આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું કે એવો એક દિવસ આવશે જ્યારે ટેક્નોલોજી માનવતાને વળોટીને આગળ નીકળી જશે અને, દુનિયામાં માત્ર મૂર્ખોની પેઢી હશે, એ સમયે ઇન્ટરનેટ, સ્માર્ટફોન્સ, ઓટીટી વગેરે નહોતાં. આજે એ વાત અક્ષરશઃ સાચી પડવા તરફ છે. એવામાં એ સમજવું અનિવાર્ય થઈ ગયું છે કે ઓનલાઇન વિશ્વમાં વિહરવું હોય તો કેટલું, કેવું અને શું કામ

સવાર પડી અને આંખો ચોળતાં સનાનો પથારી પર આમતેમ ફર્યો, “મોબાઇલ ક્યાં?” રોજના અંદાજ પ્રમાણે જોકે ચોક્કસ જગ્યાએ મોબાઇલ નહોતો. પાંચ-સાત સેકન્ડમાં સના ઘાંઘી થઈ ગઈ. “મોબાઇલ, મોબાઇલ, મોબાઇલ…” એનું હૈયું એક ધબકારો ચૂકી ગયું. છેવટે મોબાઇલ હાથ લાગ્યો અને એને હાશ થઈ. બીજી જ પળે એની નજર નોટિફિકેશન્સ પર ફરવા માંડી, “કોના મેસેજ છે? ગઈકાલ રાતની મારી પોસ્ટ્સને કેટલી લાઇક્સ મળી? અને કોમેન્ટ્સ?”

ઉંમરના બાધ વિના, અગત્યતાની ઐસીતૈસી કરતાં, સોમાંથી નેવું જણની સવાર બસ, હવે આ રીતે પડે છે. નથી કોઈને પળવાર પોતાની હસ્તરેખાઓ જોવાની ફુરસદ (જે એક સુંદર શરૂઆત છે સવારની, રાઇટ?) કે નથી કોઈને જાગ્યાની પહેલી ક્ષણ ભગવાનનું નામ લેવાની તમા. જિંદગી ખરેખર ઓનલાઇન જગતની ભયંકર ઓશિયાળી થઈ ગઈ છે. કેટલી હદે ઓશિયાળી, જાણો છો?

દુનિયામાં અત્યારે 6.84 અબજ સ્માર્ટફોન્સ કામ કરી રહ્યા છે. ધરતીના ગોળા પર માણસની વસતિ છે 7.95 અબજ. કહો કે એવા માણસો જ બચ્યા નથી જેમની પાસે મોબાઇલ નથી. દેશ, ભાષા, શિક્ષણ, જરૂર, સમજણ… તમામ બાધને પડતા મૂકીને લોકો સવારથી રાત મોબાઇલમાં રત છે. માણસનું ચાલે તો એવી એપ પણ શોધી કાઢશે હવે, જે એને ઊંઘમાં પણ નોટિફિકેશન આપશે કે જો, તું સૂએ ત્યારે ફલાણાએ તારી પોસ્ટને લાઇક કરી છે. ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઊંઘના કાઢી નાખીએ તો બાકીના સોળમાંથી સાતેક કલાક માણસ એક અથવા બીજી સ્ક્રીન સામે ડોળા તાગી રહ્યો છે. અમેરિકન રહે છે સાત કલાક, તો સાઉથ આફ્રિક્ન્સ ઓલમોસ્ટ અગિયાર કલાક. હા, અગિયાર કલાક! એમાં પણ ઝેન ઝેડ એટલે સન 1996થી 2010 વચ્ચે જન્મેલી પેઢી. આ પેઢી દરરોજ નવ કલાક સ્ક્રીન સામે રહે છે.

ઓનલાઇન બ્લાસ્ટે જીવનની પથારી ફેરવી છે. કોઈ માને કે ના માને. સર્વેક્ષણ કહે છે કે બે વરસથી નાનાં બાળકોમાંનાં 49% ટકા ટાબરિયાંવ સ્માર્ટફોન વાપરે છે. ખરેખર. ઓનલાઇન રહેવાનો અર્થ શું છે? એનો અર્થ છે મોબાઇલ, ટેલિવિઝન, કોમ્પ્યુટર સહિતનાં ગેજેટ્સ સામે ખોડાઈ રહેવું. ત્રણેયમાં સૌથી ખતરનાક સ્માર્ટફોન છે, કારણ એ સતત હાથમાં રહે છે. માણસ જ્યાં જાય ત્યાં એને સાથ આપે છે. એટલી હદે કે પ્રસાધનગૃહમાં પણ મોબાઇલ છૂટતો નથી.

ભારતીયોની કેવીક હાલત છે? આંકડા કહે છે કે ભારતીય પુરુષો રોજ પોણાસાત કલાક તો સ્ત્રીઓ સાત કલાકથી થોડો વધુ સમય ઓનલાઇન હોય છે. વાત એકદમ ગળે ઊતરે એવી છે. રસોડામાં કામ કરતી માલતી, એમના ઘેર આવતી કામવાળી માલા, એમની સોસાયટીના દરવાજે તહેનાત મોહનલાલ અને એમના એ, મિલનભાઈ, કોઈ કરતાં કોઈ મોબાઇલના વળગણથી મુક્ત નથી. મોબાઇલની વાત કરીએ તો એના આંધળા, અપલખણા ઉપયોગમાં ભારતીયો અને થાઈ લોકો સતત નવા રેકોર્ડ સ્થાપી રહ્યા છે. માલતીને નવી વાનગી બનાવવા હવે પુસ્તક વાંચન કે પાડોશણનું જ્ઞાન ખપતું નથી. એને ખપે છે યુટ્યુબનો વિડિયો. માલતીના દીકરા આરવને ભણવા માટે ઓનલાઇન ટ્યુટોરિયલ્સ જ ખપે છે. સાચુકલા ટીચર ભણાવે એને ખાસ રુચતું નથી. શું થવા બેઠું છે આ?

અને લોકો સ્ક્રીન સામે શું કરે છે? સોશિયલ મીડિયામાં ખપે છે. ઓટીટી જોયે રાખે છે. વિડિયો ગેમ્સ રમે છે. વેબસાઇટ્સ પર ફરફર કરે છે. નહીં જોઈતા અને મગજને ભ્રમિત કરતા સમાચાર વાંચ્યે રાખે છે. એ બધું કર્યે રાખે છે જે સ્માર્ટફોન અને ટીવીની સ્ક્રીન એમને કરવાની સગવડ કરી આપે છે.

આની અસર કોના કોના પર પડે છે? પહેલી પડે છે માઇન્ડ પર, વિચારક્ષમતા પર, બૌદ્ધિકતા પર. હદ બહાર ઓનલાઇન રહેનારા લોકોની વિચારધારાને ચોક્કસ દિશામાં વાળવી ચબરાક લોકો માટે આસાન થઈ ગયું છે. કોણે શું ખાવું, વાંચવું, પહેરવું, પીવું, કોને મત આપવો, કઈ જગ્યાએ ફરવા જવું, બચત કેવી રીતે અને કેમા કરવી… જે વાત કરશો એ બધાંમાં માણસનો મત હવે સ્વતંત્ર, નિષ્પક્ષ અને અંગત હોય એની શક્યતા ધડાધડ ઓછી થવા માંડી છે. કોઈક વ્યક્તિ વસ્તુ, સેવા કે સમસ્યાને પણ કરોડો લોકોની જિંદગી સાથે હરામ બરાબર કશી લેવાદેવા ના હોય છતાં, ઓનલાઇન માધ્યમથી એને રાતોરાત ઇમ્પોર્ટન્ટ બનાવી દેવી હવે પોસિબલ છે. મુદ્દે, કોઈ એવું માનતું હોય કે મારું મંતવ્ય મારું જ છે, પાકી માહિતી અને પૂરતા વિચાર પછી જ એ બન્યું છે, તો એ વ્યક્તિ ખાંડ ખાય છે. સિમ્પલ.

ઓનલાઇન દુનિયાએ માત્ર વિચાર અને વલણને તોડીમરોડી નથી નાખ્યા. એણે શરીરનો પણ ભાંગીને ભુક્કો કરી નાખ્યો છે. કીબોર્ડ પર એકધારી ફરતી આંગળીઓ અને મોબાઇલ વાપરવામાં સતત રત રહેતી આંખો અને હાથને બરાબરની કળ વળી રહી છે. નસો એવી ખેંચાઈ રહી છે કે ના પુછો વાત.

આંખ, ગરદન, પીઠ, કાન સહિતનાં અંગો એવાં લેવાઈ રહ્યાં છે કા ના પુછો વાત. સ્ક્રીન પર રહેતી આંખોને રેડિએશનની સતત અવળી અસર થઈ રહી છે. સ્ક્રીનમય થવાથી માણસ ભલે માણસો વચ્ચે હોય છતાં, સામાજિક મોરચે એની હળવાભળવાની, અન્યોને સમજવાની શક્તિ ક્ષીણ થઈ રહી છે. શિક્ષણ માટે ઇલેક્ટ્રોનિક સાધનોના ગુલામ થઈને વિદ્યાર્થીઓ માર્ક્સ લાવતા હશે તો પણ ઓછા વિલક્ષણ થઈ રહ્યા છે. બુદ્ધિ કસવામાં આવશ્યક એવી તર્કશક્તિને ઓનલાઇન માધ્યમો મચડી રહ્યા હોવાથી તર્ક ઢંગધડા વિનાના થઈ રહ્યા છે. ઓનલાઇન નહી હોવાથી કોઈક ગરાસ લુંટાઈ જવાનો મિથ્યા ભય એવો વ્યાપી ગયો છે કે માણસ હદ બહાર ઓનલાઇન રહેવાથી સર્જાતી શારીરિક, માનસિક, સામાજિક મુશ્કેલીઓને સાવ ભૂલી ગયો છે.

આનો કોઈ ઇલાજ ખરો?

લગભગ નથી. હોય તો માત્ર એક જ અને એ છે વ્યક્તિગત પ્રમાણભાન અને ગમે તેટલી ચટપટી થાય તો પણ, પોતાની પરવશતાને મુશ્કેરાટ બાંધીને, મન નામના મર્કટને વશમાં કરીને સુધરી જવું. હાલની સ્થિતિ એક તરફ ખીણ અને બીજી તરફ કૂવા જેવી છે. ઓનલાઇન નહીં રહીએ તો નહીં ચાલે પણ કેટલું ઓનલાઇન રહેવું એ નહીં સમજીએ તો ક્યાંયના નહીં રહીએ. જ્ઞાન, સોશિયલાઇઝિંગ, મનોરંજન વગેરે વગેરે બધું એની જગ્યાએ છે. સરસ, તંદુરસ્ત મન અને શરીર એનાથી વધુ મહત્ત્વનાં છે. ઓનલાઇન મિત્રો કરતાં, લાઇક્સ અનો કોમેન્ટ્સ કરતાં સદેહે મળતા સ્વજનો, મિત્રો, સાથીઓના મત અને અપેક્ષા વધુ મહત્ત્વનાં છે. આ સત્યને સમજે નહીં એવા લોકો ઓછા છે પણ આ સત્યને જીવી જનારા એનાથી પણ ઓછા છે.

ઇન શોર્ટ, સમય આવી ગયો છે કે આપણે પોતે જ પોતાને ઓનલાઇન વિશ્વની ઉપયોગિતા અને ગુલામી વચ્ચેનો ફરક સમજીને એક નવી શરૂઆત કરવાનો નિશ્ચય કરીએ. બાકી પછી જેવી ડિજિટલ ક્રાંતિની મરજી.

નવું શું છે?

● ડિઝની અને રિલાયન્સના એકીકરણને લીધે ઓટીટી પ્લેટફોર્મ્સનાં સમીકરણો મોટા પાયે બદલાવાનાં આસાર છે. સૌથી વધુ અસર પડવાની નાનાં પ્લેટફોર્મ્સ પર પડવાની શક્યતા છે. એટલે આવાં પ્લેટફોર્મ્સ પણ એકમેકનો સાથ લઈને બદલાતી પરિસ્થિતિમાં કેમ ટકવું એની સંતલસોમાં વ્યસ્ત થયાં છે. નજીકના ભવિષ્યમાં બની શકે છે કે નાનાં પ્લેટફોર્મ્સ પર હાથ મિલાવીને દર્શકોને રીઝવવા, પોતાનું અસ્તિત્વ ટકાવવા કંઈક કરે.
● દિલજીત દેસોંજ અને પરિણીતી ચોપરાને ચમકાવતી ફિલ્મ અમર સિંઘ ચમકીલા આજથી નેટફ્લિક્સ પર આવી છે. એમાં રહેમાનનું સંગીત છે. ઇમ્તિયાઝ અલી ડિરેક્ટર છે.
● ઝીફાઇવ પર આજથી ગામી ફિલ્મ પણ આવી છે. વિદ્યાધર કાગિતા એના ડિરેક્ટર છે. મૂળ એ તેલુગુ ફિલ્મ છે. વિશ્વાસ સેન એમાં અઘોરના પાત્રમાં છે. વિષયનું નાવીન્ય ફિલ્મને રોચક બનાવે છે. હિન્દીમાં જોવા મળે તો જોઈ શકાય.
● પ્રેમાલુ આ હાલની એક સૌથી સફળ ફિલ્મ છે. મૂળ એ મલયાલમ લવ સ્ટોરી છે. એના ઓટીટી પર રિલીઝ થવાની તારીખો બદલાયા પછી ફાઇનલી એ આજથી માણી શકાશે.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.12 એપ્રિલ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/12-04-2024/6

મારા બ્લોગ અહીં વાચો
https://www.egujarati.com

Share: