
નવોદિત દિગ્દર્શકની ફિલ્મને રજનીકાંત જેવા સ્ટારની અપાર પ્રશંસા મળે એ નાનીવાત નથી. રોકાણ કરતાં અનેકગણી આવક ફિલ્મ રળે એ નાની વાત નથી. એટલે જ આ ફિલ્મ મહત્ત્વની છે
તામિલ ફિલ્મ ઉદ્યોગમાં આ વરસે એક નવાસવા ડિરેક્ટરે જાદુ કર્યો છે. એનું નામ અબિશાન જીવિંત. મૂળ એ તિરુચિપાલ્લીનો. ફિલ્મ ઉદ્યોગ સાથે એને કોઈ સંબંધ હમણાં સુધી નહોતો. વિઝ્યુઅલ ક્મ્યુનિકેશનમાં એણે ચેન્નાઈની લોયોલા કોલોજથી બીએસસી કર્યું. પછી પોતાની યુટ્યુબ ચેનલ લૉન્ચ કરી. એમાં એ શોર્ટ ફિલ્મ મૂકે. એમાંની એક હતી ‘ડોપ’ અને પછી આવી ‘નોદિગલ પિરાકથા.’ પછી એણે એક કમર્શિયલ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો જેના પર કોવિડે પાણી ફેરવી દીધું. હતોત્સાહ થયા વિના આબિશાને નવા વિષય પર કામ શરૂ કર્યું. એ માટે એને આંશિક પ્રેરણા કમલ હસનની ‘તેનાલી’ ફિલ્મ પરથી મળી. એના પરથી એણે લખી ‘ટુરિસ્ટ ફેમિલી’ નામની ફિલ્મ. પછી શું થયું?
આ વરસે તામિલ ફિલ્મોમાં જેની સૌથી વધુ ટિકિટ વેચાઈ એવી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ ચોથા નંબરે પહોંચી ગઈ. માહિતી પ્રમાણે રૂ. 16 કરોડમાં બનેલી આ ફિલ્મે ભારતમાં રૂ. 58 કરોડનો વેપાર કર્યો. વિદેશમાં એ આ આંકડાને પણ આંટીને રૂ. 84 કરોડ કમાઈ. મુદ્દે, નિર્માણના ખર્ચ કરતાં ઓલમોસ્ટ નવસોગણો વેપાર. એમાં ઉમેરી દો ફિલ્મની અન્ય આવક. ઓટીટી, સેટેલાઇટ, ટેરેસ્ટ્રિયલ (એટલે દૂરદર્શન)થી થનારી આવક વગેરે. આબિશાનને કહો જેકપોટ લાગ્યો છે અને દર્શકોને પણ. કારણ આ દિગ્દર્શકના રૂપમાં એમને મળ્યો એક દમદાર સર્જક અને એની ફિલ્મના રૂપમાં મળ્યું મસ્ત મનોરંજન.
‘ટુરિસ્ટ ફેમિલી’ આ વરસની તામિલની જ નહીં, આખા દેશની એક મહત્ત્વની, નોંધનીય ફિલ્મ ગણાઈ છે. હવે એ જિયો હોટસ્ટાર પર આવી છે. રિમોટ ઉઠાવીને એને સપરિવાર જોવી રહી. બે કલાકથી જરાક લાંબી આ ફિલ્મ ખરેખર સારી છે. એની કથાની વાત કરીએ.
શ્રીલંકન તામિલ ધરમદાસ (એમ. સસીકુમાર) એના પરિવાર સાથે ભારતની ભૂમિ પર ગેરકાયદે આવી ચડે છે. એના દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દરિયો વળોટીને એ રાતે રામેશ્વરમના કિનારે પહોંચે છે કે પોલીસ આંતરી લે છે. એની સાથે છે પત્ની વાસંતી (સિમરન), મોટો દીકરો નીતુ (મુથુન જયશંકર) અને નાનો દીકરો મુરલી (કમલેશ જગન). ભારતભૂમિ પર એમનો એકમાત્ર સંપર્ક છે ધરમદાસનો સાળો પ્રકાશ (યોગી બાબુ). પોલીસને જોઈ પ્રકાશ સંતાઈ ગયો છે. છેવટે જોકે મુરલીની યુક્તિને લીધે પોલીસ દાસ પરિવારને ભારતમાં ગેરકાયદે પ્રવેશ છતાં જતો કરે છે.
આશરો શોધતાં પરિવાર પહોંચે છે કેશવ નગર નામની કોલોનીમાં, જ્યાં એક પોલીસ અધિકારી રાઘવન (ભગવતી પેરુમલ)ના ઘરના પહેલા માળે આશરો. પણ છેવટે તો એ ઘૂસણખોર પરિવાર અને છેવટે તો એના સંસ્કાર, જીવનશૈલી, બોલી, બોલીનો લહેકો બધું ધીમેધીમે સ્પષ્ટ કરવા માંડે છે કે આ પરિવાર સ્થાનિક નથી, કે નથી કેરળથી, જ્યાંથી તામિલનાડુ આવ્યાનો એ દાવો કરે છે.
બીજી તરફ ઘટનાઓ સર્જાય છે. શહેરમાં એક જગ્યાએ બોમ્બ ધડાકો થાય છે. ત્યાંના સીસીટીવી ફૂટેજમાં આ પરિવાર ઘટનાસ્થળે હોવાનું પણ સામે આવે છે. ત્રીજી તરફ એસીપી બલવાન સિંઘ (રામકુમાર પ્રસન્ના) છે, જે એક સંદિગ્ધને મારીમારીને મોતના દરવાજે પહોંચાડી દે છે. હવે જો નોકરી બચાવવી હોય તો બલવાને બોમ્બ ધડાકાનો મામલો ઉકેલીને શંકાસ્પદ પરિવારને ઝબ્બે કરવાનો છે.
જોકે મૂળ કથા ચાલે છે કેશવ કોલોનીમાં જ્યાં દાસ પરિવાર આજીવિકા રળવા, થાળે પડવા, નવા સંબંધો બાંધવા મથે છે. એ મથામણ શું પરિણામ લાવે છે? અજાણ્યા લોકો સાથે દાસ પરિવાર અને એ લોકો દાસ પરિવાર સાથે કેવોક વહેવાર કરે છે? અને જ્યારે, કથાપ્રવાહમાં અપેક્ષિત વળાંકો પછી, પોલીસનો રેલો દાસ પરિવાર સુધી પહોંચે છે ત્યારે, એનું શું થાય છે?
‘ટુરિસ્ટ ફેમિલી’ એક સરળ, સ્વીટ, અને હૃદયસ્પર્શી વાત લાવી છે. માણસ કરતાં માણસાઈ અને ગોબાચારી કરતાં ગુણ વધુ મહત્ત્વનાં છે એ એનો છુપો સંદેશ છે. કલાકારોના સુંદર અભિનય, કોઈ બિનજરૂરી હોહા વિનાની રજૂઆત, ક્યાંક ક્યાંક મનને તરબતર કરી જતી ક્ષણો વગેરેથી એ અવશ્ય માણવા જેવી ફિલ્મ બને છે. આ ફિલ્મને તામિલ સુપરસ્ટાર રજનીકાંતે વખાણી છે. ઇન ફેક્ટ, ફિલ્મ જોવા ઉપરાંત એમણે અબિશાનને મળવા બોલાવીને પણ એની પીઠ થાબડી હતી. નવોદિત દિગ્દર્શકને આનાથી મોટો પુરસ્કાર કયો મળી શકે?
આ ફિલ્મની ખૂબી એ પણ ખરી કે જોતી વખતે જસ્ટ અનધર ફિલ્મ એ લાગે તો પણ, ધીમેધીમે એ મનમાં આપોઆપ વાગોળાતી રહે છે. એનું કારણ એની મીઠાશ છે, સરળતા છે. ફિલ્મની જાહેરાત ગયા વરસે સપ્ટેમ્બરના અંતમાં થઈ હતી. ડિસેમ્બરમાં એના ટાઇટલની જાહેરાત થઈ અને તરત શૂટિંગ શરૂ થયું હતું. માત્ર પાંત્રીસ દિવસમાં જેનું સમગ્ર શૂટિંગ આટોપાઈ ગયું હતું. ફિલ્મ ચેન્નાઈમાં શૂટ થઈ હતી. આ વરસે બીજી જાન્યુઆરીએ શૂટિંગ પત્યું હતું. એપ્રિલમાં તો એ મોટા પડદે આવી પણ ગઈ હતી. આ ગતિ પણ નોંધવા જેવી છે કારણ એક નવોદિત દિગ્દર્શકની પોતાના પ્રોજેક્ટ માટેની સ્પષ્ટતાનો એ આડકતરો પુરાવો છે. જો દિગ્દર્શક સ્પષ્ટ ના હોય તો એ નવો હોય કે જૂનો, ફિલ્મમેકિંગના ત્રણેય તબક્કામાં (પ્રિ-પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન) સમય અને પૈસાનું પાણી થાય છે. આબિશાનની ફિલ્મ જે રીતે ફટાફટ બની, રિલીઝ થઈ અને સફળ પણ, એ આ યુવા દિગ્દર્શકની કાબેલિયનો એક પુરાવો છે.
સમય કાઢીને જોઈ લો, ‘ટુરિસ્ટ ફેમિલી.’
નવુ શું છે?
- મરાઠી સોશિયલ ડ્રામા ફિલ્મ ‘આતા થાંબાયચં નાય’ આવતીકાલે એટલે કે 28 જૂને ઝીફાઇવ પર આવવાની છે. ફિલ્મમાં આશુતોષ ગોવારિકર, ભરત જાધવ, સિદ્ધાર્થ જાધવ, ઓમ ભુતકર, પ્રાજક્તા હણમઘર વગેરે મુખ્ય ભૂમિકામાં છે.
- અજય દેવગન અને રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ ‘રેઇડ ટુ’ થિયેટરમાં જોવાનું ચૂકી ગયેલાઓ માટે તક છે. ફિલ્મ આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે .
- અમેરિકન સિરીઝ ‘મોન્ક’ના હિન્દી રૂપાંતરવાળી રામ કપૂર અને મોના સિંહ અભિનિત સસ્પેન્સ કોમેડી ફિલ્મ ‘મિસ્ત્રી’ આજથી જિયો હોટસ્ટાર પર આવી છે. ડિરેકટર છે રિષભ શેઠ.
- હોલીવુડ સ્ટાર એડ્રિયન બ્રોડીની ડ્રામા પિરિયડ ફિલ્મ ‘ધ બ્રુટલિસ્ટ’ 28 જૂને એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે.
Leave a Comment