દરેક વાતની એક હદ હોય. પંજાબનાં ચીથરાં એક જ સ્ટાઇલમાં ઉતારવાની પણ હદ હોય. ‘પ્યાર કા પંચનામા’, ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ જેવી ફિલ્મોના સર્જક લવ રંજન કદાચ આ સમજતા નથી. અથવા એમના મગજમાં ભરાયેલો પંજાબ, એની ટિપિકલ નબળાઈઓ અને લગ્નનો માહોલ વગેરે નીકળવાનું નામ નથી લેતા. પછી એમની ફિલ્મ દિગ્દર્શક તરીકે હોય કે આ વખતે, ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’માં, લેખક-સહનિર્માતા તરીકે. સીમરપ્રીત સિંઘ દિગ્દર્શિત આ ફિલ્મ નેટફ્લિક્સ પર છે. દસ-પંદર મિનિટ એને માણવાનો પ્રયત્ન કરતા હાંફી જવાની ગેરન્ટી છે. એ ટાળવું હોય તો આ રિવ્યુ વાંચીને હાથ ધોઈ નાખો ફિલ્મથી.
થોડી ‘ફુકરે’, થોડી ‘દિલ ચાહતા હૈ’ અને થોડી અન્ય ફિલ્મો ઉમેરતાં બને એવી છે એની વાર્તા. ચાર મિત્રો છે. રાજેશ ખન્ના ’ખન્ને’ (વરુણ શર્મા), માન અરોરા ’અરોડે’ (સની સિંઘ), હની (મનજોત સિંઘ) અને ગૌરવ જૈન ‘જૈનુ’ (જેસી ગિલ). રાજેશની ગર્લફ્રેન્ડ વૈશાલી (આશીમા વરદાન) એને તરછોડીને બેઉના બોસની પત્ની થવાને છે. લગ્ન છે પઠાણકોટમાં અને કથાપ્રારંભ થાય છે પટિયાલામાં. ભગ્નહૃદયી રાજેશને મિત્રો ચાનક ચડાવે છે પેલીના મોઢા પર, પેલીના લગ્નમંડપમાં જ, હડહડતું અપમાન કરવાની. ચારેય ઉપડે છે પઠાણકોટ. પછી એકસો દસ મિનિટ ગોસમોટાળા, ચક્કર પર ચક્કર, લગ્ન, ગોળીબારીની ધણધણાટી, દારૂની ઢીંચાઢીંચ, ગાળાગાળી… ચાલ્યા કરે છે ક્લાઇમેક્સ લગી. એમાં ઉમેરાય છે બે બીજી નટીઓ, રાધા (પત્રલેખા) અને મીરાં (ઇશિતા રાજ), એક પોલીસ અધિકારી અવતાર સિંઘ (રાજેશ શર્મા) વગેરે.
ઉપર જે બે-ત્રણ ફિલ્મોનાં નામ લખ્યાં છે એ માત્ર સાંકેતિક છે. ‘વાવાપં’ એની છેક નબળી વાર્તાને નિખારવા બીજી ઘણી ફિલ્મો, ફિલ્મોનાં પાત્રો વગેરેનો મોળો આધાર લીધે રાખે છે. એક તરફ એ લગ્ન વિશેની ફિલ્મ છે તો બીજી તરફ રોડ ટ્રિપની, ત્રીજી તરફ એ ક્રાઇમથી લથબથ છે તો ચોથી તરફ કંગાળ ગીતોની ગ્રસ્ત છે. ખરેખર તો એ એક ફિલ્મમાં અનેક વાર્તાને આવરી લેવાનો બોદો પ્રયત્ન છે, જે જોનારને કન્ફ્યુઝ કરી નાખે છે. થાય, “આને લખતી, બનાવતી કે એમાં અભિનય કરતી વખતે કલાકાર-કસબીઓ પોતપોતાની જવાબદારીને સમજવા કઈ રીતે મથ્યા હશે?”
એક રીતે સારું છે કે આવી ફિલ્મો સીધી ઓટીટી પર આવે છે. અન્યથા, હોંશીલા દર્શકો એને જોવા છેક થિયેટર સુધી તણાત. પછી એમની અપેક્ષાઓ પાતાળે પહોંચી જાત તો એ કેટલું ખરાબ થાય? બીજું, ઓટીટીમાં હાથમાં રિમોટ હોય. મન થાય ત્યારે કચરાપટ્ટી કટ કરી શકાય, ગીતો ભગાડી શકાય, અધવચ્ચે ફિલ્મને આવજો કહી શકાય. થિયેટરમાં એ પોસિબલ નથી, રાઇટ? મિત્રોને પઠાનકોટમાં નિર્ધારિત ખન્નેની વૈશાલીના લગ્નમાં પહોંચાડતા પહેલાં મેકર આપણા મગજની નસો ખેંચાઈ જાય એટલાં વમળ ઊભાં કરે છે. એ પણ સાવ નક્કામા. સો સૅડ. સો બૅડ.
બેશક, કલાકારોએ પડ્યું પાન નિભાવવા, પોતપોતાના પાત્રને માણવા જેવું બનાવવા મહેનત કરી છે. વરુણ શર્મા એકદમ ટાઇપકાસ્ટ છે. જેસી ગિલ અને મનજોત સિંઘ ઠીકઠાક છે. કન્યાઓના ભાગ નોંધપાત્ર આવ્યું નથી. રાજેશ શર્મા વેડફાયો છે. સંગીત ગજબનું નબળું છે. હજી જોવી છે આ ફિલ્મ, બોલો?
હવે, જો તમને સોનાક્ષી સિંહા, રિતેશ દેશમુખ ગમતાં હોય, ‘સ્ત્રી઼’ ફિલ્મથી હોરર કોમેડીના જે દોરે ધ્યાન ખેંચ્યું છે એ ટાઇપની ફિલ્મમાં રસ હોય તો ‘કાકુડા’એ કદાચ તમારું ધ્યાન ખેંચ્યું હશે. ના ખેંચ્યું હોય તોય વાંધો નહીં, તમે નુકસાનમાં નથી. ઝીફાઇવની આ ફિલ્મ ખાસ કશું ઉકાળતી નથી. યોગાનુયોગે, આ વરસે જ આવેલી આ તરેહની જ લૉ પ્રોફાઇલ ફિલ્મ ‘મુંજ્યા’ અને ‘કાકુડા’ના ડિરેક્ટર આદિત્ય સરપોતદાર છે. અંડરડોગ ‘મુંજ્યા’એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. ‘કાકુડા’ ઓટીટી પર કરે છે બોર કરવાનો બિઝનેસ.
વાર્તામાં નાવીન્ય નથી. રાઠોડી નામના ગામે એક વામનકદ ભૂત કાકુડાનો હાહાકાર પ્રવર્તે છે. દરેક ઘરમાં એના પ્રવેશવા માટે એક ખાસ દરવાજો છે. દર મંગળવારે સાંજે સવાસાત વાગ્યે ખુલ્લો હોવો જ જોઈએ. નહીંતર? કાકુડો આવે, ઘરના પુરુષને કચકચાવીને પીઠે મારે લાત, પુરુષને નીકળે ખૂંધ અને 13 દિવસમાં થાય એનો ખેલ ખતમ. રાઠોડીમાં વસતો સની (સાકિબ સલીમ) પાસેના ગામની ઇન્દિરા (સોનાક્ષી સિંહા)ના પ્રેમમાં છે. એમનાં લગ્ન માટે ઇંદુના પપ્પા રાજી નથી. તો છોરો-છોરી ભાગીને લગ્ન માંડે છે. એ યોજાય છે મંગળવારે અને એમાં સની ચૂકી જાય છે કાકુડા માટે ઘરનો દરવાજો ખોલવાનું. તો, એને પડે છે લાત, મળે છે ખૂંધ અને ઇંદુ લાવે છે ઘોસ્ટ હન્ટર વિક્ટર (રિતેશ દેશમુખ)ને. એનું કામ છે સનીનું રામ બોલો થાય એ પહેલાં કાકુડાને જેર કરવાનું.
હોરર કોમેડી બનાવવા આવી કથા જ હોય, એવું ધારશો તો તમે બિલકુલ સાચા. પણ આવી ફિલ્મો કથાથી નહીં, પટકથા અને સંવાદથી સોજ્જી, પકડવાળી, એન્ટરટેઇનર બને છે. એ ત્રણેય મોરચે ફિલ્મ દિશાવિહોણી છે. કોમેડી હોય કે ભય, બેઉ માટે જે સિચ્યુએશન્સ ઊભી કરવામાં આવી છે એ પીટાયેલી છે. એમાંય, વિક્ટરનું આવવું, એને ઘોસ્ટ હન્ટર તરીકે એસ્ટાબ્લિશ કરવું (આવી ફિલ્મમાં આ સૌથી દમદાર ટર્નિંગ પોઇન્ટમાં આવતી જગ્યાઓ આ હોય હોં), પછી ઇંદુની હમશકલ બહેન ગોમતી (સોનાક્ષી જ)નો ટ્રેક આવવો અને કાકુડાના ભૂત થવા પાછળની વાત માંડવી… આ બધું નથી હોરર, નથી કોમેડી કે નથી સરપ્રદ. વિક્ટર પહેલીવાર ભૂત સાધે સંવાદ સાધે ત્યારે ઝણઝણાટી નહીં, વરવી રમૂજ થાય છે.
‘કાકુડા’ જોવી પણ સહેલી નથી. અક્ષય કુમારની ‘લક્ષ્મી’ જેવા એના હાલ છે. આવી ફિલ્મો આખેઆખી જોઈ નાખવા ભયંકર સહનશક્તિ જોઈએ. ફિલ્મનું માળખું જ હાલકડોલક હોવાથી કલાકારોનો અભિનય, ટેક્નિકલ બાબતો પણ એના પગલેપગલે ચાલે છે. બે રોલ છતાં સોનાક્ષી બે મિનિટ પણ સ્પાર્ક સર્જી શકી નથી. રિતેશે આ કેરેક્ટર, “ઠીક હૈ, કર લેતે હૈ યાર…” કરીને જ સ્વીકાર્યું હશે. સાકિબ, મિત્ર કિલવિશ તરીકે આસિફ ખાન વગેરે પણ એવરેજ. સંગીત મોટું મીંડું છે અહીં. એટલે આ જોનરની ફિલ્મમાં સંગીત ઘણીવાર તારક બને છે એ ચાન્સ પણ ગયો. ‘કાકુડા’ જોવામાં માલ નથી. આટલામાં ઘણું સમજશોને?
નવું શું છે?
- પૃથ્વીરાજ સુકુમારનની ચર્ચિત ફિલ્મ ‘ધ ગૉટ લાઇફ’ છેવટે આવી રહી છે ઓટીટી પર. 19 જુલાઈથી એ માણી શકાશે નેટફ્લિક્સ પર. આ ફિલ્મ બનતાં લાગ્યાં હતાં 16 વરસ! એ બની છે અત્યંત સફળ મલયાલમ નવલકથા ‘આડુજીવિતમ’ પરથી.
- ‘ત્રિભુવન મિશ્રા સીએ ટૉપર’ સિરીઝ પણ નેટફ્લિક્સ પર આવી છે. ફિલ્મ એટલે ચર્ચામાં છે કે આઈસીએઆઈ એટલે ઇન્ડ્યિન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ એની રિલીઝ સામે દિલ્હી હાઈ કોર્ટને અરજ કરી હતી. કારણ? ફિલ્મમાં એક સીએને જિગોલો બનતો બતાવાયો છે. મુખ્ય કલાકારો છે માનવ કૌલ અને તિલોતમા શોમ.
- એક દેશની પ્રજા વિદેશી માલ પર અતિ અવલંબન રાખે તો શું થાય? જાપાનમાં યુવાનોને ઓટીટીનું સખત વળગણ છે. એ દેશમાં સ્વદેશી ઓટીટી પ્લેટફોર્મ્સ કરતાં વિદેશી વધુ પોપ્યુલર છે. એટલે અપરંપાર યેન ખર્ચાય છે સબસ્ક્રિપ્શન પાછળ. આર્થિક ભીંસ અનુભવતા જાપાન માટે એ બન્યો છે માથાનો દુઃખાવો.
- 15 જુલાઈથી જિયો સિનેમા પ્રીમિયમ પર ‘કુન્ગ ફુ પાન્ડા’ની સીઝન ચાર આવી છે. એ પણ હિન્દી-ઇંગ્લિશ સહિત સાત ભાષામાં.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 19 જુલાઈ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/19-07-2024/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment