બીભત્સ ગીત નહીં ગાય, દારૂ નહીં પીએ, માંસ-મચ્છી નહીં ખાય, બીડી પણ નહીં પીએ. અન્યથા, ટોરોન્ટો તો ઠીક, દુનિયામાં જ્યાં હોઈશ ત્યાં પહોંચીને…” ચમકીલા બહાર નીકળીને કારમાં બેસે છે અને પેલાવની દેખતાં પહેલું કામ બીડી પેટાવવાનું કરે છે.

અમર સિંઘ ચમકીલા ઇમ્તિયાઝની, ‘હાઇવે’ પછીની સૌથી દમદાર ફિલ્મ છે. ફિલ્મ પર એની ‘રૉકસ્ટાર’ની ભરપૂર છાંટ છે. બેઉના વિષય સિંગરના છે. બેઉ રિયલ પાત્રથી પ્રેરિત છે. બેઉ પાત્ર સેલ્ફ મેઇડ વિદ્રોહી જેવા છે. બેઉ ફિલ્મ ઘેરી, અટપટી (છતાં સ્નિગ્ધ-સચોટ) ટ્રીટમેન્ટ અને કર્ણપ્રિય સંગીત ધરાવે છે. બેઉ એવા પ્રશ્નો ઊભા કરે છે જે પહેલીવાર ફિલ્મ જોતી વખતે કદાચ ગૌણ લાગે છતાં વિચારતા કરી મૂકે.

‘રૉકસ્ટાર’ એના મિત્રના જીવનથી પ્રેરિત હતી. ચમકીલા વિશ્વભરના પંજાબીઓને ક્યારેક ઘેલા કરનારા ગાયકથી પ્રેરિત છે. આજના દર્શક સિંગર્સ દલેર મહેંદી, ગુરદાસ માન, મલકિત સિંઘ (તુતક તુતક તુતિયા ફેમ) વગેરે પંજાબી સિંગર્સથી પરિચિત હશે. ચમકીલાને બિનપંજાબીઓ નહીં ઓળખતા હોય. એના સમયે એ પંજાબીઓનાં હૈયા પર રાજ કરતો હતો. એનો સમય જોકે સાત-આઠ વરસનો જ. 27 વરસની તપતી જુવાનીમાં એની અને એની બીજી પત્ની, સહગાયિકા અમરજોત કૌરની નિઘૃણ હત્યા થઈ હતી. જે ગીતોએ એને લોકહૃદય પર રાજ કરતો કર્યો એ ગીતો જ એની હત્યામાં નિમિત્ત બન્યા. એનાં ગીતો નખરાળાં, કંઈક અંશે દ્વિઅર્થી કે ગલગલિયાં કરાવતાં ફટાણાં જેવાં હતાં. એના શબ્દોમાં સ્ત્રી-પુરુષો વચ્ચેના સુંવાળા (કે આડા?) સંબંધો વણાઈ જતા હતા. સમાજના બની બેઠેલા ઠેકેદારોને ગીતો ખૂંચ્યા. એ ઠેકેદારો કોણ? કટ્ટરવાદીઓ? આતંકવાદીઓ? પ્રતિસ્પર્ધીઓ? પ્રશ્ન આજ સુધી વણઉકેલ્યો છે.

અમર સિંઘ ચમકીલાની શરૂઆત ચમકીલા અને અમરજોતની હત્યાથી થાય છે. 1988માં જલંધરના મેહસામપુર ગામે શો પહેલાં એ ઘટના થઈ હતી. પછી વર્તમાન અને ભૂતકાળ વચ્ચે ફિલ્મનો ગ્રાફ ફરે છે. તુમ્બી વગાડતા ગીત ગાતા અમર સિંઘને યોગાનુયોગે બ્રેક અને ઉપનામ ચમકીલા મળે છે. અન્યોના ટેકે કારકિર્દી શરૂ કર્યા બાદ એ સ્વતંત્ર ગાયક બને છે. એ દોરમાં અખાડા એટલે જાહેર શોઝમાં સ્ત્રી-પુરુષની જોડી ચાલતી. ખાસ્સી તલાશ પછી અમરજોત કૌર સાથે ચમકીલાની જોડી જામે છે. ત્યાં જ અમરજોતનો પિતા દીકરીને અવિવાહિત ચમકીલાથી અળગો કરવાનું ઠરાવે છે. એની જાણ થતાં ચમકીલા-અમરજોત નાસીને લગ્ન કરી લે છે. એ પછી અમરજોતને જાણ થાય છે કે ચમકીલા તો પહેલેથી વિવાહિત હતો અને…

બિનફિલ્મી સંગીતમાં દેશમાં પંજાબ, બિહાર વરસોથી મોખરે છે. પંજાબમાં બચ્ચાંઓ ગળથૂથીમાં સિંગર બનવાનાં શમણાં પીએ છે. ચમકીલા એવો જ હતો. નિરીક્ષણ અને અનુભવથી એણે સમાજમાં પ્રવર્તતા છુપા સંબંધોને ગીતોમાં  ફેરવ્યા હતા. એનાથી જ એને અમાપ લોકપ્રિયતા અને મોત, બેઉ મળ્યાં.

કળાસ્વાતંત્ર્યના વિરોધીઓએ આ રીતે અન્ય પરફોર્મ્સની પણ હત્યા કરી છે. છેલ્લો ગાજેલો કિસ્સો 2022માં સિદ્ધુ મુસેવાલાની હત્યાનો છે. આ ફિલ્મની કથા ચમકીલાની હત્યાથી શરૂ થઈને એના સંઘર્ષ, એની સફળતા સુધીની ઘટનાઓ આવરી લે છે. વર્તમાન અને ભૂતકાળ વચ્ચે દ્રશ્યો સતત બદલાતાં રહે છે. છતાં, અલીના ઉત્કૃષ્ટ દિગ્દર્શનને લીધે ક્યાંય રસક્ષતિ થતી નથી. કેમેરાનું ટેકિંગ અને વાર્તાની માંડણી પર અલીનો સજ્જડ સ્ટેમ્પ છે. ઘેરા ટૉનને લીધે ફિલ્મમાં એક દર્દ સતત ઘુંટાતું રહે છે. અસ્ખલિત લખાણ (અલી સાથે સાજિદ અલી) ફિલ્મનું એક જમાપાસું છે. દિલજીત દોસાંજનો અભિનય અવ્વલ છે. એટલો કે દર્શકને એનામાં ચમકીલા સિવાય કશું દેખાય નહીં. અમરજોત તરીકે પરિણીતિ પણ સચોટ છે. આ પાત્ર સાકાર કરવા એણે પંદરેક કિલો વજન વધાર્યું હતું. સાથી કલાકારો પણ અસરકારક છે. એમાં ટિક્કી તરીકે અંજુમ બત્રા, મિત્ર કિકર તરીકે રૉબી જોહાલ, પોલીસ અધિકારી દલબીર સિંઘ તરીકે અનુરાગ અરોરા, અને મ્યુઝિક કંપનીના અધિકારી અહમદ તરીકે કુમુદ મિશ્રા જામે છે.

ચમકીલાનાં અમુક દ્રશ્યો નોંધનીય છે. ખાસ તો એ દ્રશ્યો જેમાં મહત્ત્વના વળાંક આવે છે. જેમ કે ચમકીલા-અમરજોતનો સિતારો બુલંદ હોય છે ત્યારે જ અમરજોત અવઢવમાં મુકાય છે કે પતિ સાથે શોઝ કરવા કે નહીં. ચમકીલા એને કહે છે, “યે અપના વક્ત ચલ રહા હૈ બબ્બી, ઔર મૈં ગેરન્ટી દેતા હૂં કિ યે હમેશા નહીં રહેગા… એક દિન ખત્મ હો જાયેગા યે, ફિર આરામ સે બૈઠ કે સોચેંગે કિ ક્યા સહી ઓર ક્યા ગલત.” આવાં દ્રશ્યો સરળ પણ એકદમ ચોટદાર સંવાદોથી જીવંત બન્યાં છે. એવાં દ્રશ્યોમાં બીજાં લગ્ન પછી ચમકીલા-ટિક્કી વચ્ચેની દલીલવાળું દ્રશ્ય, ટોરોન્ટોમાં ધર્મગુરુઓ અને ચમકીલા વચ્ચેની વાતનું દ્રશ્ય પણ સામેલ છે.

ફિલ્મની એક તાકાત એ. આર. રહેમાનનું સંગીત છે. ચમકીલાનાં ઓરિજિનલ ગીતોને દોસાંજ-પરિણીતિના કંઠે નવો અવતાર મળ્યો છે. સાથે રહેમાનનાં ઓરિજિનલ ગીતો પણ છે. સિંગરની વાત હોવાથી ફિલ્મમાં ઘણાં ગીતો હોવા છતાં એ ખૂંચતાં નથી. ઇશ્ક મિટાયે, તૂ ક્યા જાને, બોલ મોહબ્બત અને ક્લાઇમેક્સનું વિદા કરો ગીતો પહેલીવારમાં ગમી જાય એવાં છે.

કલાકાર કોણ છે? એનાં સર્જન શું છે? જે સમાજમાં જન્મે એમાંથી જ કલાકાર કળા આત્મસાત્ કરીને એનું પ્રતિબિંબ બનાવે છે. કલાકારની લોકપ્રિયતા લોકોથી જ હોય છે પણ અમુક લોકો પાણીમાંથી પોરા કાઢીને ચમકીલા જેવાના દુશ્મન બને છે. દ્વિઅર્થી, નટખટ ગીતો ઘણી ભાષામાં બને છે. ચમકીલાના સમયમાં અન્ય કલાકારો પણ એવાં ગીતો બનાવતા, પણ ભોગ ચમકીલાનો લેવાયો. કહો કે છીંડે ચડ્યો એ ચોર ઉક્તિ સાર્થક થઈ.

ચમકીલા ચમકે છે ઇમ્તિયાઝના દિગ્દર્શનથી. ફિલ્મની સ્નિગ્ધતાનો જશ અલીને આપવો રહ્યો. ગીતોના દ્વિઅર્થી મિજાજને લીધે ઘણાને ફિલ્મ બોલ્ડ તો, અટપટી ટ્રીટમેન્ટને લીધે અમુકને એ નીરસ પણ લાગી શકે છે. છતાં, મોટાભાગના દર્શકોને એ સ્પર્શશે એ નક્કી. ઇન શોર્ટ, સીધી ઓટીટી પર આવતી અન્ડર એવરેજ, નકામી ફિલ્મો કરતાં ચમકીલા ચાર ચાસણી ચડે છે.

છેલ્લે એક આડવાત. ચમકીલાના જીવનથી પ્રેરિત એક પંજાબી ફિલ્મ પણ બની છે. એમાં પણ દિલજીતે ચમકીલાનું પાત્ર સાકાર કર્યું છે. જોકે એ ફિલ્મ પડદે આવી નથી. ખેર, અમર સિંઘ ચમકીલા જોઈને આનંદ માણીએ.

નવું શું છે?

  • એક સર્વેક્ષણમાં જાણવા મળ્યા પ્રમાણે બે તૃતિઆંશ ભારતીય દર્શકોને એ મનોરંજન વધુ માણવાલાયક લાગે છે જે એમના જેવા સામાન્ય લોકોએ બનાવ્યું હોય. એનો એવો અર્થ થયો કે ઓટીટી પ્લેટફોર્મ્સ કરતાં લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ વગેરેમાં પળેપળ ઠલવાઈ રહેલા યુઝર ક્રિએટેડ વિડિયોઝ વધુ માણે છે. તમે શું માનો અને માણો છો?
  • નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે બ્લેક એન્ડ વ્હાઇટમાં બનેલી ‘રિપ્લી’ સિરીઝ. એ બની છે ધ ટેલેન્ટેડ મિ. રિલ્પી નોવેલના આધારે. એમાં કુલ આઠ એપિસોડ્સ છે. લેખક-દિગ્દર્શક સ્ટિવન ઝિલિયાન છે, જેમણે બીજાં સર્જનો ઉપરાંત ‘શિંડલર્સ લિસ્ટ’ ફિલ્મ લખી હતી.
  • ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ (નેટફ્લિક્સ), ‘લૂટેરે’ (ડિઝની પ્લસ હોટસ્ટાર) ‘યે મેરી ફેમિલી’ (એમેઝોન મિની ટીવી) ‘પટના શુક્લા’ (ડિઝની પ્લસ હોટસ્ટાર) અને આજે જેની વાત ઉપર કરી છે એ ‘અમર સિંઘ ચમકીલા’ આ અઠવાડિયે મેક્ઝિમમ જોવાયેલા ઓટીટી શોઝ છે.
  • એસએમએસ, એમએમએસ અને વ્હોટ્સએપ જેવા ઇન્ટરનેટ આધારિત મેસેજિસ પછી હવે આરસીએસ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યા છે. આરસીએસ એટલે રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ. ઘણે અંશે એ વ્હોટ્સેપ જેવી સેવાઓ જેવી છે. ખાસિયત એ છે કે એને એસએમએસ સાથે જોડી શકાય અને ઇન્ટરનેટ વિના વાપરી શકાય છે. બીજી વિશેષતાઓ પણ છે. ક્યારેક એ વિશે વધુ વિગતે વાત કરીશું.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.19 એપ્રિલ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/19-04-2024/6 

Share: