ઓટીટી પર ક્રાઇમ, સેક્સ અને વિદેશી કાર્યક્રમોની ભરમાર વચ્ચે સાવ એવું નથી કે ફેમિલી એન્ટરટેઇનમેન્ટ બિલકુલ મિસિંગ છે. અમુક શોઝ એવા છે ખરા જે ડ્રોઇંગ રૂમમાં સપરિવાર જોઈ શકાય. એવી સિરીઝ માણતી વખતે મનમાં કદાચ એમ પણ થશે કે આ હાળું ઓટીટીના અધિકારીઓને એમ કેમ સૂઝતું નથી કે આવા શોઝ વધુ બનવા જોઈએ?
  • ગુલ્લક
  •  હેપી ફેમિલીઃ કંડિશન્સ અપ્લાય
  • ધ આમ આદમી ફેમિલી
  • હોમ
ઓટીટીને મુખ્યત્વે પર્સનલ ટીવી જેવું છે. જેને જે મનમાં આવે એ જોવાની મુનસફી ઓટીટી આપે છે. દરેકના હાથમાં મોબાઇલ હોવાથી આ લક્ઝરી પોસિબલ થઈ છે. છતાં ક્યારેક એવું પણ હોય કે સપરિવાર કંઈક જોવું ગમે. આજે પણ ઘણા પરિવારો સાથે બેસીને કોઈક શો જોતા હોય છે અથવા જોવાની ઇચ્છા રાખતા હોય છે. મુશ્કેલી એ કે ઓટીટી પર ક્રાઇમ, સેક્સ અને રુચિથી થોડા ભિન્ન એવા વિદેશી શોઝનું આધિપત્ય છે. એવામાં પરિવાર સાથે શું જોવું એ નક્કી કરવા ક્યારેક માથું ખંજવાળવું પડે. એ કામ આસાન કરે એવી એક નાનકડી યાદી આજે જોઈએ.
‘પંચાયત’ વિશે આપણે પહેલાં વાત કરી ગયા છીએ. પ્રાઇમનો આ શો ખરેખર હટકે અને અસલ દેશી છે. એમાં લગભગ કશેય છીછરાપણું કે ગંદવાડ નથી. એક અંતરિયાળ ગામડામાં જેનું પોસ્ટિંગ થાય છે એવા શહેરી સાક્ષર અને ગ્રામજનો વચ્ચેની ઘટનાઓ આ શોને ડિફરન્ટ બનાવે છે. આ શો વિશે આટલું જ. હવે અન્ય શોઝની વાત.
‘ગુલ્લક’ ૨૦૧૯થી ઓટીટી પર છે. સોની લિવના આ શોની ત્રણ સીઝન આવી ચૂકી છે. મિશ્રા પરિવાર અને એમના જીવનમાં આકાર લેતી ઘટનાઓ એના કેન્દ્રસ્થાને છે. પહેલી સીઝન પછી બીજી સીઝનમાં એના અમુક કલાકારો બદલાયા હતા. હળવાફુલ હ્યુમર વચ્ચે, કોઈક મુદ્દાની આસપાસ એના એપિસોડ્સ ફરતા રહે છે. ત્રણેય સીઝનમાંથી જેની સૌથી વધુ સરાહના થઈ એ પહેલી સીઝન છે. ક્યારેક ટીવી પર આવતી એકદમ સરળ અને પોતીકી લાગતી સિરિયલ્સ જેવો આ વેબ સિરીઝનો મિજાજ છે. એ એની સફળતાનું મુખ્ય કારણ પણ છે. સાધારણ પરિવારમાં જેમ વાતનું વતેસર થાય, નાનકડી વાત ચિંતાનો વિષય બની જાય એવું બધું આ શોમાં થયે રાખે છે. પાંચ પાંચ એપિસોડ્સવાળી એની ત્રણ સીઝન સમય મળ્યે માણવા જેવી છે.
માર્ચમાં રિલીઝ થયેલી ‘હેપી ફેમિલીઃ કંડિશન્સ અપ્લાય’ આ વરસે આવેલી એક મજાની સિમ્પલ અને સુંદર વેબ સિરીઝ છે. ગુજરાતી ધોળકિયા પરિવાર એના કેન્દ્રસ્થાને છે. રત્ના પાઠક શાહ, રાજ બબ્બર, અતુલ કુલકર્ણી, આયેશા જુલકા જેવાં કલાકારોની હાજરીથી મજેદાર બની છે. પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થતી આ સિરીઝ એના સર્જકો, આતિશ કાપડિયા અને જમનાદાસ મજિઠિયાની આ પ્રકારના શો પરની પકડને લીધે ધ્યાન ખેંચનારો બન્યો છે. ‘ખીચડી’, ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ જેવા એમના શોની દિશામાં આગળ વધતો આ શો મન પ્રફુલ્લિત કરે છે. ધોળકિયા પરિવારમાં પણ પેલા શોઝ જેવાં પાત્રો અને સમસ્યાઓ છે.

એકમેક સાથે સીધા અને અટપટા સંબંધો ધોળકિયા પરિવારની વ્યક્તિઓના છે. વળી, જમાનો સ્વતંત્ર એટલે ન્યુક્લિયર ફેમિલીઝનો છે ત્યારે વસ્તારી કે જોઇન્ટ ફેમિલી ધરાવતો શો આવે ત્યારે એ જુદો તરી આવે એ સ્વાભાવિક છે. એક તરફ જૂની પેઢીના સિદ્ધાંતો અને બીજી તરફ નવી પેઢીની અપેક્ષાઓ. એ બે વચ્ચે સર્જાતી ઘટનાઓ. એમને ભેગા કરો એટલે બની જાય આ શો.
પારિવારિક શોઝની વાત કરીએ ત્યારે એ પણ અવશ્ય નોંધવું પડે કે ભારતીય ઓટીટી પ્લેટફોર્મ્સની મતિ ઠેકાણે હોય તો તેઓ આવા શોઝ વધુ બનાવવા માંડે. સમસ્યા એ છે કે ઓટીટી માટે શું બનાવવું એ નક્કી કરવા બેઠેલી જમાતનું મગજ ભળતી દિશામાં વધુ ચાલે છે. ઉપરાંત, જેવો કોઈક અડબંગ કે સેક્સપ્રચુર, ખૂનામરકી ભરપૂર શો ચાલી પડે એટલે એની નકલ કરવાની હોડ લાગે છે. બાકી રહી જાય તે વિદેશી શોઝનો પ્રભાવ અને એના માર્ગે નીકળી પડવાની રીત છે. જો કોઈ સર્જક અને ઓટીટી પ્લેટફોર્મ ખરેખર માત્ર ફેમિલી એન્ટરટેઇનમેન્ટ પર ફોકસ આપીને સારામાં સારા પારિવારિક શોની હારમાળા સર્જે તો એ નક્કી કે જાદુ થઈ જશે. એ પણ એવો કે ઘણા શો ઘરેડમાં બનતા શોનો સાવ એકડો ભુંસાઈ જાય. સવાલ એ છે કે આ વાતને ઓટીટીવાળા ક્યારે સમજશે. સવાલ એ છે કે ભારતીય દર્શકોને ભારતીયપણું પીરસીને વહાલ કરવાની તસદી કોણ લેશે.
ઝીફાઇવનો એક જૂનો શો નામે ‘ધ આમ આદમી ફેમિલી’ છે. સૌપ્રથમ એ રિલીઝ થયો હતો યુટ્યુબ પર. લુબ્ના સલીમ, ગુંજન મલ્હોત્રા, ચંદન આનંદ, કમલેશ ગિલ અને બ્રિજેન્દ્ર કાલા જેવાં કલાકારો એમાં છે. શોના નામ પ્રમાણે એમાં વાત છે મિડલ ક્લાસ ફેમિલીની. ત્રણ સીઝનમાં કુલ ૧૭ એપિસોડ્સ છે. મસ્ત વાત એ છે કે એમાં અભદ્ર ભાષા કે દ્રશ્યો ઓલમોસ્ટ નથી. અસલ અને સરસ ભારતીય પરિવાર કેવા હોય એની વ્યાખ્યાને આ શો આત્મસાત્ કરે છે. બિનજરૂરી ભપકો પણ એમાં છલકતો નથી. જોનારને એમ લાગે જાણે પડદે જે કંઈ થઈ રહ્યું છે એ એની પોતાની કે એના આસપાસની સાચુકલી વાત છે.
વચમાં એક આડવાત. અત્યાર સુધી મહત્તમ શોઝ પારિવારિક શોઝ થકી દર્શકોને જીતવાના મામલે ટીવીએફ કંપનીએ મોટો સપાટો બોલાવ્યો છે. આ કંપનીની પોતાની એક વેબસાઇટ પણ છે. એ વેબસાઇટ પર આવા શોઝ સારી એવી સંખ્યામાં છે. ઉપરાંત અહીં જેની ચર્ચા કરી એમાંના અમુક શોઝ આ કંપનીના નિર્માણમાં બન્યા છે. ટીવીએફની સ્ટાઇલમાં બીજી કંપનીઓએ પણ પારિવારિક શોઝ બનાવવા પર ધ્યાન આપવા જેવું છે. શહેરી ભારતીયો પણ સાદગીભર્યું જીવન માણે છે એ સત્ય ઓટીટી પર વધુ ઉજાગર થવું જોઈએ. જોકે પરિસ્થિતિ એવી છે કે ઓટીટી પર આવતા શોઝમાં ભારતીય પરિવારો બિલકુલ ટીવી પર આવતા પરિવારો જેટલા નકલી અને કૃત્રિમ લાગે છે.
વિચિત્ર પરિવારો અને પાત્રો બનાવવામાં જે એક સર્જક ચેમ્પિયન છે એ બાલાજી ટેલીફિલ્મ્સનાં એકતા કપૂર. એમણે ૨૦૧૮માં ‘હોમ’ નામની એક સિરીઝ બનાવી હતી. એ સિરીઝ એમના કાયમી નિર્માણ કરતાં જુદી છે. ઓલ્ટ બાલાજી પર અને એમએક્સ પર જોઈ શકાતી સિરીઝમાં પરીક્ષિત સાહની, અનુ કપૂર, સુપ્રિયા પિળગાંવકર, અમોલ પરાશર જેવાં કલાકારો છે. ‘દો દુની ચાર’ જેવી રિફ્રેશિંગ ફેમિલી ફિલ્મના મેકર હબીબ ફૈઝલ સિરીઝના ડિરેક્ટર છે. વાર્તા ફરે છે સેઠી પરિવાર આસપાસ જે પોતાના ઘરને હાથમાંથી સરકી જતું બચાવવા તંત્ર વિરુદ્ધ મેદાને પડ્યો છે. કથામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે એકમેક સાથે વાંધા ધરાવતા પરિવારજનો ઘર ખાલી કરવાની નોટીસ મળ્યા પછી ટીમ બની જાય છે.
છેલ્લી વાત. હોલિવુડની નકલ કરવાનો, એની દિશામાં હુડુડુડુ દોડવાનો સ્વભાવ બોલિવુડે વરસો સુધી રાખ્યો. પરિણામ એ આવ્યું કે ધીમેધીમે કરતાંક બોલિવુડ દિશાભાન ભૂલી બેઠું. એનો લાભ લઈ ગઈ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેણે ઓરિજિનાલિટી અને ઇન્ડિયનનેસ બેઉ ટકાવી રાખ્યાં. એટલું ઓછું હોય તેમ બોલિવુડની ભૂલોએ ભોજપુરી, મરાઠી, બંગાળી (અને હવે ગુજરાતી) ફિલ્મ ઇન્ડસ્ટ્રી વગેરેને પણ ફરી ઊભા થવાની તક આપી. હવે ઓટીટીવાળા નકલખોર બન્યા છે. અમેરિકન અને બ્રિટિશ ઓટીટી મેકર્સ પાછળ દોડવામાં એમને મોજ પડે છે. એમને અન્ય દેશોની ઓરિજિનાલિટીથી પ્રેરણા લેવાનું મન થતું નથી. ઓટીટીની સાચી પ્રગતિ અને સફળતા માટે આપણા શોઝમાં આગવો ઇન્ડિયન ટચ હોવો અનિવાર્ય છે. એ ટચ આપનારા સારા શોઝ સફળ છે. આવા શોઝ જેટલા વધશે એટલું વધારે ઓટીટી વિશ્વ સફળ થશે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 12 મે, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Share: