સમાજની શાંતિ ભંગ કરતી, રાજકીય કે સામાજિક વાતાવરણથી વિપરીત ચાલતી ફિલ્મો, સિરીઝ, ડોક્યુમેન્ટરીઝ પર પ્રતિબંધ અન્ય દેશોમાં પણ મુકાતો રહ્યો છે. આવા પ્રતિબંધ સમય સાથે, સંબંધિત મુદ્દો મોળો પડ્યે હટી પણ જાય છે. ઇન્ટરનેટના યુગમાં પ્રતિબંધ છતાં દર્શકોને મનગમતું જોવાની તક પણ ઝાઝું કરીને મળી જાય છે
એક ફિલ્મ સિનેમાઘરમાં આવી. લોકોએ જોઈ. વિવેચકોએ એને નબળી લેખાવી. નયનતારા જેવી સ્ટારની હાજરી છતાં ફિલ્મની ખાસ નોંધ લેવાઈ નહીં. પછી ફિલ્મ આવી ઓટીટી પર અને તરત વાંધો ઊઠ્યો, “ફિલ્મ લવ જિહાદને પોષે છે, બ્રાહ્મણ સમાજનું અપમાન કરે છે, ભગવાન શ્રીરામને માંસ આરોગતા એવું અયોગ્ય નિરૂપણ કરે છે.” વાત વણસી. છેવટે સર્જકોએ ઓટીટી પરથી ફિલ્મ હટાવી લેવાનો નિર્ણય લીધો. આ ફિલ્મ એટલે ‘અન્નપૂર્ણી,’ જેનું મેકિંગ વખતે નામ હતું નયનતારા 75, કારણ એ નયનતારાની પંચોતેરમી ફિલ્મ છે.
ફિલ્મો અને વિવાદોને હુ બને છે. માત્ર આપણે ત્યાં નહીં, આખી દુનિયામાં. મેકર્સ સર્જનાત્મક સ્વાતંત્ર્યને નામે ઘણીવાર એવું બનાવી બેસે છે જે અમુક લોકોને પચે નહીં. બેઉ પક્ષ પોતપોતાની જગ્યાએ સાચા. એકનો અધિકાર કલ્પનાશક્તિ મુજબ મનોરંજન પીરસવાનો છે. બીજાનો એ સર્જનો સામે વાંધો ઉઠાવવાનો જે એમને સામાજિક દ્રષ્ટિએ અભદ્ર, ભદ્દું, અયોગ્ય અને ખોટાં લાગે. એક સમયે મનોરંજન સિનેમાઘરો પૂરતું મર્યાદિત હતું. પછી વિડિયો, ટેલિવિઝન આવ્યાં. હવે ઓટીટી છે. ઓટીટીને લીધે અનેક સર્જનો દર્શકોના હાથના રિમોટ નામના રકમડાથી સદૈવ ઉપલબ્ધ થઈ ગયાં. ઘણીવાર એ ઓટીટી પર સુસ્ત પડ્યાં રહે છે. કોઈનું ધ્યાન જ જતું નથી. અને હા, આજે વિવાદાસ્પદ લાગતાં સર્જનો આવતીકાલે સાવ સામાન્ય પણ લાગે. કારણ બદલાતી સામાજિક સ્થિતિઓ, ક્રિએટિવ ફ્રીડમનો વિસ્તરતો વ્યાપ અને કોઈક વિવાદાસ્પદ મુદ્દામાંથી લોકોનો સમય સાથે ઓછો થઈ જતો રસ.
‘અન્નપૂર્ણી’ સામે વાંધા થવાથી એ ચર્ચામાં છે. ઓટીટી પરથી એ છૂ થઈ છતાં, જેમને જોવી છે એ જોઈ જ શકે છે. ઇન્ટરનેટ પર ઘણા વિકલ્પો છે. એની વાત ફરી ક્યારેક. હમણાં વાત થોડાં વિવાદાસ્પદ સર્જનોની.
એન્ગ્રી ઇન્ડિયન ગૉડેસઃ ફિલ્મ બનાવી હતી ગુજરાતી સર્જક પૅન નલીને. 2015માં એ રિલીઝ થઈ હતી. એની ઓપનિંગ (એટલે ટાઇટલ) સિક્વન્સ નોખી અને વખાણવાલાયક હતી. સેન્સરે ટાઇટલને ઝાંખી કરીને પડદે દેખાડવા જણાવ્યું હતું. બીજા સોળેક ક્ટસ પણ જણાવવામાં આવ્યા હતા. એમાં કાલીની તસવીરનો ઉપયોગ, આદિવાસી, સરકાર, ઇન્ડિયન ફીગર જેવા શબ્દો વગેરે મુખ્ય હતા. આ ફિલ્મ ઓટીટી પર છે. હવે વિવાદ શમી ગયો છે.
એલેમેન્ટ્સ ટ્રાયોલોજીઃ વખણાયેલાં દિગ્દર્શિકા દીપા મહેતાએ પંચતત્ત્વોમાંનાં ત્રણ, ફાયર, અર્થ અને વોટર પર 1996-2005 વચ્ચે આ નામે જ ત્રણ ફિલ્મો બનાવી હતી. એમાંથી ‘ફાયર’ સામે વિરોધ ઊઠ્યો હતો એમાં દર્શાવાયેલા, ખાસ તો સ્ત્રીઓ વચ્ચેના સમલૈંગિક સંબંધો માટે. નંદિતા દાસ અને શબાના આઝમી જેવી અનુભવી અભિનેત્રીઓ એમાં હતી. સમલૈંગિક સંબંધોનું હવે પડદે નિરૂપણ સામાન્ય વાત છે. ‘વોટર’ ફિલ્મ સામે વાંધો ઊઠ્યો એમાં વારાણસી અને હિંદુ વિધવા સાથે સમાજમાં થતા વ્યવહારને દર્શાવવાને કારણે. બેઉ ફિલ્મો ઓનલાઇન જોઈ શકાય છે.
કિસ્સા કુર્સી કાઃ છેક 1977-78ની આ ફિલ્મ કોઈને ખાસ યાદ નથી. એના પર સખત પાબંદી ઠોકાઈ હતી. સંજય ગાંધીના ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ઉત્પાદનની યોજનાઓની એમાં ઠેડકી ઉડાડવામાં આવી હતી. સાથે, કોંગ્રેસના સ્વામી ધીરેન્દ્ર બ્રહ્મચારી, આર, કે ધવન, રૂખસાના સુલતાના વગેરેનું વાંધાજનક પાત્રાલેખન પણ હતું. દિગ્દર્શક અમૃત નાહટાની ફિલ્મ દેશના કટોકટીકાળમાં આવતાવેંત પ્રતિબંધિત થઈ હતી. શબાના આઝમી. રાજ કિરણ, ઉત્પલ દત્ત, રેહાના સુલતાન વગેરે કલાકારોવાળી આ ફિલ્મ ઓનલાઇન જોઈ શકાય છે.
લવઃ ફિલ્મના નામનો સ્પેલિંગ એલ-ઓ-ઈ-વી હતો. વાત હતી સમલૈંગિકતાની. દિગ્દર્શક હતા સુધાંશુ સરિયા. રિલીઝ થઈ હતી 2020માં. કલાકારો હતા ધ્રુવ ગણેશ અને શિવ પંડિત. મુંબઈ અને ન્યુ યોર્કમાં વસતા બે મિત્રો વીકએન્ડમાં મહાબળેશ્વર ફરવા જાય પછી શું થાય એની આસપાસ વાર્તા ફરતી હતી. બે પુરુષો ઉપરાંત એમાં બે સ્ત્રીઓને પણ સંભોગ કરતી દર્શાવવામાં આવી એ હતો વિવાદનો મુદ્દો.
અનફ્રીડમઃ 2014ની ફિલ્મ ભારતમાં પ્રતિબંધિત રહી. એમાં કોમી વિસંવાદિતા, બળાત્કાર અને આતંકવાદનો એન્ગલ અને સમલૈંગિકતા જે રીતે દર્શાવાઈ હતી એ ફિલ્મને ભારતમાં નહીં દર્શાવવાનું પ્રમુખ કારણ હતું. રાજ અમૃત કુમાર દિગ્દર્શિત ફિલ્મ નોર્થ અમેરિકામાં 2015માં રિલીઝ થઈ હતી. વિક્ટર બેનર્જી, આદિલ હુસેન, ભાનુ ઉદય વગેરે કલાકારો હતા.
બ્લેક ફ્રાઇડેઃ 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બધડાકા વિશેની અનુરાગ કશ્યપની 2004ની ફિલ્મ લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં સૌપ્રથમ વખત દર્શાવવામાં આવી હતી. પછી અન્ય દેશોના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ લોકોએ જોઈ અને વખાણી હતી. ભારતમાં રિલીઝ થાય એ પહેલાં બોમ્બધડાકા કેસના એક આરોપીએ રિલીઝ સામે વાંધો ઉઠાવી અદાલતમાં અરજી કરી. ફિલ્મની રિલીઝ એ સાથે ઠેલાઈ ગઈ હતી. 2006માં એ રિલીઝ થઈ પણ વિવાદો કાયમ માટે જોડાઈ ગયા. ઘણા એને અનુરાગની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણતા રહ્યા, ઘણા ગણતા રહ્યા સમાજવિરોધી સર્જન.
પરઝાનિયાઃ શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે રાહુલ ધોળકિયાને અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સારિકાને રાષ્ટ્રીય એવોર્ડ અપાવનારી ફિલ્મની પશ્ચાદભૂ ગુજરાતનાં 2002નાં કોમી રમખાણોની હતી. એમાં નસીરુદ્દીન શાહ પણ હતા. રમખાણમાં લાપતા થઈ જનારા એક પારસી છોકરાની સત્ય ઘટના ફિલ્મની કથાનો હતો. દેશમાં એ રિલીઝ થઈ હતી પણ ગુજરાતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ થઈ થોડી વિવાદાસ્પદ ફિલ્મોની વાત. બીજી ઘણી ફિલ્મો છે જેમને વાંધાજનક કોન્ટેન્ટ હોવાથી લોકો સુધી પહોંચવામાં તકલીફ પડી. એમાં પ્રાદેશિક, હોલિવુડની ફિલ્મો પણ સામેલ છે. શેખર કપૂરની અતિચર્ચિત ‘બેન્ડિટ ક્વીન’, ‘ધ દા વિન્ચી કૉડ’, ‘50 શેડ્સ ડાર્કર’, ‘ગાંડુ’ જેવી અનેક ફિલ્મો સામેલ છે. ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો ક્રમ હમણાંનો નથી. છેક 1955માં ‘સમરટાઇમ’ નામની ફિલ્મ ભારતમાં એટપ્રતિબંધિત થઈ કારણ એમાં અમેરિકન સ્ત્રીને ઇટાલિયન hરિણીત પુરુષના પ્રેમમાં પડતી બતાવાઈ હતી. 1963ની ફિલ્મ ‘ગોકુલ શંકર’ એટલે પ્રતિબંધિત રહી કેમ કે એમાં નથુરામ ગોડસેના મનોવિચારને સર્જકે પોતાની રીતે રજૂ કર્યા હતા. 1971ની ફિલ્મ ‘સિક્કિમ’ એટલે 2010 સુધી પ્રતિબંધિત રહી કેમ કે એમાં રાજ્યને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. 1996ની ‘કામસૂત્રઃ અ ટૅલ ઓફ લવ’ એનાં કામુક દ્રશ્યો માટે અટવાઈ પછી બે મિનિટના એક કટ સાથે દેશમાં દર્શાવવા દેવામાં આવી હતી. છેલ્લાં દસ વરસમાં 19 જેટલી ફિલ્મોએ આપણે ત્યાં પ્રતિબંધ જોયો છે. કોઈ ગુજરાતી ફિલ્મે જોકે પ્રતિબંધનો સામનો કર્યો નથી. ડોક્યુમેન્ટરીઝ પણ વિરોધ અને પ્રતિબંધનો સામનો કરે છે. છેલ્લામાં છેલ્લે એવો સામનો ગયા વરસે બીબીસીની ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની ડોક્યુમેન્ટરીએ કર્યો એ લગભગ સૌની સ્મૃતિપટલ પર હજી નોંધાયેલી વાત હશે જ.
નવું શું છે?
- રોહિત શેટ્ટીની ચર્ચિત સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય, શિલ્પા શેટ્ટી વગેરે છે. આજથી એ પ્રાઇમ વિડિયો પર આવી છે. પોલીસખાતાનો અલગ ચહેરો એમાં જોવા મળવાની આશા છે.
- ‘સાલાર’ના પહેલા ભાગ સીઝફાયરનું ઓટીટી પર આગમન ઓટીટી પર થઈ ગયું છે. મુશ્કેલી એ કે હાલપૂરતી એ જોઈ શકાશે દક્ષિણ ભારતીય ભાષાઓમાં. હિન્દીમાં ફિલ્મ આવવાને વાર છે.
- ‘એનિમલ’ને ઓટીટી પર જોવા આતુર લોકોએ કદાચ થોડી વધુ પ્રતીક્ષા કરવી પડી શકે છે. ફિલ્મને ઓટીટી પર મૂકવા સામે એના એક સહનિર્માતા અદાલતમાં ગયા છે. એમણે ટી-સિરીઝ વિરુદ્ધ કેસ કરીને જણાવ્યું છે કે એમને કરાર અનુસાર નફાની વિગતો કે રકમ મળી નથી.
- નેટફ્લિક્સ પર આ અઠવાડિયે કોરિયન ડ્રામા ‘ધ બિક્વિથ્ડ’, ‘સિક્સ્ટી મિનિટ્સ’, ‘લવ ઓન ધ સ્પેક્ટ્રમ’ વગેરે આવ્યાં છે. જિયો સિનેમા પર જોઈ શકાય છે ‘બ્લ્યુ લિટલ’, તો ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે એ ‘શૉપ ફોર કિલર્સ’.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.08 ડિસેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/19-01-2024/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment