
ઓનલાઇન મીડિયાની ઉપયોગિતા અને એની નકારાત્મક અસરોની વાતો ખાસ્સી થાય છે. ઘણે અંશે એ સાચી હોઈ શકે છે કારણ માણસના જીવનના એક અગત્યના હિસ્સાને હવે ઓનલાઇન માધ્યમો ઓહિયા કરી રહ્યાં છે. સવાર પડે કે હાથમાં મોબાઇલ, કામકાજના સ્થળે કોમ્પ્યુટર, લેપટોપની અનિવાર્યતાને કોઈ કાં તો ખાળતું નથી કાં ખાળી શકતું નથી. એવામાં ક્યારેક એ પણ વિચાર કરવો રહ્યો કે ઓનલાઇન જગત એક આશીર્વાદ પણ છે. અનેકના જીવનમાં એનો સકારાત્મક પ્રભાવ પણ પડ્યો છે.લેટ્સ ટૉક.
ઓનલાઇન દુનિયા માત્ર મનોરંજન માટે નથી. આ સત્ય સમજવા છતાં, દુર્ભાગ્યે, અનેક લોકો માત્ર મનોરંજન માટે ઓનલાઇન મીડિયાને પંપાળતા રહે છે. જ્ઞાનોપાર્જન માટે, પોતાના કામકાજની ગતિ અને ગુણવત્તા વધારવા માટે પણ ઓનલાઇન માધ્યમોનો અસરકારક ઉપયોગ કરવાની કળા આત્મસાત્ કરવી અનિવાર્ય છે. પોસ્ટકાર્ડ અને પરબીડિયાના સ્થાને સ્વેચ્છાએ કે પરિસ્થિતિવશ, ઇમેઇલ, વ્હોટ્સએપ વગેરે અપનાવવા પડ્યાં છેને? તો ઓનલાઇન વિશ્વને બિનમનોરંજન બાબતો માટે પણ અપનાવી લો. ટ્રેનમાં લાંબા પ્રવાસમાં, રાતના ઊંઘતા પહેલાં મોબાઇલ પર અંગૂઠાથી શોર્ટ્સ અને રીલ્સમાં ઓતપ્રોત થવાને બદલે, “મારે આ શીખવું છે,” કહીને પોતાને બદલાવો. એ માટે એક ઇમાનદાર સમયપત્રક બનાવો. શીખવું કશું પણ હોઈ શકે. નવી ભાષા હોઈ શકે, સંગીત હોઈ શકે, રસોઈ હોઈ શકે, પોતાના કામકાજને બહેતર કરવાનો કોર્સ હોઈ શકે… બસ, નક્કી હોવું જોઈએ કે શું શીખવું છે અને એને પાકે પાયે સમય આપવો છે.
સ્કૂલ કે કોલેજના અભ્યાસમાં જે રીતે પરોવાઈ જવાની જરૂર હોય છે એવું ઓનલાઇન મીડિયાના મામલે પણ છે. આ મુદ્દે માર થાપ ખાઈ જવાની બહુ શક્યતા છે. થાય શું કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા એવું વમળ છે જેમાં શરૂઆત ક્યાંકથી કરીને એકાએક, ખબર પણ પડે નહીં અને સાવ નોખી દુનિયામાં પહોંચી જવાય છે. અમિતાભ બચ્ચનનો દીવાનો, દાખલા તરીકે, પોતાના પ્રિય અભિનેતા વિશે ઓનલાઇન ખાંખાખોળા કરે અને અજાણતા શાહરુખ ખાન કે માધુરી દીક્ષિતની દુનિયામાં પહોંચી જાય એ બિલકુલ શક્ય છે. કારણ, ઓનલાઇન દુનિયા આપણા સર્ફિંગ અને ક્લિક, ક્લિકને નોંધીને આપણને પોતાની રીતે કન્ટેન્ટ દેખાડ્યા કરે છે. એક પ્રિન્ટેડ અખબાર કે પુસ્તક વાંચતી વખતે આપણી પાસે મર્યાદિત વિકલ્પ હોય છે. પાનાં અને સામગ્રી જે હોય તેમાં જ રહેવાનું હોય છે. ઓનલાઇન દુનિયામાં લિન્ક, સજેસ્ટિવ પેજિસનો અનહદ મારો થયે રાખે છે. બસ, એનાથી બચતા આવડી જાય તો ફેર પડે.
એવી જ રીતે, વિડિયો જોયો કે આર્ટિકલ વાંચ્યો એટલે ગંગા નાહ્યા અને બધું આવડી ગયું એવો ભ્રમ ઓનલાઇન જ્ઞાનોપાર્જન વખતે થઈ શકે છે. ના ના. એના માટે તો જેમ સ્કૂલ-કોલેજમાં ભણ્યા પછી ઘરકામ કરીએ, નોટ્સ લખીએ, પુનરાવર્તન કરીએ, એ બધું કરવું જ પડે છે. જ્યાં સુધી આ પ્રવૃત્તિ થતી નથી ત્યાં સુધી ઓનલાઇન એજ્યુકેશન, ભલે એ કોઈ પણ હેતુ માટે હોય, નિરર્થક બની રહે છે.
એક સમસ્યા સાચા-ખોટાની છે. ઓનલાઇન વિશ્વમાં ફૅક ન્યુઝનો પણ દબદબો છે અને ફૅક ઇતિહાસનો, વિજ્ઞાનનો, ભૂગોળનો અને ભાષાનો પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવ્યા પછી તો સ્થિતિ ઔર સંગીન થઈ છે. એમાં ઉમેરી દો અલગ અલગ દેશના અધિકૃત અને બિનઅધિકૃત લોકોથી ગણતરીપૂર્વક અને સ્વાર્થી અભિગમ સાથે થતો જૂઠાણાંનો વ્યવસ્થિત પ્રચાર. આ બધાંથી પણ બચવું પણ અત્યંત અઘરું છે. છતાં, સમય એવો છે કે એમાંથી માર્ગ કાઢ્યે છૂટકો છે.
પસાર થતા સમય સાથે આપણું વિશ્વ વધુ ને વધુ ઓનલાઇન વિશ્વનું શરણું લઈ રહ્યું છે ત્યારે આપણી સજાગતા આપણને એનો લાભ લેતા શીખવી શકે છે. જોકે અત્યારે કદાચ આ વાત ઘણાના ગળે નહીં ઊતરે. એનું કારણ કે ઓનલાઇન જ્વાળામુખીના ફાટ્યાનો આ તો હજી પહેલો દોર છે. એની ભયંકરતા કે એની ભવ્યતા સાથે હજી આપણે થાળે પડી રહ્યા છીએ. આપણે એના શોર્ટ ટર્મ લાભાલાભ કદાચ સમજવા માંડ્યા છીએ પણ લોન્ગ ટર્મ અસરો સમજવાની બાકી છે. દાખલા તરીકે, આપણી ગુપ્ત અથવા સંવેદનશીલ માહિતીઓ ઓનલાઇન ફીડ કરવાથી ક્યારેક મોટી આફતને જન્મ આપી બેસાય છે એ વિશે હવે પહેલાં કરતાં વધુ સજાગતા છે. આપણે ફાઇવ-જી સુધી પહોંચ્યા છીએ ત્યારે આ હાલ છે. સિક્સ-જી, સેવન-જી કે એઇટ-જી વખતે શું થશે એના બસ અડસટ્ટા મારી શકાય છે. આજે અનેક સેવાઓ અને બાબતો હજી જૂની પદ્ધિતિએ ચાલે છે. હજી એ બાબતો ડિજિટલ થવાની બાકી છે. એ સમય પણ દૂર નથી જ્યારે એવું ભાગ્યે જ કશું બચશે જે ઓનલાઇન નહીં હોય. એ સમય આપણી ધારણા કરતાં વહેલા આવવાનો જ છે. એની સાથે સુસંગત થવા માટે આપણે જ સુસજ્જ થવું રહ્યું. બીજો કોઈ રસ્તો નથી.
ટૂંકમાં, ઓનલાઇન દુનિયાને જીવનોદ્ધાર માટે અલગ રીતે વાપરતા શીખીએ. એવું ના ધારી લઈએ કે ફિલ્મો જોવા અને ગીતો સાંભળવા અને કોઈક પોસ્ટ રમતી મૂકીને લાઇક્સ ભેગા કરવા માટે જ આ માધ્યમ બન્યું છે. કે ઇમેઇલ, વ્હોટ્સએપ જેવી સગવડોથી અમુકતમુક કામો કરવા સુધી જ ઓનલાઇન વિશ્વની પહોંચ છે. બસ, ઊંડો વિચાર કરતા આવડી જાય, આ માધ્યમની અપાર તાકાતનો આવિષ્કાર કરી શકાય તો જાદુ થઈ જાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે એ તાકાતનું ટ્રેલર તો દેખાડવા જ માંડ્યું છે. એની પૂરી ફિલ્મ બનશે ત્યારે આભા થવાનું નથી એ વિચાર સાથે કરો આ માધ્યમનો સદુપયોગ.
નવું શું છે ?
- કે. કે. મેનન અભિનિત એક્શનથી ભરપૂર ‘સ્પેશિયલ ઓપ્સ’ની બીજી સીઝન આજથી જિયો હોટસ્ટાર પર આવી છે. સીઝનમાં સાત એપિસોડ્સ છે.
- રોમાન્ટિક ડ્રામા ફિલ્મ ‘આપ જૈસા કોઈ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં આર. માધવન, ફાતિમા સના શેખ, મનીષ ચૌધરી, આયેશા રઝા મિશ્રા, નમિત દાસ, કરણ વાહી વગેરે છે.
- અભિનેતા ટોવિનો થોમસની મલયાલમ ફિલ્મ ‘નારીવેટ્ટા’ સોની લિવ પર સ્ટ્રીમ થવા માંડી છે. મલયાલમ ઉપરાંત ફિલ્મ હિન્દીમાં ઉપલબ્ધ છે.
- 13 નવેમ્બર 2022ના અમેરિકાના ઇડાહોમાં આવેલી યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓના થયેલી નિર્મમ હત્યા પર બનેલી ડોક્યુમેન્ટરી સીરીઝ ‘વન નાઇટ ઇડાહો: ધ કોલેજ મર્ડર્સ’ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થવા માંડી છે.
- ડિરેકટર ઓંગ-આર્ટ સિંગલુમ્પોંગની થાઈ ઝોમ્બી હોરર એક્શન ફિલ્મ ‘ઝિયમ’ પણ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/11-07-2025/6
Leave a Comment