
સત્ય ઘટના પર આધારિત કે એનાથી પ્રેરિત ફિલ્મો હવે ખાસ્સી બને છે. દરેક ભાષામાં બને છે. એક રીતે સારું છે કારણ સારા વિષયોની સખત તંગી વચ્ચે આવી ઘટનાઓ પડદા પર નવું લાવી શકવાની શક્યતા જગાવે છે. એવી જ એક ફિલ્મ પહેલી મેએ, એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત દિને મોટા પડદે આવી હતી. ફિલ્મનું નામ ‘આતા થાંબાયચં નાહી’ એટલે હવે અટકવાનો વારો નહીં આવે. મુંબઈ મહાનગરપાલિકાના ચોથી શ્રેણીના કર્મચારીઓની એમાં વાત છે. આ કર્મચારીઓ શહેરની ગટરોનું સફાઈકામ કરે, પાણીની લાઇનો બરાબર ચાલે એની કાળજી રાખે, ઘેરઘેરથી કચરો ઉઠાવે… ઓછું ભણેલા આ કર્મચારીઓના જીવનમાં એકવાર એક મહાપાલિકા અધિકારીને કારણે એક નવો પવન ફૂંકાય છે અને… વિગતે જાણીએ.ઉદય શિરુરકર (આશુતોષ ગોવારિકર) મહાપાલિકાનો અધિકારી છે. એક દિવસ એ મહાપાલિકાના અમુક કર્મચારીઓને આદેશ મોકલાવે છે કે આવો અને મળો. કર્મચારીઓના હોશકોશ ઊડી જાય છે. એમને ધાસ્તી બેસી ગઈ છે કે આપણી નોકરી ગઈ. જોકે જેવા તેઓ ઉદય પાસે પહોંચે છે કે સાવ અનપેક્ષિત વાત થાય છે. ઉદય કહે છે, “તમારે સૌએ દસમાની પરીક્ષા પાસ કરવાની છે. નોકરી પછી નાઇટ સ્કૂલમાં જવાનું છે. ભણવાનું છે. એમ કર્યે તમારું પદ ઊંચુ જશે અને પગાર પણ.” મુશ્કેલી એ કે મોટી ઉંમરે ભણવા માટે સ્કૂલે જવાનો વિચાર જ આ કર્મચારીઓને માનસિક ખલેલ પહોંચાડવા પૂરતો થઈ રહે છે. જેમના બચ્ચાંવ અને પૌત્ર-પૌત્રી સ્કૂલમાં ભણતાં હોય, જેમણે જીવનમાં મહત્વાકાંક્ષાઓ રાખવાનું પડતું મૂકી દીધું હોય એમના માટે શું અભ્યાસ અને શું સપનાં? પણ સાહેબના આદેશ સામે શું થાય? વળી સાહેબ કહે છે કે તમે ભણશો તો દર મહિને રૂપિયા ત્રણ હજાર વધારાના અને એસએસસીમાં પાસ થયા તો પગારમાં રૂપિયા પાંચ હજારનો વધારો, બેઉ થશે. એમ, આ કર્મચારીઓ શરૂ કરે છે અભ્યાસ.
એમા સામેલ છે નિવૃત્તિ આરે પહોંચી રહેલો સખારામ મંચેકર (ભરત જાધવ), હોશિયાર અને ઢીંગલી જેવી દીકરીનો બાપ મારુતિ કદમ (સિદ્ધાર્થ જાધવ), ચંચળ સ્વભાવની જયશ્રી (પ્રાજક્તા હનમઘર), પતિપીડિત અપ્સરા (કિરણ ખોજે) સહિતનાં કર્મચારીઓ. એમને ભણાવવાનું કામ કરવાનું છે નીલેશ માળી (ઓમ ભુતકર) નામના શિક્ષકે. નીલેશ મહાપાલિકાની સ્કૂલનો શિક્ષક છે. એની સ્કૂલ બંધ થવાને આરે છે છતાં, પોતાના વ્યવસાયને બેહદ ચાહતો આ શિક્ષક નવા વિદ્યાર્થીઓ મેળવીને રાજે છે.
એના રાજીપાનું બહુ જલદી બાષ્પીભવન થાય છે. થોડા દહાડા સ્કૂલમાં આવ્યા પછી એના વિદ્યાર્થીઓ ઠરાવે છે, “પૂળો મેલો ભણવામાં. આ કટકટ કોઈ કામની નથી.” અને વિદ્યાર્થીઓ બંધ કરી દે છે સ્કૂલ જવાનું. બીજી તરફ એની વાગ્દત્તા સીમા (પર્ણા પેઠે)એ એના માટે શિક્ષકની બદલે, એના કરતાં ક્યાંય વધારે પગારની નોકરી શોધી લીધી છે. વિદ્યાપ્રસારને જીવન માનતો નીલેશ હતાશ થઈને સજ્જ થાય છે નોકરી બદલવા. પછી શું થાય છે?
‘આતા થાંબાયચં નાહી’ એક સરળ, સરસ અને સ્વીટ ફિલ્મ છે. ભલે એમાં મોટી ચમત્કૃતિઓ નથી તો શું? અમુક સિચ્યુએશન્સ મજાની છે. જેમ કે મહાપાલિકા કર્મચારીઓનો અધિકારી સાથે પહેલીવાર સામનો, જાપાનીઝ કંપનીના અધિકારી સાથે સખારામ અને મારુતિની મુલાકાત, જયશ્રીનું અપ્સરા માટે એના પતિ સાથે બાખડવું વગેરે. અરે હા, ફિલ્મનાં ગીતો સારાં છે. એનો આનંદ પણ લઈ શકાય છે. સરવાળે, મરાઠી ભાષા સમજવામાં સરળ છે. અથવા સબટાઇટલ સાથે ફિલ્મ માણી શકાય છે.
રિઝર્વ બેન્કનાં રહસ્યો ખોલતી સિરીઝ
જિયોહોટસ્ટાર પર એક સિરીઝ આવી છે. ‘આરબીઆઈ અનલોક્ડઃ બિયોન્ડ ધ રૂપી.’ નવાઈની વાત કે એના વિશે ભાગ્યે જ ક્યાંય ચર્ચા થઈ રહી છે. જ્યારે કે સિરીઝ એવી સરસ છે કે દર્શકોને એના વિશે માહિતગાર કરવાનું કામ થવું જોઈતું હતું. આપણે જેને દેશની ટોપ મોસ્ટ અને ખાસ તો, અમુકતમુક નિયમો સર્જતી અને તોડતી બેન્ક તરીકે ઓળખીએ છીએ એવી રિઝર્વ બેન્ક બીજાં અનેક કામ કરે છે. ઘણાંની તો આપણને ખબર પણ નથી.
અત્યાર સુધીમાં એના ચાર એપિસોડ ઓનલાઇન થયા છે. અઠવાડિયે એક એપિસોડ આવી રહ્યો છે. પાંચમો તમે આ વાંચતા હશો ત્યારે કદાચ આવી ગયો હોય. બહુ મજેદાર એવી આ સિરીઝ સપરિવાર જોવી રહી. બાળકોએ, વિદ્યાર્થીઓએ ખાસ જેથી એમને દેશની સર્વોચ્ચ બેન્કની કામગીરીની મનોરંજક અને શૈક્ષણિક જાણકારી પણ મળી શકે.
સિરીઝના પહેલા એપિસોડમાં દેશની આર્થિક કટોકટીનો, 1990ના દાયકાની શરૂઆત પહેલાં અને શરૂઆત વખતનો દોર દર્શાવાયો છે. એ સમયે ભારત એવી ભીંસમાં હતું કે હજારો ટન સોનું ગિરવે મૂકીને ગાડું ગબડાવવું પડ્યું હતું. પછીના એપિસોડ્સમાં આરબીઆઈની અન્ય રોચક બાબતો દર્શાવાઈ છે. સિરીઝ જોતાં દર્શકો આરબીઆઈના આંતરિક માળખા વિશે પરિચિત થવા સાથે એના સોનાના ભંડારને પણ નિહાળી શકે છે. સાથે સન્મુખ થઈ શકે છે એના ભૂતપૂર્વ અને વર્તમાન પદાધિકારીઓ સાથે.
ફિક્શન અને નોન-ફિક્શન બે ટ્રેક પર સિરીઝ દોડે છે. ફિક્શનમાં એક સામાન્ય પરિવારના માધ્યમથી જાતજાતના મુદ્દાને તાદ્દશ કરાયા છે. નોન-ફિક્શનમાં બેન્કના ગવર્નરથી લઈને ઉચ્ચ અધિકારીઓ પાસેથી આરબીઆઈની કામગીરી વિશે અનેક બાબતોનાં પડદા ઉઘડે છે. સિરીઝનું મેકિંગ સરસ છે. દરેક એપિસોડ પોતાની રીતે સ્વતંત્ર છે. રૅપો રેટ જેવી અઘરી બાબતોને એમાં આસાન શબ્દોમાં સમજાવાઈ છે.
બસ, એક પ્રશ્ન એવો થાય છે કે રિઝર્વ બેન્કે શા માટે આ સિરીઝ જિયોહોટસ્ટાર સાથે કે એના માટે બનાવી. આવી સિરીઝ વાસ્તવમાં તો દૂરદર્શન જેવા પ્લેટફોર્મ પર અથવા કોઈ એવા પ્લેટફોર્મ પર હોવી જોઈએ જ્યાં ભારતીયો એને વિનામૂલ્યે માણી શકે. હશે. જ્ઞાનવર્ધક અને જોવાલાયક આ સિરીઝ જરૂર જોજો.
નવું શું છે
- જિયોહોટસ્ટાર પર આજથી વેબ સિરીઝ ‘ગુડ વાઇફ’ આવી છે. આ નામની જ અમેરિકન સિરીઝ પરથી એ બની છે. પ્રિયામણિ મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શન અભિનેત્રી-દિગ્દર્શકા રેવતીનું છે. આરી અર્જુનન અને સંપત રાજ પણ સિરીઝમાં છે.
- અભિષેક બચ્ચનની ફિલ્મ ‘કાલીધર લાપતા’ આજે ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર છે મધુમિતા સુંદરરામન. ફિલ્મમાં નિમરત કૌર, મહમ્મદ ઝિશાન અયુબ પણ છે.
- અનિરુદ્ધ મિત્રાના પુસ્તક ‘90 ડેઝ’ પર આધારિત, ‘ધ રાજીવ ગાંધી અસાસિનેશન કેસ’ સિરીઝ સોની લિવ પર આવી છે. રાજીવ ગાંધીના જીવન પર અને તેમની હત્યા પર એ આધારિત છે. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર નાગેશ કૂકુનુરે એને ડિરેક્ટ કરી છે.
- નેટફ્લિક્સની ફેન્ટસી વેબ સિરીઝ ‘સેન્ડમેન’ની બીજી સીઝન બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ ગઈકાલે રિલીઝ થયો. બીજો 24 જુલાઈએ આવશે. કુલ 11 એપિસોડ હશે.
Leave a Comment