દુનિયાનાં બે શહેરોએ એમનાં ન્યુક્લિયર અને કેમિકલ પ્લાન્ટને લીધે અનેક નાગરિકો ખોયા છે. એક ચેર્નોબિલ છે તો બીજું આપણું ભોપાલ છે. બેઉ વિશેની ફિલ્મો અને વેબ સિરીઝ બની છે. એમાંથી શું જોવા જેવું એ જાણીએ

 ઉત્તર યુક્રેઇનના ચેર્નોબિલ અને ઉત્તર ભારતના ભોપાલ વચ્ચે સામ્યતા શી છે? બેઉમાં માનવસર્જિત દુર્ઘટનાએ જિંદગીઓ રોળી છે. ચેર્નોબિલમાં 1986માં એવું થયું પ્રિપ્યાત શહેરના ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ધડાકાથી. પ્રિપ્યાત માત્ર ચેર્નોબિલ પ્લાન્ટના કર્મચારીઓ માટે વસ્યું હતું અને એના અંત સાથે વેરાન થયું હતું. ચેર્નોબિલ દુર્ઘટનામાં 31 કર્મચારીઓએ તાત્કાલિક જીવ ખોયા હતા. દુર્ઘટનાની લાંબા ગાળાની અસરથી જીવ ખોનારાની સંખ્યા વિશે વિવાદ છે. ધારણા છે યુકેઇન, બેલારુસ, રશિયાના 4,000થી 16,000 નાગરિકોએ જીવ ગુમાવ્યા હશે.

એ દુર્ઘટનાનાં બે વરસ પહેલાં ભોપાલ ગેસ દુર્ઘટના થઈ. વિશ્વની એ સૌથી ભયાવહ ઔદ્યોગિક દુર્ઘટના છે. અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડના ભોપાલ સ્થિત પ્લાન્ટના ગેસ ગળતરે તત્કાળ 2,259 લોકોના જીવ લેવા ઉપરાંત પાંચ લાખ લોકોને શારીરિક-માનસિક પીડા આપી હતી. સત્તાવાર આંકડા અનુસાર દુર્ઘટનામાં મોતનો આંકડો ચાર હજાર આસપાસ હતો. ઘાયલ અને પીડિતો ઓલમોસ્ટ પોણાછ લાખ હતા. બિનસત્તાવાર આંકડા દુર્ઘટનાથી ટૂંકા-લાંબા ગાળે મૃત્યુમુખે હોમાયેલા લોકોની સંખ્યા 16,000 સુધીની ધારે છે.

ચેર્નોબિલ વિશે ભૂતકાળમાં ફિલ્મ અને સિરીઝ આવી છે. ફિલ્મ 2012માં તો પાંચ એપિસોડની સિરીઝ 2019માં આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટના વિશે ફિલ્મ ‘ભોપાલઃ અ પ્રેયર ફોર રેઇન’ હિન્દી-અગ્રેજીમાં 2014માં બની હતી. દિગ્દર્શક રવિ કુમારની એ ફિલ્મની ખાસ નોંધ નથી લેવાઈ. હવે દુર્ઘટનાના એક અગત્યના પાસાની સિરીઝ ‘ધ રેલવે મેન’ આવી છે. સર્જક રાહુલ રવૈલનો દીકરો શિવ રવૈલ ડિરેક્ટર અને આદિત્ય ચોપરાની વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટ નિર્માતા છે. સિરીઝ ચાર એપિસોડની છે.

‘ચેર્નોબિલ’ સિરીઝ જિયો સિનેમા પ્રીમિયમ અને ‘ધ રેલવે મેન’ નેટફ્લિક્સ પર છે. ‘ચેર્નોબિલ’ ક્રેગ મેઝિનનું સર્જન અને એચબીઓનું નિર્માણ છે. દિગ્દર્શક જોહાન રેન્ક છે. ચેર્નોબિલ દુર્ઘટના અને એની આડઅસરોથી શહેરને સુરક્ષિત રાખવા થયેલા પ્રયાસો આસપાસ એની કથા ફરે છે. એના પાંચ એપિસોડ છે. નિર્માણ, લેખન, અભિનય, માવજત, હકીકતનું નિરુપણ, સંગીત જેવાં પાસાં માટે સૌએ એને વખાણી છે. એમી એવોર્ડમાં એને 19 નોમિનેશન્સ અને 10 એવોર્ડ્સ તો ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં ચાર નોમિનેશન્સ અને બે એવોર્ડ મળ્યા હતા. સખત સંશોધન પછી બનેલી આ સિરીઝમાં હકીકત સાથે બહુ ઓછી છૂટછાટ લેવાઈ હતી. છૂટછાટ વિશે સિરીઝની રિલીઝ વખતે પોડકાસ્ટથી દર્શકોને મુદ્દાસર કારણો આપી વાકેફ પણ કરાયા હતા. કથાનકનો આધાર પ્રિપ્યાતની પ્રજાનાં દુર્ઘટનાનાં સંસ્મરણો હતાં. એ સંસ્મરણો નોબેલ ઇનામ વિજેતા લેખિકા-પત્રકાર સ્વેતલાના અલેકસિયેવિચના પુસ્તક ‘વોઇસીસ ઓફ ચેર્નોબિલ‘માં અંકિત છે. પુસ્તક ચેર્નોબિલ દુર્ઘટનાનો સચોટ ઇતિહાસ નથી પણ વિશ્વસનીય દસ્તાવેજીકરણ તો છે જ. પુસ્તકના આધાર, સર્જકોની કલ્પનાશીલતા, નિષ્ઠા જેવાં પરિબળોથી ‘ચેર્નોબિલ’ને હૃદયસ્પર્શી સિરીઝ બની છે.

‘ધ રેલવે મેન’ એવો જ એક પ્રયાસ છે. એ ભોપાલ ગેસ દુર્ઘટનાના ઓછા જાણીતા પાસા વિશે છે. એ પાસું એટલે ગેસ લીક થયાની ગણતરીની મિનિટો પછી શહેરમાં જાનહાનિ ઓછી રાખવા રેલવે કર્મચારીઓએ આપેલું યોગદાન. દેશની મધ્યમાં હોવાથી ભોપાલ રેલવે નેટવર્કની ઘોરી નસ જેવું મહત્ત્વનું રેલવે જંક્શન છે. એવા શહેરની હવામાં જ ઝેર હોય ત્યારે હજારો પ્રવાસીઓ સાથેની ટ્રેનો ત્યાં પહોંચે તો જાનહાનિનો આંકડો ક્યાં પહોંચે? ભોપાલ સ્ટેશન માસ્ટર ઇફ્તેકાર સિદ્દિકી (કે. કે. મેનન) એવું થતું રોકવા જીવ દાવ પર લગાડે છે. એમને સાથ મળે છે શિખાઉ કર્મચારી ઇમાદ ખાન (બાબિલ ખાન) અને પોલીસ સ્વાંગમાં સ્ટેશન લૂંટવા આવેલા ડાકુ બલવંત યાદવ (દિવ્યેંદુ)નો.

વાર્તામાં દુર્ઘટનાની અન્ય વાસ્તવિકતાઓ પણ છે. સ્થાનિક પત્રકાર રાજકુમાર કેસવાની (સિરીઝનું પાત્ર પત્રકાર કુમાવતનું, ભજવે છે સની હિંદુજા)નો ટ્રેક એમાં મુખ્ય છે. ‘ભોપાલઃ અ પ્રેયર ફોર રેઇન’માં પણ એવો ટ્રેક છે. ફિલ્મ અને સિરીઝમાં અમુક સામ્યતા છતાં બેઉ એકમેકથી વિપરીત છે. સિરીઝનો ટોન ગંભીર છે. મોટાભાગની ઘટનાઓ સ્ટેશને આકાર લે છે. મહત્ત્વનાં પાત્રો એક અથવા બીજી રીતે રેલવે સાથે કનેક્ટેડ છે. એક છે રેલ કર્મચારી વિજયા (સુનિતા રાજવર), જેની દીકરીનાં લગ્ન દુર્ઘટનાના અપશુકનિયાળ દિવસે લેવાઈ રહ્યાં છે. એક ટ્રેક ભોપાલ તરફ ધસતી ગોરખપુર એક્સપ્રેસને કોઈ પણ ભોગે ભોપાલ પહેલાંના સ્ટેશને થોભાવવાનો છે. ઇન્દિરા ગાંધીની હત્યા પછી શીખોના લોહીતરસ્યા તોફાનીઓ એ ટ્રેનમાં પ્રવાસ કરતી શીખણી રાજબીર કૌર (મંદિરા બેદી)ને પતાવી નાખવા મરણિયા છે. રાજબીરની રક્ષા કરે છે ટ્રેનનો ગાર્ડ (રઘુબીર યાદવ). એક ટ્રેક રેલવે મંત્રાલયનો છે, જ્યાં દુર્ઘટના સાથે જ શરૂ થતા રાજકારણને લડત આપવા વરિષ્ઠ કર્મચારી રાજેશ્વરી (જુહી ચાવલા) મથે છે. એક ટ્રેક ભોપાલ પહેલાંના જંક્શન ઇટારસીનો છે જ્યાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા છે મધ્ય રેલવેના જનરલ મેનેજર રતિ પાંડે (આર. માધવન)…

અપવાદોને બાદ કરતાં કથાનકના મુદ્દા પરસ્પર સારી રીતે વણાયેલા છે. ગોરખપુર એક્સપ્રેસ ભોપાલ પહોંચી તો શું થશે? ભોપાલ સ્ટેશને કમ્યુનિકેશન સદંતર ઠપ હોવાથી સ્ટેશન માસ્ટર કેવી રીતે લડત આપશે? માંડ પ્રતીક્ષાલયમાં જીવતા રહેલા પ્રવાસીઓ ત્યાંથી જીવતા કેમ નીકળશે અને ક્યાં જશે? એ છે સિરીઝના અમુક દમદાર મુદ્દા.

કે. કે મેનનનો અભિનય સિરીઝનું ટ્રમ્પ કાર્ડ છે. સિરીઝને એ વન મેન આર્મીની જેમ બાંધી રાખે છે. ઇરફાન ખાનનો દીકરો બાબિલ પણ દમદાર છે. દિવ્યેંદુ અને આર. માધવનથી રોચકતામાં ઉમેરો થાય છે. નાના પાત્રમાં રઘુબીર યાદવ પણ નોંધ લેવડાવે છે.

 

આ સિરીઝ ટિપિકલ એન્ટરટેઇનર નથી. ઘણી જગ્યાએ એ ડોક્યુમેન્ટરી જેવી છે. હળવી ક્ષણોનો પણ અભાવ છે. એનો ઘેરો રંગ અને સંગીત વાતાવરણને ભારેખમ રાખે છે. આવા વિષયો માટે આવી માવજત યોગ્ય હોવાથી ટ્રીટમેન્ટની આ સંયતતા ખટકતી નથી. ખટકવાં જેવાં એ દ્રશ્યો છે જે પ્રવાહ સુસંગત નથી. કંપનીના કર્મચારી કમરુદ્દીન (દિબ્યેંદુ ભટ્ટચાર્ય)ની પત્ની નફિસા (ભૂમિકા દુબે)નો ટ્રેક અસ્થાને છે. ગોરખપુર એક્સપ્રેસની અંદરની ઘટનાઓ પણ મોળી છે. છતાં, સરવાળે સિરીઝ સ્વાગતયોગ્ય છે. દસમાંથી આઠ-નવ વેબ સિરીઝ યુથ ઓરિએન્ડેટ, ક્રાઇમ-બેઝ્ડ મનોરંજનના નામે એલફેલ કચરો પીરસી રહી છે ત્યારે તો ખાસ. ચાર એપિસોડની એની લંબાઈ પણ દર્શક ફ્રેન્ડલી છે. જોવાનો વિચાર ચોક્કસ કરી શકાય.

નવું શું છે?

  • વિજય અને ત્રિશા અભિનિત ‘લિયો’ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. મૂળે એ તામિલ ફિલ્મ છે. જોઈ શકાશે હિન્દીમાં પણ. લોકેશ કાંગારાજ એના દિગ્દર્શક છે.
  • વિકી કૌશલને ચમકાવતી ‘ધ ગ્રેટ ઇન્ડિયન’ ફેમિલી સારી ફિલ્મ ગણાઈ છતાં ખાસ ચાલી નહોતી. એમાં મિસ ઇન્ડિયા માનુષી ચિલ્લર હિરોઇન છે. સપ્ટેમ્બરમાં થિયેટર્સમાં આવેલી આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે. સહકલાકારો મનોજ પાહવા, કુમુદ મિત્રા, ભુવન અરોર, યશપાલ શર્મા, સાદિયા સિદ્દિકી વગેરે છે.
  • ભારત ક્રિકેટ વર્લ્ડ કપમાં હારી ગયું પણ ઓટીટી પ્લેટફોર્મ તરીકે સફળ રહ્યું છે. ઓટીટી પર ફાઇનલ મેચ જોવા લગભગ છ કરોડ લોકો ઉમટ્યા હતા. ડિઝની પ્લસ હોટસ્ટાર માટે એ મોટો ફાયદો છે.
  • ગોવામાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પહેલીવાર ઓટીટીને સ્થાન મળ્યું છે. મતલબ nએમાં ઓટીટી પર રિલીઝ થયેલા શોઝને એવોર્ડથી નવાજવામાં આવશે. એ માટે પાંચ સભ્યોની જ્યુરી નિમવામાં આવી છે. એના પ્રમુખ રાજકુમાર હિરવિલ છે. સભ્યોમાં દિવ્યા દત્તા, પ્રનજિત ચેટર્જી, ક્રિષ્ના ડીકે અને ઉત્પલ બોરપુજારી છે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.24  નવેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/24-11-2023/6

Share: