ફિલ્મોની જેમ ઓટીટીની સિરીઝ અને ફિલ્મો વગેરે માટે અવોર્ડ્સ વધી રહ્યા છે. હવે તો ઇન્ફ્લુએન્સર્સ પણ અવોર્ડ જીતી શકે છે. વધુ અવોર્ડથી ઓનલાઇન મનોરંજન દર્શકો સુધી વધુ સારી રીતે પહોંચી શકશે એ સમજી શકાય એવી બાબત છે 

ફિલ્મી એવોર્ડ્સની જાહેરાત સૌમાં ઉત્કંઠા જગાડતી હોય છે. કારણ, બોલિવુડ અને ફિલ્મો લોકોના જીવનનો અંતરંગ હિસ્સો હોય એવું વરસોથી રહ્યું છે. ઓટીટીના મામલે હજી એવું થતું નથી. ઓટીટીના નોંધપાત્ર સર્જકોને એવોર્ડથી સન્માનિત કરવાનું ચલણ નવું છે. એવોર્ડ્સ આપતી સંસ્થાઓ પણ ઓછી છે. વાત કરીએ ઓટીટી માટે અપાતા વિવિધ એવોર્ડ્સની. વાત કરીએ હાલમાં જાહેર થયેલા ફિલ્મફેરના ઓટીટી માટેના ચોથા એવોર્ડ્સ અને એના અમુક વિજેતાઓ અને એમનાં સર્જનોની.

ઓટીટી માટે અપાતા એક એવોર્ડનું નામ છે, ઓટીટીપ્લે. આ એવોર્ડ બે વરસ પહેલાં શરૂ થયા છે. એમાં મુખ્યત્વે ઓટીટીની શ્રે ફિલ્મ, વેબ સિરીઝ, અભિનેતા, અભિનેત્રી અને  શ્રેષ્ઠ નવોદિત (એટલે ઓટીટી માટે નવોદિત) અભિનેતા અને અભિનેત્રીના એવોર્ડ્સ અપાય છે. ૨૦૨૩માં એમાં   શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત થઈ હતી ‘ડાલગ્સ’. શ્રેષ્ઠ સિરીઝ તરીકે ટ્રોફી લઈ ગઈ હતી તામિલ-તેલુગુ સિરીઝ ‘અયાલી’. સિરીઝના દિગ્દર્શક મુથુકુમાર છે. એમાં કુલ આઠ એપિસોડ્સ છે. વાર્તા મા અને દીકરીની છે. દમન અને શોષણના ૫૦૦ વરસ જૂના રિવાજો વિરુદ્ધ અવાજ ઉઠાવતી દીકરી કેવી રીતે ડોક્ટર બનવાના સપનાને જીવે છે એ છે કેન્દ્રવર્તી મુદ્દો. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી આ સિરીઝે દર્શકોનાં દિલ જીત્યાં હતાં. એ ઝીફાઇવ પર જોઈ શકાય છે.

આ એવોર્ડના બાકીના વિજેતાઓની વાત રહેવા દઈ અન્ય એવોર્ડ તરફ વધીએ. ઓટીટીના એક એવોર્ડનું નામ ટ્રેન્ડીઝ છે. એની શરૂઆતને એક વરસ થયું છે. એમાં સિતારાઓ સાથે ઇન્ફ્લુએન્સર તરીકે કશુંક નોંધપાત્ર સિદ્ધ કરી શકનારા સામાન્ય માણસને પણ નવાજવામાં આવે છે. માર્ચ ૨૦૨૪માં એ એવોર્ડ બીજી વખત આપવામાં આવશે. ઇન્ફ્લુએન્સર માટેની એની શ્રેણીઓમાં દસેક એવોર્ડ્સ છે. બાકીના મુખ્યત્ત્વે ઓનલાઇન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને એવી કંપનીઓ માટેના એવોર્ડ્સ છે. એમાં નામાંકન કરાવવા માટે જે-તે શ્રેણી અનુસાર ફી ભરવાની રહે છે એ પણ નોંધી લો.

વરસોથી ફિલ્મી એવોર્ડ્સમાં દબદબો જાળવી રાખનાર ફિલ્મફેર એવોર્ડ્સની પણ ઓટીટી આવૃત્તિ છે. એને શરૂ થયે ચાર વરસ થયાં છે. આ વરસના વિજેતાઓ હાલમાં જ જાહેર થયા. એની વાત કરીએ, ખાસ તો એમાં ઝળકનારાઓની.

એમાં  શ્રેષ્ઠ પોપ્યુલર સિરીઝ તરીકે માન ખાટી ગઈ છે નેટફ્લિક્સની ‘સ્કૂપ’ સિરીઝ. ત્રણેક મહિના પહેલાં આપણે એનો અહીં ઉલ્લેખ કરતા નોંધ્યું હતું કે સિરીઝ એવરેજ છે. એ વરસની  શ્રેષ્ઠ સિરીઝ બની એનું કારણ વરસની અન્ય સિરીઝ સાધારણ રહી એ હશે. અથવા વરસની અન્ય સિરીઝ પહેલાંની કોઈક સિરીઝની નવી સીઝન હશે એ પણ હોઈ શકે. ‘સ્કૂપ’નો વિષય ઓટીટી માટે પ્રમાણમાં નવો છે. એમાં પત્રકારત્વના કાવાદાવા વચ્ચે અટવાતી ક્રાઇમ રિપોર્ટર જાગૃતિ પાઠકના પત્રકારત્વના અનુભવો અને મર્ડર કેસમાં એને જેલમાં થવા વિશેનો છે. હંસલ મહેતાની આ સિરીઝ પત્રકાર જિજ્ઞા વોરાના પુસ્તક ‘બિહાઇન્ડ બાર્સ ઇન ભાયખલાઃ માય ડેઝ ઇન પ્રિઝન’ પર આધારિત છે. જિજ્ઞાની જે ડે નામના પત્રકારના મર્ડરના મામલામાં અટક થઈ હતી. સિરીઝમાં જિજ્ઞા આધારિત જાગૃતિ પાઠક નામનું પાત્ર કરિશ્મા તન્ના ભજવે છે. અન્ય કલાકારોમાં પ્રસનજિત ચેટર્જી, મોહમ્મદ ઝિશાન અયુબ, હરમન બાવેજા, તાનિશા ચેટર્જી, દેવેન ભોજાણી છે. બીજું કશું યાદ ના આવે અને ઓટીટી જોવાનો મૂડ હોય ત્યારે આ સિરીઝ જોઈ શકાય.

વિવેચકોએ જેને  શ્રેષ્ઠ સિરીઝ તરીકે નવાજી એ સિરીઝ ‘ટ્રાયલ બાય ફાયર’ છે. દિલ્હીમાં ૧૯૯૭માં ઉપહાર નામના સિનેમાઘરમાં ગમખ્વાર આગ લાગી હતી. એમાં ૫૯ લોકોના જીવ ગયા હતા અને ૧૦૩ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. એ કિસ્સા પર આધારિત છે આ સિરીઝ. એમાં અભય દેઓલ, રાજશ્રી દેશપાંડે, આશિષ વિદ્યાર્થી, અનુપમ ખેર, રત્ના પાઠક શાહ સહિતનાં કલાકારો છે. સિરીઝ સિરિયસ પ્રકારની છે પણ હૃદયસ્પર્શી છે. સાત એપિસોડવાળી આ સિરીઝ નેટફ્લિક્સ પર છે.

અન્ય વિજેતાઓમાં પોપ્યુલર શ્રેષ્ઠ ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાની છે, જેને ‘જ્યુબલી’ સિરીઝ માટે એવોર્ડ મળ્યો છે. વિવેચકોએ  શ્રેષ્ઠ સિરીઝના દિગ્દર્શક જાહેર કર્યા છે ‘કોહરા’ના રણદીપ ઝાને. ‘કોહરા’ મર્ડર મિસ્ટ્રી છે. એ સિરીઝ માટે શ્રે અભિનેતાનો એવોર્ડ સુવિન્દર વિકીને મળ્યો છે. વિવેચકોએ ‘દહાડ’ માટે શ્રે અભિનેતા તરીકે વિજય વર્માને એવોર્ડ આપ્યો છે. શ્રે અભિનેત્રી તરીકે પોપ્યુલર શ્રેણીમાં રાજશ્રી દેશપાંડેને ‘ટ્રાયલ બાય ફાયર’ એવોર્ડ મળ્યો છે. વિવેચકોએ કરિશ્મા તન્નાને ‘સ્કૂપ’ના માટે તો સોનાક્ષી સિંહાને ‘દહાડ’ માટે એવોર્ડ આપ્યો છે.

ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિકસી રહ્યાં છે એમ એમાં આવતી સિરીઝ અને ફિલ્મો માટે એવોર્ડ આપતી સંસ્થાઓ વધશે. કલાકાર-કસબીઓ માટે એ સ્વાગતયોગ્ય વાત છે. દર્શકો માટે એવોર્ડ્સ એ રીતે મહત્ત્વ રાખશે કે જે સિરીઝ કે ફિલ્મ કે કલાકાર જીતશે એ તરફ એમનું ધ્યાન ખેંચાશે. મોટા પડદે આવતી ફિલ્મોની જેમ ચારેકોર વાતો થાય છે એવું ઓટીટીની દરેક સિરીઝ થતું નથી. ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર એક તો દરેક ભાષાનાં સર્જન ખડકાતાં રહે છે. અમુક ડબિંગ સાથે આપણને સમજાતી ભાષામાં જોઈ શકાય તો અમુક પ્રાદેશિક ભાષામાં સબટાઇટલ્સ સાથે આવે. અનેક પ્લેટફોર્મ્સ હોવાથી ઘણીવાર ખબર પડતી નથી કે ચોક્કસ ફિલ્મ કે સિરીઝ સ્ટ્રીમ ક્યાં થાય છે. ઓછામાં પૂરું, નાનાં પ્લેટફોર્મ્સ પર થતી હલચલ વિશે પણ ઝટ જાણ થતી નથી.

આ સ્થિતિ એ રીતે બદલાઈ શકે કે એવોર્ડ આપનારી સંસ્થાઓ નાનાં પ્લેટફોર્મ્સ અને ઓછો પ્રચાર કરનારી છતાં સારી સિરીઝ અને ફિલ્મોને યોગ્ય રીતે મૂલવે અને સન્માન આપે. એ થવું જોકે સહેલું નથી. જે રીતે બળિયાના બે ભાગનો શિરસ્તો, લાગવગ અને પક્ષપાત સાથે, ફિલ્મી એવોર્ડ્સમાં ચાલતો રહ્યો છે એમ ઓટીટીના એવોર્ડમાં પણ બધું દૂધનું ધોયું થાય એ માની લેવાનો સવાલ જ નથી. એમાં પણ ઘાલમેલ થાય એ સહજ કલ્પી શકાય છે. તો પણ, ખરેખર ઉત્તમ અને એકદમ આઉટસ્ટેન્ડિંગ કશુંક આવે છે ત્યારે દર્શકો, ચાહકો મેળવવા સાથે સફળતા પણ મેળવી લે છે. ઓટીટીના ઉત્તમ શોઝ અને એની બેસ્ટ ફિલ્મો આવું કરી જાય એ દર્શકોના લાભમાં છે. સાથે, અવોર્ડ્સ આપનારા જેટલી વધારે ઇમાનદારી સાથે વિજેતાઓ ચૂંટશે એટલું સારું.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.01 ડિસેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/01-12-2023/6

Share: